યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર જે અતીતના અંધકારમાં ડોકિયું કરવામાં ઇતિહાસ અને પરંપરા પણ નિષ્ફળ નીવડે છે, ત્યાંથી આવી રહેલો જ્ઞાન, ભક્તિ અને કર્મના વિરાટ હિમાલયના શિખરે-શિખરે પ્રતિઘોષ પાડતો, ચાલ્યો આવતો, મૃદુ, સુદૃઢ અને છતાં પોતાનાં વચનોમાં અચૂક, તેમ જ વખતના વહેવાની સાથે-સાથે વિસ્તારમાં વધતો જતો એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે! અને જુઓ, એ સાથે જ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગૃત થઈ રહી છે! હિમાલયમાંથી વહી આવતી વાયુલહરીની પેઠે તે તેનાં મૃતપ્રાય: અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યા છે. સુસ્તી ઊડતી જાય છે અને માત્ર ચક્ષુહીન જ જોઈ ન શકે અગર તો જાણી જોઈને અવળી મતિવાળાઓ જ નહિ જુએ કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈ રહી છે. હવે એનો વધુ કોઈ પ્રતિકાર કરી શકે તેમ નથી; હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી. કોઈ વિદેશી સત્તા તેને ફરીથી વધુ ગુલામીમાં જકડી શકે તેમ નથી, કારણ કે એ વિરાટકાય રાક્ષસ આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ખડો થઈ રહ્યો છે.
– સ્વામી વિવેકાનંદ
(‘કરીએ પુનઃનિર્માણ ભારતનું’, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ.૪૫)
Your Content Goes Here




