શ્રી શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ચોથા શ્લોકમાં કહ્યું છે કે, ‘જે કોઈ મનુષ્ય યોનિમાં જન્મીને પણ અંતરમાં જે આત્મા રહેલો છે, એનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતો નથી, તે આધ્યાત્મિક આત્મહત્યા જ કરી રહ્યો છે.’ આનો અર્થ એવો થાય છે કે સાચું શિક્ષણ માણસને કંઈક એવું આપી જાય છે કે જે એને કેવળ ભૌતિક શિક્ષણ કરતાં ઉપરને સ્તરે – ઉચ્ચ ભૂમિકાએ – લઈ જાય. બાળક – બાલિકાઓને એવી તાલીમ આપવી જોઈએ કે તેઓ પોતાના પરિધમાં રહેલી આવશ્યકતા વિશે સભાન અને સાવધાન બની રહે. અર્ધસભાન અવસ્થામાં – તંદ્રામાં અથવા ઊંઘરેટી અવસ્થામાં જીવન વિતાવવું, એ તો મૃત્યુની સમાન જ છે. સનત્સુજાતીયમાં લખ્યું છે કે ‘પ્રમાદો વૈ મૃત્યુ:’ – ‘આપણા ઉચ્ચતર સ્વરૂપ વિશે બેદરકાર રહેવું એ મૃત્યુ જ છે.’ સૌથી ભીતર – અંતરમાં રહેલ આ આત્માનું ભવ્ય સત્ય સર્વ જીવોને વારંવાર સંભળાવ્યા કે યાદ અપાવ્યા કરવું જોઈએ કે જેથી તેઓમાંના કેટલાક વિદ્યાર્થીઓના મનમાં તેમાંનું કંઈ તો તેમના મસ્તિષ્કમાં અસર કર્યા વગર નહિ જ રહે. સ્કંદપુરાણમાં રાણી મદાલસાની એક કથા આવે છે. એ પોતાનાં બાળકોના પારણા પાસે બેસીને ગાયા કરતી હતી: ‘નિત્યોઽસિ શુદ્ધોઽસિ નિરંજનોઽસિ સંસારમાયામલવર્જિતોઽસિ’ – ‘તું તે જ નિત્ય-શાશ્વત તત્ત્વ છે, તું નિર્મલ છે, સદામુક્ત છે, સંસારની માયાના દોષોથી રહિત તું તે જ ચિદાત્મા છે.’ અને નિશ્ચિત રૂપે જ્યારે એ બાળકો મોટા થયા, ત્યારે આ સત્ય તેમના મનની સપાટી ઉપર આવી ગયું અને જે અમર અને પૂર્ણ છે, એવા આત્માને પામવા માટે એમણે આ મિથ્યા સંસારનો ત્યાગ કરી દીધો એવી જ રીતે આપણે આશા રાખીશું કે શિક્ષકના દાખલાથી નાની ઉંમરમાં આપણાં બાળકો જે શીખે છે, તે ‘શિક્ષણ’ જ્યારે તે બાળકો પાછળથી મોટા થાય છે અને જ્યારે એમને પછીના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે ખૂબ જ મદદગાર નીવડે છે. બાળકોએ જો નાની ઉંમરનું દૃષ્ટાંતરૂપ શિક્ષણ ન લીધું હોત તો તેઓ જીવનની સામે આવેલી સમસ્યાઓને હલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોત. રામકૃષ્ણ મિશનની સંસ્થાઓ સામાન્ય રીતે પોતાના શૈક્ષણિક કાર્યક્રમોમાં આ પશ્ચાદ્ભૂમિ રાખે છે.
વ્યક્તિત્વ વિકાસ શું છે?
આધુનિક ભૌતિક વાતચીતોમાં આંતરિક વિકાસના બધા પ્રયત્નોને ‘વ્યક્તિત્વવિકાસ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘વ્યક્તિત્વ’નો અર્થ કંઈ ફક્ત ભૌતિક જથ્થો કે સત્તા થતો નથી. અથવા તો ‘વ્યક્તિત્વ વિકાસ’ એ કંઈ ભૌતિક આકાર વધારવો કે સત્તાનો ફેલાવો કરવો એ પણ નથી. ‘વ્યક્તિત્વ’ એને કહી શકાય કે જે કેટલાક સિદ્ધાંતોને અને આદતોને પોતાના સહજ સ્વભાવમાં ઊંડે સુધી સમન્વિત કરી દેવાની માણસની ક્ષમતા કે શક્તિ દર્શાવતી હોય. જો આપણે પરિસ્થિતિને બદલાવા જ માગતા હોઈએ, તો પ્રથમ તો આપણે આપણો દૃષ્ટિકોણ બદલી નાખવો જોઈએ. એ આપણી જવાબદારી છે એટલે દરેક મનુષ્યે પોતાના અંતરાત્માથી જ આ વાત શરૂ કરી દેવી જોઈએ અને સમસ્યાના નક્કર ઉકેલ સાથે બહાર આવવું જોઈએ. વિલિયમ જ્હોન જોર્ડન કહે છે (ઈન્ટરનેટમાંથી ઉદ્ધરણ) :
‘દરેક વ્યક્તિના હાથમાં સારું કે ખરાબ કરવા માટે ગજબની શક્તિ આપવામાં આવેલી છે. એ શક્તિ તેના જીવનનો શાંત, અજાણ રહેલો અને અદૃશ્ય પ્રભાવ છે. તે છે ફક્ત પ્રકાશ- તેના સાચા સ્વરૂપનો સતત ઝળહળતો માત્ર પ્રકાશ! માણસ પોતાને જેવો દર્શાવવાનો ડોળ કરે છે, તેવો તે નથી.’
સોપાનો
જીવનના વિકાસનાં અને એની વૃદ્ધિનાં કેટલાંક ક્રમિક પગથિયાં છે. કોઈ બાળક પહેલાં પડખું ફેરવવાનું, પછી બેસવાનું, પછી ભાંખોડિયાભર ચાલવાનું, પછી ઊભા થઈને ચાલવાનું અને ત્યાર પછી દોડવાનું શીખે છે. આમાંનું દરેક પગથિયું મહત્ત્વનું છે અને દરેક પોતાનો સમય માગે છે. એમાં કોઈ પગથિયાંને ઠેકી જઈ શકાતું નથી. આપણે સૌ જીવો સંપૂર્ણ રીતે પરાવલંબન અને નિ:સહાય અવસ્થાથી જીવન શરૂ કરીએ છીએ. પછી સમય જતાં આપણે વૃદ્ધિ અને વિકાસ પામીએ છીએ અને શારીરિક, માનસિક તેમજ ભાવાત્મક રીતે સ્વતંત્ર થઈ જઈએ છીએ. જીવનના ઉચ્ચતર સોપાનોમાં આપણે જીવનના બધા જ સ્તરોમાં સ્વતંત્રતાની પિછાણ કરીએ છીએ – સહકાર, સહઅસ્તિત્વ, સામાજિક આંતરસંબંધો, વગેરે આપણા વ્યક્તિત્વનો ક્રમિક સોપાનોમાં વિકાસ કરી શકાય.
પહેલું પગથિયું : આરોગ્ય શારીરિક બળ વગેરેના સંદર્ભમાં શારીરિક વિકાસ થાય છે.
બીજું પગથિયું : સમગ્ર શરીરતંત્રમાં આપણી જીવનશક્તિનું નિયમન થાય છે.
ત્રીજું પગથિયું : વિચારથી, તર્કથી અને કેળવણીથી આપણે મનનો વિકાસ કરીએ છીએ – જ્ઞાનની પિપાસા જાગ્રત થાય છે.
ચોથું પગથિયું : બુદ્ધિ પરિપક્વ થાય છે. વિવેકશક્તિ અને નિર્ણયશક્તિ ખીલે છે. આપણે જીવનને નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવા માટે સક્ષમ બનીએ છીએ.
પાંચમું પગથિયું :આપણે જે કંઈ કરીએ છીએ તે આપણને તેમજ બીજાઓને આનંદ, સંતોષ અને પૂર્ણતા આપે છે.
શિક્ષણની શ્રેષ્ઠતા
આપણી હાલની કેળવણીની પદ્ધતિ મુખ્યત્વે શાળા-મહાશાળાઓ દ્વારા કરાતા વિકાસ ઉપર આધાર રાખે છે. એ વિદ્યાર્થીની માનસિક અને બૌદ્ધિક શક્તિમાં સુધારો કરે છે. પરંતુ, શિક્ષણની ખરેખરી શ્રેષ્ઠતામાં એ એક કરતાં બીજા વધારે આયામો હોય છે. પરીક્ષામાં સારો દેખાવ કરવો, એ તો કદાચ એના સૌથી નાનાં પાસાંમાંનું એક પાસું છે. શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ થવા માગતા વિદ્યાર્થીએ વ્યવસ્થિત વિચારો કરવાની ક્ષમતાનો પણ વિકાસ કરવો જ જોઈએ. અને એને માટે સ્વશાસન અને પોતાની માનસિક શક્તિનો સંયમ કરવાની જરૂર પડે છે. આવો આત્મસંયમ વળતર રૂપે આપણને આપણા કોઈ અધ્યયનના વિષયમાં અનાવશ્યક વસ્તુઓમાંથી આવશ્યક વસ્તુઓને તારવી આપવાની ક્ષમતા બક્ષે છે. શૈક્ષણિક પ્રક્રિયાના સંદર્ભમાં આ શૈક્ષણિક શ્રેષ્ઠતાએ આપણી વિવેકશક્તિને વિકસાવવામાં મદદ કરવી જ જોઈએ. શિક્ષણ અને સંશોધનનો ઉચ્ચતર અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને માટે આ એક ખૂબ જ મહત્ત્વની સહાય છે.
સ્વામી વિવેકાનંદના જીવનમાં તેમણે પોતાની માનસિક શક્તિનો ગણાનાપાત્ર કક્ષા સુધીનો વિકાસ સાધવા માટે શી યોજના કરી હતી, એનું ઉદાહરણ આપણને મળે છે. જ્યારે આપણે પહેલાં વાંચવાનું શીખતા હોઈએ છીએ ત્યારે શરૂઆતમાં તો એક અક્ષર પછી બીજો અક્ષર વાંચીએ છીએ. પછી એક શબ્દ પછી બીજો શબ્દ વાંચવાનું શીખીએ છીએ અને ત્યાર પછી કદાચ એક શબ્દસમૂહ પછી બીજો શબ્દસમૂહ વાંચતાં શીખીએ છીએ. આપણામાંના મોટાભાગના લોકો વાચનના આ સ્તરથી આગળ જતા હોતા નથી. સ્વામી વિવેકાનંદે એનાથી પણ આગળ આ શક્તિનો વિકાસ કર્યો હતો. છેલ્લે તેઓ વાક્યવાર વાચન કરતા અને છેલ્લે તો પાનાવાર વાંચવાનો વિકાસ તેમણે સાધ્યો હતો. તેઓ વારંવાર એમ કહેતા કે, ‘પુસ્તકના પાનાંની પહેલી થોડીક લીટીઓ વાંચી લઉં અને એની છેલ્લી થોડીક લીટીઓ વાંચી લઉં અને એક પલકવારમાં એ આખા પાનાનો વિષય પામી જાઉં છું.’ અહીં આપણને માનસિક વિકાસનું એવું ઉદાહરણ મળે છે કે જેને આપણે શૈક્ષણિક શ્રેષ્ઠતાનો અસાધારણ દાખલો ગણી શકીએ.
માનવીય શ્રેષ્ઠતા
ઉપર બતાવ્યા પ્રમાણેની શૈક્ષણિક શ્રેષ્ઠતા સ્વાભાવિક રીતે જ માનવીય શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે. એને ઘણાં પાસાં હોય છે. દરેક પ્રાણીના-જીવના-દરેકેદરેક પાસાંનો વિકાસ થવો જોઈએ. બૌદ્ધિક અને ભાવનાત્મક, તાર્કિક અને સૌંદર્યલક્ષી, નૈતિક અને આધ્યાત્મિક, વૈયક્તિક અને સામાજિક – આ બધાં જ પાસાંનો વિકાસ આવશ્યક રીતે થવો જ જોઈએ. શૈક્ષણિક શ્રેષ્ઠતા તો પ્રાથમિક રીતે બૌદ્ધિક અને તાર્કિક અને કેટલાક કિસ્સાઓમાં સૌંદર્યદૃષ્ટિ જેવાં આપણાં અસ્તિત્વનાં પાસાઓ સાથે સંબંધ ધરાવે છે. પણ શ્રેષ્ઠ માનવ હસ્તી તો એ છે કે જેમાં આ બધાં જ પાસાં સંવાદિતા ભરી રીતે વિકાસ પામ્યાં હોય. ઘણી વખત કોઈ માણસને ઘણા તેજસ્વી ગુણોની બક્ષિસ મળેલી હોય છે. પણ બીજાઓને એની એ વિશેષતાઓના ભાગીદાર બનાવવાની ક્ષમતા એનામાં હોતી નથી. આદર્શ તો મનુષ્યે સાગર જેવા ગહન અને આકાશ જેટલા વિશાળ બનાવાનો છે. રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતાની સમજૂતી આપીએ તો આદર્શ વ્યક્તિત્વ સૂર્ય જેવું હોવું જોઈએ. એ પોતાના પ્રકાશથી આખી દુનિયાને પ્રકાશિત કરી દે છે. અને એની સાથોસાથ એ જ વખતે તે એક નાનકડા ઝાકળબિંદુમાં પણ એના પૂરેપૂરા સ્વરૂપને પકડી શકવાની ક્ષમતા જાળવી રાખે છે. આ રીતે માનવીય શ્રેષ્ઠતાનું એક પાસું તો છે પ્રકાશ. અને બીજું પાસું ઊંચનીચના કશા ભેદભાવ વગર માનવ માનવ વચ્ચેના આંતર સંબંધોમાં પ્રવેશ કરવાની ક્ષમતાનું છે.
હવે પછીનાં પાનાંઓમાં આપણી યુવાન પેઢીના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવા માટે આધુનિક શિક્ષણ પદ્ધતિમાં માનવીય મૂલ્યોની સમજણ જેવા એકદમ આવશ્યક વિષયને રજૂ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિશે સ્વામી વિવેકાનંદનો દૃષ્ટિકોણ
આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે શિક્ષણના પાયા પર ભારતીય સમસ્યાઓના ઉકેલ માટે એક રૂપરેખા, એક પદ્ધતિ આપી હતી. ઇતિહાસ વિષયક પોતાના વિશાળ જ્ઞાન અને વિશ્વના વિવિધ વિભાગોમાં તેમણે જે કંઈ જોયું હતું તેના આધારે તેઓ એ નિર્ણય પર આવ્યા હતા કે ભારતને ઊંચે લાવવા માટે કેળવણી મુખ્ય સાધનો પૈકીનું એક છે.
‘જે દિવસથી કેળવણી અને સંસ્કારિતા ધીરે ધીરે ઉચ્ચ વર્ગમાંથી આમજનતામાં પ્રસરવા માંડ્યાં, તે દિવસથી પાશ્ચાત્ય દેશો જેવી આધુનિક સંસ્કૃતિ ને ભારત, ઇજિપ્ત, રોમ વગેરેની પ્રાચીન સંસ્કૃતિ વચ્ચેનો ભેદભાવ વધ્યો. હું મારી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં તે પ્રજા પ્રગતિશીલ હોય. ભારતમાં વિનાશનું ખરું કામ તો દેશની તમામ બુદ્ધિશક્તિ અને જ્ઞાનનો ઇજારો, કુળાભિમાન અને રાજસત્તાને જોરે માત્ર મુઠ્ઠીભર માણસોના હાથમાં જઈ પડ્યો એ છે. જો આપણે ફરી ઊભા થવું હોય તો આપણે પણ તે જ રસ્તે એટલે કે આમજનતામાં શિક્ષણ ફેલાવીને જ જવું પડશે… શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ જ! યુરોપનાં ઘણાં શહેરોમાં મુસાફરી કરતાં કરતાં હું ત્યાંના ગરીબ માણસોનાં પણ સુખસાધનો અને શિક્ષણ નિહાળતો, અને ત્યારે આપણા પોતાના ગરીબ માણસોનો વિચાર મારા મનમાં આવતો અને હું આંસું સારતો. આવો તફાવત શા કારણે થયો? ઉત્તર મળ્યો : શિક્ષણ! શિક્ષણ અને પોતાની જાતમાં શ્રદ્ધાથી તેમનો અંતર્ગત બ્રહ્મ જાગ્રત થાય છે. જ્યારે આપણામાં રહેલો બ્રહ્મ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે… આપણા બાળકોને જે કેળવણી આપવામાં આવે છે તે પણ નિષેધક છે. નિશાળે જતો છોકરો કંઈ શીખતો તો નથી જ; પણ તેનું જે છે તે બધું જ ભાંગી પડે છે. પરિણામ એ આવે છે કે તેની આત્મશ્રદ્ધા ચાલી જાય છે… ઘેરેઘેર જઈને આપણે તે સત્તાને જગાડવી પડશે.
બીજું આની સાથે સાથે કેળવણી આપવી પડશે. આમ કહેવું તો ઘણું સહેલું છે, પણ તેનો અમલ શી રીતે કરવો? આપણા દેશમાં જેમણે સર્વત્યાગ કર્યો છે તેવા હજારો નિ:સ્વાર્થ સહૃદયી મનુષ્યો વસે છે. જે રીતે તેઓ ફરે છે, અને કોઈ પણ જાતના મહેનતાણા વિના ધાર્મિક ઉપદેશ આપે છે, તેમ તેમાંથી ઓછામાં ઓછા અર્ધાને શિક્ષકો તરીકે અગર આપણે જેવા માગીએ છીએ તેવા શિક્ષણશાસ્ત્રીઓ તરીકે તૈયાર કરી શકાય. આ માટે આપણે દરેક પ્રાંતની રાજધાનીમાં એક કેન્દ્ર જોઈશે; ત્યાંથી ધીરે ધીરે સમગ્ર ભારતમાં પથરાઈ જઈ શકાશે. મદ્રાસ અને કલકત્તામાં બે કેન્દ્રો તો હમણાં શરૂ કરી દેવામાં આવ્યાં છે; બીજાં વધારે તુરતમાં થવાની આશા છે. વળી ગરીબોને શિક્ષણ મોટે ભાગે મૌખિક આપવું જોઈએ; શાળાઓ કાઢવા માટે હજી સમય અનુકૂળ નથી. ધીરે ધીરે આ પ્રધાનકેન્દ્રોમાં ખેતીવાડી, ઉદ્યોગ વગેરે વિષયો શીખવવા; અને કલા-કારીગરીના વિકાસ માટે વર્કશોપોની વ્યવસ્થા કરવી.
(સ્વા.વિવે.ગ્રં.મા.- ભાગ: ૬, ૨૧૦-૨૧૨)
અહીં શિક્ષણ દ્વારા રાષ્ટ્રિય પુનરુત્થાનની યોજના વિશેના સ્વામી વિવેકાનંદના વિચારો સંક્ષેપમાં મળે છે. સ્વામીજીએ એ પણ દર્શાવ્યું છે કે સામાજિક દૂષણો દૂર કરવા માટે શિક્ષણ એ એક રામબાણ ઉપાય છે. તેમના વખતમાં અસ્તિત્વ ધરાવતી કેળવણીપદ્ધતિમાં જરૂરી ફેરફાર કરીને કેળવણીને વધુ અસરકારક બનાવી શકાય તેવા કેટલાય ફેરફારો પણ તેમણે દર્શાવ્યા છે. હવે કદાચ એ વિચારજથ્થાને અપનાવવાનો અને તેમાંથી આપણે કેટલું કર્યું છે અને કેટલું કરવાનું બાકી છે, તે તપાસવાનો સમય આવી પહોંચ્યો છે.
Your Content Goes Here




