જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું નામ સુભાષ ટંડન હતું. તેઓ થોડા સમય માટે દિલ્હીના પોલીસ કમિશ્નર હતા. તે કુટુંબ કરાચીનું વતની હતું. શ્રી જગન્નાથ ટંડનનાં પત્ની માયાદેવી ઉચ્ચ કક્ષાનાં ભક્ત હતાં; જલંધરમાં હું તેમને ત્યાં ઊતરતો. હમણાં ત્રણેક વરસ પહેલાં મુંબઈમાં શું બન્યું? પતિ-પત્ની બંને સવારે ચાર વાગે ઊઠી ગયાં અને પછી એક કલાક સુધી ભજન ગાવા લાગ્યાં. પછી પત્નીએ પોતાના પતિને કહ્યું : ‘તમે રૂમમાં જાઓ અને જરાક આરામ કરો. તમે હવે થાકી ગયા છો, તમે જાઓ.’ અને પછી બહેન પોતે સૂઈ ગયાં. જ્યારે પતિ જાગ્યા ત્યારે તેમણે જોયું કે પત્ની હવે આ દુનિયામાં રહ્યાં ન હતાં. દેહત્યાગ કરવાની કેવી હિંમતભરી રીત! આ બહેન આનંદી સ્વભાવનાં હતાં. તેઓ જલંધરના કન્યા મહાવિદ્યાલયનાં ભૂત-પૂર્વ વિદ્યાર્થિની હતાં. કરાચીમાં તેઓ મારી પાસે તે કોલેજ વિષે વાતો કરતાં.

તેથી આ બધી બાબતોમાં તમે જોઈ શકશો કે આપણે આપણા જીવનને કેવો આકાર આપી શકીએ છીએ. બાહ્ય પરિબળોથી આપણે આપણી જાતને તણાઈ જવા દેતા નથી. આપણે આપણી જાતને કેવો આકાર આપવો છે તે આપણે જાણીએ છીએ અને સમગ્ર તંત્ર પર આપણું નિયમન હોય છે. અહીંથી જ આધ્યાત્મિકતાનું આગમન થાય છે. તે ઈંદ્રિયગમ્ય અનુભવ હોય છે; ધર્મનું પ્રયોજન આધ્યાત્મિક બનવાનું હોય છે, માત્ર ધાર્મિક જ બની રહેવાનું નહીં. ધાર્મિક બની રહેવું તો સહેલું છે. જો તમે કાનમાં તુલસી ધારણ કરો અથવા શરીરે વિભૂતિ અથવા નમન લગાડો, તો તમે ધાર્મિક બની જાઓ છો. પરંતુ આધ્યાત્મિકતા એ એનાથી કંઈક વધારે છે.

અત્યાર સુધી નવી પેઢીએ તેની મોટેભાગે ઉપેક્ષા કરી છે. હવે કંઈક એવું કરો કે તેઓ એની ઉપેક્ષા વધારે વખત સુધી ન કરે. આ રીતે જ્યારે માણસ જુવાન હોય ત્યારે પણ એ આધ્યાત્મિક બની રહે છે; અને જ્યારે માણસ વૃદ્ધ થાય છે ત્યારે તે વધારે આધ્યાત્મિક બની જાય છે, કેમકે તેને અવરોધે એવું કંઈ હોતું નથી; એ પછી જીવન આનંદમય બની રહે છે. શરીર તો વધારે ને વધારે નિર્બળ બનતું જશે. વૃદ્ધ થવું એ તો શરીરનો સ્વભાવ છે એ બાબતમાં તો કોઈ શંકા જ નથી. આ વિષયનું અદ્‌ભુત બૌદ્ધિક માળખું આપણી પાસે છે. જે કોઈ વસ્તુમાં જુદા જુદા ભાગોનું સંધાન (Combination) હોય છે, તે વસ્તુ શાશ્વત હોઈ શકતી નથી એનું વિભાજન થશે અને તે વિદાય લઈ લેશે, એ ખ્યાલ છે. જુદા જુદા ભાગોનું સંધાન એ સિવાય શરીર બીજું છે શું?

 એણે વધવાનું (કે ઊગવાનું), વિકસવાનું, ક્ષીણ થવાનું અને અન્તે વિદાય લેવાની; એ કામ કરવાનાં હોય છે. એક દિવસ આ સૂર્ય પણ અદૃશ્ય થઈ જશે. સૂર્યનું જીવન શાશ્વત હોતું નથી, એ તો છે ઘણાં બધાં તત્ત્વોનો સંઘાત અને આ તત્ત્વોનું વિભાજન થશે અને તેઓ વિનાશ પામશે. પરિવર્તનના છ તરંગો (કે તબક્કા)માં રહેલ ગહન સત્યોને વિવેકચૂડામણિમાં શંકરાચાર્યે દર્શાવ્યાં છે. તેઓ કહે છે કે આત્મા આ પરિવર્તન વિષયક છ યે તબક્કાથી મુક્ત હોય છે.

ષડ્‌ભિરૂર્મિભિ: – ઉર્મિ એટલે તરંગ. ષડ્‌ એટલે છ, ષડ્‌ભિરૂર્મિભિ: – પરિવર્તનના છ તરંગો (તબક્કા)થી આત્મા અસ્પર્શ્ય રહે છે. એ ક્યા ક્યા છે? જાયતે – જન્મ લે છે, પછી અસ્તિ – અસ્તિત્વનો ગુણ મેળવે છે; પછી વર્ધતે – વધતો જાય છે, (વિકાસ પામે છે) વિપરિણમતે – એ રૂપાંતર પામતો રહે છે; અપક્ષીયતે – હ્રાસ પામતો રહે છે; વિનશ્યતિ – નાશ પામે છે (મરણ પામે છે). પરંતુ આ જગતમાં દરેક વસ્તુ આ છ પ્રકારના (ષડ્‌વિધ) પરિવર્તનનો વિષય (Subject) બને છે. માત્ર આત્મા જ આ બધાથી મુક્ત હોય છે અને ‘હું તે છું,’ – વેદાંતમાં આપણને આ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. ભગવાનના બાળક તરીકે, આત્મા તરીકે, આપણે તે છીએ, આપણે આ ક્ષુદ્ર શરીર નથી. એ મારો દાસ છે, એ મારું સાધન છે; એ ઘર છે, એમાં હું રહું છું. શરીરનું મૂલ્યાંકન એ રીતે કરવામાં આવ્યું છે. જ્યારે આ જ્ઞાન પાકું થાય છે, આપણી ઉંમરની દૃષ્ટિએ વિકાસ થાય છે, ત્યારે મનની બાબતમાં આપણે વધારે જુવાન બનતા જઈએ છીએ. એ વાત સાવ શક્ય છે. હું ભલે ભૌતિક રીતે વિકાસ પામેલો (= ઉંમરમાં મોટો થયેલો હોઉં), પણ માનસિક રીતે હું અપરિપક્વ હોઈ શકું તેથી જ આપણા દેશમાં આજે માનવજીવનનું લક્ષણ બની ગયું છે – ભૌતિક રીતે પરિપક્વ, પણ માનસિક રીતે અપરિપક્વ. બીજી બાજુ, વૃદ્ધાવસ્થામાં શરીર નબળું પડતું જાય છે, પણ મન જોશીલું (Vigorous) અને સશક્ત રહી શકે. કઈ રીતે? આ આધ્યાત્મિક સંસ્પર્શને લીધે. દરેક માનવની પાછળ ભગવાન, આત્મા રહેલો હોય છે. પણ મનને તેની જાણ હોતી નથી. આપણે તેની પારનું દર્શન કરતાં અને જોતાં શીખી લેવું જોઈએ. આધ્યાત્મિક જીવનનો આ ગુણધર્મ છે.

જ્યારે બાળકો એકલાં હોય છે ત્યારે તેઓ ડરી જતાં હોય છે અને રાડો પાડવા માંડતાં હોય છે. જ્યારે તેઓ જુએ છે કે મા પાસે છે ત્યારે તેમની રાડો બંધ થઈ જતી હોય છે. આ રીતે માણસની અંદર રહેલી ઈશ્વરની હાજરી એ બરાબર બાળક પાછળ ઊભેલી માતાની હાજરી જેવી છે. જ્યારે બાળક સભાન હોય છે કે મા હાજર જ છે, ત્યારે તેને કોઈ ડર લાગતો નથી. તે માત્ર પાછળ જુએ છે અને કહે છે: ‘હા, મા મારી પાછળ છે?’ નહિંતર એને બહુ બીક લાગે છે. શ્રીરામકૃષ્ણ ઘણીવાર એક બંગાળી ગીત ગાતા. તેના શબ્દો છે – ‘મા આછેન આર આમી આછી ભાવના કી આછે આમાર’ અર્થાત્‌ મા, અર્થાત્‌ દિવ્ય માતા, મારી સાથે છે. તો પછી મારે ચિંતા કરવાની શી જરૂર છે? તે હંમેશાં મારી સાથે છે. તે મને ખવડાવે છે અને મારી સંભાળ રાખે છે. આથી મારે કોઈ ચિંતા કરવાની નથી કે કશો ડર રાખવાનો નથી. હું જ્યારે અંધારામાં હોઉં છું ત્યારે મને બીક લાગે છે. શું થઈ ગયું છે? શું થશે? પછી તેનો મૃદુ હાથ મને આશ્વાસન આપે છે કે તેણે મારો હાથ પકડી લીધો છે; મને કશાની બીક લાગતી નથી. શ્રીરામકૃષ્ણે આ વિચાર ભજનના સ્વરૂપમાં આ રીતે મૂક્યો છે.

આ શરીરની પાછળ જે સનાતન અને અનંત રહેલું છે તે ભગવાન પોતે જ છે. સાધારણ રીતે ભગવાનને આ રીતે સમજાતા નથી. એને બદલે આપણને લાગે છે કે એ દૂર દૂર આકાશમાં છે અથવા મંદિરમાં છે, મૂર્તિમાં છે. આપણે ભૂલી જઈએ છીએ કે તે આપણો અંતરાત્મા છે, આખી માળામાં જે રીતે દોરો રહેલો હોય છે તે રીતે તે અંતર્યામી છે. ભગવાનનું વર્ણન ગીતામાં આ રીતે કરવામાં આવ્યું છે; બધાં મણિઓમાં (Pearls) જે રીતે દોરો રહેલો હોય છે, તે રીતે હું રહેલો છું.’ ધ્યાન અને આધ્યાત્મિક જીવનના અભ્યાસ (કે સાધના – Practice) દ્વારા આપણે તે દોરાના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. વિશુદ્ધ ચૈતન્ય, એક અને અદ્વિતીય.

આ દોરો વિશ્વની જુદી જુદી બધી વસ્તુઓમાં પરોવાયેલો હોય છે. એ દિવ્યતા છે અને આ આંતરિકતા દ્વારા આપણે તેની પાસે પહોંચી શકીએ છીએ અને તે આંતરિકતા (કે અંતર્યામિપણા) આપણને દિવ્યતાની અનુભૂતિ આપણા સામાન્ય દૈનંદિન જીવનમાં કરાવશે. જ્યારે જ્યારે આપણે કામની વચ્ચે વચ્ચે ભગવાનના નામનો જપ કરીએ છીએ ત્યારે ત્યારે આપણને નવું નવું બળ મળે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે કામ કરતા હો, જેમકે જમીન પર ઝાડુ લગાવતા હો, આ કે તે કામ કરતા હો, ત્યારે તમે એકાદ વખત ‘શિવ, શિવ’ નામનું ઉચ્ચારણ કરતા રહો. તમારું પોતાનું સ્વરૂપ શિવનું છે તેની યાદ તમારા મનમાં કરતા રહો એ જ આધ્યાત્મિકતા છે, અભ્યાસ (કે સાધના) છે કે આપણે ‘શિવ, શિવ’ એમ બોલતા રહીએ. દા.ત. જ્યારે તમે ગુસ્સે થાઓ ત્યારે તમે માત્ર ‘શિવ, શિવ’ – એવો જપ કરો, બધો ગુસ્સો ચાલ્યો જશે. આનું નામ જ છે કટોકટીની પરિસ્થિતિમાં મનમાં જરાક આધ્યાત્મિકતાની સરવાણી (infusion)નો પ્રવેશ. આધ્યાત્મિક અભ્યાસનું આ જ સંવિધાન છે. આધ્યાત્મિક અભ્યાસ (કે સાધના)નો અર્થ એવો નથી કે આપણે ઋષિકેશ જવું. ઘરમાં રહીને પણ તમે તમારા દરરોજના જીવનમાં ઘણી બધી આધ્યાત્મિક સાધના કરી શકો છો. તેથી આ પ્રકારની આંતરિકતા આવશ્યક છે. હું જ્યારે બસની રાહ જોતો હોઉં છું ત્યારે દશ મિનિટ લાગે છે. મારે શા માટે બેચેન બનવું જોઈએ. બેચેનીથી કાંઈ બસ વહેલી નહીં આવી જાય. તેથી હું શાંત બની જઉં છું; એ વખતે આંતરિકતા આપણે મેળવી શકીએ. આ રીતે અંતર્મુખી થઈને, થોડું થોડું કરીે, આખા યે દિવસ દરમિયાન આપણે ઘણી બધી આધ્યાત્મિક સાધના કરી શકીએ. આ રીતે આપણે આપણા જીવનને ઘડવાનું છે.

અમેરિકાના કલીવલેન્ડમાં મારે એકવાર વૃદ્ધાશ્રમના અંતેવાસીઓને સંબોધન કરવાનું હતું. બે છોકરીઓ તેનું સંચાલન કરતી હતી. તેઓ મારી પાસે આવી અને કહ્યું : ‘સ્વામીજી, કૃપા કરીને વૃદ્ધાશ્રમની મુલાકાતે આવો.’ આથી એરપોર્ટ પરથી સીધો જ હું વૃદ્ધાશ્રમ ગયો. મારો આ પહેલો અનુભવ હતો. મેં ત્યાં ઉચ્ચ વર્ગના લોકોને રહેતા જોયા – પણ તદ્દન શુષ્ક જીવન, આનંદશૂન્ય. તેમના સભાખંડમાં ૮૦ ખુરશીઓ અને ૧૮ વ્હીલચેર હતી. સંચાલકોને ખાતરી ન હતી કે બધા લોકો આવશે. એ દિવસે સદ્‌ભાગ્યે લગભગ બધા લોકો આવ્યા. નહીંતર તેમનો રૂમ છોડીને બહાર આવવા તેમને સમજાવવાનું કામ અઘરું હોય છે. પરંતુ બધા જ આવ્યા. જ્યારે હું ત્યાં બેઠો હતો, ત્યારે તે લોકોને મારો પરિચય કરાવ્યો. પછી વૃદ્ધાવસ્થાને આનંદપૂર્ણ કેવી રીતે બનાવવી, એ વિશે હું ૪૦ મિનિટ બોલ્યો. તેમને માટે એ પડકારરૂપ છે. વેદાંત તમને એ પડકારનો સામનો કરવાના માર્ગો બતાવે છે. અને પેલી બે છોકરીઓ-એક શ્વેત અને એક અશ્વેત – તેમણે શું કહ્યું? તેમણે કહ્યું: ‘સ્વામીજી, આજ સુધી અમે અમારી સંસ્થામાં જોયું નથી કે આટલા બધા લોકો ૪૦ મિનિટ સુધી બેઠા હોય. સાધારણ રીતે તેઓ એકાદ બે મિનિટ બેસે અને શાંતિથી ચાલ્યા જાય. તેઓ લાંબો વખત બેસી રહેતા નથી. પણ હવે તેમને કંઈક મહત્ત્વપૂર્ણ વસ્તુ મળી છે અને તેઓ કંઈક સમજી શક્યા છે. પછી મેં તેમને કહ્યું: ‘સરકાર તમને સુખી બનાવવા માટે ગમે તે કરી શકે. પણ જો સુખી થવા માટેનું મનોબળ ન કેળવો, તો તમે સુખી થઈ શકો નહિ. ત્યાં જ વેદાંત પ્રવેશ કરે છે. આપણા બધામાં એક દિવ્ય ચિનગારી રહેલી હોય છે, તમારે આ સત્ય જાણી લેવું જોઈએ. પછીથી જીવન આનંદથી ભર્યુંભર્યું બની જશે.’ તેમની પાસે બધી સુવિધાઓ છે, પરંતુ આનંદિત થવાનું અથવા ભર્યા ભર્યા થવાનું મનોબળ નથી. તેથી તેઓ માનવજીવનની શુષ્કતામાં રહે છે. મારા માટે આ અનુભવ ઘણું બધું પ્રકટ કરી ગયો. હકીકતમાં વેદાંતના આપણા સાધકો ન્યૂયોર્ક પાસે એક વૃદ્ધાશ્રમ શરૂ કરવા ઇચ્છતા હતા. મેં એ સાધકોને કહ્યું: ‘જો તમે એ કામ કરશો તો તમે અમેરિકાને આનંદની લાગણીરૂપી અદ્‌ભુત વસ્તુનું પ્રદાન કરશો.’

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.