સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત ઇન્ડિયન અમેરિકન સંશોધક, લેખક, વર્તમાન પ્રવાહોના સુપ્રસિદ્ધ વક્તા અને આઈ.એફ.પી.ના સ્થાપક, નિયામક; અને ઘણ્ાી સંસ્થાઓના સલાહકાર શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)
સ્વામીજીના રાજયોગને વિજ્ઞાન તરીકે કહેવાના આગ્રહે મેડિસિન, મનોવિજ્ઞાન અને અધ્યાત્મમાં માનવ ચેતનાના સ્વભાવના ખ્યાલને પાયાથી બદલાવી નાખ્યો. તેણે જેને પશ્ચિમ અવૈજ્ઞાનિક કહી અવગણતું હતું તે ગૂઢ પરંપરાઓને પુન :ર્જીવિત કરવામાં ફાળો આપ્યો. પરિણામે જ બિન-પશ્ચિમી વિચારકોએ ભારતીય આધ્યાત્મિક પરંપરાઓના સમૃદ્ધ વારસાને ઊંડાણથી તપાસવા શરૂ કર્યા, તેની બૌદ્ધિક સંપત્તિને તેમના તત્ત્વજ્ઞાનમાં ઢાળવા લાગ્યા. દાખલા તરીકે, ક્રિશ્ચિયન સાયંસનાં સ્થાપિકા મેરી બેકર એડીએ પોતાના પુસ્તક ‘સાયન્સ એન્ડ હેલ્થ વીથ કી ટુ ધ સ્ક્રીપ્ચર્સ’ની પ્રથમ આવૃત્તિમાં ગીતા અને ઉપનિષદોનો ઉલ્લેખ કર્યો. (જો કે પાછળની આવૃત્તિઓમાં તેને રદ કરી નાખેલ છે.)
૧૮૯૦માં સ્વામીજીનાં પ્રવચનો હાર્વર્ડના પ્રખ્યાત તત્ત્વજ્ઞાની વિલિયમ જેમ્સે આયોજિત કર્યાં હતાં. તેણે પોતાના મનોવિજ્ઞાનના કાર્યમાં સ્વામીજીનો પ્રભાવ હોવાનું સ્વીકાર્યું હતું. પણ આજે પશ્ચિમમાં માત્ર જેમ્સ જ આધુનિક મનોવિજ્ઞાનના પિતા ગણાય છે. સ્વામી વિવેકાનંદનો ફાળો ક્યાંય નોંધાયો નથી.
જેમ્સના પુસ્તક ‘ધ વેરાઈટીઝ ઓફ રિલિજિયસ્ એક્્સપીરિયન્સ’ – જે આધુનિક મનોવિજ્ઞાનનુ અદ્ભુત પુસ્તક મનાય છે – ની શતાબ્દી આવૃત્તિ (૨૦૦૨) ના વિમોચન વખતે સ્વામીજી અને અન્ય ભારતીય સંદર્ભનાં નામોને તદ્દન અવગણાયાં હતાં. જો પ્રમાણભૂત ઉજવણી થઈ હોત તો જેમ્સના સંદર્ભાેને, ખાસ કરીને સ્વામી વિવેકાનંદ અને બૌદ્ધ ધર્મને અંજલિ અપાઈ હોત. તે બાબતે, વિશ્વના પ્રથમ મનોવિજ્ઞાની અથવા મનના વિજ્ઞાની તરીકે પતંજલિને અથવા કપિલને સ્વીકારવા જોઈએ, નહીં કે જેમ્સને.
સ્વામી વિવેકાનંદથી જે અન્ય હાર્વર્ડના તત્ત્વજ્ઞાનીઓ પ્રભાવિત થયા હતા તેમાં જોશિયો રોઈસ અને જ્યોર્જ શાંત્યાયનનો સમાવેશ કરી શકાય. શાંત્યાયને પોતાના ‘નેચરાલિઝમ’ના વિચારો સાંખ્ય પર નક્કી કર્યા અને પોતાના મૃત્યુ સુધી તેના સમાતંર ગ્રીક વિચારોની શોધ કર્યે રાખી. છેવટે, તેણે ભારતીય પરંપરામાંથી જે યોગ્ય લાગ્યું તે ઉપાડી લીધું, પણ કર્મના વિચારોને ‘નકારાત્મક વિચાર’ તરીકે નકાર્યો. ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારોને આમ છીછરી રીતે ઉપાડવા એ પશ્ચિમમાં પહેલાં ન હતું, પણ સ્વામીજીએ જ્યારે ભારતીય ચિંતનને પ્રગટ કર્યું, ત્યાર પછી પશ્ચિમના વિચારકો માટે એ સહજ બની ગયું. કેટલાકે ભારતના આ સંદર્ભાેનું સ્વાગત કર્યું, તો કેટલાકે તેની ટીકા કરી, છતાં તેને જ નવા શબ્દોમાં ઢાળી જાણે પોતે જ શોધ્યું હોય તેમ રજૂ કર્યા. કેટલાકે વળી તેમની વચ્ચે સંબંધ જોવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ જ ખાસ વિચારકે ક્યો માર્ગ અપનાવ્યો તે જોતાં કહી શકાય કે સ્વામીજીનો પ્રભાવ તો નકારી શકાય તેમ ન જ હતો.
સ્વામીજીની મુલાકાત પહેલાં, અમેરિકાનો ભારતીય તત્ત્વજ્ઞાનમાં રસ કેવળ યુનિવર્સિટીઓ, ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટો, થિયોસોફિસ્ટો અને બીજાં નાના જૂથો પૂરતો મર્યાદિત હતો. તે પણ તેમના પૂર્વનાં મર્યાદિત જ્ઞાન પ્રમાણે જ હતો. સ્વામી વિવેકાનંદ પછી આવો રસ ધરાવનાર અમેરિકનોનો રામકૃષ્ણ મિશન અને તેની ભારત બહારની શાખાઓ, જે વેદાંત કેન્દ્રો તરીકે ઓળખાતી હતી, પ્રત્યે રસ વધવા લાગ્યો. આના કારણે ભારતીય વિચાર પ્રત્યે ઊંડાણથી ચિંતન થવા લાગ્યું.
આ નવા સંદર્ભના એક અગત્યના વ્યક્તિ હતા રોમાં રોલાં. તે સ્વામીજીના એક ફ્રેંચ ભક્ત હતા અને તેમણે ૧૯૧૫માં સાહિત્યનુંં નોબલ ઈનામ પણ જીત્યું હતું. પોતાનાં લખાણોમાં રોલાંએ સ્વામીજીના પ્રભાવને અમેરિકન વિચારધારામાં પ્રસારી એક બહુ મોટી સેવા કરી. તેના સ્વીકારમાં, હર્મન હેસે (૧૯૪૬માં સાહિત્યનું નોબલ ઈનામ મેળવનાર) તેની નવલકથા ‘સિદ્ધાર્થ’ રોલાંને અર્પણ કરેલી.
૧૯૪૦ દરમિયાન સ્વામીજીના વિચાર બાબતે અમેરિકામાં ઘણો વધારો જોવા મળ્યો. તે વખતના કેટલાક ત્યારના મહત્ત્વના વિચારકોએ અમેરિકન પ્રજાની ચેતનામાં તેને પુન : દાખલ કર્યા. તેમાં મુખ્યત્વે આલ્ડસ હકસલી, ક્રિશ્ટોફર ઈશરવૂડ અને જિરાલ્ડ હીયર્ડ હતા. આ દરેક લેખક સ્વામી પ્રભવાનંદના દીક્ષિત શિષ્ય હતા. તેઓ દક્ષિણ કેલિફોર્નિયાના વેદાંત સોસાયટીના મેગેઝિન ‘વેદાંત એન્ડ ધ વેસ્ટ’માં નિયમિત લખતા અને તેના સંપાદક મંડળમાં પણ કામ કરતા. આ જર્નલમાં અનેક બુદ્ધિમાન લોકો પણ લખતા હતા, જેમાં એલન વોટ્સ, જે. કૃષ્ણમૂર્તિ અને સમરસેટ મોમ સામેલ હતા.
જિરાલ્ડ હીયર્ડે આ ચળવળના પ્રભાવને બૌદ્ધિક વર્તુળોમાં વિસ્તાર્યો. વેદાંતમાં દીક્ષિત થયેલ અનેક તત્કાલીન પશ્ચિમના હીયર્ડે જેવા લોકોએ ચેતનાને ઊર્ધ્વ કરવા માટે ધ્યાનના વિકલ્પ તરીકે એલ.એસ.ડી.નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો-જેનો હેતુ તાત્કાલિક અદ્વૈતનો અનુભવ કરવાનો હતો. આને કારણે પશ્ચિમના દીક્ષિતોમાં પ્રાચીન ભારતીય સાધનાનાં તપને અવગણી આ નશાકારક દવાઓને અપનાવવાનું એક કમનસીબભર્યું ગાંડપણ શરૂ થયું.
હીયર્ડે આગળ જેને કોઈ ઓળખતું ન હતું તેવા અજ્ઞાત હસ્ટન સ્મિથને આ ચળવળનો પરિચય કરાવ્યો. સ્વામી વિવેકાનંદના વિચારોમાં ગાઢ ઊતરી ગયેલ આ સ્મિથ બહુ જ ઝડપથી એક વિદ્વાન તરીકે જાણીતા થયા અને તે વૈશ્વિક ધર્મો વિશે પ્રખ્યાત અને પ્રમાણભૂત જ્ઞાતા બની ગયા.
દંતકથારૂપ બનેલ અલ્ડસ હકસ્લેએ જે કામ કર્યું છે તેણે પશ્ચિમમાં વેદાંતને પ્રસરાવવામાં અદ્ભુત ફાળો આપ્યો. તેનું એક અદ્ભુત પ્રકાશન ‘ધ પેરેનિયલ ફિલોસોફી’ ભારતીય સંદર્ભને દૂર રાખી એક વિશિષ્ટ રીતે વેદાંતને સમજાવે છે. તેના તત્ત્વજ્ઞાનનો બધા જ આધ્યાત્મિક તથ્યોનું અર્થઘટન કરવા એક વૈશ્વિક સંદર્ભ તરીકે ઉપયોગ કર્યો છે. આ પુસ્તકને ‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ એક ‘માસ્ટરપીસ’ – ઉત્તમોત્તમ – પુસ્તક તરીકે જાહેર કરેલ. આજે પણ તેની અમેરિકન ઉત્તમ પુસ્તકોમાં ગણના થાય છે.
હકસ્લેએ ‘વેદાંત એન્ડ ધ વેસ્ટ’માં જો કે ૪૮ લેખો લખ્યા હતા અને તેના સંપાદક મંડળમાં પણ કામ કર્યું હતું, છતાં તે પણ પાછળથી નશાકારક દવાઓ તરફ વળી ગયા અને હિપ્પી ચળવળના એક અગ્રણી બની ગયા અને ‘તાત્કાલિક નિર્વાણ’ મેળવવા માટે આવી દવાઓના પ્રચારક બની ગયા. હકસ્લે કેલિફોર્નિયાની એસલેન ઈન્સ્ટિટ્યૂટના પણ એક પ્રભાવક વ્યક્તિ હતા, જેણે એક સમયે ભારતીય આધ્યાત્મિક સાધનાને નવા પશ્ચિમી વિકલ્પો – જેમાં રહસ્યવાદ અને નશાકારક દવાઓનો સમન્વય કરાતો હતો – સાથે ભેળવવા મોટા પ્રમાણમાં પ્રયોગો કર્યા હતા. આ સંસ્થાએ અનેક પ્રખ્યાત પશ્ચિમી લોકોને પ્રેર્યા જેમણે ભારતીય વિચારોને, તેમના સંદર્ભથી ક્રમશ : દૂર કરી, પશ્ચિમના ધર્મ અને વિચારોમાં રોપી દીધા. વિચિત્રતા એ છે કે કેન વિલ્બર પહેલાં હકસ્લેના ‘પેરેનિયલિઝમ’ – શાશ્વતતા – ને સમગ્ર વેદાંત સાથે સરખાવે છે અને પછી પોતે તેમાં – શાશ્વતતાના વિચારોમાં – જે મર્યાદાઓ શોધી હતી, તેનો જ વેદાંતને ઉતારી પાડવામાં ઉપયોગ કરે છે ! આમ, આજે હકસ્લેની સમજની જે મર્યાદાઓ છે તેને જાણે વેદાંતની મર્યાદાઓ હોય એમ કહી રજૂ કરવામાં આવે છે. વિલ્બરે જે મર્યાદાઓ શોધી હતી તે હકીકતે પશ્ચિમના શિષ્યોએ સ્વામીજીના વિચારોને પોતાના શાશ્વતતાના વિચારોમાં સમજાવ્યા હતા તેમાં હતી. આ પ્રક્રિયાને આધાર બનાવી વિલ્બરે વેદાંતને ઉતારી પાડવામાં પોતાની દલીલોને સાચી ઠેરવવાનો પ્રયાસ કર્યો.
કદાચ, સ્વામીજીના વિચારો ગાઢ અને પ્રમાણભૂત રીતે જો પશ્ચિમમાં કોઈ દ્વારા પ્રસર્યા હોય તો તે ક્રિશ્ટોફર ઈશરવૂડ દ્વારા. તેણે સ્વામી પ્રભવાનંદના માર્ગદર્શન હેઠળ અનેક હિંદુ ગ્રંથોનો અનુવાદ કર્યો, વેદાંત પર નિબંધો લખ્યા અને રામકૃષ્ણ અને તેમના શિષ્યોનાં ચરિત્ર લખ્યાં. સાથે તેણે વેદાંત વિચાર આધારિત અનેક કાલ્પનિક રજૂઆત કરતા ગ્રંથો પણ લખ્યા. આવા જ એક બીજા હતા જે.ડી. સલિંગર જેનાં કાર્યોએ અમેરિકન સાહિત્ય પર ગાઢ પ્રભાવ પાડ્યો. લોકપ્રિય ચરિત્રો કહે છે કે અંતિમ તબક્કે સલિંગર એકાંતવાસી અને સંન્યાસી જેવા બની ગયા. હકીકતે તે ૧૯૫૦ પછી સ્વામીજીના ન્યૂયોર્કના શિષ્યોથી પ્રભાવિત થયા અને તેનાં લખાણોએ ઓછાં પશ્ચિમી અને વધારે વેદાંત તત્ત્વજ્ઞાન અને ધ્યાનનો પરિચય આપ્યો.
સ્વામીજીએ જે ઉથલપાથલ કરી નાખી હતી, તે કેવળ સાહિત્ય પૂરતી જ ન હતી. ફ્રોઈડના એક અગત્યના શિષ્ય (પાછળથી તીવ્ર વિરોધી) કાર્લ યુંગે ભારતીય આધ્યાત્મ પર વિસ્તૃત લખ્યું. યુંગના તત્ત્વજ્ઞાનની અનેક પાયાની સંકલ્પનાઓ કાં તો સીધી રીતે સ્વીકારેલ અથવા તો આડકતરી રીતે ભારતીય વિચારોથી પ્રભાવિત થયેલ છે. યુંગના અનેક શિષ્યો વિવિધ ક્ષેત્રે અગ્રણી બન્યા હતા. એમાંના એક હતા યુવા જોસેફ કેમ્પબેલ, પછીથી જે ન્યૂયોર્કના રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટરમાં ખૂબ જ સક્રિય રહેલ, તેના ઘણાં વર્ષો સુધી પ્રમુખ પણ રહેલ અને સ્વામી નિખિલાનંદને ‘રામકૃષ્ણ કથામૃત’ના અનુવાદમાં તથા ઉપનિષદના અનુવાદમાં ખૂબ મદદ પણ કરી હતી. કેમ્પબેલે તેનાં પ્રભાવક લખાણોમાં રામકૃષ્ણ અને વિવેકાનંદના ઉપદેશોનો પુષ્કળ રીતે ઉપયોગ કર્યો હતો. છતાં, પછી તેણે પણ સ્વામીજીના વિચારોને પોતાના ‘મૌલિક’ વિચારો તરીકે જ જાહેર કરી કહ્યું કે આ બધા વિચારો તો દરેક સંસ્કૃતિમાં સરખા જ હોય છે. પછી તેણે હિંદુ ધર્મ પર તીવ્ર આક્રમણ પણ કરેલ.
તે જ સમયે બીજા આવ્યા આર્થર લવજોય, જે વિલિયમ જેમ્સના વિદ્યાર્થી હતા. તે જોન હોપ્કીન્સ યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન ભણાવતા અને ‘હિસ્ટરી ઓફ આઈડિયા કલબ’ની સ્થાપના કરેલ. તેનાં પુસ્તક ‘રિવોલ્ટ એગેઈન્સ્ટ ડ્યુઆલીઝમ’માં તેણે ભારતીય પ્રભાવની તો તદ્દન અવગણના કરી છે. તેનું પછીનું પુસ્તક ‘ધ ગ્રેટ ચેઈન ઓફ બીઈંગ’ તો સમગ્ર રીતે ખ્રિસ્તી અને હેલનિસ્ટિક પરંપરા પર જ આધારિત છે. તે વિવેકાનંદના આ બાબતના વિચારોના ફાળાને સમગ્ર રીતે અવગણે છે, જે તેના પાયામાં છે. (‘ચેઈન ઓફ બીઈંગ’ અલબત્ત જૂના પશ્ચિમી વિચારોમાં જોવા મળે છે, પણ તેના ઉલ્લેખો છીછરા જ છે, કારણ કે ‘અપક્રાંતિ’નો ખ્યાલ તો સ્વામીજીના આવ્યા પહેલાં હતો જ નહીં.)
વીસમી સદીના મુખ્ય થિયોલોજીઅન ટેલહાર્ડ દ ચાર્ડિને તો ખ્રિસ્તી વિચારધારાને નવી રીતે રજૂ કરવા માટે વેદાંતમાંથી પુષ્કળ વિચારોનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે, તેણે સગુણ બ્રહ્મને બદલાવીને દૈવી અનંતતાની સંકલ્પનાને ‘જિસસના શરીર’ તરીકે રજૂ કરી. તે વખતે તો તેના વિચારોને ચર્ચે અતિક્રાંતિકારી ગણી અસ્વીકૃત કર્યા. આજે તેના વિચારોને અનેક ખ્રિસ્તીઓ સ્વીકારે છે. છતાં તેના ચરિત્રકારે તેના ભારતમાંના નિવાસને, તેની વેદાંત પરની આલોચનાને હિંદુ ધર્મ પરનાં લખાણોના ઉલ્લેખને તદ્દન છોડી દીધાં છે.
જાણીતા ધર્મના તત્ત્વજ્ઞાની હેનરીચ ઝીમર, જેનાં લખાણોએ ભારતીય તત્ત્વજ્ઞાન બાબતે પશ્ચિમના વિચારો પાયાથી બદલાવી નાખ્યા, રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટરમાં નિયમિત રીતે હાજરી આપતા. વિવેકાનંદના વિચારોને જાહેરમાં જેણે પ્રસારિત કર્યા છે તેમાં મહત્ત્વના હતા કેથોલિક થિયોલોજીયન થોમસ મોર્ટન અને જાણીતા ઇતિહાસજ્ઞ આર્નાેલ્ડ ટોયન્બી તથા વીલ ડુરાં.
એ બાબત કમનસીબ અને હતાશાજનક છે કે સ્વામીજીના વિચારોને હંમેશાં પશ્ચિમી સંદર્ભાે તરીકે જ અપાય છે, પછી તે હેલનિસ્ટિક હોય, જૂના ખ્રિસ્તી હોય કે આધુનિક હોય. આ વ્યવસ્થિત ‘પુન :-ગોઠવણી’ જ આજે પશ્ચિમી વિચારકોને સ્વામીજીનું ડાહપણ તેમનું પોતાનું હોવાનો દાવો કરવા પ્રેરે છે. જેને ‘પશ્ચિમી વારસો’ કહેવાય છે તેને વ્યાપક ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની કૃતજ્ઞતાથી રક્ષવા પછીની દરેક પેઢી સ્વામીજીના પ્રભાવને વધારે ને વધારે ભેળસેળિયો અને નાબૂદ કરતી જાય છે. તેનાથી વધારે ખરાબ એ છે કે, પશ્ચિમી વિચારકોમાં એક જાણે રિવાજ જ પડી ગયો છે કે વેદાંત અને ભારતીય વિચારનો સામાન્ય સંદર્ભમાં અસ્વીકાર કરવો, પણ પશ્ચિમી શબ્દકોશમાં તેના વિચારોને અપનાવતા રહેવું. (ક્રમશ 🙂
Your Content Goes Here




