જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં સુધી પ્રેમ હોઈ શકે નહીં. શું તમે કોઈ ખાસ ભયથી પ્રેમ કરાવી શકો? શું ઘેટું સિંહને ચાહે છે? ઉંદર બિલાડીને ચાહે છે? ગુલામો તેના માલિકોને ચાહે છે? કેટલીકવાર ગુલામો પ્રેમનો દેખાવ કરે છે પણ શું તે સાચો પ્રેમ હોય છે? તમે કોઈ દિવસ ભયમાં ક્યાંય પ્રેમ જુઓ છો? તે હંમેશાં દેખાવ માત્ર હોય છે. પ્રેમમાં ભયનો વિચાર જ હોતો નથી. રસ્તે ચાલી જતી એક યુવાન માતાનો દાખલો લો. જો કોઈ કૂતરો ભસે તો પણ તે નજીકના ઘરમાં સંતાઈ જાય છે. હવે બીજે દિવસે તે બાઈ પોતાના બાળકને સાથે લઈને નીકળે છે અને ધારો કે સિંહ તેના બાળક પર તરાપ મારે છે. તો તે માતાનું સ્થાન ત્યારે ક્યાં હશે? માતા પોતાના બાળકને બચાવવા માટે સિંહના મોંમાં! પ્રેમે તેનો બધો ભય જીતી લીધો હશે. ઈશ્વરના પ્રેમ વિશે પણ તેવું જ છે. ઈશ્વર પુરસ્કાર આપનાર છે કે શિક્ષા કરનાર, તેની કોને પડી છે? પ્રેમ કરનારને તેવો વિચાર નથી હોતો. ન્યાયાધીશનો વિચાર કરો; જ્યારે તે ઘેર આવે છે ત્યારે તેની પત્ની તેનામાં શું જુએ છે? તે તેનામાં ન્યાયાધીશ કે શિક્ષા કરનાર કે બદલો આપનાર માણસ જોતી નથી પણ તે તેના પતિને, પોતાના પ્રિયતમને જુએ છે. તેના બાળકો તેનામાં શું જુએ છે? બાળકો તેને પોતાના પ્રેમાળ પિતા તરીકે જુએ છે, બદલો આપનાર કે શિક્ષા કરનાર નહીં. તે જ પ્રમાણે પરમેશ્વરના બાળકો પરમેશ્વરને શિક્ષા કરનાર કે બદલો આપનાર તરીકે કોઈ દિવસ જોતાં નથી. જે લોકોએ કદી પ્રેમનો સ્વાદ લીધો નથી એવા લોકો જ ભયથી ધ્રૂજે છે. બધી બીકને છોડી દો. શિક્ષા કરનાર કે બદલો આપનાર તરીકે ઈશ્વર વિશેના ભયંકર વિચારોને જંગલી માણસના મનમાં ભલે સ્થાન હોય. કેટલાક લોકો – ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ – આધ્યાત્મિક બાબતમાં જંગલી માણસ જેવા હોય છે; તે લોકોને આવા વિચારો કદાચ મદદ કરે. પરંતુ જે માણસો આધ્યાત્મિક છે, જેઓ ધર્મની નજીક ગયેલા છે, જેનામાં આધ્યાત્મિક દૃષ્ટિ ખૂલી ગઈ છે તે લોકોને માટે આવા વિચારો માત્ર બાલિશ અને મૂર્ખાઈ ભરેલા છે. આવા લોકો ભયના બધા વિચારોનો ત્યાગ કરે છે.
– સ્વામી વિવેકાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “ભક્તિ”માંથી, પૃ. ૧૬થી ૧૮)
Your Content Goes Here




