હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું… ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે દરેકની સાથે હું ઈશ્વરની પૂજા કરું છું. હું મુસલમાનની મસ્જિદમાં જઈશ, ખ્રિસ્તીના દેવળમાં જઈને ક્રોસ પાસે ઘૂંટણભર થઈને પ્રાર્થના કરીશ; હું બૌદ્ધોના મંદિરમાં જઈને બુદ્ધ અને તેના ધર્મનું શરણ લઈશ; અને દરેકના હૃદયને પ્રકાશિત કરનારી જ્યોતિમાં પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરતા હિંદુની સાથે જંગલમાં જઈને હું ધ્યાનમાં પણ બેસીશ.
અમે મુસલમાનોની મસ્જિદમાં પ્રાર્થના કરીએ છીએ, પારસીઓના અગ્નિ સમક્ષ ઉપાસના કરીએ છીએ, ખ્રિસ્તીઓના ક્રોસ સામે નમીએ છીએ; અમે જાણીએ છીએ કે બધા ધર્મો ભૂતપ્રેતની ઉપાસનાથી માંડીને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના સુધી એક અનંત તત્ત્વને સમજવા અને પ્રાપ્ત કરવાના માનવ આત્માના પ્રયાસો છે. આ દરેક પ્રયાસ તેના જન્મ અને સંજોગોથી નિયંત્રિત થાય છે. આ દરેક પ્રયાસ પ્રગતિનું એક સોપાન બને છે. આ સર્વ પુષ્પોનો સંગ્રહ કરીને પ્રેમની દોરીથી બાંધી ઉપાસનાનો સુંદર ગજરો અમે બનાવીએ છીએ.
જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બંને ઉપર એકસરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય; એ સર્વનો સરવાળો હશે અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે.
આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે… આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમજ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.
Your Content Goes Here




