આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે આધ્યાત્મિક નહીં બનો ત્યાં સુધી ભારતનો પુનરુદ્ધાર થવાનો નથી. ધર્મ અને એક માત્ર ધર્મ જ ભારતનો પ્રાણ છે અને જ્યારે તે જશે ત્યારે ભારત મૃત્યુ પામશે. એટલે ભારતમાં કોઈપણ સુધારો આવતાં પહેલાં ધર્મનું ઉત્થાન થવું જોઈએ. ભારતને સામાજિક કે રાજદ્વારી વિચારોથી ભરી દેતાં પહેલાં પ્રથમ તો આધ્યાત્મિક વિચારોથી દેશને તરબોળ કરી દો.
ભારતના રાષ્ટ્રીય આદર્શ છે: ત્યાગ અને સેવા. એ માર્ગમાં એની શક્તિનો વિકાસ વધુ પ્રબળ બનાવો, એટલે બીજું બધુંઆપોઆપ ગોઠવાઈ જશે.
ભારતના બધા સુધારકોએ પુરોહિતવાદ અને અધ:પતનમાંથી જન્મેલાં સઘળાં અનિષ્ટો માટે ધર્મને જવાબદાર ગણવાની ગંભીર ભૂલ કરી; અને એની અભેદ્ય ઈમારત તોડી પાડવા એ બધા દોડી ગયા. પણ પરિણામ શું આવ્યું? કેવળ નિષ્ફળતા! બુદ્ધથી માંડીને છેક રામમોહન રાય સુધી દરેક જણે જ્ઞાતિને એક ધાર્મિક સંસ્થા ગણવાની ભૂલ કરી અને જ્ઞાતિ તથા ધર્મ બન્નેને જમીનદોસ્ત કરવાના પ્રયાસો કર્યા અને તે બધા નિષ્ફળ ગયા.
મારા મિત્ર! સાંભળ, પ્રભુની કૃપાથી એ રહસ્ય મેં શોધી કાઢ્યું છે. આમાં દોષ ધર્મનો નથી. મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટેધર્મના વિનાશની આવશ્યક્તા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે રીતે પાલન થવું જોઈતું હતું તે રીતે થયું નહિ તે છે. હું જે આ કહું છું તેના શબ્દે-શબ્દ આપણા પ્રાચીન શાસ્ત્રોના આધારે પુરવાર કરવા તૈયાર છું. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવો જોઈએ, અને તે ધર્મનો નાશ કરીને નહિ પરંતુ હિંદુ ધર્મના મહાન ઉપદેશોનું આચરણ કરીને.
–સ્વામી વિવેકાનંદ
(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું,’ શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટ (દ્વિતીય સંસ્કરણ) પૃ.૨૦-૨૧)
Your Content Goes Here




