આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનોના આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશક્તિ લઈને જગતના કોઈ પણ પર્વત કરતાં વિશેષ સુદૃઢ રહી શકી છે. એનું જીવન પણ આત્માના જેવા જ ગુણવાળું, અનાદિ અને અનંત તથા અમર છે. અને આપણે સૌ એ ભૂમિનાં સંતાનો છીએ. જ્યારે યુનાન દેશનો જન્મ પણ થયો ન હતો, જ્યારે રોમનો કોઈ વિચાર સરખો ય નહતું કરતું, જ્યારે અર્વાચીન યુરોપવાસીઓના પૂર્વજો શરીર પર રંગ લપેડા કરીને જંગલમાં વસતા હતા, ત્યારે ભારતવર્ષમાં વિકાસના શ્રીગણેશ ક્યારનાયે મંડાઈ ચૂક્યા હતા. અરે, એથીય પહેલાં, ઇતિહાસમાં જેની કોઈ નોંધ પણ નથી અને પરંપરા પણ જેની અસ્પષ્ટતાના અંધકારમાં ડોકિયું કરવાની હામ ભીડી શકતી નથી એવા ગાઢ અભેદ્ય ભૂતકાળથી તે આજ સુધી એક પછી એક નવી વિચારણાઓ આ દેશમાંથી જ વિજયપ્રસ્થાન કરતી રહી છે. પણ આ દેશમાંથી ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દની પાછળ હંમેશાં કલ્યાણકામના રહી છે અને એના લક્ષ્યરૂપે શાંતિની ભાવના રહી છે. આખાય જગતનો ઇતિહાસ જુઓ તો તમને જણાશે કે કોઈ પણ સ્થળે દેખાતા ઉચ્ચ આદર્શનું ઉદ્ભવસ્થાન ભારત જ છે. સ્મરણાતીત કાળથી ભારત જ માનવસમાજને માટે અમૂલ્ય વિચારોની ખાણ સમું બની રહ્યું છે, ભારતે જ ઉચ્ચ ભાવનાઓને જન્મ આપીને એનો આખાય જગતમાં નિર્બન્ધ પ્રસાર કર્યો છે. ધર્મના વિષયમાં થયેલા સંશોધન પરથી જણાય છે કે સારા નીતિનિયમો ધરાવનારો કોઈ પણ દેશ એવો નથી કે જેણે આપણી પાસેથી પરોક્ષ યા અપરોક્ષ રીતે કશું પણ લીધું ન હોય. આ જ ભૂમિમાંથી આધ્યાત્મિકતા અને દર્શને ભરતીની ઉન્નત ઊર્મિમાળાની જેમ ફરી ફરી વહી જઈને સમસ્ત વિશ્વને આપ્લાવિત કરી દીધું છે. અને આ જ ભૂમિમાંથી ફરીથી ક્ષયગ્રસ્ત માનવ પ્રજાઓમાં જીવન અને શક્તિનો સંચા૨ ક૨વા માટે એવી ભરતીઓ આવવી જ જોઈએ.
આપણી માતૃભૂમિનું જગત પ૨નું ઋણ અપરિમેય છે. એક પછી એક બધાય દેશો ખૂંદી વળો, ક્યાંયે તમને હિંદુ પ્રજાના જેવી ધીર અને નમ્ર પ્રજા જડશે નહીં. જગત એનું જેટલું ૠણી છે તેટલું બીજી કોઈ પ્રજાનું ૠણી નથી. વિશ્વની ચિંતન સમૃદ્ધિમાં ભારતવર્ષનું અર્પણ અદૃષ્ટ રહીને નીરવ સરતાં છતાં સુંદરતમ ગુલાબને પ્રફુલ્લાવનારા નમ્ર ઝાકળના બિંદુ જેવું છે. શાંત, અદૃશ્ય અને છતાં એનાં પરિણામોમાં સર્વશક્તિશાળી. ભારતે વિશ્વની તત્ત્વવિચારણામાં ક્રાન્તિ લાવી દીધી છે. ને છતાં એણે એ બધું ક્યારે કર્યું તેની કોઈને ખબર સરખી પણ પડી નથી.
– સ્વામી વિવેકાનંદ
// શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આપણા હાથમાં ભારતનું ભાવિ’માંથી, પૃ. ૨-૩//
Your Content Goes Here




