સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી, મારી કે સ્વયં મારા ગુરુની પણ નામના કે કીર્તિની ખેવના ન રાખો ! વત્સો ! વીર, ઉદાર અને સુચરિત યુવાનો ! આપણી ભાવનાને, આપણી યોજનાને સફળ બનાવો. કાર્ય આગળ ધપાવવા માટે ચક્રને તમારા ખભાઓનો ટેકો આપો ! નામના, કીર્તિ કે એવી કોઈ નકામી વસ્તુની આશાથી તમારી ગતિને રોકશો નહિ. સ્વાર્થને ફેંકી દઈને કામમાં લાગી જાઓ. યાદ રાખજો કે “ઘાસનાં તણખલાંને એકત્ર કરીને બનાવેલું દોરડું મદમત્ત હાથીને પણ બાંધી શકે છે.” પ્રભુના આશીર્વાદ તમારા સૌની ઉપર હો ! ઈશ્વરની શક્તિનો તમારા સૌમાં આવિર્ભાવ થાઓ; હું તો માનું છું કે એ શક્તિ તમારા સૌમાં “રહેલી જ છે.” વેદો કહે છે, “ઊઠો, જાગો અને લક્ષ્ય-સિદ્ધ કર્યા વિના જંપો નહિ.” ઊઠો, ઊઠો, દીર્ઘ રાત્રિ પૂરી થવા આવી છે. દિવસ ઊગવાની તૈયારી છે, ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, એના પ્રચંડ ઘસારાને રોકવાની કોઈની પણ તાકાત નથી. વીરતા બતાવો, મારા નવયુવક ! વીરતા બતાવો, પ્રેમની ભાવના કેળવો, મારાં બાળકો ! પ્રેમની ભાવના કેળવો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને ભયને તિલાંજલિ આપો ! ભય એ જ મોટામાં મોટું પાપ છે.
તમને સૌને મારા આશીર્વાદ છે. આપણા કાર્યમાં સહાયભૂત થયેલા મદ્રાસના સૌ ઉદારચરિત ભાઈઓને કહેજો કે તેઓ પ્રત્યે હું સદાને માટે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પરંતુ હું તેમને વિનંતી કરું છું કે તેઓ આપણા કાર્યમાં શિથિલ ન બને. એ વિચારનો ખૂબ પ્રચાર કરો. અભિમાન રાખશો નહિ; સિદ્ધાંત વિષે જિદ્દી બનશો નહિ; કોઈ પણ બાબતનો વિરોધ કરશો નહિ; આપણું કાર્ય તો રસાયણોને ભેગાં કરવાનું જ છે, પણ એનું સ્ફટિક-રૂપ ક્યારે અને શી રીતે બંધાશે એ તો પરમેશ્વર જ જાણે છે. સૌથી વધુ તો એ કે મારાં કે તમારાં કાર્યની સફળતાથી ફુલાઈ જશો નહિ. ભવિષ્યમાં મહાન કાર્યો કરવાનાં છે; ભાવિમાં જે બનવાનું છે તેની સરખામણીમાં આ અલ્પ સફળતાનું મૂલ્ય કેટલું ? માનો, અરે, માનો કે આદેશ થઈ ચૂક્યો છે ! ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે અને ભારતની જનતા અને ગરીબ પ્રજા સુખી થવાનાં છે. આનંદિત થાઓ કે આ કાર્યના નિમિત્ત બનવા માટે પરમેશ્વરે તમારી વરણી કરી છે. આધ્યાત્મિકતાનું પૂર ચડવા લાગ્યું છે. હું જોઈ રહ્યો છું કે નિર્બંધ, અફાટ અને સર્વગ્રાસી એ પૂર ભારતભૂમિ ઉપર ધસી રહ્યું છે. એકેએક જણ આગળ આવી જાય; દરેકેદરેક શુભ સંકલ્પ એ વેગમાં ભળશે અને દરેકેદરેક જણ પોતાના હાથથી એના વહનનો માર્ગ સરળ કરતો જશે. જય હો પરમેશ્વરનો !…
– સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદના પત્રો, ભાગ 1, પૃ. સં. 40-41)
Your Content Goes Here




