બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં મુકાયા હોય તે સ્થિતિમાં પોતાનો ભાગ બરાબર ભજવે તો પણ વિવિધતા સચવાઈ રહેશે. પ્રત્યેક ધર્મમાં ભલા અને શક્તિશાળી મનુષ્ય થઈ ગયા છે; આ રીતે પોતાના ધર્મને તેમણે આદરણીય બનાવ્યો છે. પ્રત્યેક ધર્મમાં આવા લોકો હોય છે એટલે કોઈપણ ધર્મસંપ્રદાય માટે તિરસ્કારની લાગણી હોવી ન જોઈએ.

તો પછી એવો પ્રશ્ન સહેજે થાય કે જે ધર્મ દુરાચારનું સમર્થન કરતો હોય તેને પણ શું આપણે માન આપવું ? તેનો જવાબ સ્પષ્ટ નકારમાં છે; આવા ધર્મનો એકદમ બહિષ્કાર કરવો જોઈએ, કેમ કે તે નુકસાન કરનારો છે. દરેક ધર્મના પાયામાં નીતિમત્તા હોવી જોઈએ અને વ્યક્તિગત સદાચારને ધર્મ કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવું જોઈએ. અહીં આચારને બાહ્ય તેમજ આંતર બંને અર્થમાં લેવાનો છે. બાહ્ય શુદ્ધિ સ્નાન તેમજ શાસ્ત્રમાં બતાવેલ શૌચના અન્ય ઉપાયો વડે પ્રાપ્ત કરી શકાય. આંતર શુદ્ધિ તો જૂઠું ન બોલવાથી, દારૂ ન પીવાથી અને અનીતિનાં કામોથી દૂર રહેવાથી, બીજાઓનું ભલું કરવાથી જ પ્રાપ્ત થઈ શકે. તમે કોઈ પાપકૃત્ય ન કરો, જૂઠું ન બોલો, દારૂ ન પીઓ, જુગાર  ન રમો અને ચોરી ન કરો, એ બેશક સારું જ છે. પરંતુ એ તો માત્ર તમારું કર્તવ્ય છે અને તે માટે તમારી પ્રશંસા કરી શકાય નહીં. બીજાઓની થોડીઘણી સેવા કરવી જોઈએ. જેમ તમે તમારી જાતનું કલ્યાણ કરો છો તેમ તમારે બીજાઓનું પણ ભલું કરવું જોઈએ.

હવે હું આહારના વિધિનિષેધો વિશે થોડુંક કહીશ. બધા જૂના રિવાજો નાશ પામ્યા છે અને આપણા દેશવાસીઓમાં આ માણસ સાથે ન ખાવું અને પેલા સાથે ન ખાવું તેના ચોક્કસ ખ્યાલ સિવાય કશું જ રહ્યું નથી. સેંકડો વર્ષો પહેલાં થયેલા સારા નિયમોમાંથી સ્પર્શની બાબતમાં શુદ્ધિ એ એક જ શેષ ચિહ્ન બાકી રહ્યું છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના આહારના નિષેધ છે. સૌ પ્રથમ આવે લસણ અથવા ડુંગળી જેવા પદાર્થો, જે સ્વભાવે જ દોષયુક્ત હોય. જો માણસ આવી ચીજો વધુ પડતી ખાય તો ઇંદ્રિયોને ઉત્તેજિત કરે છે અને ઈશ્વર તથા માનવ એમ બંનેની દૃષ્ટિએ નિંદ્ય, અનૈતિક કૃત્ય તરફ ઘસડાઈ જાય છે. બીજો પ્રકાર છે બાહ્ય અશુદ્ધિઓથી દૂષિત થયેલ આહારનો. જે જગ્યાએ આહાર રાખવાનો હોય તે તદ્દન ચોખ્ખી અને સ્વચ્છ હોવી જોઈએ. ત્રીજો પ્રકાર છે દુષ્ટ માણસે અડકેલું અન્ન. આવા અન્નનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે આવા મનુષ્ય સાથેના સંપર્કવાળો આહાર આપણા ભોજનમાં જાય તો અપવિત્ર વિચારો પેદા કરે છે. બ્રાહ્મણનો પુત્ર હોય, પણ જો તે વ્યભિચારી અને ચારિત્ર્યહીન હોય તો તેના હાથનું પણ અન્ન આપણે લેવું જોઈએ નહીં.

પરંતુ આજે આ આચારો પાછળનો મર્મ ચાલ્યો ગયો છે; માત્ર જે માણસ સર્વોચ્ચ જ્ઞાતિનો ન હોય, પછી ભલે તે અત્યંત જ્ઞાની અને પવિત્ર હોય તો પણ તેના હાથનું અન્ન આપણે ખાઈ શકીએ નહીં, એટલું જ સચવાયું છે.

(સ્વા. વિ. ગ્રંથમાળા, 4.271-72)

Total Views: 517

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.