પ્રિય મિસ નોબેલ,

મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો.

જે એક વિચાર હું સૂર્યપ્રકાશ જેટલો સ્પષ્ટ જોઉં છું તે એ છે કે દુ:ખ ‘અજ્ઞાન’થી આવે છે…દુનિયાને પ્રકાશ કોણ આપશે ?.. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ દુનિયાના વીર અને શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની જરૂર છે.

જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો શબ્દ વજ્ર જેવી અસર કરશે.

તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે; દુનિયા હલાવનારનું તમારામાં ઘડતર છે; અને બીજાઓ પણ આવશે, નીકળશે. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ:ખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે ? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલો દેવ જવાબ ના આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો. જીવનમાં બીજું વધારે છે શું ? એથી વિશેષ મહાન કામ છે ક્યું ? જેમ જેમ હું આગળ વધું છું, તેમ તેમ વિગતો મને સૂઝતી આવે છે. હું કદી (અગાઉથી) યોજના કરતો નથી. યોજનાઓ પોતે વિકસે છે અને પોતાની મેળે કાર્ય કરતી થાય છે. હું તો એટલું જ કહું છું : જાગો, બસ જાગો !

ભારતમાં વ્યાખ્યાનો અને શિક્ષણથી કાંઈ ભલીવાર નહીં નીપજે. આપણે જે જોઈએ છે તે પ્રાણવાન ધર્મ છે; અને મુસલમાનો કહે છે તેમ ‘ખુદા કી મરજી’, તો મેં તે બતાવવાનો નિશ્ર્ચય કર્યો છે…. તમારી સંસ્થાના ઉદ્દેશો સાથે હું પૂરેપૂરો સંમત છું; અને ભવિષ્યમાં તમે કંઈ પણ કરો તેમાં મારી સંમતિ માની લેજો. તમારી શક્તિ અને સહૃદયતામાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આ પૂર્વે જ હું તમારો અત્યંત ઋણી બન્યો છું અને રોજ-રોજ હજુ તમે મને અનંત ઉપકાર તળે મૂક્તાં જાઓ છો. મારા મનથી એકમાત્ર એટલી જ નિરાંત છે કે આ બધું બીજાના કલ્યાણ માટે છે. તે સિવાય તો વિમ્બલ્ડનના મિત્રોએ જે અદ્‌ભુત મમતા મારા પ્રત્યે બતાવી છે તેને હું જરાપણ પાત્ર ન હોત. ઓ ભલા, દૃઢ અને સાચા અંગ્રેજ લોકો ! પ્રભુ તમારું સદાય ભલું કરો. દૂર રહ્યો રહ્યો પણ હું તમારું વિશેષ ને વિશેષ મૂલ્યાંકન કરું છું. કૃપા કરીને ત્યાં આપણા જે બધા મિત્રો છે તેમને મારાં શાશ્ર્વત સ્નેહસ્મરણ કહેશો.

તમારા ઉપર સદાય સર્વે આશીર્વાદ ઊતરો !

સસ્નેહ તમારો,

વિવેકાનંદ

Total Views: 482

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.