આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું (રામકૃષ્ણ મઠ, બેલુર વિશે સ્વામીજીની સંકલ્પના)

અહીં સાધુઓને રહેવાની જગ્યા થશે. મારી એવી ઇચ્છા છે કે મઠને આધ્યાત્મિક સાધના અને વિદ્યાભ્યાસનું મુખ્ય કેન્દ્ર બનાવવું. અહીંથી જે શક્તિ ઉત્પન્ન થશે તે આખી દુનિયા ઉપર પથરાઇ વળશે અને માનવજીવનની ગતિને એક જુદી જ દિશામાં વાળશે. આ સ્થળેથી એવા આદર્શો રજૂ થશે કે જે જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મના સમન્વયરૂપ હશે. સમય આવતાં આ મઠના સાધુઓના એકાદ ઇશારાથી દુનિયાના દૂર ખૂણે પણ જીવંત પ્રેરણા પહોંચાડાશે, અને સમય જતાં બધા સાચા ધર્મ-પિપાસુઓ અહીં એકઠા થશે.. … ધીમે ધીમે મઠની દક્ષિણમાં આવેલી જમીનનો ટુકડો પણ આપણે ખરીદી લેવો પડશે. ત્યાં આપણે અન્નક્ષેત્ર શરૂ કરીશું, ત્યાં ખરેખરા ગરીબ લોકોને ઈશ્વરભાવનાથી જમાડવાની સગવડ કરવામાં આવશે. આ અન્નક્ષેત્ર શ્રીરામકૃષ્ણદેવના નામથી ઓળખાશે. પ્રથમ આવે છે અન્નદાન, પછી વિદ્યાદાન અને સહુથી શ્રેષ્ઠ છે જ્ઞાનદાન. મઠમાં આ ત્રણ આદર્શોનો સમન્વય કરવો જોઈએ. જો ઈશ્વરની ઇચ્છા હશે તો આપણે આ મઠને સર્વસમન્વયનું એક મહાન કેન્દ્ર બનાવીશું. આપણા પ્રભુ તમામ આદર્શોના સમન્વયના મૂર્ત વિગ્રહ સમા છે. જો આપણે અહીં આ સમન્વયનો ભાવ જીવંત રાખીશું તો તે પૃથ્વીમાં પ્રતિષ્ઠિત થશે. આપણે જોવું જોઈએ કે બ્રાહ્મણથી માંડીને ચાંડાળ સુધીના દરેક પંથ કે સંપ્રદાયના લોકો અહીં આવીને પોતાના આદર્શોને પ્રકટ થતા દેખે. થોડા દિવસ પહેલાં જ્યારે મેં મઠની જમીન ઉપર શ્રીરામકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી ત્યારે મને એમ લાગ્યું કે જાણે તેમના વિચારો આ સ્થળેથી એકદમ નીકળીને જડ, ચેતન, સમગ્ર વિશ્વમાં ફરી વળ્યા છે. મારાથી બનતો પ્રયત્ન હું તો કરું છું અને કર્યે રાખીશ; તમે પણ બધા શ્રીરામકૃષ્ણના ઉદાર આદર્શો લોકોને સમજાવો. વેદાંત માત્ર વાંચવાનો શો અર્થ છે? આપણે શુદ્ધ અદ્વૈતવાદનું સત્ય વ્યાવહારિક જીવનમાં સાબિત કરી બતાવવું જોઈએ. શંકરાચાર્યે આ અદ્વૈત તત્ત્વજ્ઞાન જંગલો અને પહાડોમાં રાખ્યું; હું તેને તે સ્થળેથી બહાર લાવવા અને રોજ-બ-રોજની દુનિયામાં અને સમાજમાં તેનો ફેલાવો કરવા આવ્યો છું. અદ્વૈતની સિંહગર્જનાનો પડઘો દરેક ઘ૨માં, ખેતરો અને વૃક્ષની ઘટાઓમાં, ટેકરીઓમાં અને મેદાનોમાં ઊઠવો જોઈએ. તમે બધા મારી મદદે આવીને કામે લાગી જાઓ.

– સ્વામી વિવેકાનંદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘વિવેકાનંદજીના સાંનિધ્યમાં’, પૃ.૧૦૭-૧૧૧ માંથી

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.