‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે વિશિષ્ટ વલણો સાથે માણસ જન્મે છે તે તેની સાથે રહેવાનાં જ. જગત શા માટે એકધર્માવલંબી બની શકતું નથી, તેનું મુખ્ય કારણ આ છે. જગતમાં એક જ ધર્મ હોય એવું ભગવાન ન કરે. કેમ કે ત્યારે જગત વિશૃંખલા બનશે, સુસંગત નહીં રહે. દરેક મનુષ્યે પોતાના વલણને ખાસ અનુસરવું જોઈએ ! અને જો તેને પોતાના માર્ગે પ્રગતિ કરવામાં મદદગાર ગુરુ મળી જાય તો તે ઉન્નતિ સાધી શકશે. દરેક વ્યક્તિ જે માર્ગે જવા ઇચ્છતી હોય તે માર્ગે તેને જવા દેવી જોઈએ; જો આપણે તેને બળજબરીથી અન્ય માર્ગે વાળવાનો પ્રયાસ કરીશું તો આજ સુધીમાં તેણે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તે ખોઈ બેસશે અને માનવી નકામો બની જશે. જેમ એક વ્યક્તિનો ચહેરો અન્યથી જુદો પડે છે, તેમ દરેકની પ્રકૃતિ બીજાની પ્રકૃતિથી જુદી પડે છે. તો પછી તેને પ્રકૃતિ પ્રમાણે શા માટે ચાલવા દેવામાં ન આવે ? એક નદી કોઈ ચોક્કસ દિશામાં વહે છે; જો એ પ્રવાહને વ્યવસ્થિત માર્ગે વાળો તો તે પ્રવાહ વધુ વેગવાન બને છે, તેનું જોર પણ વધે છે.
પરંતુ તેના યોગ્ય માર્ગમાંથી તેને વિરુદ્ધ દિશામાં વાળવા પ્રયત્ન કરશો તો પરિણામ તમે જોશો કે તેનો વેગ અને તેનું જોર બંને ઘટી ગયાં છે. જીવન અતિ મહત્ત્વનું છે, માણસનું વલણ તેને જે માર્ગે જવા પ્રેરતું હોય તે જ માર્ગે તેને દોરવું જોઈએ. ભારતમાં ધર્મોમાં પરસ્પર દુશ્મનાવટ હતી નહીં; પ્રત્યેક ધર્મને તેને પોતાને માર્ગે રૂકાવટ વગર જવા દેવામાં આવતો હતો; એથી ધર્મ જીવંત રહ્યો છે.
એ યાદ રાખવું જોઈએ કે ધર્મ વિષેના ઝઘડાઓ એવા વિચારમાંથી ઊભા થાય છે કે પોતાની પાસે જે છે તે કેવળ સત્ય છે અને જે પોતાની રીતે માનતો ન હોય તે મૂર્ખ છે; ઊલટું બીજો એમ વિચારે છે કે પેલો મનુષ્ય દંભી છે, કેમ કે તે દંભી ન હોત તો તે તેને અનુસરત.
જો ઈશ્વરની એવી જ મરજી હોત કે બધા લોકોએ એક ધર્મને અનુસરવું, તો શા માટે આટલા ધર્મો થયા ? પોતાનો ધર્મ બીજા દરેક ઉપર લાદવાના અનેક વ્યર્થ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જ્યારે બધા લોકોને એક ધર્મ અનુસરવાની ફરજ પાડવા તલવાર ખેંચવામાં આવી, ત્યારે ઇતિહાસ આપણને કહે છે એકની જગ્યા લેવા બીજા દસ ધર્મો ફૂટી નીકળ્યા હતા. એક ધર્મ બધાને સાનુકૂળ હોઈ શકે નહીં. મનુષ્ય ક્રિયા અને પ્રતિક્રિયા એમ બે બળોનું પરિણામ છે, જે તેને વિચાર કરતો કરી મૂકે છે. જો આવાં બળો મનુષ્યના મન ઉપર અસર ન કરતાં હોત તો તે વિચાર કરવા અશક્ત બની જાત.
મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જે વિચાર કરે છે. મનુષ્ય મનવાળું પ્રાણી છે. જેવી તેની વિચારશક્તિ ચાલી જાય કે તેની અને પશુ વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. આવો મનુષ્ય કોને ગમશે ? પ્રભુ કરે ને ભારતના લોકો ઉપર આવી કોઈ દશા ન આવી પડે ! મનુષ્યને મનુષ્ય તરીકે જીવવા માટે એકતામાં વિવિધતા આવશ્યક છે. પ્રત્યેક બાબતમાં વિવિધતા સચવાવી જોઈએ, કેમ કે જ્યાં સુધી વિવિધતા હશે ત્યાં સુધી જ જગતનું અસ્તિત્વ રહેશે. (સ્વા. વિ. ગ્રંથમાળા, 4.270-71)
Your Content Goes Here




