આ તબક્કે જ્યારે મનુષ્ય પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર અને ઈશ્વરમાં પ્રત્યેક વસ્તુને જુએ છે ત્યારે તે પરાભક્તિને પામે છે. તે પછી જ જીવાણુંથી માંડીને બ્રહ્મા સુધી પ્રત્યેકમાં તે વિષ્ણુને જુએ છે; તે પછી જ તે પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરને પ્રકટ થયેલો જુએ છે; તે પછી જ તે અનુભવે છે કે ઈશ્વર સિવાય કોઈ વસ્તુ નથી; અને છેવટે પોતાની જાતને બધાં પ્રાણીઓમાં અત્યંત ક્ષુલ્લક સમજીને ભક્તના સાચા ભાવથી તે ઈશ્વરને ભજે છે. ત્યાર બાદ તે તીર્થાટન અને ઉપાસનાના બાહ્ય પ્રકારોને સાવ છોડી દે છે અને પ્રત્યેક મનુષ્યને ભગવાનના સર્વાંગ સંપૂર્ણ મંદિર તરીકે જુએ છે.
શાસ્ત્રોમાં ભક્તિની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવી છે. આપણે કહીએ છીએ કે ઈશ્વર આપણો પિતા છે; તે જ રીતે આપણે તેને માતા તરીકે તથા બીજી ઘણી રીતે ઓળખીએ છીએ. આપણામાં ભક્તિ દૃઢ કરવા આ સંબંધોની કલ્પના કરવામાં આવી છે. તેને લીધે આપણે ઈશ્વરની વધુ નિકટ અને તેના વધુ વહાલા છીએ તેવું ભાન થાય છે. એટલા માટે એક રીતે જોતાં આ નામો બરાબર છે; એટલે કે તે શબ્દો કેવળ પ્રેમના શબ્દો છે અને એક સાચો ભક્ત ઈશ્વર માટે જે અગાધ પ્રેમ અનુભવે તેના પરિપાકરૂપ છે.
રાસલીલાની રાધા અને કૃષ્ણની કથા લઈએ. તે કથા કેવળ એક ભક્તના સાચા ભાવના ઉદાહરણ રૂપ છે. સંસારનો કોઈપણ પ્રકારનો પ્રેમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ કરતાં વધારે તીવ્ર હોતો નથી. જ્યાં આવો પ્રબળ પ્રેમ વિદ્યમાન હોય ત્યાં કશો ભય નથી, બીજી કોઈ આસક્તિ નથી. એવો પ્રેમ તે યુગલને તન્મયતાની અભેદ્ય સાંકળથી બાંધે છે. પરંતુ માતા-પિતાના સંબંધમાં આપણે તેમને માટે જે પ્રેમ ધરાવીએ છીએ તે પૂજ્યભાવયુક્ત હોવાથી કંઈક ભયમિશ્રિત હોય છે.
ઈશ્વરે કોઈ વસ્તુ ઉત્પન્ન કરી છે કે નહીં તેની ચિંતા આપણે શા માટે કરવી જોઈએ ? તે આપણો પાલક છે એ હકીકત સાથે આપણે શી લેવાદેવા છે? તે માત્ર આપણો પ્રિયતમ છે, એટલે ભયનો કોઈપણ વિચાર છોડી દઈને આપણે તેને પૂજવો જોઈએ.
માણસ જ્યારે વાસનારહિત થાય છે, જ્યારે તે બીજો કોઈ વિચાર કરતો નથી, ત્યારે જ તે ઈશ્વર પાછળ ગાંડો બને છે. માટે મનુષ્ય પોતાના પ્રિયતમ માટે જે પ્રેમ ધરાવે છે તે જ પ્રેમ ઈશ્વરપ્રેમનું ઉદાહરણ થઈ શકે. કૃષ્ણ ઈશ્વર છે અને રાધા તેને ચાહે છે. તે કથા જે પુસ્તકોમાં છે તે તમે વાંચો અને પછી જ ઈશ્વરને કેવી રીતે ચાહવો તેની કલ્પના કરી શકશો.
પરંતુ કેટલા મનુષ્યો આ વાત સમજે છે? દુષ્ટતા જે લોકોના હાડેહાડમાં વસી છે અને નૈતિકતા શું છે તેનો જેને ખ્યાલ નથી તેઓ આ કેવી રીતે સમજી શકે?
જ્યારે લોકો પોતાના મનમાંથી સર્વ પ્રકારના સાંસારિક વિચારો દૂર કરે તથા પવિત્ર, નૈતિક અને આધ્યાત્મિક વાતાવરણમાં રહે ત્યારે જ તેઓ સાવ અશિક્ષિત હોય તો પણ, ગૂઢમાં ગૂઢ વિચારોને સમજી શકે. પરંતુ કેટલા થોડા મનુષ્યો તેવા સ્વભાવના હોય છે ?..
સંસારમાં કેટલાક મનુષ્યો એવા પણ હોય છે, જેઓ ઈશ્વર વિશે સાંભળે ત્યારે મસ્ત બની જાય અને ઈશ્વર વિશે વાંચે ત્યારે આનંદનાં આંસુ વહાવે. આવા મનુષ્યો સાચા ભક્તો છે.
(સ્વા. વિ. ગ્રંથમાળા, 4.275-76)
Your Content Goes Here




