ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ છે. આ શુભકર્મના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય છે, અને પછી ભૂતમાત્રમાં વસી રહેલા ભગવાન શિવ પ્રગટ થાય છે. તે દરેકના હૃદયમાં નિરંતર વસેલા છે. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,’ જે એમ વિચારે છે કે બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ,’ તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થ મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.’ આ નિઃસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિઃસ્વાર્થ વૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે. એ મનુષ્ય શિક્ષિત હોય કે અશિક્ષિત, તે આ જાણતો હોય કે ન જાણતો હોય, તો પણ તે બીજા કોઈ કરતાં ભગવાન શિવની વધુ નજીક છે. જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાંય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારતો હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો ઘણો દૂર છે.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




