(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. અનુવાદક છે શ્રીમુન્નીબહેન માંડવિયા. – સં.)

એક દિવસ હું સવારે ૯ વાગે મારા ઓરડામાં હતો, ત્યાં અચાનક જ સ્વામી નિર્મલાનંદ (તુલસી મહારાજ) આવીને બોલ્યા, “સ્વામીજી પાસેથી દીક્ષા લઈશ?” મેં “હા” કહી. આ પહેલાં મેં બીજા કોઈ પાસેથી મંત્ર-દીક્ષા લીધી નહોતી. હું તેમની સાથે પૂજા-ગૃહ તરફ ગયો. મને ખબર નહોતી કે તે દિવસે શરત્‌ચંદ્ર ચક્રવર્તી પણ દીક્ષા લેવાના છે. તેમની દીક્ષા પૂરી થઈ નહોતી, તેથી મારે પૂજા-ગૃહની બહાર પ્રતીક્ષા કરવી પડી. તેઓ જેવા બહાર આવ્યા એટલે તુલસી મહારાજે સ્વામીજીને કહ્યું, “આ દીક્ષા લેવા માગે છે.” સ્વામીજીએ મને બેસવાનું કહ્યું અને પૂછ્યું, “તને સાકાર ગમે કે નિરાકાર?” મેં કહ્યું, “ક્યારેક સાકાર તો ક્યારેક નિરાકાર ગમે છે.”

તો સ્વામીજી બોલ્યા, “આવું ન હોવું જોઈએ; ગુરુ સમજી શકે કે કોનો કયો માર્ગ છે? લાવ, તારો હાથ બતાવ.” આમ કહીને મારો જમણો હાથ પોતાના હાથમાં લઈ, ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી હાથ છોડીને પૂછ્યું, “તેં ક્યારેય ઘટ-સ્થાપના કરીને પૂજા કરી છે?” ગૃહ-ત્યાગ પહેલાં મેં ઘટ-સ્થાપના કરીને પૂજા કરી હતી. એ વાત જ્યારે મેં તેમને જણાવી ત્યારે તેમણે મને એક દેવતાનો મંત્ર કહીને સરસ રીતે સમજાવી દીધું અને કહ્યું, “આ મંત્રથી તને સુવિધા રહેશે; અને ઘટ-સ્થાપના કરીને પૂજા કરવાથી પણ તને સહાયતા મળશે.” ત્યાર પછી મારા વિશે એક ભવિષ્યવાણી કરીને સામે પડેલ લીચીઓને ગુરુદક્ષિણારૂપે આપવાનું કહ્યું. મારી દીક્ષા પૂરી થયા બાદ સ્વામીજીએ ભોજન લીધું. મેં તથા શરદબાબુએ સ્વામીજીની થાળીમાંથી પ્રસાદ મેળવ્યો.

મેં જોયું કે કોઈ દેવતાની, ભગવાનની શક્તિરૂપે મારે પૂજા કરવાની હોય તો સ્વામીજીએ જે દેવતાનો મને ઉપદેશ આપેલ, તે જ મારા સ્વભાવ પ્રમાણે બરાબર હતો. સાંભળ્યું હતું કે સાચા ગુરુ શિષ્યનો સ્વભાવ સમજીને મંત્ર આપે છે. સ્વામીજીમાં મને તેનું પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું.

તે દિવસોમાં શ્રી નરેન્દ્રનાથ સેન દ્વારા સંપાદન કરવામાં આવતું અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન મિરર’ મઠને વિના મૂલ્યે આપવામાં આવતું હતું. પરંતુ મઠના સંન્યાસીઓની એવી પરિસ્થિતિ હતી કે તેઓ ટપાલખર્ચ પણ આપી શકતા નહોતા. અખબાર એક વ્યક્તિ દ્વારા વરાહનગર મઠમાં મોકલવામાં આવતું. વરાહનગરમાં શ્રી શશિપદ બંદોપાધ્યાય દ્વારા સ્થાપિત ‘દેવાલય’ નામનો એક વિધવા-આશ્રમ હતો. આ આશ્રમમાં આ સમાચારપત્રની એક નકલ આવતી હતી. ‘ઇન્ડિયન મિરર’નો માણસ અહીં સુધી જ આવતો, તેથી મઠનું સમાચારપત્ર ત્યાં (વિધવા-આશ્રમમાં) જ આપી દેતો હતો. આ સમાચારપત્ર ત્યાંથી રોજ મઠમાં લાવવું પડતું હતું. આ વિધવા-આશ્રમ ઉપર સ્વામીજી સહાનુભૂતિ રાખતા હતા. અમેરિકા પ્રવાસ દરમિયાન સ્વામીજીએ પોતાની ઇચ્છા પ્રમાણે આ આશ્રમની સહાયતા કરવા માટે વ્યાખ્યાન આપીને, તેની ટિકિટોના વેચાણની રકમ વિધવા-આશ્રમમાં મોકલી આપી હતી. તે દિવસોમાં મઠની વસ્તુઓ બજારમાંથી લાવવાની, પૂજાના સામાનની વ્યવસ્થા વગેરે બધાં કાર્યો કન્હાઈ મહારાજ (સ્વામી નિર્ભયાનંદ)ને કરવાં પડતાં હતાં. ‘ઇન્ડિયન મિરર’ સમાચારપત્ર લાવવાનું કામ પણ તેઓ જ કરતા. ત્યારે મઠમાં દીક્ષા લીધેલ નવા બ્રહ્મચારી અને સંન્યાસીગણ આવી ગયા હતા, પણ બધાને વ્યવસ્થિત રીતે ફરજોની સોંપણી કરવાની બાકી હતી. તેથી સ્વામી નિર્ભયાનંદને કાર્યો કરવાં પડતાં હતાં. તેથી તેમને પણ લાગતું કે થોડાં કાર્યો નવા આવેલા સંન્યાસી-બ્રહ્મચારીઓને સોંપવામાં આવે તો તેમને થોડો સમય મળી શકે. તેથી તેમણે મને કહ્યું કે જ્યાંથી ‘ઇન્ડિયન મિરર’ સમાચારપત્ર આવે છે, ત્યાંથી તારે રોજ લઈ આવવાનું, હું તેનું સ્થળ તને બતાવી દઈશ. હું પણ એ માનીને તરત જ તૈયાર થઈ ગયો કે આથી તેમનાં કાર્યનો ભાર થોડો હળવો થશે. એક દિવસ બપોરના ભોજન બાદ થોડો આરામ કર્યા પછી સ્વામી નિર્ભયાનંદે મને કહ્યું, “ચાલ, હું તને એ વિધવા-આશ્રમ બતાવું.” હું પણ તેમની સાથે જવા તૈયાર હતો, ત્યારે જ સ્વામીજીએ મને જોઈને કહ્યું, “આવ, વેદાંતનો વર્ગ લેવાનો છે.” પરંતુ હું વિધવા-આશ્રમ જવાનો છું, તે જાણીને તેઓ કંઈ બોલ્યા નહીં. હું કન્હાઈ મહારાજ સાથે જઈને વિધવા-આશ્રમ જોઈ આવ્યો. જેથી ત્યાંથી ‘ઇન્ડિયન મિરર’ સમાચારપત્ર હું લાવી શકું. પાછા આવ્યા પછી એક બ્રહ્મચારી પાસેથી જાણવા મળ્‍યું કે સ્વામીજી પૂછતા હતા કે “હું ક્યાં ગયો હતો? ક્યાંક બધી મહિલાઓને જોવા માટે તો નથી ગયો ને?” આ વાત સાંભળીને મેં કન્હાઈ મહારાજને કહ્યું, “ભાઈ, મારાથી ત્યાંથી અખબાર લાવવાનું થઈ શકશે નહીં.”

આના ઉપરથી ખ્યાલ આવે છે, ખાસ કરીને નવા આવેલ બ્રહ્મચારીઓના ચરિત્રની રક્ષા બાબતમાં સ્વામીજી વિશેષ સાવધાન રહેતા. કોઈ સાધુ-બ્રહ્મચારી કોઈ વિશેષ અગત્યના કાર્ય સિવાય કલકત્તામાં રહે કે રાત વિતાવે, તે તેમને બિલકુલ પસંદ નહોતું; ખાસ કરીને એવાં સ્થળોમાં કે જ્યાં સ્ત્રીઓના સંપર્કમાં આવવું પડે. મેં આવાં સેંકડો ઉદાહરણો જોયાં છે.

સ્વામીજી જે દિવસે અલ્મોડા જવા રવાના થવાના હતા ત્યારે નવા બ્રહ્મચારીઓને બ્રહ્મચર્ય બાબતમાં કહેલ વાતો આજે પણ મારા કાનોમાં ગુંજે છેઃ “જુઓ બેટા, બ્રહ્મચર્ય વગર કંઈ જ શક્ય નથી. ધર્મ-જીવનમાં કંઈ મેળવવું હશે તો બ્રહ્મચર્ય વિના કંઈ જ થઈ શકશે નહીં. તમે લોકો સ્ત્રીઓના સંપર્કમાં બિલકુલ આવતા નહીં. હું તમને સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા કરવાનું નથી કહેતો. તેઓ તો સાક્ષાત્‌ ભગવતી-સ્વરૂપા છે; પરંતુ તમને બચાવવા માટે તેમનાથી દૂર રહેવા માટે કહું છું. તમે લોકોએ મારાં ભાષણો સાંભળ્‍યાં હશે, મેં ઘણી વાર કહેલ છે કે સંસારમાં રહીને પણ ધર્મ પાળી શકાય છે, પણ તેનો અર્થ એ નથી કરવાનો કે બ્રહ્મચર્ય કે સંન્યાસ ધર્મજીવન પાળવા માટે અત્યાવશ્યક નથી. શું કરું? તે ભાષણો સાંભળવાવાળા બધા સંસારી હતા, ગૃહસ્થ હતા—તેમની સામે જો પૂર્ણ બ્રહ્મચર્યની વાત કહેવા માંડું તો બીજે દિવસે કોઈ ભાષણ સાંભળવાં આવત નહીં. એવા લોકોને થોડી છૂટ આપવામાં આવે છે, જેથી તેઓ ધીમે ધીમે પૂર્ણ બ્રહ્મચર્ય તરફ આકર્ષાઈ શકે, માટે મેં એવા પ્રકારનાં ભાષણો આપ્યાં હતાં. પરંતુ મારા હૃદયની વાત તમને જણાવું છું—બ્રહ્મચર્ય વગર જરા પણ ધર્મલાભ થાય નહીં. તમે લોકો તન, મન અને વાણીથી બ્રહ્મચર્યનું પાલન કરજો.”

એક દિવસ વિદેશથી એક પત્ર આવ્યો. તે પત્ર વાંચીને, તે પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું કે ધર્મ-પ્રચારકમાં કેવા ગુણ હોવા જોઈએ કે જેથી તે સફળ થાય. પોતાના શરીરનાં જુદાં જુદાં અંગોને દર્શાવીને કહેવા લાગ્યા કે અમુક અંગો ખુલ્લાં અને અમુક અંગો ઢંકાયેલાં રહેવાં જોઈએ. તેનું મુખ, હૃદય અને મસ્તક ખુલ્લાં રહેવાં જોઈએ—તેણે પ્રબળ બુદ્ધિમાન, હૃદયવાન અને વાગ્મી બનવું જોઈએ. અને જેના નીચેના ભાગનાં અંગોનાં કાર્યો બંધ હશે તે પૂર્ણ બ્રહ્મચારી બનશે. એક પ્રચારકનું ઉદાહરણ આપી કહેવા લાગ્યા, “તેનામાં બધા ગુણ છે, માત્ર હૃદયનો અભાવ છે—તોપણ ધીમે ધીમે તેનું હૃદય પણ વિશાળ થઈ જશે.”

તે પત્રમાં એ પણ લખ્યું હતું કે કુમારી નોબેલ (ભગિની નિવેદિતા) ઇંગ્લેંડથી સીધાં ભારત આવવા રવાના થશે. સ્વામીજી તેમની ખૂબ પ્રશંસા કરીને બોલ્યા, “ઇંગ્લેંડમાં આવી સદ્‌ચરિત્ર મહાન નારીઓ બહુ ઓછી છે, હું કદાચ કાલે જ મરી જાઉં તો તે મારું કાર્ય સંભાળી લેશે.” સ્વામીજીની આ ભવિષ્યવાણી સાચી પડી હતી.

* * * * *

સ્વામીજીને એક પત્ર મળ્યો કે વેદાંતના શ્રીભાષ્યના અંગ્રેજી અનુવાદક, સ્વામીજીના આદેશ પ્રમાણે મદ્રાસથી પ્રકાશિત કરવામાં આવનાર ‘બ્રહ્મવાદિન્‌’ પત્રિકાના મુખ્ય લેખક અને દક્ષિણના સન્માનનીય પ્રાધ્યાપક શ્રી રંગાચાર્ય તીર્થભ્રમણ માટે સીધા કલકત્તા આવશે. બપોરના સમયે સ્વામીજીએ મને કહ્યું, “પત્ર લખવા માટે કાગળ અને કલમ લઈને લખી લો; સાથે પાણી પણ પીવા માટે લેતો આવજે.” મેં એક પ્યાલો પાણી લાવીને સ્વામીજીને આપ્યું અને ડરતાં ડરતાં ધીમેથી કહ્યું, “મારા હસ્તાક્ષર એટલા સારા નથી.” હું સમજ્યો કે કદાચ યુરોપ કે અમેરિકા માટે કોઈ પત્ર લખવાનો હશે. સ્વામીજી બોલ્યા, “આ વિદેશ માટે કોઈ પત્ર નથી, તું લખવા માંડ.” હું કાગળ-કલમ લઈને લખવા બેઠો. સ્વામીજી અંગ્રેજીમાં લખાવવા લાગ્યા, હું લખવા લાગ્યો. તે દિવસે તેમણે એક પત્ર પ્રાધ્યાપક રંગાચાર્યને લખાવ્યો અને અન્ય પત્ર બીજા કોઈને લખાવ્યો—કોને તે યાદ નથી. મને યાદ છે, રંગાચાર્યને અન્ય બાબતો સાથે તેમણે એ પણ લખાવ્યું હતું કે, “બંગાળમાં વેદાંતની બહુ ચર્ચા થતી નથી, તો તમે કલકત્તા આવો ને અહીંના લોકોને ઢંઢોળીને જજો.” બંગાળના લોકો વેદાંત જાણે, ચર્ચા કરે તે માટે સ્વામીજી બહુ પ્રયાસ કરતા. સ્વામીજીની તબીયત સારી નહોતી અને ચિકિત્સકોએ મનાઈ કરી હતી, તેથી સ્વામીજીએ બે ભાષણો જ આપેલ અને પછી વ્યાખ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ જ્યારે પણ અનુકૂળતા થતી ત્યારે તેઓ કલકત્તાવાસીઓમાં ધર્મ-ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરતા. સ્વામીજીના આ પત્રને પરિણામે કલકત્તાના સ્ટાર થિયેટરમાં આ વિદ્વાન પ્રાધ્યાપકનું ‘પૂજારી અને ધર્માચાર્ય’ એ વિષય ઉપર સારગર્ભિત ભાષણ સાંભળવાનો અવસર મળ્યો હતો.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.