(7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

…તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ. એ પણ કેટલા આકર્ષક છે! યુદ્ધની ભયંકર અને કારમી કિકિયારીઓ વચ્ચે પણ શ્રીકૃષ્ણ કેવા સ્થિર, ગંભીર અને શાંત છે! અરે, રણક્ષેત્રમાં જ અર્જુનને ગીતા સંભળાવે છે અને ક્ષત્રિયના સ્વધર્મ અનુસાર યુદ્ધ કરવા તેને પ્રવૃત્ત કરે છે! શ્રીકૃષ્ણ સ્વયં આ ભયંકર યુદ્ધ ઊભું કરવાના નિમિત્તરૂપ હોવા છતાં પોતે કેવા નિષ્કર્મા રહે છે! તેમણે હથિયાર ઉપાડ્યાં જ નહિ! શ્રીકૃષ્ણ ચરિત્રના ગમે તે પાસાને જુઓ, તમને તે સંપૂર્ણ જ લાગશે. જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ આદિ તમામનાં જાણે તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા! આજના યુગમાં શ્રીકૃષ્ણનાં આ પાસાંનો ખાસ અભ્યાસ કરવા જેવો છે…

આજે જરૂર છે ગીતારૂપી સિંહનાદ કરતા શ્રીકૃષ્ણની, ધનુષબાણધારી શ્રીરામચંદ્રની, મહાવીર હનુમાનની અને મા કાલીની ઉપાસનાની. ત્યારે જ તો લોકો મહાન ઉત્સાહથી કાર્યરત બની, શક્તિશાળી થશે. આ બાબતનો મેં ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે અને હું એવા નિર્ણય પર આવ્યો છું કે આજે આ દેશમાં જે લોકો ધર્મનો ઉપદેશ આપે છે અને તે વિશે વાતો કરે છે, તેમાંના મોટા ભાગના લોકો ચસકેલ મગજના કે ધર્માંધતા જેવી વિકૃતિવાળા હોય છે. રજોગુણને પુષ્કળ પ્રમાણમાં ખીલવ્યા સિવાય તમારું આ લોકમાં કે પરલોકમાં પણ કંઈ વળવાનું નથી. દેશ આખો ઘોર તમોગુણમાં ગરકાવ થઈ ગયો છે. અને આનું પરિણામ છે આ જીવનમાં ગુલામી અને પરલોકમાં નરક!

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૮૭)

કૃષ્ણને માટે જે જે વિશેષણો વાપરવામાં આવતાં તે બધાંને તેઓ (ગોપીઓ) ધિક્કારતી. કૃષ્ણ આ સૃષ્ટિના કર્તા છે એ જાણવાની તેઓ પરવા ન કરતી; એ સર્વશક્તિમાન છે એ જાણવાની તેમને પરવા નહોતી; તે સર્વ કંઈ કરી શકે છે એ જાણવાની એમને પડી નહોતી. જે એક જ વસ્તુ તેઓ સમજતી હતી તે એ કે કૃષ્ણ અનંત પ્રેમરૂપ છે. બસ, એટલું જ!

ગોપીઓ કૃષ્ણને કેવળ વૃંદાવનવિહારી કૃષ્ણ તરીકે જ ઓળખતી. લોકોનો નેતા અને રાજાઓનો રાજા એવો એ, ગોપીઓની પાસે સદાને માટે ગોવાળિયો અને ગોવાળિયો જ હતો. ‘હું ધન નથી ચાહતો, કીર્તિ નથી ઇચ્છતો, નથી વિદ્યાની વાંછના રાખતો. ભલે મારે વારંવાર જન્મ લેવો પડે, પણ પ્રભો! તું એટલું આપ કે મારો તારામાં પ્રેમ રહે અને તે ય પ્રેમની ખાતર પ્રેમ.’

ધર્મના ઇતિહાસમાં એક જબરું સીમાચિહ્ન અહીં છેઃ પ્રેમની ખાતર પ્રેમ, કર્મની ખાતર કર્મ, ફરજની ખાતર ફરજ! એ આદર્શ ભારતની ભૂમિ પર અવતારશ્રેષ્ઠ શ્રીકૃષ્ણના મુખમાંથી પહેલી વાર અને માનવજાતના ઇતિહાસમાં પણ પહેલી જ વાર બહાર પડ્યો. ધર્મમાં ભય અને લાલચના ખ્યાલો સદાયને માટે પરવારી ચૂક્યાઃ અને નરકનો ભય તથા સ્વર્ગના ભોગની લાલચો હોવા છતાં પણ પ્રેમની ખાતર પ્રેમનો, કર્તવ્યની ખાતર કર્તવ્યનો, કર્મની ખાતર કર્મનો, ભવ્યમાં ભવ્ય આદર્શ ઊતરી આવ્યો.

ગીતામાં આદર્શને કેવી રીતે પહોચવું એ શિષ્યને ધીમે ધીમે શીખવવામાં આવે છે, પરંતુ અહીં તો આનંદની મસ્તી છે, પ્રેમનો નશો છે; અહીં શિષ્યો અને ગુરુઓ, ઉપદેશો, ગ્રંથો અને આ બધી વસ્તુઓ, તેમજ ભય, ઈશ્વર અને સ્વર્ગના ખ્યાલો સુધ્ધાં એક થઈ ગયા છે. એકેએક ચીજ ઊડી ગઈ છે; બાકી રહી છે માત્ર પ્રેમની મસ્તી.

એમાં સર્વ કંઈનું વિસ્મરણ છે; એમાં પ્રેમીને કેવળ કૃષ્ણ અને કૃષ્ણ વિના બીજું કંઈ જ જગતમાં દેખાતું નથી. ત્યારે એકેએક વસ્તુનો ચહેરો એક એક કૃષ્ણ થઈ રહે છે, ત્યારે તેને પોતાનો ચહેરો કૃષ્ણના જેવો લાગે છે, ત્યારે તેનો આત્મા કૃષ્ણના રંગે રંગાયેલો બની જાય છે. એવા હતા મહાન શ્રીકૃષ્ણ!

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૪૨)

કૃષ્ણના અવતારસ્વરૂપ પરમાત્માએ હિંદુઓને જણાવ્યું છે કે: ‘જુદાં જુદાં મોતીઓની માળામાં દોરાની પેઠે હું દરેક ધર્મમાં પરોવાયેલો છું. જ્યાં જ્યાં તું કોઈ અસાધારણ પવિત્રતા તથા માનવજાતને ઊંચે લાવતી અને શુદ્ધ કરતી અસાધારણ શક્તિ જુએ, ત્યાં ત્યાં તું માનજે કે હું રહેલો છું.’

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૯)

એમણે (કૃષ્ણએ) શીખવ્યું કે આ જગતમાં માણસે કમળપત્રની જેમ રહેવું જોઈએ. જેમ કમળપત્ર પાણીમાંથી જ ઊગે છે અને છતાં પાણીથી એ કદી ભીંજાતું નથી, તેમ માનવીએ જગતમાં રહેવું જોઈએ. એનું હૃદય પરમાત્મામય થવું જોઈએ અને એના હાથ કાર્યરત રહેવા જોઈએ.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૨)

હંમેશાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે ભક્તિભાવ રાખશો. હંમેશાં યાદ રાખશો કે આપણે તો ઈશ્વરના હાથમાં રમકડાં માત્ર છીએ. સદાય પવિત્ર રહેશો, વાણી, વર્તન અને વિચારમાં પણ અપવિત્ર ન થવાય તેની કાળજી રાખશો.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૬ પૃ. ૮૧)

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.