ભારતનાં સંતાનો ! આજે હું અહીં તમારી સમક્ષ કેટલીક વ્યાવહારિક બાબતો વિશે બોલવા ઊભો થયો છું; ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત આ છે. અનેક વાર મને કહેવામાં આવ્યું છે કે માત્ર ભૂતકાળમાં જ નજર નાખ્યા કરવાથી કશો લાભ થવાને બદલે આપણે દુર્બળ બનીએ છીએ; એટલે આપણે ભવિષ્ય તરફ દૃષ્ટિ દોડાવવી જોઈએ, એ વાત સાચી છે. પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ ઉપર થાય છે. માટે, બને તેટલી પાછળ દૃષ્ટિ નાખી લો, ભૂતકાળનાં

આ સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો; ત્યાર પછી આગળ જુઓ, આગે બઢો અને ભારત પૂર્વે હતું તેના કરતાં તેને વધુ ઉજ્જ્વળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વનાં મૂળભૂત તત્ત્વો વિશે, આપણી નસોમાં કયું લોહી વહે છે તે વિશે જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ; તથા એ ભૂતકાળની મહત્તા વિશેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતાં વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. સડા અને અધ :પતનનો કાળ પણ આવી ગયેલ છે. હું એને ઝાઝું મહત્ત્વ આપતો નથી; આપણે બધા એ જાણીએ છીએ. એવા કાળખંડો જરૂરી હતા. એક વિશાળ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે; એ ફળ જમીન પર પડે છે; ત્યાં તે કહોવાય છે; સડી જાય છે અને સડામાંથી નવું વૃક્ષ નવાં મૂળ સાથે જન્મે છે. કદાચ પહેલા વૃક્ષ કરતાં એ વધુ મોટું પણ થાય. આ સડાનો કાળ, જેમાંથી આપણે પસાર થયા છીએ, તે ઊલટો વધુ આવશ્યક હતો. એ સડામાંથી ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે; એનો ફણગો ફૂટ્યો છે, પહેલાં કૂંપળ નીકળી ચૂક્યાં છે; અને એક વિશાળ, પર્વતપ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે અત્યારે તમારી સમક્ષ હું એના વિશે બોલવાનો છું. (સ્વા. વિ. ગ્રંથ. ૪.૧૯૪-૯૫)

Total Views: 439

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.