(સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

બધું જ ઈશ્વરનું વ્યાપક સ્વરૂપ છે

પશ્ચિમના ધર્મો વિશ્વને બ્રહ્માંડથી અલગ એવા ઈશ્વર દ્વારા શૂન્યમાંથી પેદા થયેલ માને છે. સ્વામીજી સમજાવે છે કે બ્રહ્માંડ જ ઈશ્વર છે, તે જ આકાર તરીકે પ્રગટ થાય છે. આ ખ્યાલ પશ્ચિમના એકત્વવાદથી અલગ પડે છે જે માત્ર ઈશ્વરને જ પર માને છે, તે બહુશ્વરવાદથી પણ અલગ પડે છે, જેમાં ઈશ્વર વ્યાપક છે પણ પર નથી. ભારતીય ચિંતન આ બન્ને પરસ્પર વિરોધી બાબતોનો સમન્વય કરે છે. તે એક અદ્વૈત તથ્યની વાત કરે છે જે ઈશ્વરને પર અને વ્યાપકમાં સંલગ્ન કરે છે. અહીં સ્વામીજીના એ બાબતના પ્રવચનનો એક અંશ આપેલ છે :

‘આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ, વિચાર, ગતિ, બુદ્ધિ વગેરે વૈશ્વિક ઊર્જાના જે વિવિધ આકારો છે, તે હકીકતે, વૈશ્વિક પ્રજ્ઞાનાં જ પ્રગટીકરણો છે અથવા, આપણે તેને બીજું નામ આપીએ તો તે પરમાત્માનાં પ્રગટીકરણો છે. તમે જે જુઓ છો, અનુભવો છો, સ્પર્શાે છો, સમગ્ર વિશ્વ, તે તેનું જ સર્જન છે અથવા થોડી વધારે ચોક્સાઈથી કહીએ તો તેની અભિવ્યક્તિ છે અથવા, હજી વધારે સ્પષ્ટ કરીએ તો, તો પરમાત્મા પોતે જ છે. એ ઈશ્વર જ છે જે સૂર્ય અને ચંદ્ર તરીકે પ્રકાશે છે. તે જ માતા પૃથ્વી છે. તે જ સમુદ્ર છે. તે જ હળવા વરસાદ તરીકે આવે છે. તે જ માણસ છે જે તેને સંભાળી રહ્યો છે. તે જ ત્યાં હાજર શ્રોતાગણ છે. તે જ આ પ્લેટફોર્મ છે જેના પર હું ઊભો છું. એ જ પ્રકાશ છે જેની મદદથી હું આપ સર્વેને જોઈ રહ્યો છું. તે જ બધું છે. તે જ આ વિશ્વનું પાયાનું કારણ અને તે જ પદાર્થ બન્ને છે. તે જ સૂક્ષ્મત્તમ કોશમાં પ્રવેશ કરે છે અને બીજા કોશને સર્જે છે અને ફરી ઈશ્વર બને છે. તે જ નીચે આવે છે અને સૌથી નાનો અણુ બને છે. પછી હળવેથી પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે અને ફરી પોતાની સાથે જ જોડાઈ જાય છે. આ જ વિશ્વનું રહસ્ય છે.’

સ્વામીજી પછી અનેક દશકાઓ બાદ અમેરિકન તત્ત્વજ્ઞાની ચાર્લ્સ હાર્ટશોર્ને ‘પેનેન્થિઝમ’ (પેન્થિઝમથી અલગ) પરિભાષા ઊભી કરી જે સ્વામીજીના અદ્વૈતપરક સર્વવ્યાપકતાના વિચારને વ્યક્ત કરતી હતી. આ નવી પરિભાષા લોકપ્રિય થઈ અને હાર્ટશોર્નને જ આ સંકલ્પનાના પિતા મનાય છે, પણ હકીકતે તેણે રામાનુજના વિશિષ્ટાદ્વૈત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને તેના પર લખેલ અને સાથે શ્રી જીવ ગોસ્વામીનાં અચિંત્ય તેના વિશે લખ્યું હતું. ‘ભેદ-અભેદ’થી પણ પરિચિત હતા.

અબ્રાહમવાદી ધર્મોમાં અપક્રાંતિનો અભાવ

એક પશ્ચિમી વિદ્વાને ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ લેખનો આ અંશ સ્પષ્ટ કહે છે કે કેવી રીતે અ-બ્રહ્મવાદી ધર્મોમાં અપક્રાંતિનો તે વિચાર ધર્મોથી પૂર્વની માન્યતાઓને પાયાથી અલગ કરે છે. ‘વાસ્તવિક રીતે બધાં જ એશિયાનાં વિશ્વ ઉત્પત્તિ વિજ્ઞાનો બાહ્ય જગતને પ્રગતિ કે ઉત્ક્રાંતિ તરીકે નથી ગણતાં, પણ ઊલટું, અપક્રાંતિ તરીકે તેને નિર્માણ, ઉત્પત્તિ કે પ્રગટીકરણ ગમે તે કારણથી જોવાય છે, પણ વિશ્વ-પ્રક્રિયા દિવ્ય મૂળથી ભૌતિક પરિઘ તરફ થતું એક સતત પ્રયાણ છે. ‘થવું’ એ વાસ્તવિકતાથી અવાસ્તવિકતા તરફ થતી કેન્દ્રત્યાગી પ્રક્રિયા છે. વિશ્વપૂર્વેની પ્રચૂરતા સામયિક પ્રલય તરફ પોતાને ખુલ્લી કરે છે… પરિણામે, દિવ્ય તરફ જતા બધા જ પૌર્વાત્ય માર્ગાે, હકીકતે, એક આંતરિક પ્રતિક્રિયા તરફ વલણ ધરાવે છે જે આ કેન્દ્રત્યાગી ઉત્ક્રાંતિને સમાંતરિત વિપરીત અપક્રાંતિને અક્રિય કરી નાખે છે.

‘યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં આ બન્ને હલચલમાં એક તદ્દન વિરોધી અભિમુખતા હોય છે. તેમનું સામાન્ય પવિત્ર શાસ્ત્ર બાઈબલ વિશ્વ-ઉત્ક્રાંતિને કેન્દ્ર-ત્યાગી નથી બતાવતું, પણ કેન્દ્રગામી બતાવે છે અને ‘સિક્સ ડેઝ ઓફ જિનેસીસ’ અનુસાર દિવ્ય આયોજન મુજબ ઈશ્વરમાંથી નીચે ઊતરતું નથી, પણ ઈશ્વર તરફ ઊદ્ધગમન કરતું બતાવે છે. આ છ વિશ્વ-સમયો દરમિયાન વૈશ્વિક અસ્તિત્વ શૂન્યમાંથી નિર્જીવ (ખનીજ) અસ્તિત્વમાં પ્રગટ થાય છે. પછી વનસ્પતિ અને પ્રાણીજીવન તરફ આગળ વધે છે અને છેવટે મનુષ્યમાં પ્રગટ થાય છે, જે વિશ્વનો સાર પણ છે અને ઈશ્વરની મુક્ત છબી પણ છે, જેથી મનુષ્ય દ્વારા સમગ્ર બ્રહ્માંડ ઈશ્વરમાં જ પરિપૂર્ણ પામે અને પામવું જ જોઈએ. આમ, બાઈબલનું ‘થવું’, બાહ્ય જગતનું પણ, એ પૂર્વોત્તર અર્થ મુજબ નિર્માણ, ઉત્પત્તિ કે પ્રગટીકરણ નથી : આગળથી અસ્તિત્વ ધરાવતા કોઈ પદાર્થમાંથી નિર્માણ નહીં, પણ પદાર્થ સહિત બધું જ શૂન્યમાંથી નવી જ રીતે ઉત્પન્ન થાય છે. આ એક બિનવૈયક્તિક દિવ્યમાંથી માયા તરફ વહન કરતું નિર્માણ નથી, પણ પ્રગતિ, એક વિકાસ પ્રક્રિયા, ઈશ્વરથી નીચે તરફ નહીં, પણ શૂન્યમાંથી ઉપર ઈશ્વર તરફ, બિન વૈયક્તિક જીવનથી ચડતાં સતત વૈયક્તિક સત્ય તરફ. અરે પ્રગટીકરણ પણ નહીં, એક વિશિષ્ટ સત્યની ‘શક્યતા’નું ખુલવું પણ નહીં, પણ પૂર્ણ પુરુષના મુક્ત કર્મનું પરિણામ અથવા એક શબ્દમાં, એક સત્ય સર્જન. આંતરિક જગત અને મુક્ત પ્રાણીઓને આત્યંતિક વૈયક્તિક સર્જક સામે મૂકી દે છે. તેથી યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ મોક્ષ અથવા શુદ્ધિકરણ, એટલે કે ઈશ્વર સાથેની એકતાનો અદ્વૈત માર્ગ એ તેવી રીતે જગત અને અહંકારમાંથી કંઈ આંતરિક પ્રગતિશીલ ઘટાડો નથી, પણ જગત અને અહંકાર સાથે એક આંતરિક પ્રગતિશીલ ચડતી છે. તે દિવ્યતા તરફ એક આધ્યાત્મિક હલચલ, નહીં કે શુદ્ધ આત્મામાં આધ્યાત્મિક પીછેહઠ. ઈશ્વરે ઉદ્ઘાટિત કરેલ જે વિકાસ છે તે સિદ્ધ કરી સર્જનનું પૂર્ણત્વ નહીં કે વિશ્વ પ્રક્રિયાનું તટસ્થીકરણ. અહીં પાયાનો આંતરિક હાવભાવ છે ઈશ્વર સામે સ્મૃતિ, એક સામનો, નહીં કે આંતરિક ધ્યાન : અનંત કે સાંત, કોઈ પણ મૂલ્યને પૂર્ણ પ્રતિભાવ, નહીં કે સાંતનું આંતરિકીકરણ.’

સમગ્ર અસ્તિત્વ સત્ની એક અદ્વૈત સાંકળ છે

સ્વામીજીનાં પ્રવચનોમાં જે કેન્દ્રિય સંકલ્પના પર ભાર મૂક્યો છે તે એ છે કે સમગ્ર અસ્તિત્વ એક સત્ની અદ્વૈત સાંકળ ધરાવે છે. આગળ નોંધ્યું છે તેમ, વિવેકાનંદ પહેલાં ‘સત્ની સાંકળ પરિભાષાના પ્રયોગમાં ઈશ્વરના બ્રહ્માંડમાં અપક્રાંતિના ગંભીર ખ્યાલનો અભાવ હતો, જે ખ્યાલ અ-બ્રહ્મવાદી ર્ધાેના સ્થાપિત સિદ્ધાંતોનો વિરોધાભાસી છે. આ સંકલ્પનાની નવી સમજ છેલ્લી સદીમાં સમજી શકાઈ છે, પણ તેમાં સ્વામીજીનો તેને સમજાવવામાં જે પાયાનો ફાળો છે તેને ઝાંખો કરી નખાયો છે. તેમનું પ્રદાન તેમનાં પ્રવચનોમાંથી આમાં બરાબર પ્રદર્શિત થાય છે :

‘વેદમાં કહ્યું છે : ‘માટીના એક લોંદાને જાણી લેવાથી વિશ્વમાં રહેલ બધી જ માટીના સ્વભાવને જાણી શકાય છે. ‘એક નાનો છોડ લ્યો અને તેના જીવનનો અભ્યાસ કરો, તો આપણે વિશ્વ જેવું છે તેવું જાણી શકશું. જો આપણે રેતીના એક કણ વિશે જાણી શકીએ, તો આપણે સમગ્ર વિશ્વનું રહસ્ય જાણી શકીએ. આ તર્કને અનુસરતાં… બધું જ શરૂઆતમાં અને અંતે લગભગ સરખું જ છે. તારા અને ગ્રહોવાળું બ્રહ્માંડ નીહારિકાની સ્થિતિમાંથી પ્રગટ થયું છે અને તે તેમાં જ ફરી જવું જોઈએ. આમાંથી આપણે શું શીખીએ છીએ ? એ જ કે પ્રગટ થયેલ કે સ્થૂળસ્વરૂપ એ પરિણામ છે અને સૂક્ષ્મ સ્થિતિ એ કારણ છે… આ વિશ્વ તેના કારણમાં ફરી જવું જ જોઈએ : સૂર્ય, ચંદ્ર, તારા અને પૃથ્વી, શરીર અને મન અને વિશ્વમાં રહેલ બધું જ તેમનાં સૂક્ષ્મ કારણમાં પાછું ફરવું જોઈએ, અદૃશ્ય થવું જોઈએ, નાશ પામવું જોઈએ. પણ તેઓ પોતાના કારણમાં સૂક્ષ્મસ્વરૂપે જીવંત રહેશે. આ સૂક્ષ્મ આકારમાંથી તેઓ ફરીથી પૃથ્વી, સૂર્યો, ચંદ્રો, તારાઓ તરીકે પ્રગટશે.’

Total Views: 397

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.