વિવેકાનંદને
બોલાવશો મા… આવશે ખુદ (અનુકાવ્ય)
બસ કરો, બોલાવશો મા!
એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે.
હમણાં જ નિજહાથે જલાવેલી ચિતા પર,
થાક ખાવા એ પ્રભુપ્યારા પળ્યા છે!
કેમ ખદબદતી ધરા પર, આવવું એનું થયું?
કર્તવ્ય માટે કે પછી શું ફેડવા કો’કરજને
કે કામના કોઈ અધૂરી પોષવા પ્રેષિત?
ના, ના, અરે, એ તો ખરે, આ વિશ્વ પર અભિષેકવા,
પ્રેમને કરુણાસભર હૈયું લઈ આવ્યા હતા!
ખખડી ગયેલાં પાંદડાં શા,
સર્વ પર વરસાવવા અમીધાર, આવ્યા હતા એ.
નિર્દોષ ને નિર્દંશ શિશુસમ,
હાથ છુટ્ટે મોતીઓ વેરી દીધાં અણમોલ એણે!
હાય, ન ગુણાંને વળી નઘરોળને ટોળે!
બસ કરો,
બોલાવશો મા! પોઢવા દો શાન્તિથી.
વર્ષો સુધી ઘૂમી અજાણી ભોમ પર, અંતે લહી ગુરુમર્મ નિજ પંથે પળ્યા.
આજે હવે આંસુભર્યું કેવું ઈજન? (રાંડ્યા પછીનું ડહાપણ?)
કાંકરા આપી મથો કાં મોતીઓને પામવા?
ખંડેરને સમરાવવાની લાલસા?
એ આવશે, ખુદ આવશે, બોલાવશો મા!
પંકિલ ઈજન એમ સૂર્યને મંજૂર ના ને પ્રખર તાપ સહે ભલા મૃદુ પંકજો?
એ વજ્ર શા મજબૂત, કોમળ કમળ શા!
ને તે છતાં તે આવશે, ખુદ આવશે, બોલાવશો મા!
હિમશિલા શા એમને પિગળાવશે, કો દર્દની છો સાવ હળવી ચીસ.
શુષ્ક હોઠે પ્રાર્થનાનો સૂર ઊગ્યો કે ન ઊગ્યો
એ પહેલાં ભેજિયા ભૂંડા તમારા ઘર મહીં,
તેજના અંબાર પ્રેમળ મૂર્તિ શા પહોંચી જશે.
એ આવશે સાગર – ઉછળતા લોઢ શા,
એ આવશે વનરાજ શા ઉછળી, એ આવશે, ખુદ આવશે.
બોલાવશો મા! આવશે ખુદ.
મૂળ અંગ્રેજીમાં: બોધિસત્ત્વ
અનુકાવ્ય: કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here




