(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં. તેઓ દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યાં છે. ૨૮ ઓક્ટોબરના રોજ ભગિની નિવેદિતાના જન્મદિન નિમિત્તે તેમનો લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

સ્વામી વિવેકાનંદને ભગિની નિવેદિતા જેટલા ઊંડાણથી સમજી શક્યાં હતાં તેટલું કોઈ સમજી શક્યું નહોતું. – સ્વામી રામકૃષ્ણાનંદજી

ગાઉન અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલા ભગિની નિવેદિતા પવિત્રતા અને તપસ્યાનું મૂર્તિમંત સ્વરૂપ હતાં. પ્રખર આધ્યાત્મિકતા, ચારિત્રની દૃઢતા, મનની અમાપ શક્તિ, ઝળાંહળાં થાય તેવી બુદ્ધિમત્તા અને જ્ઞાનના અનેક આયામોથી સજ્જ એવાં વ્યક્તિત્વશાળી નિવેદિતા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરી શક્યાં હોત. પરંતુ સ્વામી વિવેકાનંદને પોતાનું જીવન નિવેદિત કરી તેઓ સ્વામીજીના સંદેશને સાંગોપાંગ જીવી ગયાં. સ્વામીજીએ ભગિની નિવેદિતાને કહેલું, “એક મહાન ભવિષ્ય ભારતમાં તમારી રાહ જોઈ રહ્યું છે. ભારતને એક પુરુષની નહીં, પરંતુ સિંહણ સમાન એક મહિલાની જરૂરિયાત છે. તમારું શિક્ષણ, નિષ્ઠા, પવિત્રતા, અનર્ગળ પ્રેમ, ઠોસ નિર્ણયશક્તિ અને આ બધાથી વિશેષ તમારું આઈરીશ લોહી, તમને જેવી જરૂરિયાત છે તેવી જ મહિલા તરીકે ઊભરાવે છે.” અને નિવેદિતાના સ્વરૂપે સ્વામીજીએ અત્યંત આદરને પાત્ર એવી આ મહિલાનું ઘડતર કર્યું.

શ્રીરામકૃષ્ણની અવતારલીલામાં સ્વામી વિવેકાનંદે જેવી ભૂમિકા ભજવી છે, તેવી જ ભૂમિકા ભગિની નિવેદિતાએ સ્વામીજીના જીવનકાર્યમાં ભજવી છે. સ્વામીજીએ પોતે કહેલ છે, “શ્રીરામકૃષ્ણ પોતાનું જીવન જીવી ગયા, પરંતુ તેનું અર્થઘટન કરવાનું મારે ભાગે આવ્યું.” આ જ વાત સ્વામીજી અને નિવેદિતાના જીવન વિશે લાગુ પાડી શકાય. સ્વામીજીના સંદેશનું અર્થઘટન કરી, સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવાનું કાર્ય નિવેદિતાએ કર્યું. ખરેખર, કોઈ દૈવી યોજનાએ જ આ વિશિષ્ટ કાર્ય માટે નિવેદિતાની પસંદગી કરી હતી.

પ્રસ્તુત લેખનું શીર્ષક આ જ હકીકતનો નિર્દેશ કરે છે. ખરેખર તો સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીએ કરેલ અવતરણ છે; જેમાં તેઓ કહે છે કે ભગિની નિવેદિતા જેટલા ઊંડાણથી સ્વામીજીને કોઈ સમજી શક્યું નહોતું.

આ વાક્યના બે સૂચિતાર્થો નીકળે છે.

૧. નિવેદિતા સ્વામીજીને એટલા ઊંડાણથી સમજી શક્યાં કે તેમણે પોતાના જીવનને સ્વામીજીના સંદેશનું જીવતું–જાગતું ભાષ્ય બનાવી દીધું. તેમના જીવનને જાણવા–સમજવાથી સ્વામીજીને સમજવા સરળ બને છે.

૨. નિવેદિતાએ સ્વામીજીના સંદેશનું યોગ્ય અર્થઘટન કરીને વિશ્વ સમક્ષ મૂક્યું, એવા સમયે કે જ્યારે સ્વામીજીની નજીકની વ્યક્તિઓ પણ તેમના સંદેશને સમજવા અસમર્થ હતી.

તો, ચાલો, પહેલા સૂચિતાર્થને સમજીએ. સ્વામીજીનો મુખ્ય સંદેશ હતો ‘મનુષ્ય–નિર્માણ.’ એક વખત તેમણે કહેલું, “મારું મિશન રામકૃષ્ણદેવનું કે વેદાંતનું નથી, પરંતુ લોકોમાં પ્રબળ માનવીય શક્તિઓ જગાવવાનું છે.” નિવેદિતાએ આ કથનને જીવનમાં વણી, પોતાના જીવનને એવા ઢાંચામાં ઢાળી દીધું કે જેથી સ્વામીજીનો આ ઉદાત્ત હેતુ સિદ્ધ થાય. ‘ત્યાગ અને સેવા’ના સ્વામીજીએ પ્રબોધેલ આદર્શોને આત્મસાત્‌ કરી, લોકોની સેવામાં તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જેમ કે સ્ત્રી-સશક્તીકરણ. એ જમાનામાં જ્યારે સ્ત્રીઓને કોઈ પણ પ્રકારનું શિક્ષણ મળતું નહીં, ત્યારે ઈ.સ. ૧૮૯૮માં તેમણે તે માટે કન્યાશાળાની સ્થાપના કરી. તેનું ઉદ્‌ઘાટન ખુદ શ્રીમા શારદાદેવીએ કરેલ. આજે આ શાળા ‘નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ તરીકે સમગ્ર કોલકાતામાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.

રાષ્ટ્રીય પ્રેમને જાગ્રત કરવાના પ્રયાસો

ભારતીય કલાનું પુનર્જીવન

વિજ્ઞાનને પ્રોત્સાહન – પ્રખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝને તેમણે નૈતિક, આર્થિક ટેકો આપીને એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક તરીકે ઊભરવાની તક આપી.

માનવતાવાદી સહાય – ઈ.સ. ૧૮૯૮માં કોલકાતામાં પ્રસરેલ પ્લેગને અટકાવવા તેમણે કરેલ સેવા અભૂતપૂર્વ હતી.

શું તેમના ગુરુ સ્વામી વિવેકાનંદે તેમને નહોતું કહ્યું, “ગરીબ, જરૂરિયાતમંદ, દબાયેલા, કચડાયેલા લોકો માટે પોતાની જાતને હોમી દેવાની તત્પરતા – આ જ જીવનનો મુદ્રાલેખ છે.” ખરે જ, વ્યક્તિત્વની અસંખ્ય સંભાવનાઓ ધરાવતાં નિવેદિતાએ સાદું પવિત્ર જીવન જીવી, પોતાના ગુરુના ‘મનુષ્ય-નિર્માણ’ના આદર્શને ચરિતાર્થ કર્યો.

“સંસારની અરાજકતા અને સંઘર્ષની વચ્ચે રહી, તમારા વ્યક્તિત્વના કેન્દ્રમાં જાઓ” – સ્વામીજીએ આ કહેલ અને નિવેદિતાએ તેમ જ કર્યું. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ શું હતો તે નિવેદિતાના જીવનને સમજવાથી સ્પષ્ટ બને છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે સ્વામીજીને ઊંડાણથી સમજી શકાય, જે નિવેદિતાએ પોતાના જીવનથી દર્શાવ્યું.

હવે લેખના શીર્ષકનો બીજો સૂચિતાર્થ જોઈએ. જ્યારે સ્વામીજીએ વિશ્વ સમક્ષ મૂકેલી ફિલસૂફીનું હાર્દ સમજવું સ્વામીજીના અત્યંત નિકટના લોકો માટે પણ કઠિન હતું, તે વખતે નિવેદિતા તે સમજી શક્યાં, એટલું જ નહીં તેને સરળતાથી સમજાય તે રીતે વિશ્વ સમક્ષ રજૂ કરી.

તો ચાલો, પહેલાં સ્વામીજીની ફિલસૂફી વિશે થોડું જાણીએ. સ્વામી વિવેકાનંદને એક વખત પૂછવામાં આવેલું, “શું એ સાચું છે કે બુદ્ધ ભગવાને એમ કહેલ છે કે આ દૃશ્ય-જગતનાં બધાં સ્વરૂપો (અનેક) સત્ય છે; જ્યારે પરંપરાગત હિંદુત્વના મત મુજબ એક એટલે કે બ્રહ્મ સત્ય છે, જ્યારે અનેક એટલે કે આ દૃશ્ય-જગત મિથ્યા છે?” સ્વામીજીએ જવાબ આપેલો, “રામકૃષ્ણ પરમહંસદેવે અને મેં જે કહેલ છે તે એ છે કે એક જ મન પોતાની વિવિધ અવસ્થાઓને આધારે એક જ સત્યને અલગ અલગ રીતે જુએ છે.”

આ એક જ વાક્ય વિવેકાનંદના ઉપદેશનાં વિશાળ પરિણામો ઉપર પ્રકાશ ફેંકે છે. સ્વામીજીના આ વાક્યનું અર્થઘટન આ રીતે થઈ શકે – તેઓ કહેવા માગે છે કે આ સંસાર-દૃશ્યજગત એકમેવ એવા બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. આથી જો બ્રહ્મ સત્ય હોય તો જગત પણ સત્ય જ છે. જો કે આ અનુભૂતિ દરેક સાધકની સાધના કરવાની પદ્ધતિ અને તેના વિકાસક્રમ ઉપર આધાર રાખે છે. (અહીં સાધના એટલે વેદાંતની સાધના – એટલે કે દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત વેદાંત – એવો અર્થ સ્વામીજીને અભિપ્રેત હતો) અંતે તો સાધક એ જ નિષ્કર્ષ પર પહોંચે છે કે આ સંસાર બ્રહ્મની (ઈશ્વરની) જ અભિવ્યક્તિ છે.

આથી જ સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું કે આધ્યાત્મિક પરિપૂર્ણતાનો, અરે, જીવનની પરિપૂર્ણતાનો અનુભવ કરવા માટે સંસારથી ભાગી, દૂર ગુફાઓમાં જઈને તપસ્યા કરવાની જરૂર નથી. જો આ જગત-સંસાર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, તો તેના પ્રત્યે પૂજ્યભાવ રાખી, દુ:ખી, પીડિત, જરૂરિયાતમંદ લોકોની કરેલી સેવા એ ઈશ્વર સેવા જ છે, જે કરવાથી જીવનની પરિપૂર્ણતા પામી શકાય છે. તેથી સ્વામીજીએ મંત્ર આપ્યો, “શિવભાવે જીવસેવા”, જે તેમને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળ્યો હતો. તેમણે કહ્યું હતું, “ના, માનવતા પ્રત્યે દયા નહીં, પરંતુ તેની અંદર રહેલ ઈશ્વરની સેવા.” સ્વામીજીએ કહ્યું હતું, “મને મુક્તિની કોઈ કામના નથી, એને બદલે બીજાનું ભલું કરતાં કરતાં હું કરોડો નરકમાં જવાનું પસંદ કરીશ. આ જ મારો ધર્મ છે.” હકીકતમાં આ નવીન ફિલસૂફી આપી સ્વામીજીએ ‘કર્મયોગ’ને નવીન, બૃહદ, વિશાળ, નૈતિક, ઉચ્ચતર આયામ આપ્યો છે અને તે પણ ધ્યાનકેન્દ્રિત જીવનની ગરિમા, મહિમા, અને શુદ્ધ આનંદને નકાર્યા વગર. તેમનું વેદાંતનું આ નવું અર્થઘટન દરેક વ્યક્તિની અંતર્નિહિત દિવ્યતા ઉપર ભાર મૂકે છે.

આ વિચારધારા સાથે અમેરિકાથી પરત ફર્યા બાદ સ્વામીજીએ ૧૮૯૭માં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી. સ્વાભાવિક રીતે જ સ્વામીજીની આ ક્રાંતિકારી ફિલસૂફી પચાવવી સહેલી નહોતી. તેનો વિરોધ થયો, તેમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત અને સ્વામીજીના ગુરુભાઈઓ પણ સામેલ હતા. તપસ્યામય જીવન છોડીને એક સાધુ માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે? તેઓ બધા તીવ્ર તપસ્યામય જીવન જીવવા માગતા હતા. સ્વામીજીએ તેમને સમજાવવાની કોશિશ કરી કે તેઓ ધારે છે તે કરતાં પોતાનું મિશન ઘણું વિશાળ છે, ઊંડાણભર્યું છે.

સ્વામી યોગાનંદજીએ કહ્યું, “શું કામ કરવા વિશેના આ વિદેશી વિચારો પરમહંસદેવનો ઉપદેશ છે?” સ્વામીજીએ તરત ઉત્તર આપ્યો, “શ્રીરામકૃષ્ણદેવને તમે કેટલા સમજ્યા છો? તમારા વિચારની સીમા કરતાં તેમના વિચારોનો વ્યાપ ઘણો વિશાળ છે.” આ વાતને સ્વામી યોગાનંદજી સમજી શક્યા અને કહ્યું, “હું હવે જોઈ રહ્યો છું કે તમારા દ્વારા આ બધું કાર્ય કરાવીને શ્રીરામકૃષ્ણદેવ પોતાનું જ કાર્ય કરી રહ્યા છે.”

માસ્ટર મહાશયે પણ દલીલ કરી, “તમે લોકકલ્યાણ માટે આ બધી પ્રવૃત્તિઓ શરૂ કરી છે તે બધી ‘માયા’ના ક્ષેત્રમાં છે; શું અદ્વૈત વેદાંત આ ‘માયા’થી પર જવા માટે આધ્યાત્મિક સાધના કરી, મુક્તિ મેળવવાનું શિક્ષણ આપતું નથી?” સ્વામીજીએ સસ્મિત જવાબ આપ્યો, “તમારી મુક્તિનો પણ માયાના રાજ્યમાં જ સમાવેશ છે ને!” માસ્ટર મહાશય જો કે ચૂપ રહ્યા પરંતુ તેઓ બરાબર સંમત થયા નહોતા. વર્ષો પછી જ્યારે મા શારદાદેવીએ રામકૃષ્ણ મિશનના વારાણસી આશ્રમના સંન્યાસીઓએ કરેલી ગરીબ દર્દીઓની સેવા–શુશ્રૂષાનાં વખાણ કર્યાં અને કહ્યું કે આ કાર્યમાં તેઓ ઠાકુરની હાજરી જોઈ–અનુભવી રહ્યાં છે; ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ તાબડતોબ એક બ્રહ્મચારીને આ સંદેશ કહેવા માટે માસ્ટર મહાશય પાસે મોકલ્યા, જેઓ તે વખતે વારાણસી સેવાશ્રમમાં જ હતા. આ સાંભળીને તેમણે સસ્મિત કહ્યું, “આધ્યાત્મિક સાધના રૂપે જ કરવામાં આવતી સેવાના આ સિદ્ધાંત-ઉપદેશનો વિરોધ કરવાનું હવે કોઈ કારણ નથી.” (સ્વામી નિખિલાનંદજી દ્વારા લખાયેલ સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રમાંથી)

અહીં જ ભગિની નિવેદિતાની મહાનતા ઉજાગર થાય છે, જેમણે સ્વામીજીના ક્રાંતિકારી સંદેશના હાર્દને સમજી, તેને સ્વામીજીના ‘Complate Works of Swami Vivekanadna’ની પ્રસ્તાવનામાં જગત સમક્ષ બખૂબી રજૂ કર્યો, જે સમગ્ર વિશ્વમાં પ્રસારિત થયો. આ કેન્દ્રવર્તી વિચારની આસપાસ, તેમના શબ્દો ઘૂમે છે.

એક વખત તેમણે કહેલું, “કલા, વિજ્ઞાન અને ધર્મ એક જ સત્યને ઉજાગર કરતા અલગ અલગ માર્ગો છે. પરંતુ તેને સમજવા માટે અદ્વૈતનો સિદ્ધાંત સમજવો જોઈએ.” તેઓ લખે છે, “એક અને અનેક બંને એક જ સત્યના ભાગ છે.”

આવું સ્વામીજીએ કહ્યું છે અને આ જ વાક્ય તેમના જીવનને સર્વોચ્ચ મહત્તા બક્ષે છે. કારણ કે, અહીં તેઓ ફક્ત પ્રાચ્ય અને પાશ્ચાત્યના જ નહીં, ભૂતકાળ અને ભવિષ્યકાળનું મિલનબિંદુ બને છે. જો એક (ઈશ્વર કે બ્રહ્મ) અને અનેક (આ દૃશ્યજગત–મનુષ્યો સહિત) એક જ સત્ય હોય તો ફક્ત પૂજા–અર્ચના જ નહીં, દરેક પ્રકારનાં કાર્યો, દરેક પ્રકારના સંઘર્ષો, દરેક પ્રકારનાં સંશોધનો—આ બધાં જ— આત્માનુભૂતિ કરવાના માર્ગો છે.

સ્વામીજીનો આ સંદેશ સમજ્યા પછી ‘આધ્યાત્મિક’ અને ‘દુન્યવી’ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે. કાર્ય કરવું તે પ્રાર્થના કરવા બરાબર છે. ત્યાગ અને ઉપલબ્ધિ વચ્ચે કોઈ તફાવત નથી. જીવન પોતે જ ધર્મ છે. સ્વામીજી માટે વર્કશોપ અને ખેતર ઈશ્વરને પામવા માટેના એવા જ માર્ગો છે. જેવા એક સંન્યાસીની ગુફા કે મંદિરનાં દ્વાર. નિવેદિતા આગળ ઉમેરે છે, “સ્વામીજીએ પ્રબોધેલ એક અને અનેકના સિદ્ધાંતને લીધે તેઓ કર્મ, જ્ઞાન અને ભક્તિના મહાન ઉપદેશક તરીકે સિદ્ધ થાય છે, જેની અંતિમ અભિવ્યક્તિ છે સેવા. તેમના માટે મનુષ્યની સેવા કે ઈશ્વરની પૂજા વચ્ચે, પુરુષાર્થ કે શ્રદ્ધા-વિશ્વાસ વચ્ચે, નીતિપરાયણતા કે આધ્યાત્મિકતા વચ્ચે કોઈ અંતર નથી.”

સ્વામીજીએ પ્રબોધેલ આ ફિલસૂફી ખરેખર અસાધારણ વિરલ, અભૂતપૂર્વ છે. અહીં ‘આધ્યાત્મિક’ અને ‘લૌકિક’ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે. ખરેખર તો, જેને આપણે ‘લૌકિક’ માનીએ છીએ તેનું આધ્યાત્મિકીકરણ કરવાનું છે. વિવેકાનંદનો આ જ મુખ્ય ઉપદેશ છે.

અહીં ભગિની નિવેદિતાની ઊંડી સમજશક્તિ વિશે વિચારતાં ખરેખર ચકિત થઈ જવાય છે; તેઓ સ્વામીજીના ઉપદેશને કેટલી સૂક્ષ્મતાથી, ઊંડાણથી સમજી શક્યાં અને સમગ્ર જગતને સમજાવી શક્યાં!

આજે આપણે રામકૃષ્ણ સંઘના મૂઠીભર સાધુઓ અને સાધ્વીઓ તેમજ સ્વામીજીના સંદેશથી પ્રભાવિત થયેલા લોકો દ્વારા કરાતી મોટા પાયાની લોકોપયોગી, કલ્યાણકારી તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓના સાક્ષી છીએ. આ બધાની પાછળ સ્વામીજીએ રજૂ કરેલો આદર્શ જ કાર્યાન્વિત થઈ રહ્યો છે; જેને નિવેદિતા એ વખતે સમજી શક્યાં હતાં! આ કારણે, તેમની સમજશક્તિ, આંતરસૂઝ અને તીવ્ર બુદ્ધિમત્તાની સામે નતમસ્તક થયા વગર રહેવાતું નથી.

ખરેખર તો, ઈ.સ. ૧૮૯૮માં અલમોડાથી લખેલ પત્રમાં નિવેદિતા જણાવે છે, “સાહિત્યિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક કે કોઈ પણ વિષય હોય, સ્વામીજી હંમેશાં તેનો અનુભવ કરાવતા કે અંતે તો તે બધું જ ‘ઈશ્વર’ની અભિવ્યક્તિ છે! તેમના માટે દુન્યવી જેવું કશું જ નહોતું.”

રામકૃષ્ણ સંઘના ફ્રાન્સ કેન્દ્રના અધ્યક્ષ સ્વામી આત્મરૂપાનંદજી પોતાના લેખમાં લખે છે: “નિવેદિતાએ સ્વામીજીના Complete Worksની પ્રસ્તાવનામાં લખેલ શબ્દોનેે પૂર્ણપણે સમજવા માટે માનવજાતને સદીઓ લાગી જશે! એટલા અર્થગંભીર અને ગહન છે તેમના આ શબ્દો!” (‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુઆરી ૨૦૧૭, પૃ.૨૮)

અંતમાં, સ્વામીજીનાં શિષ્યા શ્રીમતી સારા બુલને લખેલા ભગિની નિવેદિતાના એક પત્રથી આપણી વિચારયાત્રાને આરામ આપીએ. તેઓ લખે છે, “ક્યારેક મને શિક્ષણ વિશે પુસ્તક લખવાનો વિચાર આવે છે. મને લાગે છે કે હું જ્યારે તે લખીશ ત્યારે મારી જાતને સ્વામીજીની પાછળ બેઠેલ કલ્પું છું. તેમની આંખોથી હું જોઈ રહી છું. તેમના મગજના વિચારોને આત્મસાત્‌ કરી રહી છું અને તેમની પેન મારા હાથમાં લીધેલી અનુભવું છું.” (‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુઆરી ૨૦૧૭, પૃ.૨૭૧)

આ વાક્યો કેટલી તીવ્રતાથી તેઓ સ્વામીજીની વિચારધારામાં ઓતપ્રોત હતાં, તેનો નિર્દેશ કરતાં નથી! એટલે જ, ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદને અને તેમના સંદેશને સાંગોપાંગ ઊંડાણથી સમજી શકે તેમાં કોઈ નવાઈ નથી!

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.