કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ; એક કાન અને બીજી આંખો. એક જ વસ્તુનું ચિત્ર કાઢવું હોય તો સહેલું છે; પણ જુદી જુદી ચીજોને ઓળખવી અને છતાંય મધ્યવર્તી રસ જાળવી રાખવો તે ઘણું મુશ્કેલ છે.
ભારતીય કલાનું રહસ્ય છે આદર્શને રજૂ કરવો તે. … ખરું જોતાં સાચી કલાને એક કમલિની સાથે સરખાવી શકાય. એ ઊગે છે જમીનમાંથી, પોતાનું પોષણ લે છે જમીનમાંથી, જોડાયેલી છે જમીન જોડે અને છતાં જમીનથી તદ્દન ઊંચી છે, તેવી રીતે કલા કુદરતના સંસર્ગમાં રહેવી જોઈએ; જ્યાં જ્યાં એ સંસર્ગ ગયો છે ત્યાં ત્યાં કલાનું અધ:પતન થયું છે. અને તે છતાં કલા કુદરતથી પર હોવી જોઈએ. કલા એટલે સુંદરને રજૂ કરવું તે. હરેક વસ્તુમાં કલા હોવી જોઈએ.
દરેક પ્રજાને પોતાની આગવી ખાસિયત હોય છે; આ ખાસિયતો તેના રીતરિવાજોમાં, તેની રહેણીકરણીમાં, તેની ચિત્રકલામાં અને તેના સ્થાપત્યમાં પ્રગટ થતી દેખાય છે.
આ દેશમાં ઊલટી નૃત્યની ગતિ તરંગ જેવી પ્રવાહી છે; અને કંઠ્ય સંગીતમાં પણ તેના આરોહ-અવરોહની વિવિધતામાં એ જ પ્રકારની લહેકાવાળી ગતિ છે. વાદ્યસંગીતમાં પણ તેમ જ છે. આમ કલાના પ્રદેશમાં પણ જુદી જુદી પ્રજાના ભાવ જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. જે પ્રજા વિશેષ જડવાદી છે તેઓ પ્રકૃતિને પોતાના આદર્શ તરીકે સ્વીકારે છે અને કલામાં તેને લગતા ભાવો વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. આ દેશમાં પણ પ્રાચીનકાળમાં જ્યારે સ્થાપત્યકલા પૂર્ણતાની ઊંચી કક્ષાએ પહોંચી હતી તે કાળનું એકાદ બાવલું તમે જુઓ તો તે તમને જડજગતને ભુલાવી દેશે અને એક નવી આદર્શ દુનિયામાં દોરી જશે.
ધ્રુવપદમાં, ખ્યાલ વગેરેમાં શાસ્ત્ર છે, પરંતુ સાચું સંગીત છે કીર્તનમાં, એટલે કે માથુર અને વિરહ અને એવી બીજી સંગીત રચનાઓમાં, કારણ કે ત્યાં ભાવ છે. ભાવ એ બધી બાબતોનો આત્મા છે, બધી બાબતોનું રહસ્ય છે. લોકગીતોમાં સંગીતમયતા વધારે હોય છે. તે બધાંનો એક સાથે સંગ્રહ કરવો જોઈએ. ધુ્રવપદ વગેરે શાસ્ત્રને કીર્તનના સંગીતમાં લાગુ પાડવાથી પૂર્ણ સંગીત ઉત્પન્ન થશે.
સૌ પહેલાં એક વાંસના ટુકડાને તાર બાંધીને વાજિંત્ર બનાવવામાં આવ્યું; ધીમે ધીમે ઘોડાના વાળવાળી કામઠીથી તેને વગાડવામાં આવ્યું અને આમ પહેલું વાયોલિન બન્યું. પછી તેમાં ઘણા સુધારાવધારા થયા; જુદી જુદી જાતની દોરીઓ કે તાંત આવી અને કામઠીએ પણ જુદાં જુદાં નામ અને રૂપ ધારણ કર્યાં. છેવટે એ સિતાર અને સારંગી બન્યાં.
યુગો પહેલાં ભારતમાં સંગીત પૂરેપૂરા સાતે સ્વરોમાં વિકાસ પામેલું; અર્ધ અને પા સ્વરો સુધી પણ તે વિકસેલું. સંગીત, નાટ્યશાસ્ત્ર અને શિલ્પકળામાં ભારત અગ્રણી હતું; અત્યારે જે કરવામાં આવે છે તે માત્ર અનુકરણનો પ્રયાસ છે.
સંગીત એ સર્વોચ્ચ કળા છે અને જેઓ એને સમજી શકે છે તેમને માટે તો એ સર્વોચ્ચ ઉપાસના છે.
Your Content Goes Here




