જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ એક વાત તમે સમજો એવું હું નમ્ર ભાવે કહીશ. જો કોઈ મનુષ્ય ચોવીસે કલાક પોતાની જાતને દુઃખી, હલકો અને નિર્માલ્ય માનશે તો એ એવો જ થઈ જશે. જો તમે એમ વિચારશો કે મારામાં પણ શક્તિ છે તો તમે તેવા થશો. આ મહાન સત્યને તમારે હંમેશાં યાદ રાખવાનું છે. આપણે સર્વશક્તિમાન ઈશ્વરનાં બાળકો છીએ. આપણે એ અનંત દિવ્ય પાવકના સ્ફુલ્લિંગો છીએ. આપણે કેવી રીતે નિર્માલ્ય હોઈ શકીએ? આપણે બધું જ છીએ, બધું જ કરવા તૈયાર છીએ; બધું જ કરી શકીએ. આપણા પૂર્વજોમાં આવો જ આત્મવિશ્વાસ હતો. અને આ જ આત્મવિશ્વાસને બળે સંસ્કૃતિની આગેકૂચમાં તેઓ અગ્રસ્થાને હતા. જો આપણામાં અધોગતિનું દર્શન થતું હોય, ઊણપ દેખાતી હોય તો તમને ખ્યાલ આવશે કે, જ્યારથી આપણા લોકો આત્મશ્રદ્ધા ખોઈ બેઠા ત્યારથી એ બધું શરૂ થઈ ચૂક્યું. શ્રદ્ધાના કે નિર્ભેળ વિશ્વાસના સિદ્ધાંતનો ઉપદેશ કરવો એ મારું જીવન ધ્યેય છે. મને પુનઃ કહેવા દો કે આવી આત્મશ્રદ્ધા એ માનવજાતના સૌથી વિશેષ સમર્થ પરિબળોમાંનું એક છે. માટે પ્રથમ તો તમારી જાતમાં શ્રદ્ધા રાખો. એક વાતની ખાતરી રાખો કે એક માણસ પાણીનો નાનો પરપોટો છે. અને બીજો માણસ પર્વત જેવડું મોટું મોજું છે, પરંતુ આ પરપોટા અને આ મોજાની પાછળ અનંત મહાસાગર લહેરાઈ રહ્યો છે. તમારી અને મારી પશ્ચાદ્ભૂમિ એ પેલો અનંત સાગર જ છે. તમારી જેમ મારામાં પણ જીવનનો, આધ્યાત્મશક્તિનો પેલો અનંત મહાસાગર રહેલો છે. માટે હે બંધુઓ! જન્મથી જ તમે તમારા સંતાનોને આ જીવન-ઉદ્ધારક, મહાન, ઉદાત્ત અને ભવ્ય સિદ્ધાંતની કેળવણી આપો.
-સ્વામી વિવેકાનંદ
(કેળવણી,પૃ.૧૧, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)
Your Content Goes Here




