કેટલાકના મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા. કેટલાક એવા દેશાભિમાની અંગ્રેજો છે કે જેઓ એમ ધારે છે કે આર્યો બધા લાલ વાળવાળા હતા; બીજાઓ પોતાના મત મુજબ ધારે છે કે આર્યો બધા કાળા વાળવાળા હતા; જો લેખક પોતે કાળા વાળવાળો હોય તો આર્યો બધા કાળા વાળવાળા બની જાય. હમણાં જે છેલ્લે એક એવું સાબિત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આર્યો સ્વિટ્ઝરર્લેન્ડનાં સરોવરો પ૨ ૨હેતા. એ લોકો બધા એમની માન્યતા સુધ્ધાં જો એમાં ડૂબી ગયા હોત તો મને દુઃખ ન થાત. કેટલાક વળી એમ કહે છે કે આર્યો ઉત્તર ધ્રુવમાં રહેતા. આર્યોનું અને તેમના વસવાટનું ભગવાન ભલું કરે! આ બધા મતોની સચ્ચાઈ વિશે આપણાં શાસ્ત્રોમાં એક શબ્દ સરખોય નથી; એક પણ શબ્દ એવો નથી જે એમ સાબિત કરી શકે કે આર્યો કદી પણ ભારતની બહારથી આવ્યા હતા, અગર તો પ્રાચીન ભારતમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થઈ જતો. વાત ત્યાં પૂરી થાય છે. વળી શૂદ્ર જાતિ આખી અનાર્ય હતી અને તેઓ એક સમૂહમાં રહેતા, એ મત પણ તેટલો જ તર્ક વિરુદ્ધ અને સમજાય નહીં તેવો છે. એક મૂઠીભર આર્યો આવીને વસવાટ કરે અને લાખોના લાખો દસ્યુઓ પર પ્રભુત્વ જમાવીને બેસે એ તે દિવસોમાં શક્ય બન્યું જ ન હોત. એ દસ્યુ તેમને ખાઈ ગયા હોત, પાંચ મિનિટમાં તેમની ચટણી કરી નાખી હોત! એનો એકમાત્ર ખુલાસો મહાભારતમાં મળી આવે છે. તે કહે છે કે સત્ય યુગના પ્રારંભમાં એક જ વર્ણ બ્રાહ્મણ વર્ણ હતો; ત્યાર પછી ધંધાના ભેદથી એ લોકોમાં વર્ણભેદ પડતા ગયા. એ એક જ એનો સાચો અને બુદ્ધિપુરઃસરનો ખુલાસો છે. અને ભાવિ સત્ય યુગમાં બીજા બધા વર્ણો એ જ અવસ્થાએ પાછા જવાના છે. જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ગોને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું શંકરાચાર્યે ગીતા ઉપરના પોતાના ભાષ્યમાં સુંદર રીતે રજૂ કર્યું છે. બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ, ઈશ્વરદર્શી માનવી, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે તે આદર્શ મનુષ્ય, પૂર્ણ પુરુષ રહેવો જ જોઈએ: તેનો વિનાશ ન જ થવો જોઈએ અને વર્ણવ્યવસ્થામાં અનેક ખામીઓ હોવા છતાં બીજા વર્ષો કરતાં આ બ્રાહ્મણ વર્ણમાંથી સાચા બ્રાહ્મણત્વવાળા વધુ માણસો નીકળ્યા છે, તે માટે આપણે બધાએ બ્રાહ્મણ વર્ણને આટલી શાબાશી આપવા તૈયાર રહેવું જ જોઈએ.
–સ્વામી વિવેકાનંદ
(“જાગો, હે ભારત!”માંથી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ. ૬૮-૬૯-૭૦)
Your Content Goes Here




