પ્રબુદ્ધ ભારત – એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.
સર્વ વિકાસનું કેન્દ્ર : માનવ
સામાન્ય રીતે આપણે આપણા આર્થિક વિકાસની વાત કરીએ છીએ, શૈક્ષણિક વિકાસની વાત કરીએ છીએ, ગ્રામ, શહેરી અને એવા બીજા વિકાસની વાત કરીએ છીએ. આ બધા પ્રકારના વિકાસની ચર્ચા કરવા આપણે પરિષદો યોજીએ છીએ, સરકાર તે માટે વિસ્તૃત યોજનાઓ બનાવે છે અને આવા વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ માનવના વિકાસ કે વ્યક્તિત્વના વિકાસ માટે, કે જે બહુ મહત્ત્વનો છે એ વિશે ભાગ્યે જ કોઈ પરિષદ યોજાય છે કે કોઈ ચર્ચા થાય છે. વિકાસનાં બાકીનાં તમામ કામો આખરે તો માનવ માટે જ છે, પરંતુ આ માનવના પોતાના વિકાસ વિશે બહુ ઓછું વિચારાય છે. તમામ વિકાસના કેન્દ્રો એવા માનવને અવગણી અન્ય બાબતો પર કેન્દ્રિત થવાથી અન્ય તમામ પ્રયત્નો સાચું પરિણામ લાવી શકતા નથી. એ તો કોઈ બિમાર માણસ માટે બહુ સુંદર મકાન બાંધવા જેવું છે. પણ સૌ પહેલાં તો તેની બિમારીનો ઈલાજ જરૂરી છે. મકાન તૈયાર થાય ત્યાં સુધીમાં તો રોગી ગુજરી જાય, અને પછી તો એ મકાનમાં માત્ર તેની કબર જ હશે. એ રીતે પ્રથમ માનવના નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન આપ્યા વિના અન્ય પ્રકારના વિકાસ શૂન્યમાં પરિણમે.
પ્રત્યેક માનવ વિશિષ્ટ છે
કેટલીકવાર આપણે કહીએ છીએ કે આ વ્યક્તિમાં એક અદ્ભુત, મોહિત કરે તેવું અને અસાધારણ વ્યક્તિત્વ છે. પરંતુ આ બધા શબ્દો નો વ્યક્તિના બાહ્ય અસ્તિત્વને અભિવ્યક્ત કરે છે, અને નહિ કે તેનાં સાંચા વ્યક્તિત્વને. કેટલીકવાર આપણે કહીએ છીએ કે વ્યક્તિમાં રાજકીય કે વ્યાપારિક પ્રતિભા છે. પરંતુ તેનાં વ્યક્તિત્વને તે લાગુ ન પણ પડતું હોય; કેમકે તેની બોલવાની વિશિષ્ટ રીત, વિચારવાની રીત તથા વર્તણૂક – એ બધું તો તેના વ્યવસાયમાંથી આવ્યું હોય છે, અને તેથી હંમેશાં તે તેની સાચી જાતને અભિવ્યક્ત કરતું નથી.
આ બધાં તો તેનાં બાહ્ય મ્હોરાં છે. તેના વ્યક્તિત્વનાં અંતર્ગત ભાગ નથી. આપણા પ્રત્યેકમાં એક આંતરિક વ્યક્તિત્વ હોય છે, તે દરેકમાં અલગ અને વિશિષ્ટ હોય છે. આ વિશિષ્ટતા શાની બનેલી હોય છે તે સમજવું બહુ મુશ્કેલ છે, કેમકે આપણાં આંતરિક વ્યક્તિત્વને વિકસાવતાં પાસાંઓ અસંખ્ય હોય છે. આપણા પોતાના વ્યક્તિત્વને અને તેની વિશિષ્ટતાને જાળવવા એ જ મહત્ત્વનું છે. વિવિધ પ્રકારની બાહ્ય અસરો આપણા પર પડતી હોય છે, અને તદનુસાર આપણે બદલતા રહેતા હોઈએ છીએ. પરિણામે આપણું વ્યક્તિત્વ તદ્ન સ્થિર રહેતું નથી. જે જનસમૂહ વચ્ચે આપણે રહેતા હોઈએ તેમાં પ્રવેશતી કોઈ પણ ધૂન આપણને આમથી તેમ ફંગોળતી હોય છે. તેના વિશે સભાન થયા વિના જ તેના મોજામાં આપણે તણાઈ જઈએ છીએ. જ્યારે આપણાં અંતરમાં સ્થિરતા નહી હોતી ત્યારે આમ બને છે.
જે માબાપ પોતાના જ વિચારો અને પોતાની જ જીવન પધ્ધતિને તેમનાં બાળકો પર ઠોકી બેસાડે છે અને બાળકને તેની વિશિષ્ટ કુદરતી પ્રકૃતિ પ્રમાણે વિકસવા દેતાં નથી તેઓ ઘણી મોટી ભૂલ કરે છે. જે પિતા પોતાનાં અલગ વ્યક્તિત્વનો ખ્યાલ રાખતો હોય છે તે તેના બાળકના વ્યક્તિત્વનો પણ આદર કરે છે. અને તેના પોતાના વિકાસના એક આંતરિક રસ્તા તરફ તેને વિકસવા દે છે. વ્યક્તિત્વની ભાવના એટલે સ્વાર્થીપણું નહિ. સ્વાર્થીપણું એ સ્વામીત્વની ભાવનામાંથી જન્મે છે. દુનિયાની વસ્તુઓ, વ્યક્તિઓ, સત્તા, સ્થાન વગેરે સાથે માણસ પોતાને ખોટી રીતે એકરૂપ માને તેમાંથી તે પેદા થાય છે. તેથી સાચું વ્યક્તિત્વ એ તો સ્વાર્થીપણાથી તદ્દન ઊલટી વસ્તુ છે.
માનવમાં એક બીજી પણ નુકસાનકારક વૃત્તિ હોય છે તે છે બીજાનાં વિચારો, સંસ્કૃતિ, વર્તણૂક તથા તેની જીવવાની પદ્ઘતિનું અંધ અનુકરણ. આ માનસિક ગુલામી છે. અંધ અનુકરણથી આપણામાં એક કૃત્રિમ વ્યક્તિત્વ પેદા થાય છે, તેને આપણે આનંદપૂર્વક આધુનિકતાનું ચિહ્ન માની બેસીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘‘વાંદરનકલ એ સંસ્કૃતિ નથી… નકલ કરવી, બાયલાની જેમ વાંદર નકલ કરવી, એથી પ્રગતિ કદી થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલા ભયાનક અધ:પાતની નિશાની છે.’’ ૧ પરંતુ એનો અર્થ એ નથી કે આપણે બીજાઓ પાસેથી કાંઈ જ શીખવું નહિ. બીજા પાસેથી શીખવું અને અનુકરણ કરવું એ બે વચ્ચે વિશાળ તફાવત છે. આગળ સ્વામીજી લખે છે: ‘‘બીજાઓની પાસેથી અવશ્ય આપણે ઘણી બાબતો શીખવાની છે; અરે, જે નવું શીખવાની ના પાડે તે મૂએ તે જ છે! જે કાંઈ સારું હોય તે બધું ભલે શીખો; પરંતુ તેને તમારી પોતાની અંદર સમાવીને તમારી પોતાની રીતે પચાવીને એકરૂપ કરી લો; તમે અન્ય થઈ જાઓ નહિ.’’ ૨ નવું શીખવાની આ પ્રક્રિયાને આપણે આપણી અંદર થતા વિવિધ ખોરાકના પાચન સાથે સરખાવી શકીએ. આપણે ખોરાકને જે સ્વરૂપે લઈએ છીએ તે જ સ્વરૂપે તે પચતો નથી. ઘણા પાચક-રસોની મદદથી, શરીરમાં તે આત્મસાત્ થાય તે પહેલાં તેનું પૂરેપૂરું રૂપાંતર થઈ જાય છે. તે જ રીતે, આપણે અન્ય પાસેથી જે જે શીખીએ, આપણા પોતાના સ્વતંત્ર વિચારની શક્તિથી, આત્મસાત્ થઈ, આપણા વ્યક્તિત્વનો એક ભાગ બની જવો જોઈએ. તેમ ન થાય તો, જેમ પચ્યા વિનાનો ખોરાક શરીરને નુકશાન કરે તેમ, આત્મસાત્ કર્યા વિનાના વિચારો આપણા વ્યક્તિત્વના વિકાસને નુકસાન કરે છે. તેથી બીજાઓનું અંધ અનુકરણ માણસના ચારિત્ર્ય ઘડતરમાં બાધક છે.
વ્યક્તિત્વને ઘડતી વિવિધ બાબતો
અગાઉ જણાવ્યા પ્રમાણે, વ્યક્તિત્વના સાચા વિકાસને સહાય કરતી અને તેના વિકાસને અવરોધતી ઘણી બાબતો છે. તેમને આ પ્રમાણેના ખંડોમાં વિભાજીત કરી શકીએ; સંસ્કારો અથવા ગતજન્મોની અસર, પર્યાવરણ, આપણાં કાર્યો, શિક્ષણ, અનુભવો અને જીવનમાં આપણે જે આદર્શ રાખ્યો હોય તે.
સંસ્કાર : આપણે અગાઉના જીવનમાંથી એકત્રિત કરેલા કેટલાક સંસ્કારો સાથે જ જન્મીએ છીએ. બાળપણથી પુખ્તવયના થતાં સુધી તેઓ આપણા વ્યક્તિત્વને ઘાટ આપતા હોય છે. આ સંસ્કારો એટલે આપણા પાછલા જન્મોનાં અનુભવોનો, કર્મોનો અને વિચારોનો અર્ક- તે બધાં આપણા અવચેતનમનમાં સંગ્રહિત કરેલાં હોય છે, અને તેઓ આપણા વર્તમાન જીવનનાં કાર્યો અને વિચારો પર અસર કરે છે. સ્વામી વિવેકાનંદ તેમને આ રીતે વર્ણવે છે. ‘‘આ ક્ષણે હું જે છું તે મારા પૂર્વ જીવનની સર્વ અસરોનો સરવાળો છે. જેને ચારિત્ર્ય કહીએ છીએ તેનો ખરો અર્થ આ છે; દરેક માણસનું ચારિત્ર્ય આ અસરોના સરવાળાથી નિશ્ચિત થાય છે.’’ ૩
પર્યાવરણ : માણસના વ્યક્તિત્વના ઘડતરમાં તેનું વાતાવરણ કે પર્યાવરણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. દુનિયાનો એક મહાન દાર્શનિક વિલ ડ્યુરાંટ તો એટલી હદ સુધી કહે છે કે ‘‘ માણસમાં જે વિચાર કરનાર છે તે તે પોતે નથી. પરંતુ, તે જેનો ભાગ છે તે સમાજ છે.’’ ૪ તેનો અર્થ એવો નથી કે આપણે સંસ્કારોના મહત્ત્વને કમ ગણીએ. માણસ સતત સારા વાતાવરણમાં રહે તો તેના સારા સંસ્કારો સુંદર થશે. અને ખરાબ સંસ્કારોનું બળ,ઘટતું જાય છે. ખરાબ વાતાવરણમાં ઉછરનારની બાબતમાં આથી સાવ ઊલટું જ બને છે. એ પણ છે કે વ્યક્તિના વાતાવરણ અંગેના પ્રત્યાઘાતોમાંથી જ નવા સંસ્કારો ઉત્પન્ન થશે.
કર્મ : ખોરાકની પેઠે કર્મ પણ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. હેન્રી ફ્રેડેરીક ઈમીયલ નામના લેખક કહે છે તેમ , ‘‘કર્મ જ જીવનમાં સૌરભ પ્રગટાવે છે. સંસ્કૃત ઉકિત કહે છે ‘क्रियाविहिनो न च याति धन्यताम्’ એટલે કે જે કામ કરતો નથી તેને સાચું સુખ પ્રાપ્ત થતું નથી. માત્ર કર્મ દ્વારા જ આપણે આપણી આંતરિક શક્યતાઓ, શક્તિઓ અને પ્રતિભાનો આવિષ્કાર કરી શકીએ છીએ, વ્યક્તિત્વના યોગ્ય વિકાસ માટે આમ કરવું અનિવાર્ય છે. આપણી આંતરિક શક્યતાઓને વિકસાવે તેવું કામ કે વ્યવસાય કરવાં જરૂરી છે. પરંતુ સંજોગોવશાત્ એવું કામ ન મળે તો પણ પ્રાપ્ત તકનો લાભ લઈ આપણે ધીરજપૂર્વક આપણી જાતને અભિવ્યક્ત કરવા પ્રયાસ કરવો જોઈએ.
શિક્ષણ : શિક્ષણની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ લખે છે, ‘‘કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.’’ ૫ તમામ પ્રકારનાં જ્ઞાન, પૂર્ણતા, પવિત્રતા, સજ્જનતા અને બળ એ બધું શક્યતા રૂપે માણસની અંદર પડેલું જ હોય છે, અને શિક્ષણનું કાર્ય તે બધાંને આવિષ્કૃત કરવાનું છે. મહાન મનોવૈજ્ઞાનિક ઈરીક ફ્રોમ કહે છે, ‘‘બાળકમાં સુષુપ્ત રહેલ શક્તિઓ વિશે તેને સભાન બનાવી તેમને મૂર્તિમંતરૂપ આપવું એ જ શિક્ષણનું કાર્ય છે.’’ ૬ શિક્ષણ એટલે માત્ર જ્ઞાન કે માહિતી એકત્રિત કરવાં એમ નથી (તે કેટલીકવાર આપણને અને અન્યને હાનિકારક પણ થાય છે); શિક્ષણ ડહાપણ દ્વારા દોરાતું હોવું જોઈએ. તે માણસની ઇચ્છાશક્તિને અપાતી તાલીમ છે, જે તાલીમનો ઉપયોગ પોતાનાં અને સમાજનાં ભલાં માટે કરે છે. આથી જ સ્વામીજી ‘ચારિત્ર્યનિર્માણ’ કરનાર અને ‘માણસ-બનાવનાર’ એવા શિક્ષણ પર વિશેષભાર મૂકે છે. શિક્ષણ વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઘડવા તરફ કેન્દ્રિત થવું જોઈએ, અને નહિ કે તેને ડોક્ટર, એન્જિનિયર, ક્લાર્ક કે કોઈ વ્યવસાયિક બનાવવા અને જેનો એક માત્ર ઉદ્દેશ સારા-નરસાં કોઈ પણ સાધન વાપરીને પૈસા કમાવવાનો અને ધનને એકઠું કરવાનો હોય.
અનુભવો : જીવનમાં આપણને સુખદાયક અને દુ:ખદાયક, એમ બંને પ્રકારના અનુભવો મળતા હોય છે. તે આપણા વ્યક્તિત્વના ઘડતરમાં મોટો ફાળો આપે છે. તેથી સ્વામી વિવેકાનંદે કહ્યું છે :
‘‘ચારિત્ર્યના ઘડતરમાં દુ:ખ અને સુખ, શુભ અને અશુભ, બંને સરખો ભાગ ભજવે છે. અને કેટલીક વાર તો સુખ કરતાં દુ:ખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે. જગતના સર્વોત્તમ ચારિત્ર્યશીલ માનવીઓનો અભ્યાસ કરવામાં આવે તો, હું ધારું છું કે, મોટા ભાગના દાખલાઓમાં સુખ કરતાં દુ:ખે વધારે શિક્ષણ આપ્યું હશે, ધન કરતાં નિર્ધનતાએ વધારે શિક્ષણ આપ્યું હશે, અને પ્રશંસા કરતાં પ્રહારોએ આંતરિક સત્ત્વને બહાર લાવવામાં વિશેષ સહાય કરી હશે.’’ ૭
પરંતુ આપણને થતા અનુભવોમાંથી શું પાઠ લેવો એ કળા આપણે શીખવાની છે, અને જેમ જેમ તે શીખતા જઈએ તેમ તેમ આપણે વધુ જ્ઞાની બનીએ છીએ. ત્રણ પ્રકારના લોકો હોય છે. એક જેઓ અન્યના અનુભવો પરથી પાઠ શીખે તે શ્રેષ્ઠ, બીજા, પોતે અનુભવ કરીને પાઠ શીખે તે મધ્યમ, અને ત્રીજા, જેઓ અનુભવો થવા છતાં કાંઈ ન શીખે તે અધમ કક્ષાના. આપણે કમ સે કમ મધ્યમ કક્ષાના તો બનીએ જ.
જીવનના આદર્શો
જીવનમાં આપણો આદર્શ શું છે? – એ બાબત આપણા વ્યક્તિત્વને ઘડવામાં બહુ મહત્ત્વની છે.‘સર્વત્ર ઈશ દર્શન’ નામના પોતાના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, કે ‘‘આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી છે કે આદર્શવિહોણો માનવી તો પચાસ હજાર ભૂલો કરતો હશે.’’ ૮ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘દુષ્ટમાં દુષ્ટ મનુષ્ય પણ મને અવિચલ ભક્તિથી ભજે, તો તેને પણ સજ્જન ગણવો, કેમકે તેનો નિર્ણય ઉચિત છે. ધીરે ધીરે તે સત્કર્મી બનશે અને શાશ્વત શાંતિ પામશે.’ ૯
કર્મ, શિક્ષણ અને અનુભવો – આ ત્રણને આપણું પર્યાવરણ કે વાતાવરણ કહી શકાય. તેઓ આપણા વર્તમાન જીવનની પેદાશ છે. સંસ્કારો ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે, અને જીવનમાં કોઈ આદર્શ હોવો એ ભાવિને સૂચવે છે. આમ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે સાથે મળીને માણસના વ્યક્તિત્વનું ઘડતર કરે છે.
વ્યક્તિત્વનાં વિવિધ ઘટકો
માણસનું વ્યક્તિત્વ શેનું શેનું બનેલું હોય છે? પહેલું એ કે પ્રત્યેક વ્યક્તિને સ્થૂળ આકાર હોય છે. શરીર, ઇન્દ્રિયો અને તેની પ્રાણિક શક્તિઓનો તે બનેલો હોય છે. પછી આવે છે તેનો મનોમય દેહ, તેમાં વિચાર, લાગણી, ઇચ્છાશક્તિ, કલ્પનાશક્તિ વગેરે શક્તિઓ આવેલી હોય છે. તે પછી આવે છે ‘અહમ્’ પ્રત્યગાત્મા અથવા ‘હું’ પણાની ચેતના. તેને ‘વ્યક્તિગત આત્મા’ પણ કહે છે. આ ‘આત્મા’ વ્યક્તિત્વના ઉપર વર્ણવ્યા તે બધા વિભાગોનું સંકલન કરનાર બિંદુ છે. આપણો જીવ કે પ્રત્યગાત્મા યોગ્ય રીતે કાર્ય ન કરે તો વ્યક્તિત્વમાં અસંતુલન ઊભું થાય છે, અને અંતે જતાં તે મનોવિકાર કે ગાંડપણમાં પરિણમે છે. આપણા ‘અહમ્’ કે પ્રત્યગાત્માનું કાર્ય એક પરમાણુમાં રહેલા કેન્દ્ર ભાગની સાથે સરખાવી શકાય. આ કેન્દ્રભાગ પરમાણુની શક્તિના બધા કણોને એકત્રિત રાખવાનું કાર્ય કરે છે. આ ‘અહમ્’ કે જીવ માનવની ચોક્કસ ઓળખ ઉપસાવવાનું અને સ્પષ્ટ વ્યક્તિત્વ આપવાનું કાર્ય કરે છે. આ પ્રત્યાગાત્મા વિકસે તેમ માણસની વ્યક્તિગત ઓળખ વિકસે છે. એક બાળકમાં સ્વતંત્ર વ્યક્તિત્વ હોતું નથી, કેમ કે બાળકમાં પ્રત્યગાત્મા વિકસેલો હોતો નથી. બાળક મોટું થાય તેમ વ્યક્તિગત સ્વરૂપ અને પોતે હોવાનો પણ ખ્યાલ વિકસે છે. તેથી આ ‘અહમ્’ કે પ્રત્યગાત્માનો વિકાસ એ પુખ્ત બનવાનું લક્ષણ છે. આપણે જેને ‘અહંકાર’ કહીએ છીએ (અને જે અનિચ્છનીય વસ્તુ છે.) તેનાથી વ્યક્તિત્વનો ‘અહમ્’ જુદી જ વસ્તુ છે.
તદ્દન ભૌતિક પદાર્થમાં ક્રમશ: ચેતનાનો વિકાસ થતાં એક પરિપક્વ માનવ બને છે, તે સાથે વ્યક્તિત્વની ભાવના પણ વિકસે છે. સામાન્યત: સ્થૂળ પદાર્થોને કોઈ વ્યક્તિત્વ હોવાનું આપણે કહેતા નથી. વનસ્પતિ અને પ્રાણીઓમાં ચેતના વધારે ઉત્ક્રાંત થઈ વિકસી હોય છે. તેમ છતાં તેમનામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવતું નિરાળું વ્યક્તિત્વ હોતું નથી. દરેક છોડ અને પશુ પોતાના સમૂહથી જુદાં હોય છે તેમ છતાં, તેઓ જુદું જુદું વ્યક્તિત્વ ધરાવતા નથી. ફક્ત માણસમાં જ એક સ્પષ્ટ વ્યક્તિત્વ હોય છે. તે જેમ જેમ મોટો થાય તેમ તેનું પોતાપણાનું ભાન પણ વધે છે. માણસની આ જ વિશેષતા છે. પોતે અલગ વ્યક્તિ હોવાના ભાનના સમપ્રમાણમાં તેનું વ્યક્તિત્વ વિકસે છે. એરીક ફ્રોમ કહે છે, ‘‘માનવ જાતનો ઇતિહાસ એટલે માત્ર વધતા જતા વ્યક્તિત્વનો જ ઇતિહાસ નથી, તે વધતા જતા વ્યકિત સ્વાતંત્ર્યનો પણ ઇતિહાસ છે.’’ ૧૦
માનવમાંં રહેલું આધ્યાત્મિક તત્ત્વ
‘હું’ હોવાની ચેતનાનું નિશ્ચિત સ્થાન ક્યાં છે? તે શરીર અને માનસિક તંત્રથી જુદું હોવું જોઈએ, કેમકે સ્થૂળ શરીર અને માનસિક ઘટકો જેવાં કે ઇન્દ્રિયો, લાગણી, વિચારો વગેરેને આપણે પદાર્થની પેઠે જોઈ શકીએ છીએ. તેથી આ બધાંને જોનાર આ બધાંથી કોઈ જુદો હોવો જોઈએ. તે અભૌતિક અને અ-માનસિક હોવો જોઈએ. દૃગ્ – દૃશ્ય – વિવેક (જોનાર અને જોવાતી વસ્તુનાં સ્વરૂપનો અભ્યાસ) આ મુદ્દાને તદ્દન સ્પષ્ટ કરે છે: ‘‘પદાર્થ કે સ્વરૂપને જોઈ શકાય છે અને આંખ તેને જોનાર છે. આંખને જોઈ શકાય છે અને મન તેનો જોનાર છે. તેના અનેક ફેરફારો સાથે મનને જોઈ શકાય છે અને સાક્ષીપુરુષ (આત્મા) એ તેને જોનાર છે. પણ આ સાક્ષીપુરુષ (આત્મા)ને બીજું કોઈ જોઈ શકતું નથી.’’ ૧૧
વેદાંત કહે છે કે આ સાક્ષી કે આપણામાંનું વ્યક્તિગત તત્ત્વ, એ આધ્યાત્મિક પ્રકારનું છે. તે દિવ્યચેતના છે, કેમકે આપણામાં તેની હાજરીને લીધે જ આપણે અન્ય સર્વને જાણી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદના શબ્દમાં, ‘પ્રત્યેક જીવ ગુપ્તપણે ઇશ્વર જ છે.’ ઉપનિષદો કહે છે, ‘‘જેવી રીતે દૂધમાં માખણ સમાયેલું છે તેમ પ્રત્યેક વસ્તુમાં દિવ્ય ચેતના રહેલી છે.’’ ૧૨
હવે તો પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો પણ માણસનાં આધ્યાત્મિક પરિમાણને સ્વીકારે છે. મનોચિકિત્સાના સ્થાપક વિક્ટર-ઈ-ફ્રેંક કહે છે, ‘‘માણસમાં સહજવૃત્તિવાળું અવચેતન હોય છે એટલું જ નહિ, પરંતુ એક આધ્યાત્મિક અવચેતન પણ હોય છે.’’ આગળ જતાં તે કહે છે, ‘‘આ આધ્યાત્મિક હાર્દ અને માત્ર આ જ માણસની એકતા અને અખંડતાની ખાતરી આપે છે.’’ ૧૩ એમ. સ્કોટ પેક નામના બીજા મનોચિકિત્સક, પોતાના તાજેતરમાં પ્રકાશિત થયેલા અને લોકપ્રિય નીવડેલ પુસ્તક ‘The Road Less Travelled’ માં માણસમાં રહેલાં આ દિવ્ય તત્ત્વ પર ભાર મૂકે છે. પુસ્તકમાં તેઓ જણાવે છે, ‘‘આધ્યાત્મિક વિકાસ એ માણસની ઉત્ક્રાંતિ છે…. આધ્યાત્મિક વિકાસનું અંતિમ લક્ષ્ય વ્યક્તિ પૂરેપૂરો, સંપૂર્ણપણે ઇશ્વર બને તે છે.’’ ૧૪ આમ આપણું સાચું વ્યક્તિત્વ આધ્યાત્મિક છે અને વ્યક્તિત્વનો વિકાસ એટલે શરીર અને મનનાં માળખાંમાંથી ઉપર ઊઠી, પૂરેપૂરું આધ્યાત્મિક થવું તે છે. આપણી પાસે આવો આધ્યાત્મિક દૃષ્ટિકોણ હોય અને ઈશ્વરને પ્રાપ્ત કરવા આપણે પ્રયાસ કરીએ, તો આપણાં વ્યક્તિત્વમાં વધારે સ્થિરતા આવે છે, અને આપણી જાત પર વધારે પ્રભુત્વ આવે છે, ભલે આપણે ઈશ્વર સાક્ષાત્કારનું અંતિમ લક્ષ્ય આ જ જીવનમાં પ્રાપ્ત ન કરી શકીએ તો પણ.
શારીરિક અને માનસિક વિકાસ
આવા આધ્યાત્મિક વિકાસ પહેલાં શરીર અને મનનો વિકાસ થયો હોવો જોઈએ. આ બંનેના માધ્યમ દ્વારા જ આત્મા પોતાને પ્રગટ કરે છે. યોગ્ય આહાર, આનંદ-વિનોદ દ્વારા આપણે શરીરની સંભાળ લેવી જોઈએ. તથા ઉત્તેજિત પ્રવૃત્તિઓ તથા વિચારહીન ઇન્દ્રિયસુખમાં ગરકાવ થવું ન જોઈએ. માનસિક વિકાસ બે બાબતનો બનેલો છે; બૌદ્ઘિકવિકાસ અને લાગણીઓનું સંતુલન. બૌદ્ઘિકવિકાસ આપણને મળતાં શિક્ષણનો એક ભાગ છે. જ્યારે લાગણીઓનું સંતુલન આપણી સંકલ્પશક્તિની વૃદ્ઘિ પર આધાર રાખે છે. આપણે પોતાના જીવનને ચાહીએ અને તેનો આદર કરીએ તો જ તે શક્ય બને. જીવન માટેના પ્રેમને લીધે આપણે નક્કર પ્રયત્નો દ્વારા આપણા જીવનની સંભાળ લઈશું. આવી નિશ્ચયાત્મકતાને લીધે સંકલ્પશક્તિ વધે છે. જીવનમાં કોઈ લક્ષ્ય મળવાને પરિણામે જીવન માટેનો પ્રેમ પગટે છે.
ધ્યેયનિષ્ઠ જીવન
વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ અગત્યની બાબત ધ્યેયનિષ્ઠ જીવન જીવવું એ છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે જીવનને કોઈ નિશ્ચિત ધ્યેય ન હોય તો વ્યક્તિ કેટલીક માનસિક બિમારીનો ભોગ બને છે, જેવી કે હતાશા, હિંસા તથા વ્યસન. માણસને જ્યારે એમ લાગે કે તેનું જીવન પોતાને માટે કે અન્યને માટે કોઈ કામનું નથી, ત્યારે તે કાંતો આપઘાત કરે છે, બીજાને મારે છે, અથવા શરાબી કે અન્ય માદક દ્રવ્યોનો વ્યસની બને છે. જીવન કેટલીક અનિવાર્ય જરૂરિયાતો પૂરી પાડે તો જ તેની કોઈ કિંમત છે, તો જ જીવ્યાનો કંઈક અર્થ છે. જ્યારે તે ધ્યેય વિનાનું કે અર્થ વગરનું બની જાય ત્યારે તે તેની કિંમત સમજતો નથી. તે બેજવાબદાર બની જઈ તેને વેડફે છે. વ્યસન એ જીવનને વેડફવાનું જ કામ કરે છે. અત્યધિક માનસિક હતાશા આપઘાતમાં પરિણમે છે. મને મારા જીવનની કિંમત ન હોય તો હું બીજાનાં જીવનની કિંમત પણ સમજીશ નહિ, અને તેનું પરિણામ હુમલાખોરી અને હિંસામાં આવે છે. તેથી જીવનમાં કોઈ ધ્યેય હોવાની જરૂરિયાત એ સ્પષ્ટ જરૂરિયાત છે. તેને બીજી જરૂરિયાતો દ્વારા સંતોષી ન શકાય. પ્રત્યેક માનવામાં તે થોડા કે વધુ પ્રમાણમાં હોય જ છે.’’ ૧૫
તો જીવન શેનાથી સાર્થક બને? માબાપને બાળકોમાં જીવન સાર્થક લાગે. બાળકો મોટાં થઈ જાય અને માબાપ પર આધારિત ન રહે અથવા માબાપને છોડીને જતાં રહે, ત્યારે માબાપનું જીવન અર્થહીન બની જાય છે. ધનસંપત્તિ કે સત્તા પણ અંદરના ખાલીપાને ભરી શકતાં નથી. સંગીતકારને સંગીત વડે તેનું જીવન સાર્થક લાગે છે. પરંતુ તે તેનો અવાજ ગુમાવે અથવા તો તેની યોગ્ય કદર ન થાય તો તે નિરાશ થઈ જાય છે અને જીવનમાંથી રસ ખોઈ બેસે છે. બાહ્ય કોઈ પણ પદાર્થ કરતાં જીવન વધારે કિંમતી છે અને તે જીવન કરતાં પણ કશાંક વધારે મૂલ્યવાનમાં પોતાને સાર્થક માને છે – અને આપણી આંતરિક દિવ્યતા કે જે આપણા વ્યક્તિત્વનું હાર્દ છે તેના વિશે સભાન થવું તેનાં કરતાં વધારે મોટું મૂલ્યવાન શું હોઈ શકે? એટલે સાચી આધ્યાત્મિકતા જ જીવનને સાર્થક બનાવે છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘‘માનવ જીવન ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે જ છે.’’
સમાજ સાથે સાર્થક સંબંધ
વ્યક્તિત્વના વિકાસ બાબતમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો એ સમાજ સાથે અર્થપૂર્ણ સંબંધ હોવો એ છે. કોઈ વ્યક્તિ એકાકી જીવી શકતી નથી. તમામ સ્તરે – શારીરિક, બૌદ્ઘિક, નૈતિક અને આધ્યાત્મિક – તેનું જીવન સમાજ સાથે જોડાયેલું હોય છે. સમાજ એટલે વ્યક્તિઓનો શંભુમેળો નહિ, પણ તે એક સાંસ્કૃતિક સંસ્થા છે. પોતાની આંતરિક શક્તિઓ વિકસાવી અને અભિવ્યક્ત કરીને તથા પોતાનાં પ્રતિભા અને સદ્ગુણોનો સદુપયોગ કરીને માણસ સમાજને સમૃદ્ઘ બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘‘વ્યક્તિને નક્કર સ્વરૂપે અભિવ્યક્તિ થવાની જ પ્રક્રિયા માટે તમામ પ્રકારનાં સમાજો અને સામાજિક સ્વરૂપો, તેમના જુદા જુદા તબક્કે, અસ્તિત્વમાં છે. બીજું સમાજના સંસ્કારોને પચાવીને જ માણસ વિકાસ પામે છે. માણસ સમાજની નીપજ છે, તો તેનો પિતા પણ છે. તેથી સમાજ સાથેનો તેનો સંબંધ એ તેના વ્યક્તિત્વના વિકાસ માટે મહત્ત્વની બાબત છે. એરીક ફ્રોમ કહે છે, ‘‘જીવનની પ્રક્રિયા બાહ્ય જગત સાથે બે પ્રકારે જોડાયેલી છે. એક આત્મસાત્ કરવાની અને બીજી સામાજીકરણની.’’૧૬
સામાજિક સંબંધ અને પ્રેમ
અન્ય સાથેનો આપણો સંબંધ આપણા તેમના પ્રત્યેના દૃષ્ટિકોણ પર આધારિત હોય છે. પરંતુ અન્ય પ્રત્યેના દૃષ્ટિકોણ પણ આપણા પોતા વિશેના આપણા દૃષ્ટિકોણ પર આધારિત હોય છે. આપણે પોતાને આધ્યાત્મિક માનતા હોઈએ અને આપણું જીવનધ્યેય આધ્યાત્મિક હોય તો સ્વાભાવિક રીતે આપણે અન્યને પણ આધ્યાત્મિક માનવાના, તેમને આધ્યાત્મિક રીતે મદદ કરવાના, તેમનાં સ્થાનને અને તેઓ વિકાસના જે સ્તરે હોય, તેનો આદર કરવાના, પ્રેમનો સાચો અર્થ આ જ છે. એમ. સ્કોટ પેક પ્રેમની વ્યાખ્યા કરતાં લખે છે, ‘‘પ્રેમ એટલે પોતાના કે બીજાના આધ્યાત્મિક વિકાસ માટે પોતાની જાતનું અર્પણ કરવું તે.’’ ૧૭ આમ પ્રેમ સ્વાર્થમાંથી કે માલિકીમાંથી ઉત્પન્ન થતું કોઈ પ્રત્યેનું લાગણીશીલ આકર્ષણ નહિ. સામાન્યત: લોકો પોતે જેને ચાહે છે તેના પર પોતાની માલિકી કે અધિકાર જમાવવા પ્રયાસ કરે છે. તેઓ તેના વ્યકિતત્વના ગુણ અનુસાર તેને સ્વતંત્ર રીતે જીવવા કે વિકસવા દેતા નથી. પરંતુ આ સાચો પ્રેમ નથી. સમાજ સાથેનો આપણો સંબંધ તો સાચા પ્રેમ પર આધારિત હોવો જોઈએ.
આવા શુદ્ઘ પ્રેમનો અભાવ સ્વાર્થીપણાને જન્મ આપે છે, અને આવું સ્વાર્થીપણું સમાજમાં જાત જાતનાં અનૈતિક અને ભ્રષ્ટ આચરણને જન્મ આપે છે. તેને લીધે જ સમાજનું હિત અને વ્યક્તિનું હિત સામ સામે ટકરાય છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે સમાજના ભલાનું બલિદાન આપે છે, જ્યારે બીજા સમાજના ભલા માટે સ્વાર્થનું બલિદાન આપે છે. પરંતુ આપણી પાસે વિશાળ નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ હોય તો આ વિરોધ ટાળી શકાય છે. કેમ કે એક સામાન્ય સિદ્ઘાંત તરીકે તો વ્યક્તિને માટે જે હિતકારી હોય તે આખરે સમાજના પણ હિતમાં હોવું જોઈએ. હું સત્ય બોલતો હોઉં તો હું બીજા સૌ તેમ કરે તેમ ઇચ્છું. પરંતુ હું ખરાબ હોઉં તો હું બીજા પણ ખરાબ થાય તેમ ન ઇચ્છું, કેમકે બીજાનું ખરાબ હોવું એ મને જ નુકશાન કરશે. હું અન્યને છેતરનાર હોઉં, તો હું સૌને છેતરી શકું તેમ ઈચ્છું. પરંતુ બીજાઓ મને છેતરે નહિ તેમ ઇચ્છું.
આપ – લેનું વલણ
સમાજ સાથેના સાર્થક સંબંધ માટે લોકોમાં આપસઆપસમાં ‘આપ-લે’નું વલણ હોવું જોઈએ. આપણું જીવન એક સતત વહેતી નદી જેવું હોવું જોઈએ; તે ક્યાંય સ્થગિત થવું ન જોઈએ. આપણે જેમ સમાજ પાસેથી મેળવીએ છીએ તેમ આપવું પણ જોઈએ. આ બાબતમાં જ્હોન સી. કોમેલીય્સ કહે છે, ‘‘ આપણે એ વાત ન જ ભૂલી જઈએ કે આપણા આપવાથી આપણે આંતરિક રીતે વધુ સમૃદ્ઘ થઈએ છીએ.’’ તેમ છતાં અવિચારી પણે આપ્યા કરવાથી વિપરીત અસર પડશે. આવાં ‘દાનવીર વૃક્ષ’ અંગે એક કથા છે. એકવાર એક તદ્દન ગરીબ માણસ સંતરાના વૃક્ષ પાસે ગયો અને તેની મદદ માગી. વૃક્ષે તેને તમામ સંતરા લઈ જઈ વેંચી નાખવા કહ્યું. તેણે તેમ કર્યું. તેણે તેમાંથી મળેલા બધા પૈસા વાપરી નાખ્યા અને પાછો વૃક્ષ પાસે માગવા ગયો. વૃક્ષે તેને પોતાની બધી ડાળીઓ કાપી નાખી વેંચી નાખવા કહ્યું. આ લોભે માણસે બધી ડાળી કાપીને લાકડાં તરીકે વેંચી નાખી. કેટલાક સમય પછી તેમાંથી મળેલા પૈસા પણ ખલાસ થતાં, તે ફરી પાછો વૃક્ષ પાસે સહાય માગવા ગયો. જરા પણ અચકાયા વિના વૃક્ષે તેને પોતાનું થડ કાપી વેંચી નાખવા કહ્યું. આ અવિચારી લોભી થડ વેંચી, તેમાંથી કેટલાય પૈસા કમાયો. આ ધન પણ વાપરી નાખ્યા પછી આ બેશરમ માણસ ફરી પાછો વૃક્ષ પાસે યાચના કરવા લાગ્યો. વૃક્ષે કહ્યું, ‘‘હવે તને આપવા મારી પાસે કાંઈ બચ્યું નથી. આ મારા જમીનમાં રહી ગયેલા છેલ્લા ભાગ પર બેસી તું થોડો આરામ કરી શકે છે.’’ આ પ્રકારનું આદાન-પ્રદાન વ્યક્તિને કે સમાજને હિતકારી બનતું નથી.
કર્મ અને સમાજનો સંબંધ
કર્મ દ્વારા વ્યક્તિ સમાજ સાથે જોડાય છે. બીજાઓ જોડે ઉપયોગી સંબંધ માટે માણસે કર્મ પ્રત્યે યોગ્ય અભિગમ રાખવો જોઈએ. કોઈ પણ કાર્ય સાવ અંગત હોતું નથી, દરેક કર્મનું એક સામાજિક પાસું હોય છે. ઓફિસમાં કામ કરતી વ્યક્તિ એમ માને કે પોતે તો પોતાનો રોટલો રળવા કમાય છે. પરંતુ તેનું કામ ઓફિસ માટે તથા આડકતરી રીતે સમાજ માટે પણ ઉપયોગ હોય છે. તે તેનું કર્તવ્ય પાલન કેવી રીતે કરે છે. તેના પરથી તેની હકરાત્મક કે નકારાત્મક અસર પડશે. આ વાત તમામ પ્રકારનાં નાનાં મોટાં કામને લાગુ પડે છે. આમ દરેક વ્યક્તિની સમાજ પ્રત્યે પણ જવાબદારી હોય છે. આપણે આપણી જવાબદારીઓ સારી રીતે વહન ન કરીએ તો આપણે અહીં જ આપણા માટે અને આવનારી પેઢી માટે એક નરક ઊભું કરીએ છીએ. નિ:સ્વાર્થ ભાવ અંગે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘‘भुज्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ।’’ એટલે કે જેઓ માત્ર પોતાને માટે જ રાંધે છે, આવા પાપીઓ, પાપનું ભોજન કરે છે. (ગીતા ૩-૧૩) આ વાત માત્ર ભોજન બનાવવાને જ લાગુ પડતી નથી, પરંતુ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સાચી છે. કોઈ કામ સાવ અંગત હોતું નથી. દરેક કાર્ય કર્મના વૈશ્વિક ચક્રનો એક દાંતો હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘‘ આ ગતિમાં મુકાયેલ કર્મચક્રને જે અનુસરતો નથી, જે પાપી જીવન ગાળે છે અને ઇન્દ્રિયોના ભોગોમાં જ આનંદ માણે છે, તેનું જીવતર વ્યર્થ છે.’’ (૩.૧૬) તેથી સમાજ સાથેના સાચા સંબંધ માટે કર્મના વૈશ્વિક કે સામાજિક પાસાં વિશેની સભાનતા હોવી બહુ જરૂરી છે.
પાયાની સામાજિક કડી
સમાજ સાથેનો આપણો સંબંધ આપણે જ્યાં હોઈએ ત્યાંથી શરૂ થાય છે. આપણે કુટુંબમાં રહેતા હોઈએ, તો પ્રથમ આપણે પરિવારના સભ્યો સાથે યથાયોગ્ય સંબંધ રાખવો જોઈએ અને પછી ધીમે ધીમે આપણા સંબંધનું વર્તુળ અન્ય સુધી વિસ્તારતા જવું જોઈએ. આપણાં જ સ્વજનો સાથે આપણે સુમેળથી રહી શકતા ન હોઈએ તો, અન્ય લોકો સાથેનો આપણો સંબંધ પણ નિષ્ઠાપૂર્વકનો નહિ હોવાનો. આપણા પરિવારના સભ્યો આપણને કેટલા ચાહે છે અને આપણો કેટલો આદર કરે છે, તે વધુ અગત્યનું છે અને નહિ કે બહાર આપણે કેટલા લોકપ્રિય છીએ. યોગ્ય જ કહેવાયું છે કે ‘દયાધર્મ પ્રથમ ઘરઆંગણાથી શરૂ થવો જોઈએ,’ આમ સમાજ સાથેનો સાર્થક સંબંધ આપણાં ઘર અથવા જે સંસ્થામાં આપણે કામ કરતા હોઈએ- ત્યાંથી શરૂ થાય છે.
અંતમાં માનવના વ્યક્તિત્વની વ્યાખ્યા આમ આપી શકાય. આપણું વ્યક્તિત્વ એ એક સભાન અને માનસિક અને શારીરિક સત્વ છે, તે પોતે સાર્થક જીવન જીવે છે. અને સમાજ સાથે પણ સાર્થક સંબંધ ધરાવે છે.
(૧) સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૪, પૃ.૨૪૧ (૨) એજન, પૃ.૨૪૨ (૩) સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૩, પૃ.૪૩
(૪) The Pleasure of Phylosophy, pg.282 (૫) સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૫, પૃ.૨૮૫
(૬) Man for Himself, p.192 (૭) સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૩, પૃ.૨૨ (૮) સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૭, પૃ.૧૬૧ (૯) ગીતા : ૯.૩૦
(૧૦) Escape from Freedom, p.264 (૧૧) શ્લોક – ૧ (૧૨) અમૃતબિંદુ ઉપનિષદ – ૨૦ (૧૩) The Unicon-scious God, p.24 (૧૪) The Uniconscious God, p.282, 303
(૧૫) The Uniconscious God, p.79 (૧૬) Man for Himself, p.113
(૧૭) The Road less Travelled, p.85
Your Content Goes Here




