(આપણા દેશમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશથી પ્રેરિત થઈવિવેકાનંદ યુવા મહામંડળ’ (જેના લગભગ ૭૦૦ કેન્દ્રો ચાલે છે) જેવી કેટલીય સંસ્થાઓ યુવા વર્ગ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવે છે તેવી જ રીતે વિદેશમાં પણ આવી ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો થોડો ખ્યાલ અમેરિકાનિવાસી શ્રી જાનીના આ લેખ પરથી આવશે. -સં.)

અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના વેઈન ગામમાં “વિવેકાનંદ વિદ્યાપીઠ” નામની સંસ્થા ૧૯ વર્ષોથી ચાલે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે: ‘‘ચારિત્ર્યગઠન.’’ સ્વામી વિવેકાનંદના વિચારો પર આધારિત ચારિત્ર્યગઠનનું શિક્ષણ પાંચ વર્ષના બાળકથી માંડીને કૉલેજના યુવાનો સુધીના સર્વ વર્ગના વિદ્યાર્થીઓને (ભાઈઓ તથા બહેનોને) અપાય છે. ઋષિમુનિઓએ આપેલાં સનાતન આધ્યાત્મિક મૂલ્યોને આધુનિક શિક્ષણપ્રણાલી દ્વારા શિખવવામાં આવે છે અને તે મૂલ્યોને જીવનના વાણી-વ્યવહારમાં મૂકવા માટે પ્રેરણા – પ્રોત્સાહન અપાય છે.

દરેકમાં દિવ્યત્વ રહેલું છે. દરેક વ્યક્તિએ ચારિત્ર્યગઠન દ્વારા પોતાનામાં રહેલી શક્તિઓને જાગૃત કરીને અને તે શક્તિઓને યોગ્ય માર્ગે વાળીને તે સુષુપ્ત દિવ્યતાને પ્રગટ કરવાની છે. સ્વામી વિવેકાનંદના આ વિચારને કેન્દ્રમાં રાખીને વિવેકાનંદ વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. જેમ એક નાના છોડના ઉછેર માટે ખાતર, પાણી, તડકો વગેરે જરૂરી છે અને તેના રક્ષણ માટે વાડ જરૂરી છે તેમ વિદ્યાપીઠ માને છે કે બાળકોના અને યુવાનોના વિકાસ માટે જીવન ઉન્નત કરે તેવા અને સર્વ સંકુલતાને દૂર કરીને માનવ-માનવને પ્રેમથી જોડે તેવા ઉદાર વિચારોનુ સિંચન જરૂરી છે. સાથે સાથે ચારિત્ર્યગઠનની શિસ્તની વાડ પણ અત્યંત આવશ્યક છે. આવી શિસ્ત વિદ્યાર્થીઓને દૂષણોના ભોગ થતા અટકાવે છે. જો એક વાર જીવનમાં ચારિત્ર્યગઠનનો પાયો તૈયાર થઈ જાય તો તે ચારિત્ર્ય જીવનના કોઈ પણ ક્ષેત્રે કે કોઈ પણ સારા-નરસા પ્રસંગે જીવનને ઉન્નત કરવામાં મદદરૂપ બને છે. વળી આ ચારિત્ર્ય વ્યક્તિને, પરિવારને અને સમાજને પણ ઉપયોગી નીવડે છે. વિદ્યાપીઠ માને છે કે વિદ્યાર્થીનું ચારિત્ર્યગઠન અને ઈશ્વરચિંતન તેને નિઃસ્વાર્થ સેવામય બનાવે.

વિવેકાનંદ વિદ્યાપીઠનું શિક્ષણ માત્ર બૌદ્ધિક ન રહે પણ વિદ્યાર્થીઓના વ્યવહારમાં ઊતરે તે માટે સદા ધ્યાન અપાતું હોય છે. વડીલોનું સન્માન કરવું, ઉચ્ચ શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરવું, વ્યાયામથી અને સાત્ત્વિક આહારથી આરોગ્ય જાળવવું, મનને સર્જનાત્મક વિચારોમાં રાખવું, કુટેવોને દૂર કરીને સારી ટેવો પાડવી અને જીવનને સત્યમય તથા સેવામય બનાવવું તે માટે પ્રયત્નો થાય છે. મુખ્યત્વે આ પ્રયત્નો ખૂબ આનંદથી, સમજપૂર્વક અને ગૌરવથી થાય તેની કાળજી રખાય છે.

સ્વામી વિવેકાનંદે નિર્દેશેલું ‘‘ચારિત્ર્ય-ગઠન”નું આ ધ્યેય મુશ્કેલ છે, પણ અસંભવ નથી તેનો અનુભવ વિદ્યાપીઠની પ્રવૃત્તિઓથી થાય છે. વિવેકાનંદ વિદ્યાપીઠની સઘળી પ્રવૃત્તિઓ આ મુશ્કેલ ધ્યેયને હાંસલ ક૨વા માટે ચાલે છે અને તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શુભેચ્છકો ખૂબ પ્રેમભાવથી, અતિ ઉત્સાહપૂર્વક સક્રિય રીતે ભાગ લે છે.

આ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે:

શનિવાર તથા રવિવારના વર્ગો:

દર વર્ષે સપ્ટેમ્બરથી જૂન સુધીમાં દર શનિવારે સવારના ૯ થી ૧ વાગ્યા સુધી ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અને રવિવારે સવારના ૯ થી ૧૨ સુધી ધોરણ કે. જી.થી ૭ના વિદ્યાર્થીઓ માટે વર્ગો ચાલે છે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓ પોતાના વર્ગ પ્રમાણે અને યોગ્યતા પ્રમાણે રામાયણ, મહાભારત, ભાગવત, પંચતંત્ર, જાતકકથાઓ, ઉપનિષદ્, ભગવદ્ગીતા, સ્તોત્રો, સંસ્કૃત, મહાપુરુષોનાં જીવન અને ઉપદેશ, ધૂન-ભજન, વૈદિક પાઠ, સુભાષિત વગેરે શીખે છે. કલા અને ઉદ્યોગ (Arts and Crafts)ને પણ શિક્ષણના એક ભાગ તરીકે વણી લેવામાં આવે છે.

ગ્રીષ્મ શિબિર:

દ૨ વર્ષે જુલાઈ માસમાં ત્રણ અઠવાડિયાની શિબિરો રાખવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓ પોતાના ધોરણ પ્રમાણે એક-બે કે ત્રણ અઠવાડિયાંની શિબિરોમાં ભાગ લે છે. ગુરુકુળ પ્રથાથી ચાલતી આ શિબિરોમાં વિદ્યાર્થીઓ ઘણું ઘણું શીખે છે અને તેમનો ચારિત્ર્ય – ગઠનના શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ બમણો થઈ જાય છે. ACT સેમિનાર:

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (Alumni), કોલેજના વિદ્યાર્થીઓ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ત્રણથી ચાર સેમિનાર રાખવામાં આવે છે. તેમાં એક વિષયને સમજવા માટે અને તેમાંથી જે શીખાય તેને અમલમાં મૂકવા માટે સેમિનારમાં વિચાર-વિમર્શ થાય છે.

વાર્ષિકોત્સવ:

એપ્રિલ – મે માં દ૨ વર્ષે વાર્ષિકોત્સવ થાય છે. વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ જે શીખતા હોય તેમાંથી અથવા તેને અનુરૂપ વિષયો પર રચાયેલા નાટકો ભજવાય છે. ભરતનાટ્યમ્ વગેરે શાસ્ત્રીય નૃત્ય, રાસ-ગરબા, ભજન વગેરેનો સમાવેશ થાય છે. સન ૧૯૯૩માં લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો તેવું શ્રીમતી વંદના જાનીએ લખેલું અને દિગ્દર્શન કરેલું સ્વામી વિવેકાનંદના જીવનપર આધારિત ચાર કલાકનું નાટક ભજવાયું હતું. નાટકનું શીર્ષક હતું: “Arise! Awake!” સન ૧૯૯૫માં ગાંધીજીના બાળપણના પ્રસંગો પર આધારિત “When Bapu was a little boy” નામનું નાટક ખૂબ સફળતાથી ભજવાયું. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણ કથામૃતની વાર્તાઓ અને ઉપનિષદ્, પંચતંત્ર, જાતકકથાઓની વાર્તાઓ પર આધારિત નાટકો પણ વિદ્યાર્થીઓએ ભજવ્યાં છે. ભજવનાર અને જોનાર સર્વના પર આ નાટકોના સંદેશાની ઊંડી અસર જોવા મળે છે.

દીવાળી મહોત્સવ:

આ દિવસે વિદ્યાર્થીઓ રંગબેરંગી પણ સુઘડ ભારતીય પોષાક પહેરીને સવારની પ્રાર્થના પછી કલા અને ઉદ્યોગના પોતાના ભારતીય વિષયો પર આધારિત નમૂનાઓ (Projects)નું સુંદર પ્રદર્શન કરે છે. જોનારાઓને વિદ્યાર્થીઓની મૌલિકતા ઉપરાંત વિવિધ વિષયોનું ઘણું જ્ઞાન થાય છે.

આ સાથે શિક્ષાપ્રદ મનોરંજનનો કાર્યક્રમ પણ હોય છે.

યુવકોત્સવ:

સ્વામી વિવેકાનંદજીના જન્મદિને બે દિવસનો યુવકોત્સવ ઉજવાય છે. બંને દિવસ સવા૨ના ૯ થી ૩ સુધી વિવિધ વિષયો પર વર્ગ પ્રમાણે વક્તૃત્વ સ્પર્ધાઓ થાય છે. કૉલેજના યુવાનો સંશોધન અને અભ્યાસ કરીને એક વિશિષ્ટ વિષય પર સેમિનાર આપે છે.

વિશેષ ઉત્સવો:

શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી, વિજયાદશમી, શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી વગેરે વિશેષ તહેવારોના નજીકના શનિવારે સાંજે ૬-૦૦ થી ૯-૦૦ વિશેષ ઉત્સવ થાય છે. તેમાં પ્રસંગને અનુરૂપ વાંચન અને વિશ્લેષણ થાય છે. વિદ્યાર્થીઓ પ્રસંગના વિષયો પર વાર્તા, નિબંધ અથવા કવિતાનું વાંચન કરે છે કે રજૂઆત કરે છે. કીર્તન તથા પ્રસાદનો પણ સમાવેશ થાય છે.

પ્રાર્થના અને સ્વાધ્યાય:

દરરોજ સાંજે વિદ્યાપીઠમાં પ્રાર્થના થાય છે. અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થીઓ અને વડીલો તેમાં ભાગ લે છે. દર સોમવારે સાંજે પ્રાર્થના પછી ૭ થી ૮-૩૦ ભગવદ્ ગીતાનો અભ્યાસ થાય છે. દર ગુરુવારે સાંજે શ્રીરામકૃષ્ણદેવના અને તેમના શિષ્યોના જીવન અને ઉપદેશ પર અભ્યાસ થાય છે. અનુકૂળતા પ્રમાણે શનિવારે સાંજે અને નિશ્ચિતરૂપે Thanks Givingની રજાઓમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ, કઠોપનિષદ્, નારદ ભક્તિસૂત્ર વગેરે વિષયો પર અભ્યાસ થાય છે. આ અભ્યાસમાં શિક્ષકો, વાલીઓ અને શુભેચ્છકો ખૂબ જિજ્ઞાસાપૂર્વક ભાગ લે છે.

‘Sapling’ મૅગૅઝિન અને ‘Glimpses’ વૃત્તપત્રિકા:

શનિ-રવિના વર્ગોમાં વિદ્યાર્થીઓ જે શીખે છે તેનો વ્યવસ્થિત અભ્યાસક્રમ બને અને શિક્ષણમાં મદદરૂપ થાય તે માટે છેલ્લાં ૮ વર્ષથી ‘Sapling’ (નાનો છોડ) નામનું ત્રૈમાસિક, મૅગૅઝિન પ્રકાશિત થાય છે. તેના લેખો લખવામાં અને તેના સંપાદન કાર્યમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓ ઘણું શીખે છે. તેમના વિચારો સ્પષ્ટ થાય છે. ઉપરાંત આ તૈયાર થયેલા અભ્યાસક્રમથી નવા વિદ્યાર્થીઓ ખૂબ જલદીથી વિવિધ વિષયોને શીખી શકે છે. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ મૅગઝિન ખરેખર આશીર્વાદરૂપ છે. વિદ્યાપીઠની પ્રવૃત્તિઓના સમાચારો પ્રગટ કરતી ‘Glimpses’ નામની દ્વૈમાસિક વૃત્ત-પત્રિકા પ્રકાશિત થાય છે. તેમાં પણ વિદ્યાર્થીઓની મદદ મળે છે.

વિશેષ વ્યાખ્યાનો:

વિવેકાનંદ વિદ્યાપીઠને ઘણા સંતો પાસેથી પ્રેરણાપ્રોત્સાહન મળતાં રહ્યાં છે. પ્રારંભથી માંડીને અત્યાર સુધી ન્યૂયૉર્કના શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સૅન્ટરના અધ્યક્ષ પૂજ્ય સ્વામી આદીશ્વરાનંદજીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. તેઓ વર્ષમાં એક વાર જરૂરથી વિદ્યાપીઠમાં પધારે છે અને સૌને પ્રેરણા-પ્રોત્સાહન આપતું પ્રવચન કરે છે. તે ઉપરાંત યુ.ઍસ.એ.ના શ્રીરામકૃષ્ણ મિશનનાં અન્ય કેન્દ્રોના અધ્યક્ષ સ્વામીજીઓ પણ વિદ્યાપીઠમાં પધાર્યા છે અને તેમનાં પ્રવચનોનો લાભ સર્વને મળ્યો છે. પૂજ્ય સ્વામી સ્વાહાનંદજી, સ્વામી પ્રબુદ્ધાનંદજી, સ્વામી ભાષ્યાનંદજી, સ્વામી ચિદાનંદજી વગેરેનો તેમાં સમાવેશ થાય છે. વળી, પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી, સ્વામી વિદિતાત્માનંદજી, શ્રી શંકરી બસુ, શ્રી મકરંદભાઈ દવે, શ્રીમતી કુંદનિકાબહેન કાપડિયા, શ્રીમતી તુલસી જયરામન, તથા શ્રી નારાયણભાઈ દેસાઈનાં પ્રવચનોનો લાભ વિદ્યાર્થીઓને અને વાલીઓને મળ્યો છે.

સાંસ્કૃતિક વર્ગો અને કાર્યક્રમો:

શનિવારે અને રવિવારે “ચારિત્ર્ય-ગઠન’’ના વર્ગો પછી જેમને રસ હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાસ્ત્રીય સંગીતના અને નૃત્ય (ભારતનાટ્યમ્ તથા કથક)ના વર્ગો ચાલે છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આ ઉચ્ચ કલાનો પરિચય થાય તે માટે અને સાથે કંઈક નાનું સરખું ભંડોળ થાય તે માટે શાસ્ત્રીય સંગીત અને નૃત્યના વિશેષ કાર્યક્રમો યોજાય છે. અત્યાર સુધીમાં નામાંકિત કલાકારો જેવા કે પંડિત શ્રી જસરાજજી, શ્રી શિવકુમાર શર્મા, શ્રી હરિપ્રસાદ ચૌરસિયા, શ્રી રાજન-સાજન મિશ્રા, શ્રી અલ્લારખા, શ્રી ઝાકિરહુસેન, શ્રી સુલતાનખાન, શ્રીમતી લક્ષ્મીશંકર, શ્રી સન્થન ગોપાલન વગેરેનો લાભ સર્વને મળ્યો છે.

સન ૧૯૭૬માં વિવેકાનંદ વિદ્યાપીઠની મુખ્ય પ્રવૃત્તિની સ્થાપના શ્રીમતી વંદનાબહેન જાની અને લેખકે ન્યૂ જર્સીના ઈલિઝાબેથ ગામના તેમના નાનકડા ફલૅટમાં શ્રી ગણેશ ચર્તુથીના દિવસે સાત વિદ્યાર્થીઓના વર્ગોથી કરેલી. તે દિવસ પછી વિદ્યાર્થીઓનો અને વાલીઓનો ‘‘ચારિત્ર્યગઠન’’ના શિક્ષણનો રસ વધ્યો. સમય જતાં સંખ્યા અને પ્રવૃત્તિ વધતી ચાલી. વિદ્યાર્થીઓના વિકાસને અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ઘડાતો ગયો. અનેક નિઃસ્વાર્થી શુભેચ્છકોએ, વાલીઓએ ખૂબ મદદ કરી. સર્વનાં નામ અહીં આપવાં મુશ્કેલ છે. કેટલાક વાલીઓએ વિદ્યાપીઠનું શિક્ષણ શીખીને અને પોતાની શિક્ષણની આવડતને જોડીને શિક્ષણ કાર્યમાં મદદ કરીને નિઃસ્વાર્થ સેવા કરી. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ વિદ્યાપીઠના કોઈ પણ કાર્ય બદલ કશું જ મહેનતાણું કે અન્ય કોઈ પ્રકારનો ભૌતિક લાભ વિદ્યાપીઠ પાસેથી લીધો નથી. સંખ્યા અને પ્રવૃત્તિ વધતાં વંદના અને મહેન્દ્ર જાનીનું ઘ૨ વિદ્યાપીઠ માટે નાનું પડવા માંડ્યું.

સન ૧૯૯૦ના ડિસેમ્બરમાં વિવેકાનંદ વિદ્યાપીઠે પોતાનું મકાન લીધું જેનું ઉદ્ઘાટન પૂજ્ય સ્વામી આદીશ્વરાનંદજીએ કર્યું. આજે તેમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ આ “ચારિત્ર્યગઠન’’ના શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. તેમાં ૨૫ નિઃસ્વાર્થી શિક્ષકો પોતાની સેવા આપી રહ્યા છે. વિદ્યાપીઠમાં ભારતના વિવિધ પ્રાંતોના પરિવારો આવતા હોવાથી એક નાનકડું ભારત હોય તેવું લાગે છે. યોગ્ય નિઃસ્વાર્થ વિચાર, સુયોગ્ય માર્ગદર્શન, સખત પરિશ્રમ અને ઈશ્વરની કૃપાથી એક નાનકડા પ્રયત્નનું બીજ કેવી રીતે સહજતાથી વિકસે છે તેનો અનુભવ પ્રત્યક્ષ થાય છે.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.