(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક The Spiritual Heritage of Indiaમાંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)

સમૃદ્ધ જીવન જીવવા માટે ધાર્મિક, આધ્યાત્મિક અને નૈતિક વિચારોનું મહત્ત્વ કેટલું છે, તે આપણે જાણીએ છીએ; કારણ કે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાંથી એની ભાળ આપણને મળી રહે છે. એ ઇતિહાસમાં ઉપનિષદોની ઉચ્ચતમ વિચારસરણી પણ આપણે જોઈ છે, અને એવા કર્મકાંડી પુરુષો પણ જોયા છે કે જેમણે કેવળ સ્વપ્નસેવી ન રહેતાં પોતાના જીવનમાં કશુંક કરી છૂટવા યજ્ઞની વિભાવના અને અન્ય નાનાંમોટાં વ્રતો વિકસાવ્યાં. પ્રકૃતિપૂજકોએ પ્રાકૃતિક ઘટનાઓમાંથી અનેકાનેક દેવદેવીઓને નિપજાવવાની અપરિમિત શક્તિ મેળવી હતી; એની પણ આપણને ખબર છે. વળી, આપણે એ પણ જાણીએ છીએ કે પ્રખર બુદ્ધિજીવી લોકોના એક વર્ગે એક એવી પદ્ધતિ વિકસાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે જેથી બુદ્ધિને વધુને વધુ ઊંચે જવાની તાલીમ મળે કે જેથી બુદ્ધિજન્ય જ્ઞાન અને અંત:સ્ફુરિત અનુભૂતિ વચ્ચેની ખાઈ પુરાઈ જાય!

ભારતનાં સાંસ્કૃતિક ઇતિહાસમાં આ બધું થયા પછી મુખ્યત: બૌદ્ધધર્મ અને જૈનધર્મ જેવી અતિ મહત્ત્વની વિચારધારાઓ અને દર્શનો ખીલ્યાં છે. એણે એ સમયે ઈશ્વર કે ધર્મને નામે જે કંઈ ચાલી રહ્યું હતું એના વિરોધમાં ભારે પરિશ્રમપૂર્વકના વાગ્વૈભવથી માનવજીવન અને સમાજના નૈતિક અને સદાચારના સ્તર ઉપર ભાર મૂકતી એક એવી નવી જીવનપદ્ધતિ વિકસાવી હતી.

આપણે જાણીએ છીએ કે જૈનધર્મ અને બૌદ્ધધર્મનો પ્રારંભ ત્રીસ-પાંત્રીસ વરસના ટૂંકા સમયગાળામાં જ થયો હતો અને એ બન્ને એકબીજા સાથે ઘણું નિકટનું સામ્ય પણ ધરાવે છે, બન્ને ટૂંકા ગાળામાં જ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા હતા. પણ કેટલીક મૂળભૂત ગૂંચવણોને લીધે એક વખત ભલે બૌદ્ધધર્મ પોતાની જન્મભૂમિમાંથી બહુ અવગણનાપૂર્વક હાંકી કઢાયો હતો; પરન્તુ પછીથી ભારતના સર્વસમન્વયાત્મક સક્ષમ હૃદયે એનો સ્વીકાર કરી લીધો.

બૌદ્ધધર્મના જેવા જ નૈતિક અને સદાચારી પાયા પર ખડો રહેલો હોવા છતાં જૈનધર્મે આવી ઉપેક્ષા અનુભવી નથી. હકીકતે, આજેય જૈનધર્મ ભારતમાં એક જીવંત બળ છે. બૌદ્ધધર્મની જેવી અવમાનના થઈ, એનાથી જૈનધર્મ બચી ગયો, એનું કારણ શું હશે? આ બાબતોનો વિચાર કરતાં એવું જણાય છે કે ભલે જૈનધર્મે વેદપ્રામાણ્ય સ્વીકાર્યું ન હોય, ભલે એણે યજ્ઞો અને વિધિવિધાનોને નામે જે કંઈ ચાલી રહ્યું હતું, એનો અનાદર કર્યો હોય, છતાં એના વ્યવહારદક્ષ અનુયાયીઓએ આ પરંપરિત પ્રવાહો સાથે ક્યારેય સંઘર્ષ કર્યો નથી. આ સહિષ્ણુતા આ દેશના લોહીમાં હતી. એટલે દેશની બીજી પ્રચલિત પંરપરાઓને જૈનોએ સ્વીકારી લીધી. પણ એમણે પોતે તો જીવનના નૈતિક અને સદાચારી વલણ પર જ ખૂબ ધ્યાન આપ્યું. અને એ પ્રક્રિયામાં તે બૌદ્ધિક્તાને છેક અવ્યવહારુપણાના ક્ષેત્ર સુધી લઈ ગયા.

આપણે જાણીએ છીએ કે એ જમાનામાં દેવીદેવતાઓને નામે યજ્ઞો અને હોમહવનો દ્વારા પૂજા ચાલ્યા કરતી અને એ દ્વારા લોકોના મનમાં પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરી લેવાનું તીવ્ર વલણ હતું. દેવોને નામે સત્તા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ ભેગી કરી લેવાની ભયંકર ઝંખના હતી. લોકોનાં આવાં રસ-રુચિ-વલણોને જૈનધર્મે ઉવેખ્યાં. સાચી રીતે તો કોઈપણ પ્રકારના પરિગ્રહને જૈનોએ અવગણ્યો. આવાં અપરિગ્રહી જીવનવલણોએ જ દિગંબર અને શ્વેતામ્બર જૈનસંપ્રદાયની વિભાવના ઉત્પન્ન કરી છે. પોતાના શરીર પર કપડાના એક નાનકડા ટુકડાનો પણ એ લોકો પરિગ્રહ કરતા નથી, કારણ કે તેઓ પોતાને જેવા ઈશ્વરે સજર્યા છે તેવા ને તેવા જ રહેવા માગતા હતા. અહીં આપણે એ ન જ ભૂલવું જોઈએ કે દરેકે-દરેક જીવનદર્શન ઉત્તમ અને ઉમદા આદર્શોથી જ પ્રેરાયેલું હોય છે. પણ જયારે એનો વિનિયોગ આખાય જનસમુદાયની જીવનરીતિમાં કરવામાં આવે છે, ત્યારે સમય જતાં એ જીવનદર્શનમાં સડો પ્રવેશી જાય છે. એટલે કોઈ તત્ત્વદર્શનમાં આપણને આજે કોઈ અણગમતી બાબત લાગતી હોય, તો તેમાં પેલા તત્ત્વદર્શનનો દોષ નથી. એ દોષ તો એવા સામાન્ય લોકોનો છે કે જેમણે પોતાના જીવનકાળમાં એને અનુસરવાનો અણઘડ અને શિથિલ પ્રયાસ કર્યો, અને પરિણામે એ જીવનદર્શનને જ બગાડી મૂક્યું.

શ્વેતામ્બરોએ પછી એવું વિચાર્યું કે બધી જ વસ્તુઓનો અપરિગ્રહ તો જરા વધારે પડતી વાત છે. એણે તો એમને માટે એક ઉત્પાત ઊભો કર્યો છે. એટલે એમણે પોતાનું શરીર ઢાંકવા, સીવ્યા વગરનું એક કપડું પૂરતું ગણ્યું પણ આ તડજોડ કરતી વખતેય એમનું જીવનવલણ તો એવું ને એવું જ અપરિગ્રહી હતું. એમનું તત્ત્વજ્ઞાન પણ એ જ અપરિગ્રહના પાયા પર ચણાયું હતું અને તે આ સ્વરૂપે અભિવ્યક્ત થતું હતું.

સાથોસાથ જૈનધર્મે ઉપદેશ્યું કે આ વિશ્વનો પ્રત્યેક અણુ સચેતન છે અને આપણને ઈશ્વરસર્જિત જીવનનો નાશ કરવાનો કોઈ અધિકાર નથી અને આમાંથી અહિંસાની વિભાવના એટલી હદ સુધી વિસ્તરી કે એ વખતે ભગવાનને નામે આખા દેશમાં નિર્દયપણે ચાલી રહેલાં યજ્ઞીય પશુબલિદાનોના ત્યાગમાં એ પરિણમી. અહીં આપણી આધ્યાત્મિક સંસ્કૃતિના ઇતિહાસના બીજા એક ખૂબ મહત્ત્વના પ્રવાહનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ પ્રવાહનો કાલખંડ મહાકાવ્યોનો યુગ હતો. રામાયણ, મહાભારત અને ગીતાનો એ યુગ હતો. ગીતા ભલે મહાભારતનો એક ભાગમાત્ર હોય, પણ એની વિશિષ્ટતાને લીધે એનો અલગ ઉલ્લેખ કરવો જોઈએ. તદુપરાંત, આ મહાકાવ્યયુગની સમાન્તરે જ ભારતનાં છ આસ્તિક દર્શનોની સ્પષ્ટતા અને વ્યવસ્થા કરવાની આવશ્યકતા પણ આ જ યુગમાં ઊભી થઈ હતી. તેથી સમગ્ર વૈદિક સાહિત્યમાંથી મળતા વિચારોની સમજૂતી અને નીતિધર્મના નિર્ણયના પ્રભાવી પરિસરમાં ખૂબ ભારે બૌદ્ધિક હોંસાતોંસી અને ઉથલપાથલની પ્રક્રિયાઓ શરુ થઈ અને અણીને વખતે કૌરવ-પાંડવના ઘોર ગૃહવિવાદે ભયંકર વિનાશકારી યુદ્ધ નોતર્યું.

મહાકાવ્ય મહાભારત તો પ્રજ્ઞાનો પારગામી મહાગ્રંથ છે. એનો શાન્તિપર્વ જો ધૈર્યપૂર્વક વાંચશો, તો આપણા દેશમાં એ વખતના સમાજમાં પ્રાજ્ઞપુરુષોએ કરેલા આચરણમાં ઉદાત્તતા જોવા મળશે. વેદો અને ઉપનિષદોમાં સૂત્રાત્મક રૂપે કહેલું સઘળું શાણપણ આ પ્રાજ્ઞપુરુષોના આચરણમાં નક્કર સ્વરૂપે મૂર્ત થાય છે. વળી, ત્યારે આ દેશમાં શ્રીકૃષ્ણવાસુદેવની ‘અવતારી પુરુષ’ તરીકેની વિભાવનાનો વિકાસ થયો. સામાન્ય માણસની પહોંચમાં ન જ આવી શકે તેવી આધ્યાત્મિક સૂક્ષ્મતાનો એ કાળની મહાન વિભૂતિઓએ પોતાના ઉમદા, પ્રજ્ઞાપૂત અને સુપ્રકાશિત ચારિત્ર્ય દ્વારા મૂર્ત કરી દેખાડી હતી.

ઔપનિષદિક સત્યના સુવિખ્યાત પુરસ્કર્તા શંકરાચાર્ય આઠમી સદીમાં જન્મ્યા અને એ પછી થોડા-થોડા સમયને અંતરે એ પરિપાટીમાં રામાનુજ, મધ્ય અને બીજા આચાર્યો થયા. એ વખતે આપણે આપણી સંસ્કૃતિના આધ્યાત્મિક વિચારોના સિદ્ધાન્તનિર્ણયો, વર્ગીકરણો અને મૂલ્યાંકન કરવાના યુગમાં આવ્યા અને ત્યાર પછી આપણે ઇતિહાસના મધ્યયુગમાં પ્રવેશ કરીએ છીએ.

અહીંથી આપણા પર પરદેશી પ્રભુત્વ શરૂ થયું અને એણે આપણા પર સ્થાપેલા સાંસ્કૃતિક વર્ચસ્વને લીધે આપણે માટેનો અંધકારયુગ આરંભાયો. આ સમયે તલવારને જોરે પઠાણોએ અને મોગલોએ આપણા ઉપર સત્તા ચલાવી. આમ છતાં સામાન્ય માણસ જ્યાં સુધી રાજયના કર ભરતો રહે, ત્યાં સુધી તો એ શાન્તિથી રહી શકતો ખરો. આવું થોડો સમય ચાલતું રહ્યું. આ સમયે સામાન્ય સ્થિતિ તો આવી જ રહી; પરન્તુ, અકબરના શાસનકાળમાં, થોડુંક શાહજહાંના રાજકાળમાં અને ખાસ કરીને દારા શિકોહના સમયમાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના નાના નાના ઝબકારાઓ થતા દેખાય છે. દારા શિકોહ શાહજહાંનો સૌથી નાનો પુત્ર હતો. વેદ-ઉપનિષદોનાં રહસ્યો સમજવા માટે એની પાસે ભારતીય પંડિતોનું એક મંડળ હતું. પણ ઝનૂની મુસલમાનોએ અને હિન્દુઓએ એનો સ્વીકાર કર્યો નહિ. છતાં પણ એણે ઉપનિષદોનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને એનું સારતત્ત્વ પારખ્યું. એણે ‘અલ્લાહ-ઉપનિષદ’ લખ્યું. એ લખવાની પાર્શ્વ ભૂમિકામાં એનો હેતુ ઈસ્લામના મુખ્ય મતનું પૃથક્કરણ કરવાનો હતો. એણે એ રીતે ઈસ્લામને ભારતીય વિચારપ્રક્રિયાના મુખ્ય પ્રવાહ સાથે ભેળવી દેવાનો પ્રયત્ન કર્યો. પોતાના એ વિચારના વિકાસ માટે એણે થોડોક સમય પણ ફાળવ્યો. કુરાનના અભ્યાસથી તેણે જાણ્યું મુસ્લિમોના શ્રદ્ધેય પરમતત્ત્વ અલ્લાહની વિભાવના તો ઉપનિષદોમાં કહેલી “સગુણ-નિરાકાર પરમતત્ત્વની વિભાવના કરતાં જરા પણ જુદી નથી. ઉપનિષદની પેઠે જ કુરાન પણ પરમતત્ત્વને રૂપવિહીન છતાં ઉદાત્તતા, દયા, કૃપા વગેરે દૈવી સદ્ગુણોથી યુક્ત માને છે! આ ‘અલ્લાહ’ને જ ભારતીય પરિભાષામાં ‘બ્રહ્મ’ કહેવામાં આવેલ છે! ‘અલ્લાહ ઉપનિષદ’માં આવા ખ્યાલો રખાયા છે. જો ઔરંગઝેબે દારાની હત્યા ન કરી હોત અને રાજસત્તા પોતાના હાથમાં ન લીધી હોત અને દારા જ જો રાજગાદી પર બેઠો હોત તો ભારતની પરિસ્થિતિ કેવી સારી હોત, એમ ઘડીભર આપણા મનમાં થઈ આવે, પણ આ તો ઇતિહાસની એક એવી વિડંબના છે કે જેના પર આપણો કશો કાબૂ નથી.

પઠાણો અને મોગલોના પરદેશી શાસનમાં આટલી બધી ઉગ્રતા અને હિંસાચરણને વખતે તેમજ ત્યાર પછી આપણા પર હુકુમત ચલાવવા માગતા અંગ્રેજોએ આપણને સુવ્યવસ્થા આપી તે સમયે પણ ભારતના સાંસ્કૃતિક વારસામાં કશું પરિવર્તન આવ્યું નહિ. અંગ્રેજશાસનનો આ સમયગાળો આપણે માટે કદાચ સૌથી ખરાબ હતો. આ સમયમાં આપણે તદ્દન જ પરાધીન થઈ ગયા. આપણે રાજકીય રીતે ગુલામ બની ગયા; આપણું અર્થતંત્ર ભાંગી પડ્યું; આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને તદ્દન વાહિયાત વહેમો, જંગાલિયત અને વ્યવહારશૂન્યતામાં ખપાવવામાં આવ્યાં.

ભારતના દ્વીપકલ્પીય ઉપખંડમાં ભારતીય વિચારપ્રક્રિયા પર એકાએક અંગ્રેજો સાંસ્કૃતિક સરસાઈ કેમ મેળવી શક્યા, એની કથા ભારે રસપ્રદ છે. અંગ્રેજોએ મુંબઈ, સુરત, મદ્રાસ અને કલકત્તા, એમ ભારતમાં ચાર સ્થળોએ થાણાં સ્થાપ્યાં. પછી ત્યાંથી તેઓ દેશના અંદરના ભાગોમાં ઘૂસ્યા. તેમની આ ચળવળ દરમિયાન તેઓ ભારતની શ્રદ્ધા અને માન્યતાઓને હલકી પાડવા તેના પર જોરશોરથી વાકપ્રહારો કરતા રહ્યા અને લોકોને સમજાવતા રહ્યા કે ભારત ફક્ત પશ્ચિમ પાસેથી જ જિજ્ઞાસાપૂર્વક કશુંક પ્રાપ્ત કરવાની આશા રાખી શકે.

કમનસીબે તેમની સંસ્કૃતિના બાહ્ય ચળકાટથી ખેંચાઈ જઈને આપણે તેમના બધા જ વિચારો આંખો મીંચીને સ્વીકારવા લાગ્યા. અફસોસની વાત તો એ છે કે હજી આજે ય આપણી પોતીકી સંસ્કૃતિથી અજાણ એવા આપણા ઘણા લોકો આ પ્રવાહમાં તણાઈ રહ્યા છે ! એટલે અંગ્રેજ શાસનકાળમાં છેલ્લાં બસોએક વર્ષો તો ભારતીય ઇતિહાસનો સૌથી ખરાબ સમયગાળો છે. હવે તો આ પ્રકારનું રાજશાસન દૂર થઈ ગયું છે.

વિશ્વ હવે ઘણું સાંકડું છે. આજે વિશ્વને ગમે તે ખૂણે કંઈપણ બન્યું હોય, તો નિમિષ માત્રમાં તે આખી દુનિયામાં ફેલાઈ જાય છે. અત્યારે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંબંધો અને વાતચીતો થોડી જ ક્ષણોમાં જ થઈ શકે છે. એટલે આપણા દેશને ભૌગોલિક રીતે સાંપડેલી પૃથકતા આપણી વ્યક્તિમત્તાને વધારે વખત સુધી અલગ રાખી મૂકવામાં સહાયક ન નીવડી શકી અને જૂનાપુરાણા જાતિ-પાંતિ-સંપ્રદાય-માન્યતાઓના બૌદ્ધિક ઝઘડાઓ અને વાદવિવાદો તો એની મેળે જ સાવ ક્ષીણ થઈ ગયા. એ તો ઠીક પણ એની સાથોસાથ ઉન્નત મસ્તકે પોતાની સંચિત અને અજેય હસ્તી ધરાવતી સંસ્કાર સમૃદ્ધિની ઘોષણા કરવાની શક્તિ અને ઉત્સાહ પણ દુર્ભાગ્યે ખત્મ થઈ ગયાં! એટલે આ વખતે ભારતીયો એવી નિરાશાની પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે તેઓ પોતાને ખરેખર જ એક વહેમી પ્રજા માનવા લાગ્યા. પોતામાં દેખાતી અપૂર્ણતાઓનો ખ્યાલ ઢાંકવા માટે આપણે આપણી સમક્ષ જે કંઈ સારું-નરસું મૂકવામાં આવ્યું, એને આંધળુકિયાં કરીને અપનાવવા માટે ભયંકર અને ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યા! આપણને એવું સિદ્ધ કરવાની મનીષા થઈ આવી કે અંગ્રેજોની સંસ્કૃતિ અને સભ્યતા વધારે સારી છે, એણે માનવજાતને ઘણું આપ્યું છે અને જીવનની ભૌતિક સુખસગવડો વધારી દીધી છે.

પરન્તુ, શું ભારત પોતાના ચારિત્ર્ય અને સત્ત્વને ગુમાવી દઈને ઊંડી ખીણમાં ખોવાઈ જવાનું હતું કે! ના, ના, ભારત કંઈ એ માટે સર્જાયું ન હતું. ભારતમાં એવી કોઈક નિર્માણશક્તિ પુનર્જાગરિત થવાની હતી કે જેથી રાષ્ટ્રનું સ્થાયી હિત જળવાઈ રહે. એ એવી નિર્માણશક્તિ હતી કે જે દરેકે-દરેક વ્યક્તિને એની સંત્રસ્તતાનું નિર્વહણ, પુરુષાર્થ અને પરિપક્વતા બક્ષી શકે અને એ જરૂરી પણ હતું. નહિતર એની સભ્યતા અને સંસ્કૃતિ બચી શકે તેમ ન હતી. આજે ભલે આપણે રાજકીય સ્વાતંત્ર્ય મેળવી લીધું છે, છતાં પણ ધર્માચરણ અને આધ્યાત્મિક બાબતમાં ઝળૂંબતી આપણી અસજ્જતા અને અપૂર્ણતાઓને નિર્મૂળ કરી શક્યા નથી. એટલે ભારત પાસે આજના આ પડકારોનો કોઈ જવાબ હોય તો આપણે એ શોધી કાઢવો જોઈએ. પહેલાં આપણે આ પડકારોનો ખ્યાલ મેળવી લઈએ. એ માટે પહેલાં તો પશ્ચિમની સંસ્કૃતિને અને સભ્યતાને જરાક જોઈ લેવી પડે. કારણ કે એનાથી આપણે પોતાની સમક્ષ ઊભા થયેલા ખરેખરા અને પાયાના પડકારોને તેમજ તેની સામે કરવા જોઈતા મુકાબલાને સારી રીતે સમજી શકીશું.

પશ્ચિમની સંસ્કૃતિ પોતે મેળવેલા ટૅક્નૉલોજીના જ્ઞાન ને લાભને જોરે એવો દાવો કરે છે કે આજે માનવજાતના ખ્યાલમાં જે-જે કંઈ છે અને જે કંઈ પણ માનવજાતના પ્રત્યક્ષીકરણનો વિષય છે, તે બધું જ ટૅક્નિકલ વિજ્ઞાનના તાબામાં છે અને તેને સિદ્ધ કરવા માટે તેમની પાસે ટેક્નિકલ પ્રક્રિયાઓ, એની પદ્ધતિ અને પૂરી ક્ષમતા પણ છે.

આજે ભારતની સામે આ સૌથી મોટો પડકાર છે. કોઈ એવું વ્યક્તિત્વ છે ખરું, કે જે ઉપનિષદનાં પાયાનાં સત્યો સાબિત કરવાની સ્થિતિમાં હોય? અને એની સાથોસાથ એ પાયાનાં સત્યો પોતાના જીવન દરમિયાન પ્રદર્શિત પણ કરી બતાવે? શું ભારત એવા આધ્યાત્મિક મહામાનવને જન્મ આપી શકે ખરું કે જે સમગ્ર વિશ્વની સમક્ષ ઉપનિષદોના સંદેશની સચ્ચાઈ, દોષરહિતતા અને તલસ્પર્શિતાને પ્રતીતિકર રીતે પ્રયોગપૂર્વક પ્રદર્શિત કરી શકે? શું ભારત, ઇતિહાસની એવી કોઈ નરવિભૂતિનો આવિર્ભાવ કરશે ખરું કે જે પશ્ચિમની સંસ્કૃતિ અને સભ્યતાએ ખડા કરેલ બીજા વધારાના પ્રશ્નોના ય જવાબ આપી શકે? અને સામો સવાલ ઉઠાવી શકે કે પશ્ચિમની સંસ્કૃતિએ વિજ્ઞાનના પાયા પર જે કંઈ પ્રતિપાદિત કર્યું છે અને એની પાસે રહેલી સાધનસંપત્તિને જોરે જે કંઈ નિપજાવ્યું છે, તે બધું ખરેખર જ શું માનવજીવનની કક્ષાને અને ભૌતિક સુખોને ઊંચે લઈ જનારું નીવડયું છે ખરું ? આપણા ઇતિહાસમાંથી આપણે એવો કોઈ નરવીર બતાવી શકીએ ખરા કે જે આ પડકાર ઝીલી લે અને પડકારનું ઔચિત્ય પ્રમાણી શકે? આ એક વાત થઈ.

(ક્રમશ:)

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.