અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ,
…આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ.
અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ! મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંનાં થોડાં ચરણો હું આપની પાસે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે : ‘જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગાે ગમે તેવા ભિન્ન હોય, સરલ ય અટપટા હોય, તો પણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.’
આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું. (શિકાગો વ્યાખ્યાનો, પૃ.૧૪-૧૫)
Your Content Goes Here




