વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે.
આવું અજબ સ્વપ્ન પ્રથમ સેવનાર, સત્યસેવી, ઉદારહૃદયી અભિજાત આત્માઓનો હું આભાર માનું છું. આવું સ્વપ્ન સેવીને એને પાર પાડવા માટે હું તેમનો આભાર માનું છું. આ વ્યાસપીઠ પર જે ઉદાર વિચારોની, જે ઉમદા લાગણીઓની વર્ષા છલકાઈ છે તે માટે હું આભાર માનું છું. મારા પ્રત્યે સતત દર્શાવવામાં આવેલી સહાનુભૂતિ માટે આ બુદ્ધિશાળી શ્રોતાવર્ગનો, તેમ જ ધર્મ-ધર્મ વચ્ચેના સંઘર્ષણને હળવું બનાવે એવા દરેક વિચાર પ્રત્યેની એમની કદરદાનીનો હું આભાર માનું છું. આ સુસંવાદિતામાં વચ્ચે કોઈ-કોઈ વાર કર્કશતા આવતી હતી; એ કર્કશતા લાવનારનો પણ હું આભાર માનું છું, કેમ કે એ કર્કશતાને લીધે સામાન્ય સંવાદિતામાં વધુ મધુરતા આવી છે.
ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો નથી. પણ જો તમારામાંના કોઈની એવી માન્યતા હોય કે બીજા ધર્મોનો પરાભવ કરીને કોઈ એક ધર્મના વિજયમાંથી આ એકતા આવશે, તો એને હું કહેવા માગું છું કે, “ભાઈ! તમારી આશા ફળે એ અશક્ય છે.” ખ્રિસ્તીધર્મી હિંદુ થાય એવી આશા હું સેવું? ના, ભાઈ! ના. હિંદુધર્મી કે બૌદ્ધધર્મી ખ્રિસ્તી થાય એવી આશા હું સેવું? નહીં જ.
બીજને ખેતરમાં વાવવામાં આવ્યું છે અને એની આસપાસ માટી, હવા અને પાણી સીંચવામાં આવ્યાં છે. બીજ શું માટી થશે, હવા થશે, પાણી બનશે? ના, ભાઈ! ના. એ છોડ થશે; એના વિકાસના નિયમ અનુસાર એ વિકાસ પામશે, એ હવાને પચાવશે, માટીને પચાવશે, પાણીને પચાવશે અને બીજ આખરે એક છોડ રૂપે જ વિકસશે.
આવું જ કંઈક ધર્મ વિશે છે. ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી. હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે.
વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્ત્વરે આ પ્રમાણે લખાશે: “સહાય; પરસ્પર વેર નહીં.” “સમન્વય; વિનાશ નહીં.” “સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.”
– સ્વામી વિવેકાનંદ
(‘શિકાગો વ્યાખ્યાનો’ (પાંચમું સંસ્કરણ) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૃ. ૪૨-૪૩)
Your Content Goes Here




