હૈ વીર-હૃદય યુવકવૃન્દ…બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર. પ્રેમ અને વિસ્તાર એક જ છે. એટલે પ્રેમ જ જીવન છે, તે જ એક માત્ર ગતિ નિર્ધારક છે. સ્વાર્થપરાયણતા મૃત્યુ છે. જીવન હોવા છતાંય એ મૃત્યુ છે. સ્વાર્થપરાયણતા મૃત્યુ સ્વરૂપ જ છે. જેટલા નર-પશુ તમે જુઓ છો તેમાં ૯૦% મરેલા છે, પ્રેત જેવા. કારણ કે હૈ યુવકવૃન્દ, જેના હૃદયમાં પ્રેમ નથી તે મૃત સિવાય બીજું શું હોઈ શકે ? કે યુવકગણ! તમે દરિદ્ર, મૂર્ખ અને પદદલિત મનુષ્યની પીડાનો અનુભવ તમારા હૃદયમાં કરો, ભલે આ અનુભવની વેદનાથી તમારું હૃદય ધબકતું બંધ થઈ જાય. માથું ચકરાવે ચડે ; ગાંડા જેવા થઈ જાવ ત્યારે ઈશ્વર પાસે જઈને તેનાં ચરણોમાં તમારા અંતરની વેદના ઠાલવી દો. ત્યારે જ તે તમને સહાય કરશે અને શક્તિ આપશે, અદમ્ય ઉત્સાહ-અનંત શક્તિ મળશે. છેલ્લાં દશ વર્ષથી મારો મૂળ મંત્ર છે- આગળ વધો. હજુ કહી રહ્યો છું આગળ વધતા રહો ! જ્યારે ચારે બાજુ અંધકાર જ અંધકાર સિવાય કંઈ દેખાતું નહોતું ત્યારે પણ કહેતો હતો-આગળ વધો ! આજે જ્યારે થોડું અજવાળું દેખાઈ રહ્યું છે ત્યારે પણ કહું છું-આગળ વધો- ડરો નહીં ! મારાં બાળકો, અનંત નક્ષત્રોથી ભરેલ આકાશ જાણે કે તમને કચડી નાખવાનું હોય તેવી ભયભીત દૃષ્ટિથી તેના તરફ ન જુઓ. ધીરજ રાખો. જોશો કે થોડા જ સમય પછી બધું તમારા પગ તળે આવી ગયું હશે. ધનથી કામ નથી થતું તેમ પુરુષાર્થથી પાર નથી થતું, વિદ્યાથી પણ નથી થતું. ફક્ત પ્રેમથી જ બધું થાય છે. ચારિત્ર્ય જ મુશ્કેલી અને વિઘ્નોની વજ્ર જેવી દીવાલોની વચ્ચેથી માર્ગ બનાવી શકે છે…
ક્યારેક એવું બનતું કે ભૂખથી, પગમાં ચીરા પડયા અને થાકથી હું અનેક વાર મૃત્યુના મોંમાં પડયો છું; દિવસો ને દિવસો સુધી મને ખાવાનું નથી મળ્યું.આગળ ડગલું ભરવાની શક્તિ રહી ન હતી; કોઈ ઝાડ નીચે ધબ્બ દઈને પડું. ચેતના ક્ષીણ થતી જાય. બોલી શકાય નહીં, વિચાર પણ ભાગ્યે જ કરી શકાય. પણ, આખરે અંતરમાંથી પ્રકાશ અને શક્તિનો ધોધ વરસે “મને ભય નથી કે મૃત્યુ નથી, હું અજન્મા છું, અમર છું, મને ભૂખ-તરસ લાગતાં નથી; હું તે છું ! હું તે છું ! સમસ્ત પ્રકૃતિ મને કચડી શકશે નહી એ મારી ગુલામ છે. આત્મબળને પ્રગટ કર. દેવાધિદેવ ! તારા સામ્રાજ્યને પાછું મેળવી લે ! ઊભો થા ! ચરૈવેતિ ! આગે કૂચ ! આગળ ચાલતાં ક્યાંય અટકીશ મા ! હૃદયમાં સ્ફૂર્તિ-વંત બનીને હું ઊભો થતો; અને આજે અહીં જીવતો ઊભો છું !” આમ, જ્યારે પણ અંધકાર આવે ત્યારે, સત્ય પ્રગટાવો અને બધી પીડા દૂર થશે. કારણ, એ તો માત્ર સ્વપ્ન છે. મુશ્કેલીઓ પહાડ જેવી લાગે, બધી વસ્તુઓ ભયંકર અને વિષાદમય લાગે, એ બધી માયા છે. નિર્ભય બનો! એ બધી દૂર થશે. એને પગતળે કચડી નાખો; એ નાશ પામશે.
(સહુના સ્વામી વિવેકાનંદ’ પૂ. ૬૯,૧૯)
Your Content Goes Here




