(ગતાંકથી આગળ)
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કહ્યું છે.)
બીજી વાત એ છે કે આપણે ત્યાં પ્રસરેલી આધ્યાત્મિક પરંપરાઓના સામ્રાજ્યમાં બૌદ્ધિક સિદ્ધિઓ અને આધ્યાત્મિક માહિતીઓનો એક ભવ્ય ખજાનો છે, છતાં આપણને એમાં પરસ્પર ભારે વિરોધ જણાય છે. આપણને જણાતા આ બધા દેખીતા અને કહેવાના વિરોધોને જો સમુચિત રીતે ગોઠવવામાં આવે તો એમાંથી એક ભવ્ય, પૂર્ણ અને ભાતીગળ વૈશિષ્ટ્ય જન્મી શકે છે. આ પ્રકારનો વિચાર આપણામાંથી કોઈ વૈજ્ઞાનિક માનસ ધરાવનારે કરવો રહ્યો! તો એવું કોઈ અંત:સૂત્ર કે સર્વાનુસ્યૂત સત્ત્વ છે ખરું કે જે આ વિવિધ વિચારોને વીણી-વીણીને એને એવી રીતે ગૂંથી બતાવે કે બધી વિવિધતા સમુચિત રીતે ગોઠવાઈને એક અખંડ અને ભવ્ય સૌન્દર્ય પ્રકટ કરે
આ બન્ને પડકારોનો જવાબ આપવાનો સમય હવે પાકી ગયો છે. એ જવાબથી પહેલાં તો આપણે પોતે જ સમાધાન મેળવવાનું છે અને ત્યાર પછી અન્યને એ ગળે ઉતરાવવું પડશે કે તેમને કહેવામાં આવ્યા પ્રમાણે આ સંસ્કૃતિ કંઈ જાદુ કે નિરર્થક વહેમ નથી જ. છેવટે, જે રીતે ભૌતિક વિજ્ઞાનીઓએ જીવનધોરણની ભૌતિક સુધારણાને પોતાનું નક્કર અને અસરકારક પ્રદાન સિદ્ધ કરી બતાવ્યું, તે જ રીતે આપણી પાસે એવો કોઈ છે ખરો કે જે આપણા જ્ઞાનરાશિને રોજબરોજના જીવનમાં રૂપાન્તરિત કરે અને જીવનની પોતાની જ ગુણવત્તાને, જીવનની ભૌતિક ગુણવત્તાની પેલી પાર, એટલે કે આધ્યાત્મિક મૂલ્યો સુધી લઈ જાય!
આપણી સંસ્કૃતિ – સભ્યતા સામેનો સૌથી મોટો અને સૌથી આધુનિક પડકાર આપણી મૂલ્યનિષ્ઠ જીવન પદ્ધતિ છે. પ્રતિપક્ષીઓ વારંવાર કહ્યા કરે છે કે જીવનમાં ધારણ કરીને અનુસરી શકાય એવાં જીવનમૂલ્યો જ આજે કોણ જાણે ક્યાં ખોવાઈ ગયાં છે?
આ માટે પહેલાં આપણે એ સમજી લઈએ કે માનવસમાજમાં આ મૂલ્યનિષ્ઠ જીવનરીતિ કેવો ભાગ ભજવી શકે છે? આપણે માટે બે અલગ-અલગ પ્રકારનાં મૂલ્યો હસ્તી ધરાવે છે. એક છે શાશ્વત તત્ત્વજ્ઞાનનું મૂલ્ય અને બીજું છે પરિવર્તનશીલ વિશ્વનું મૂલ્ય. વિશ્વ તો એના જ્ઞાનના સીમાડાઓ એટલી બધી ઝડપથી બદલતું રહે છે કે એની પૂરી ભાળ મેળવવી કે એની સમાજ અસર જાણવી, એ ભારે મુશ્કેલ વાત છે. પણ પેલાં બીજાં તત્ત્વજ્ઞાનનાં શાશ્વત મૂલ્યો તો અકબંધ અને અખંડિત જ હોય છે. આ મૂલ્યોની સમજણ બીજું કશું નથી, પણ અપરિવર્ત્ય શાશ્વત વિચારો અને પરિવર્તનશીલ વિશ્વ વચ્ચેનો એ એક સેતુ છે એટલે શાશ્વત તત્ત્વજ્ઞાનના પૂર્ણ સ્વરૂપ સાથે કશીય તડજોડ કર્યા વગર, સમાજની આવશ્યક્તાનુસાર જીવનમૂલ્યોનું અનુકલન થવું જોઈએ.
આજે આપણા દેશ સામે પાંચ પડકારો ખડા છે, ભૌતિક, વેપાર વિષયક, આર્થિક, સામાજિક અને છેવટે આધ્યાત્મિક – આ બધી રીતે આપણા દેશે વિશ્વના અતિ વિકસિત દેશોની હરોળમાં ઊભું રહેવાનું છે અને એની સાથોસાથ જ એણે પોતાની ભૂમિના આધ્યાત્મિક વિજ્ઞાનીઓના શાણપણનો સંદેશ પણ બાકીના વિશ્વને શિખવવાનો છે. આપણા ભારતીય રાષ્ટ્રનો હેતુ કેવળ પોતાની દરિદ્રતા દૂર કરવાનો જ નથી, પણ એની સાથોસાથ એના પર લાગેલા જણાતા કાટને અને ભેજને દૂર કરવાનો પણ આપણે પ્રયત્ન કરવાનો છે અને એને વિશ્વના એવા ઉચ્ચતમ સ્થાને સ્થાપવાનો છે કે જેથી આખુંય વિશ્વ, આપણા દેશે સદીઓથી વારસારૂપે સાચવી-સંઘરી રાખેલાં શાણપણ અને આધ્યાત્મિક જીવનમૂલ્યોનો સન્માનપૂર્વક સ્વીકાર કરે.
તો હવે આપણે જોઈએ કે ઇતિહાસમાં આપણા દેશને ઉચ્ચતમ આધ્યાત્મિક ભૂમિકાએ લઈ જનાર કોઈ વિભૂતિ પ્રકટ થઈ છે કે કેમ? હા, બંગાળના અંતરિયાળ ભાગમાં આવેલા અને આધુનિક સભ્યતાના કશા સ્પર્શ વગરના એક નાનકડા ગામમાં ઈ.સ. ૧૮૩૬માં એવું એક વ્યક્તિત્વ પ્રકટ્યું હતું. બંગાળના બુદ્ધિજીવીઓના દિમાગમાં નવજાગરણનો ઝાંખો પ્રકાશ એ વખતે પથરાઈ રહ્યો હતો. રામમનોહર રૉયે સામાજિક વિષમતાની સુધારણા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા તેમજ લોકોના જ્ઞાનવર્ધન માટે તેમનાથી શક્ય એટલા બધા જ પ્રયત્નો પણ કરી છૂટ્યા હતા. તેમણે ‘સાધારણ બ્રાહ્મોસમાજ’ની સ્થાપના કરી. ત્યાર પછી કેશવચંદ્ર સેનની સુધારાની ચળવળે તત્કાલીન સમાજ પર જબરી અસર કરી. તે સમયના બુદ્ધિજીવીઓએ કોઈ એવી ભૂમિકા કે એવો મુદ્દો શોધવાના અથાક પ્રયત્નો આદર્યા કે જેના પર ઊભીને લોકો રાષ્ટ્રનો ઉદ્ગાર કરવામાં લાગી જાય.
બંગાળના ગ્રામીણ વાતાવરણમાં ઈ.સ.૧૮૩૬માં જન્મેલા આ મહાન આધ્યાત્મિક નેતા અને કેશવચન્દ્ર સેન, બન્ને સમકાલીન હતા. એમના જીવનનો વિસ્તાર કરવા હું રોકાઈશ નહિ અસંખ્ય પુસ્તકોમાં એ લખાયું છે અને મળે છે. હું તો તેમના જીવનમાંથી ઉદાહરણરૂપે કેટલીક એવી ઘટનાઓ અહીં મૂકવા માગું છું કે જે ઉપનિષદોના સિદ્ધાન્તોનાં પાયાનાં સત્યોની વિશિષ્ટ અનુભૂતિ ધરાવતી હોય તેમજ જાણે કે એનું ટૅક્નૉલોજીમાં સ્વરૂપાન્તર કરી દેતી હોય!
તેઓ તેમના જ્યેષ્ઠ બંધુ સાથે કલકત્તા આવી વસ્યા અને ગંગાકાંઠે આજેય વિદ્યમાન વિખ્યાત દક્ષિણેશ્વર મંદિર ઉદ્યાનના ભવ્ય મંદિરના પૂજારી તરીકે આજીવિકા માટે રહ્યા. તેમણે પૂરી ગંભીરતાથી પૂજારીપદ સ્વીકાર્યું. તેઓ કંઈ બહુ ઝાઝું ભણ્યા ન હતા. ફક્ત રોટલો રળી આપતી કેળવણી તો તેમણે નકારી કાઢી હતી. આમ છતાં તેઓને શાન્તિદાયક શિક્ષણમાં રસ હતો. જગતમાં બે પ્રકારની વિદ્યા (કેળવણી) છે: ‘પરાવિદ્યા’ અને ‘અપરાવિદ્યા’. એમાં ‘અપરાવિદ્યા’ એ પ્રાકૃતિક-ભૌતિક જ્ઞાન છે અને દુનિયામાં સામાન્ય રીતે એ જ વિદ્યા ભણાય-ભણાવાય છે અને બીજું ‘પરાવિદ્યા’નું જ્ઞાન છે. એ વ્યક્તિને જગતની સાથેની એકાત્મતાની અનુભૂતિ કરાવે છે – એના દ્વારા અવિનાશી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે… એટલે શ્રીરામકૃષ્ણે એ સ્વીકારી અને દિવ્ય જગદંબા ભવતારિણી કાલી-સ્વરૂપિણી વિશ્વશક્તિને એ માટે વારંવાર પ્રાર્થના કરતા રહ્યા.
તેમની પાસે વધારે ભણતરની તો કોઈ ભૂમિકા ન હતી. પણ તેમની પાસે અન્યન્ત આવશ્યક એવી બે વિશિષ્ટતાઓ હતી. એક તો પોતાના ઉદ્દેશ માટેની નિષ્ઠા અને બીજી પોતાના ઉદ્દેશ પ્રત્યેની દૃઢતમ ભક્તિ અને શ્રદ્ધા. આ બન્ને સાથે તેમણે પૂજા વિધિ શરૂ કરી. પણ તેમણે એ પૂજાવિધિને પોતાના હૃદયમાં ઉછળતા ઘસમસતા ભાવોની અભિવ્યક્તિ કે પ્રકટીકરણરૂપે જ ગુણી. તેઓ જ્યારે દેવીને ભોગ ધરતા ત્યારે તેમને ખરેખર એવું લાગતું કે જાણે તેઓ માતાને ખવરાવી રહ્યા છે અને એમાં જ્યારે એમને કોઈ પ્રતિસાદ ન મળતો, તો કહેતા: “મા, તું મારાથી વિમુખ કેમ છે? શું હું અભણ, ગરીબ અને દીનહીંન છું, તેથી મારી તું ઉપેક્ષા કરવા તત્પર છે?” તેમને બાહ્ય આકારથી સંતોષ ન હતો. તેઓ એ આકારના મૂળ સત્ત્વ સુધી પહોંચ્યા હતા. તેમને ઉપચાર અને પૂજાના વિધિવિધાનમાં હવે રસ રહ્યો ન હતો. તેઓ તો એ વિધિવિધાનના સારતત્ત્વના પારખુ હતા. પાષાણમૂર્તિમાં પણ તેમણે એવો તો હૃદયનો વિકસિત પ્રેમભાવ રેડ્યો હતો કે એ પાષાણમૂર્તિ પણ જીવતીજાગતી બનીને એમની સામે પ્રત્યક્ષ ખડી થઈ ગઈ! તેઓ હવે એનો વિરહ સહન કરી શકતા નહિ. એકવાર ભારે નિરાશાથી તેમણે પોતાના જીવનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો. એમને લાગ્યું કે જગદંબાને પોતાની માતા તરીકે લેખવાના જ્ઞાન વગરનું જીવતર નકામું છે. એ વખતે એમનામાં આવાં જીવનવલણો હતાં.
તેમણે પોતાની આ સૂઝનું ભાવતત્ત્વ પકડ્યું: “શું ઈશ્વર છે?” એમણે વિચાર્યું કે જો જગદંબા જેવી કોઈ દિવ્ય શક્તિ હોય તો તેમણે એને નક્કર સ્વરૂપે પિછાણવી જ જોઈએ અને એક દિવસે જગદંબાની મૂર્તિના હાથમાં ધારણ કરેલા ખડગથી તેમણે પોતાના જીવનનો અંત લાવવાની ઇચ્છા કરી અને તેમના ભાવાવેશની તાતી તીવ્રતા, તેમની અડગ શ્રદ્ધા, તેમના નિર્દોષ અને નિર્દેશ શિષ્ટ ચારિત્ર્યને લીધે એ અણીને વખતે સાક્ષાત્ જગદંબાએ એમને દર્શન આપવાં જ પડ્યાં!
તેમણે આ કોઈના કશા માર્ગદર્શન વગર જ કર્યું હતું. અહીં બુદ્ધનું વચન યાદ આવે છે: “તમારા નિર્વાણ માટે તમે પોતે જ પ્રયત્ન કરો, અન્ય પર આધાર ન રાખો. વચ્ચેના કોઈ લવાદ વગર કેવળ તમે જ તમે તમારી આધ્યાત્મિક અને માનસિક સમસ્યાઓને હલ કરી શકશો. આમ, આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણદેવની પહેલી અનુભૂતિ આ પ્રકારની હતી. અને ત્યાર પછી તો બાર વરસના ટૂંકા ગાળામાં અગણિત પ્રયોગો અને સાહસોની યાત્રા થઈ. આધ્યાત્મિકતા અને જ્ઞાનની અતિતીવ્ર તાલાવેલી તેમને એવી તો લાગી હતી કે એક પંથથી બીજા પર તેઓ વાવાઝોડાંની ગતિએ ચાલ્યા. હિન્દુ વિચારધારાની તંત્રથી માંડીને ઠેઠ ‘વેદાન્ત’ની ઊંચાઈ સુધી અને વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, બૌદ્ધધર્મ, જૈનધર્મની જ્ઞાનશાખાઓ, ખ્રિસ્તીધર્મ અને ઈસ્લામ સહિત અન્ય માર્ગો પર પણ તેમની ગતિ ફરી વળી.
તેમની આ સાધનાયાત્રાની સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે તેમણે જ્યારે કોઈ માર્ગની સાધના પૂરી કરીને અનુભૂતિ પ્રાપ્ત કરી લીધી હોય, ત્યાં તો કોણ જાણે ક્યાંથી દૈવવશાત્ અન્ય માર્ગનો ઉપદેશક હાજર જ થઈ જતો! આમ, દક્ષિણેશ્વરનો મંદિર-ઉદ્યાન જાણે કે સમસ્ત માનવજાતના ધર્મમાર્ગોની સત્યતા અને એના પ્રયોગો કરવાની પ્રયોગશાળા જ બની રહ્યો! દરેકેદરેક અધ્યાત્મમાર્ગની અનુભૂતિ અને ભારતને જાણીતા એવા બધાના સારતત્ત્વને પામવામાં એમને ફક્ત બાર જ વરસ લાગ્યાં. આપણને મુગ્ધ કરી દે તેવી વાત તો એ છે કે આ બધા પંથોની સાધના તેમણે કશા પૂર્વગ્રહ, દુરાગ્રહ કે મમતા વગર જ કરી. તેઓ તો વૈજ્ઞાનિક દૃષ્ટિ રાખીને સાક્ષીભાવે જ રહ્યા. ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ નામે લખાયેલું તેમનું વિખ્યાત જીવનચરિત્ર આ બધું સારી રીતે પ્રકટ કરે છે. ઘણી ભાષાઓમાં એનાં ભાષાન્તરો થયાં છે. મૂળ એ બંગાળીમાં લખાયેલું છે.
‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં તેમણે કરેલા કેટકેટલા આશ્ચર્યજનક પ્રયોગો આપણને મળે છે. એ બધા સંપૂર્ણ રીતે ‘પ્રયત્ન અને ભૂલ’ (ટ્રાયલ ઍન્ડ ઍરર)ની આધુનિક પરિભાષાના પાયા પર આધારિત છે અને તે બધાનાં તારણો તેમને થયેલી અનુભૂતિઓના પ્રમાણ પર આધારિત છે. તેમણે કહ્યું: “જગદંબાની મારા પર અપરંપાર કૃપા વરસી છે. એણે મને સત્યનાં સર્વ પાસાં દર્શાવી દીધાં છે” અને જ્યારે અવારનવાર કોઈ વિખ્યાત વિદ્વાન આવીને તેમની પાસે આપણા દેશમાં હજારો વર્ષોથી કરાતા આવેલા આધ્યાત્મિક પ્રયોગો પર રચાયેલા ગ્રંથોનું વાચન કરતા, ત્યારે તેઓ અત્યંત સરળતાથી કહ્યા કરતા કે, “અરે, ના, રે, જગદંબાએ તો આ બાબત મને આથી જુદી રીતે, અમુકતમુક રીતે જ બતાવી આપી છે.” જુઓ તેઓ કેટલા બધા સ્પષ્ટ, કેટલા વૈજ્ઞાનિક, કેટલા અનુભવસિદ્ધ, કેટલા તર્કંસંગત અને કેટલા બધા પદ્ધતિસર હતા?
પરન્તુ, શાસ્ત્રો કહે છે કે આવા પ્રખર આધ્યાત્મિક પ્રતિભાથી સંપન્ન પુરુષને પણ જ્યાં સુધી એ શાસ્ત્રવિહિત સર્વ સાધનાઓમાંથી પસાર ન થાય, ત્યાં સુધી પોતાના જીવનના ચરમ ઉદેશનો તેમજ પોતાના જીવનની હસ્તીના રહસ્યનો પૂરો ખ્યાલ આવી શકતો નથી. સાધનાઓમાંથી પસાર થયા પછી જ વિશ્વ સાથેની એકાત્મતાની સહજ પરમ અનુભૂતિ કામ કરી શકે અને સાધનામાંથી પસાર થયા પછી જ દિવ્ય શક્તિનાં શક્ય સકલ સ્વરૂપોનો સાક્ષાત્કાર થઈ શકે અને ત્યારે જ એ પેલા પ્રતિભાવંત પુરુષને પરિતોષ આપી શકે છે.
જ્યારે તેમના મનમાં પોતાના માનવશરીર અને માનવરૂપના હેતુનો વિચાર સ્પષ્ટ થઈ ગયો ત્યારે જગદંબાએ તેમને ‘ભાવમુખ’માં રહેવા માટે થોડોક વધુ પ્રયત્ન કરવાનું કહ્યું હતું, તે આપણે જાણીએ છીએ. આ ‘ભાવમુખ’ સંસ્કૃત ભાષાની એક સુંદર વિભાવના છે. એમાં સભાનતાની માનવીય કક્ષા એટલી બધી ઊંચે પહોંચી ગઈ હોય છે કે જો તમે એની એક તરફ વળીને જુઓ તો આ વિશ્વની ઘટમાળ છે અને એની પ્રત્યેક ઘટના પોતાની ભીતરનું મહત્ત્વ પ્રકટ કરતી રહે છે. જો કે તે વખતે તમે દિવ્યતત્ત્વથી વેગળા તો હોતા જ નથી, પણ પ્રત્યક્ષ નિરીક્ષણમાં આ ઘટનાઓ જ એ બાજુએ ખૂબ મહત્ત્વ ભોગવતી હોય છે. પરંતુ જો તમે બીજી બાજુ જરાક વળીને નિહાળો તો તેમને તમે પોતે નિરાકાર-નિર્ગુણ-નિરુપાયિક બ્રહ્મ સાથે એકીભૂત થયેલા, અનંત સાથે ભળી ગયેલા અનુભવશો. સભાનતાની આ સીમા રેખાને જ ભાવમુખ એવું નામ આપવામાં આવ્યું છે. જગદંબાએ પોતાના બાળકને સૂચવ્યું: “જો, દેહના અંતનો વિચાર કરીશ મા, તારી સભાનતાને તું એ સ્તર સુધી જાળવી રાખજે કે જ્યાં તને મારો સ્પર્શ તો સદાય મળતો જ રહે અને એની સાથેસાથે જ તારી ભૌતિક હસ્તીની દુનિયાની અવગણના પણ ન થાય.” શ્રીરામકૃષ્ણે તપસ્યા દ્વારા પોતાની સભાનતાના ભાવસ્તરને એટલી ઊંચી કક્ષાએ લઈ ગયા કે તેઓ સર્વદા જગદમ્બાના સાન્નિધ્યમાં રહેતા, વિશ્વના દિવ્ય સ્રોત સાથે સંવાદ સાધતા રહેતા, એ અનંત શક્તિના પૂર્ણ રૂપમાં તેઓ પોતાને લયલીન કરી શકતા અને છતાં માનવજાતના કલ્યાણ માટે આ દુનિયાની ઘટમાળમાં ઊતરી આવનારી તમ પણ તેઓ ધરાવતા હતા.
શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: “મને લાગ્યું છે કે વિશ્વના દરેકે-દરેક પંથનું ઉપદેશેલું દરેકે-દરેક સભ્ય, એ પરમસત્યને પહોંચવાનું પગથિયું છે.” પરસ્પર વિરોધી દેખાતા, ઊગતા-આથમતા અનેક વિચારોનાં જાળાંમાં શ્રીરામકૃષ્ણે પોતાની અનુભૂતિની ઉદ્ઘોષણા કરી કે કોઈપણ ધર્મ વિચાર અદિવ્ય નર્થી; અને એની કોઈ પણ પદ્ધતિ આધ્યાત્મિકતા વિહોણી નથી; દરેકેદરેક વિષય અને વિચાર એ દિવ્યની જ અભિવ્યક્તિ છે. એની દરેકેદરેક ઉપદેશેલી પદ્ધતિ એ આધ્યાત્મિક સારતત્ત્વ તરફનું ઉત્ક્રાન્તિકારી પગલું છે.
આવી ઉદ્ઘોષણા તો કોઈ મહાન પ્રાજ્ઞપુરુષ જ કરી શકે. કારણ કે એવા પરમપુરુષમાં આપણી નજરમાં આવતા વિવિધ પદાર્થોની સંવાદિતા સાધવાની સદૈવ અભીપ્સા હોય છે. જો કે એ કંઈ સાવ સીધી-સાદી વાત નથી.
આપણે જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણમાં એક જ સપાટે ‘યોગજબુદ્ધિ’ નામે ઓળખાતી આ પ્રજ્ઞાપૂત અનુભૂતિ પ્રક્ટ થઈ હતી અને તેમણે આપણને અભિનવ ઉદીયમાન ઉત્ક્રાન્ત વિચારપ્રક્રિયાઓની નક્કર વિભાવના આપી. એ બીજું કશું નહિ, પણ દબાયેલા અને કકળતા માનવહૃદયની આતુરતાનો પ્રતિસાદ જ હતો! ગમે તે પરિસ્થિતિમાં અને સમાનતાના ગમે તે સ્તરમાં હોઈએ તો પણ આપણામાંનો દરેકે-દરેક એક મહાપ્રવાહનો જ તરંગ છે, ભલે આપણે એ જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ! એટલે આપણી તાતી જરૂર તો એ છે કે આપણી ઉત્ક્રાતિની ધીમી ગતિને આધ્યાત્મિક ક્રાન્તિ સ્વરૂપે વેગવંતી બનાવી દઈએ. શ્રીરામકૃષ્ણને આ જ કહેવાનું હતું. ઉપનિષદકાળમાં વર્ણિત સત્યનું આવું પ્રદર્શન, વર્ગીકરણ અને નક્કરતા બીજે ક્યાંય નહિ મળે! એ બધું આપણા આ પરમપુરુષમાં, ભારતના આ સંતમાં, દક્ષિણેશ્વરના આ સાધુજનમાં જ સોંપડશે. અહીં જ આપણને ધર્મનાં પાયાનાં સભ્યો અને આધ્યાત્મિક સત્યો મળશે. એ સત્યો કેવળ ભારતનાં જ નહિ સમસ્ત આર્યસભ્યતાનાં, ખ્રિસ્તીધર્મનાં, ઈસ્લામનાં છે અને એ બધાં જ અહીં પૂર્ણ રૂપે પ્રકાશિત થયાં છે. આ છે શ્રીરામકૃષ્ણનું જીવન, એક અનન્ય ઉદાહરણ, પૂર્ણપ્રકાશમય અને ઉલ્લેખનીય જીવન!
જ્યારે લોકો તેમની પાસે આવીને વેદો, ઉપનિષદો, ગીતા અને અન્ય આધ્યાત્મિક ગ્રંથો અવારનવાર વાંચતા ત્યારે પ્રસંગોપાત તેઓ પોતાની છાતી પર હાથ મૂકીને કહેતા: “જુઓ, અહીં શું થયું છે?”, “એમાં જે કંઈ કહ્યું છે તે બધું અહીં અનુભવાઈ ચૂક્યું છે.” તેમની પાસે બેસીને વાંચતા લોકો એનો અર્થ સમજતા નહિ. તેમનો કહેવાનો મતલબ તો એ હતો કે તેમની હૃદયની અનુભૂતિઓ ઉપનિષદોનેય ઓળંગી ગઈ છે. શ્રીરામકૃષ્ણના આ કથનના સમર્થનમાં તેમના જીવનમાંથી હું એક ઉદાહરણ આપીશ. વિશ્વને કદીય ન થયેલો નક્કર આધ્યાત્મિક પ્રકટીકરણનો એ ઉત્કૃષ્ટ ઉદાત્ત અને ઉચ્ચતમ નમૂનો છે.
અનુભૂતિનાં બાર વરસો પસાર કર્યાં પછી અને વિશ્વેક્યની સ્પષ્ટ અને પૂર્ણ અનુભૂતિ સ્થિર થયા પછી એકવાર સાંજે ગંગાકાઠે ફરવા જતી વખતે પોતાના ઓરડામાંથી જ નાવઘાટ જોયો. ત્યાં નાવો બંને કાંઠાના મુસાફરોને લઈને આવજા કરતી રહેતી. તે દિવસે રવિવાર હતો. મુસાફરોની ઝાઝી ભીડ ન હતી. દરેક નાવિક રોટલો રળવા ઉત્સુક હતો. તેમાંના બેએ એક ગ્રાહકને પકડ્યો અને દેખીતી રીતે જ પોતાની રોજી મેળવવા પોતાની નાવમાં બેસાડવા મારામારી કરવા લાગ્યા. પરિણામે એક જણે મગજ ગુમાવીને બીજાની પીઠ પર એવો તો જોરદાર ઘા કર્યો કે એનાથી સોએક ફૂટ દૂર ઊભા રહીને આ બધું જોઈ રહેલા શ્રીરામકૃષ્ણ ખૂબ રડી ઊઠ્યા અને એ સ્વાનુભૂત પીડાથી કણસવા લાગ્યા. તેમનો હંમેશનો દેખભાળ કરનારો ભાણેજ હૃદયરામ એ વખતે જરા દૂર હતો. તેણે આ દુ:ખચીસો સાંભળી કે તરત જ તે દોડતો આવ્યો અને પૂછવા લાગ્યો: “તમને શું થયું છે, મામા? તમે શા માટે બૂમો પાડો છો?” શ્રીરામકૃષ્ણે રડતાં-રડતાં કહ્યું: “જો, હૃદય, મને શું થયું છે, તે તું જો.” એમ કહી તેમણે પોતાની પીઠ ફેરવી અને હૃદયે શ્રીરામકૃષ્ણની પીઠ પર કાળા પડી ગયેલા લોહીવાળા સૉળ જોયા! હૃદયે રોષે ભરાઈને પૂછ્યું: “તમને આ કોણે કર્યું?” હું એની ડોક મરઘીની ડોકની જેમ મરડી નાખીશ. કહો, કહો મને તમને આ કોણે કર્યું છે?” ત્યારે શ્રીરામકૃષ્ણે સહજ સરળતાથી કહ્યું: “જો, હૃદય, કોઈએ મને કશું જ કર્યું નથી. હું તો એ બનાવ જોઈ રહ્યો હતો અને મને આવું થયું. ભૌતિક વિશ્વ સાથે જગદંબાની કેવી એકસ્વરૂપતા છે!
આજે મૂળ પદાર્થવિજ્ઞાનીઓ એવો ગર્વપૂર્વક દાવો કરે છે કે મૂળપદાર્થવિષયક જે-જે સિદ્ધાંતો તેમણે પ્રતિપાદિત કર્યા છે, તે બધાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરવાની સાધનસંપત્તિ પણ તેમની પાસે છે. આગળ કહ્યા પ્રમાણે ભારતની આધ્યાત્મિક જીવનસરણી સામેનો એ એક પડકારપ્રશ્ન છે. આપણે એનું વિશ્લેષણ કરવાનું છે. શ્રીરામકૃષ્ણમાં શું બન્યું હતું? તેઓ ફક્ત ઈન્દ્રિયગ્રાહ્ય તેમ જ ચાલી રહેલી ઘટનાની પ્રક્રિયાઓને જ નિહાળી રહ્યા હતા અને તેઓ એમાં એટલા બધા ઓતપ્રોત, એકાકાર અને પોતાના ભૌતિક શરીરમાં રહેલા ‘સમષ્ટિ મનસ્’થી નિહાળતા બની ગયા હતા કે તે ‘સમષ્ટિ મનસ્’ દ્વારા પેલાની પીડા જ તેમનામાં સંક્રાન્ત થઈ ઊઠી અને શ્રીરામકૃષ્ણની પીઠ પર તદ્રુપ થઈને ભૌતિક સ્વરૂપે પ્રતિબિંબિત થઈ ગઈ! આ વાતનો દાર્શનિક પુરાવો છે અને શ્રીરામકૃષ્ણનું પોતાનું પણ કથન છે, એટલે આપણે માટે એ ન માનવાનું કશું કારણ રહેતું નથી.
(ક્રમશ:)
Your Content Goes Here




