ૐ તત્ સત્

રોઝ બેન્ક,

બર્દવાનના મહારાજાનો બંગલો,

દાર્જિલિંગ,

૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭

માનનીય બહેન,

આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં એ સદ્ભાગ્ય સમજું છું કે જે કાર્યને મેં મારું નમ્ર જીવન સમર્પણ કર્યું છે તે કાર્ય આપ જેવી અત્યંત બુદ્ધિમતી મહિલાઓની પ્રશંસાને પાત્ર બન્યું છે.

આ જીવનસંગ્રામમાં, નવા વિચારના પુરસ્કર્તાને ઉત્તેજન આપે એવા પુરુષો વિરલ હોય છે, તો પછી એવું ઉત્તેજન આપનારી સ્ત્રીઓ વિશે તો કહેવું જ શું? અને એ પણ ખાસ કરીને આપણા હતભાગી દેશમાં? આ દૃષ્ટિએ જ એક સુશિક્ષિત બંગાળી મહિલાએ કરેલી પ્રશંસાનું મૂલ્ય ભારતના સર્વ પુરુષોએ મોટા મોટા શબ્દોમાં કરેલી પ્રશંસા કરતાં વિશેષ છે.

હું પ્રભુ પાસે પ્રાર્થું છું કે આપના જેવી અનેક સ્ત્રીઓ આ દેશમાં જન્મે અને માતૃભૂમિના ભાવિને ઉજ્જ્વળ કરવાનાં કાર્યમાં પોતાનાં જીવન સમર્પે!…

કાર્યો તો અનેક કરવાનાં છે, પરંતુ એ કરવાનાં સાધનો આ દેશમાં ઉપલબ્ધ નથી. આપણી પાસે બુદ્ધિ છે, પણ કાર્યકરો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે, પરંતુ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિત થયો છે, પરંતુ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઊભા કરીએ છીએ. સ્વાર્થ અને આસક્તિ રહિત સર્વોચ્ચ કક્ષાનું કાર્ય કરવાનો બોધ ભારતમાં જ અપાયો હતો, પરંતુ વ્યવહારમાં ‘આપણે’ જ અત્યંત ક્રૂર અને નિષ્ઠુર છીએ, તથા આપણા આ માંસના લોચા જેવા દેહ સિવાય અન્ય કશાનો આપણે વિચાર કરી શકતા નથી અને આમ છતાંય કેવળ વર્તમાન પરિસ્થિતિમાંથી જ કાર્યનો આરંભ કરવાનું શક્ય છે. એ સિવાય બીજો કશો રસ્તો નથી. સારાનરસાનો નિર્ણય કરવાની શક્તિ પ્રત્યેક માણસમાં રહેલી હોય છે. પરંતુ વીરપુરુષ તો તેને જ કહેવાય કે જે આ ભૂલો, ભ્રમણાઓ અને દુ:ખોથી ભરેલા જગતનાં વમળોથી ડર્યા વગર એક હાથ વડે પોતાનાં અશ્રુ લૂછી નાખે અને અડગ રહીને બીજા હાથ વડે મોક્ષનો માર્ગ દાખવે. એક બાજુએ જડપદાર્થના ગઠ્ઠા જેવો રૂઢિચુસ્ત સમાજ પડ્યો છે, તો બીજી બાજુએ અશાંત, અધીર અને અગ્નિ-ઝરતો સુધારક ખડો છે. કલ્યાણનો માર્ગ આ બેની વચ્ચે થઈને રહેલો છે. જાપાનમાં મેં સાંભળ્યું હતું કે ત્યાંની છોકરીઓ એવું માને છે કે જો તેઓ પોતાની પૂતળીઓને હૃદયપૂર્વક ચાહે તો તેઓ સજીવન થાય. જાપાનીઝ છોકરી પોતાની પૂતળીને કદાપિ ભાંગવા દેતી નથી. હે મહાભાગે! હું પણ માનું છું કે જો કોઈ પણ વ્યક્તિ ભારતવર્ષના લોકોને હૃદયપૂર્વક ચાહે તો આ દેશ જરૂર નવજાગૃતિ પામે. કારણ કે આ દેશના લોકો સંપત્તિની કૃપાથી વંચિત, ફૂટેલા નસીબવાળા, વિવેકબુદ્ધિવિહોણા, પદદલિત, કાયમી ભૂખમરાનો ભોગ બનેલા, કજિયાખોર અને ઈર્ષાળુ છે. જ્યારે સેંકડો વિશાળ હૃદયનાં નરનારીઓ જીવનના સુખોપભોગોની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો દેશભાઈઓના કલ્યાણની ઝંખના સેવીને પોતાનાથી બનતો પુરુષાર્થ કરી છૂટશે, ત્યારે જ ભારતવર્ષ જાગૃત થશે. મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે કે મંગલ ભાવનાઓ, હૃદયની સચ્ચાઈ અને અનંત પ્રેમ દ્વારા સમસ્ત વિશ્વને જીતી શકાય. આવા ગુણોથી સંપન્ન થયેલી એક વ્યક્તિ પણ લાખો દંભી અને પાશવી મનુષ્યોની મેલી મુરાદોને ધૂળમાં મેળવી શકે…

સદૈવ આપનો ઋણી અને હંમેશા આપના હિત માટે પ્રભુની પ્રાર્થના કરતો,

– વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’ (સંચયન) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૃ. ૧૨૫-૧૨૭)

Total Views: 403

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.