મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા. અમારા દેશમાં જે માણસ સંન્યાસ લે છે, તેને બધી સાંસારિક સંપત્તિ તથા માન-યશનો ત્યાગ કરવો પડે છે. મારા ગુરુદેવે આ સિદ્ધાંતનું અક્ષરે અક્ષર પાલન કર્યું હતું. જો પોતાની કોઈ ભેટ ગુરુદેવ સ્વીકારે તો પોતાને ભાગ્યશાળી માને એવા ઘણાયે માણસો હતા અને જો ગુરુદેવે સ્વીકારી હોત તો એ માણસો તેમને હજારો રૂપિયા આપી દેત. પરંતુ ગુરુદેવ તો આવા માણસોથી દૂર ભાગતા. કામ અને કાંચન પર તેમણે સંપૂર્ણ વિજય મેળવી લીધો હતો; આ બાબતમાં તેઓ પ્રત્યક્ષ ઉદાહરણરૂપ હતા. અરે ! આ બંને પ્રકારની કલ્પનાથી પણ તેઓ પર હતા; અને અત્યારના દિવસોમાં આવા જ મહાપુરુષની આવશ્યકતા છે. ખાસ કરીને તો આજકાલ જ્યારે મનુષ્યો જે ચીજોને પોતાની આવશ્યકતાઓ માને છે કે જેમને તેઓ દિવસે દિવસે હદ બહાર વધારતા જાય છે અને જેના વિના તેઓ એક મહિનો પણ જીવતા રહી શકે નહીં એમ સમજવા લાગ્યા છે, ત્યારે આવા જ ત્યાગની અત્યંત જરૂર છે. વર્તમાન યુગમાં કોઈ એક એવા પુરુષે ઊભા થઈને સંસારની શ્રદ્ધાહીન જનતાને એ બતાવી આપવાની જરૂર છે કે દુનિયામાં આજે પણ એક એવો મહાપુરુષ અસ્તિત્વ ધરાવે છે કે જે દુનિયાની સંપત્તિ તથા કીર્તિની એક તણખલા જેટલીયે પરવા કરતો નથી. હજી એવા પુરુષો છે ખરા.

મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ- બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં કોઈ ધાર્મિક પ્રચારક અથવા સંન્યાસીને દર્શને જવાની રીત તમારા દેશના જેવી નથી. ભારતવર્ષમાં વિવિધ પ્રશ્ન પૂછવા માટે લોકો સાધુ સંન્યાસીઓ પાસે જાય છે; કોઈ કોઈ તો સેંકડો માઈલ પગે ચાલીને કેવળ એક આ પ્રશ્ન પૂછવાને જાય છે : ‘મહારાજ! એકાદ શબ્દ કહો કે જેથી મને મોક્ષ મળી જાય.’ આ રીતે તેઓ આવે છે. તેઓ આડંબર વિના ટોળેટોળાંમાં આવે છે અને જ્યાં એ સાધુ વધારે પ્રમાણમાં રહેતો હોય તેવે સ્થાનકે જેમ કે કોઈ વૃક્ષ વગેરે નીચે પહોંચી જાય છે અને પ્રશ્નો પૂછે છે. એક ટોળું જાય ત્યાં તો બીજું હાજર થઈ જાય છે. આ રીતે જો કોઈ મનુષ્ય અસામાન્ય આધ્યાત્મિકતાથી સંપન્ન હોય તો ઘણી વાર તો દિવસરાત તેને જરાયે વિસામો મળતો નથી; તેને લગાતાર વાતચીત કરતા જ રહેવું પડે છે; કલાકોના કલાકો સુધી લોકોનો દરોડો ચાલુ જ રહે છે અને આ મહાપુરુષ પોતાનો ઉપદેશ આપ્યા જ કરે છે.(મારા ગુરુદેવ : ૪૯,૫૦)

 

Total Views: 588

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.