શક્તિમાન બનો
મારા માટે તો પાને પાને ઉપનિષદો પોકારી રહ્યાં છે: શક્તિ! શક્તિ! આ એક મોટી બાબત યાદ રાખવાની છે; મારા જીવન દરમિયાન આ એક જ પાઠ મને શીખવવામાં આવ્યો છે. તે કહે છે કે શક્તિમાન બનો. ઓ માનવી! દુર્બળ બનો નહીં. માણસ પૂછે છે કે શું મનુષ્યસહજ નબળાઈઓ ન હોય? ઉપનિષદો ઉત્તર આપે છે કે હોય; પણ વધુ નબળાઈથી શું એ મટવાની છે? કાદવથી કાદવ સાફ થઈ શકવાનો છે? પાપથી પાપ ધોવાવાનું છે? દુર્બળતા દુર્બળતાને દૂર કરવાની છે? ઉપનિષદો પોકાર કરે છે કે શક્તિમાન બનો, ઓ મનુષ્યો! સામર્થ્યવાન બનો! ઊભા થાઓ અને તાકાતવાન બનો! અરે, આખી દુનિયામાં એ એક જ સાહિત્ય એવું છે કે જ્યાં તમને ‘અભી:’ – ‘નિર્ભય‘ શબ્દ વારે વારે વપરાયેલો નજરે ચડશે. જગતના બીજા એકેય ધર્મશાસ્ત્રમાં ઈશ્વરને કે માણસને આ વિશેષણથી નવાજવામાં આવતો નથી. જુઓ તો ખરા, ‘અભીઃ’ – ‘નિર્ભય!’ અને મારા મિત્રો! મારા દેશબાંધવો! હું ઉપનિષદોને જેમ જેમ વધુ વાંચું છું તેમ તેમ મને તમારા માટે વધુ રોવું આવે છે, કારણ કે એ ઉપનિષદોમાં જ વધારેમાં વધારે વહેવારુપણું છે. સામર્થ્ય, આપણા માટે સામર્થ્ય જોઈએ. આપણને જરૂર છે સામર્થ્યની. એ શક્તિ આપણને કોણ આપશે? ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે આખા જગતને ચેતનવંતુ કરી મૂકે એવી શક્તિ એમાં ભરેલી છે. એમના દ્વારા આખા વિશ્વને સજીવન કરી શકાય, તાકાતવાન બનાવી શકાય, શક્તિમાન બનાવી શકાય. એ ઉપનિષદો દરેક પ્રજાના, દરેક સંપ્રદાયના, દરેક જાતિનાં દુર્બળોને, દુઃખીઓને અને દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે તમારા પગ પર ખડા રહો અને મુક્ત થાઓ! ઉપનિષદોનો મૂળ મંત્ર છે મુક્તિ, – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ.
અરે, આખી દુનિયામાં આ એક જ શાસ્ત્ર એવું છે જે પરિત્રાણની વાત ન કરતાં મુક્તિની વાત કરે છે. એ કહે છે કે પ્રકૃતિનાં બંધનોમાંથી મુક્ત થાઓ, દુર્બળતાની બેડીમાંથી મુક્ત થાઓ! અને એ તમને બતાવી આપે છે કે આ મુક્તિ તમારામાં જ રહેલી છે.
–
(‘જાગો, હે ભારત’માંથી, પૃ. ૩૮-૩૯)
Your Content Goes Here




