લોકપ્રિય સ્વામીજી

ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું.

આ પ્રવચન વિશે બીજા દિવસે સમાચારપત્રમાં છપાયું હતું: “…ગઈ કાલે સાંજે વિશાળ જનસમુદાય ત્યાં આકર્ષાયો હતો. મુખ્ય વ્યાખ્યાનગૃહ તેમજ આગળના ઓરડાઓ ખીચોખીચ ભરાઈ ગયા હતા…. એવો અંદાજ છે કે પાંચસો ઉપરાંત માણસોને તો સગવડપૂર્વક સાંભળી શકે તે માટે બેસવાની જગ્યા કે ઊભા રહેવાનું સ્થાન પણ મળ્યું નહીં, એટલે તેમને પાછા જવું પડ્યું હતું.

“સ્વામીજીએ એક વિશિષ્ટ છાપ પાડી હતી. વ્યાખ્યાનની વચ્ચે વારંવાર તેમને પ્રશંસાની તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવતા હતા અને વ્યાખ્યાન પૂરું થયું ત્યારે ઉત્સાહી પ્રશંસકોનો જાણે મોટો મેળાવડો ભરાયા જેવું થયું હતું.”

એક બહેનનું જીવન-પરિવર્તન

આ પ્રવચન સાંભળવા ઉપસ્થિત હતાં કુમારી સારા ફોક્સ. સ્વામીજીના આ પ્રવચને તેઓનું જીવન ધન્ય બનાવી દીધું હતું. વેદાંત-દર્શન અને આધ્યાત્મિકતાના અભ્યાસમાં તેઓએ મન-પ્રાણ અર્પિત કરી દીધાં હતાં. 1922માં તેમણે પોતાની બહેન સાથે ભારતની મુલાકાત લીધી હતી અને અહીં ચાર વર્ષ રહી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ પાસે ઘણી શિક્ષા મેળવી હતી. 1926માં  ઓકલેન્ડ પાછા ફરી ગભીર ધ્યાનમગ્ન અને ઈશ્વરપરાયણ ગૃહિણીનું જીવન જીવ્યાં હતાં.

વેદાંત સોસાયટીના હિંદુ સંન્યાસીઓ ક્યારેક તેઓના ભારતીય આશ્રમસમા નાનકડા ઘરની મુલાકાત લેતા. અહીં કુમારી સારા સ્વામીજીના આગમનનું એક ભાવગભીર વર્ણન કરે છે:

સ્વામીજીના આગમનનું વર્ણન

સ્વામીજી સિવાય બધા શ્રોતાઓ સમયસર આવી પહોંચ્યા હતા. સ્વામીજીને મોડું થઈ રહ્યું હતું માટે શ્રોતાઓને બેસાડી રાખવા માટે પાદરી વાર્તાઓ કહીને બધાનું મનોરંજન કરી રહ્યા હતા. એકાએક અમને બધાને ખબર પડી કે સ્વામીજી પધાર્યા છે. તેઓ પ્રવેશદ્વારથી ચર્ચના ઓડિટોરિયમમાં પ્રવેશ્યા અને આડંબરહીન ધીર, દીર્ઘ, સિંહ-ડગલે બધાની સામે આવીને ઊભા રહ્યા. ગેરુઆ-વસ્ત્ર પહેરેલ, અદ્ભુત વ્યક્તિત્વ-સંપન્ન સ્વામીજીને જોઈને મને એમ લાગ્યું કે એમને નથી કોઈનો ડર કે નથી કોઈની ગરજ.તેઓ ચાલી રહ્યા હતા પ્રચંડ વેગથી ધસી આવતા એક અફાટ તરંગની પેઠે, ટટ્ટાર કમર, ગરિમા અને માધુર્યના સંમિશ્રણસમા.

તેઓ વ્યાસપીઠ પર આરૂઢ થઈ લાંબા સમય સુધી અમને નીહાળી રહ્યા. અમને લાગ્યું કે એમની દૃષ્ટિના પ્રભાવ હેઠળ અમે જાણે કલાકો વિતાવી દીધા છે. છેવટે તેઓ બોલ્યા, “મહિલાઓ અને સજ્જનો…”

અમે લોકો વ્યાસપીઠથી દૂર બેઠાં હતાં માટે તેઓના ચહેરાને સ્પષ્ટરૂપે જોઈ શકતાં ન હતાં પરંતુ તેઓનું પ્રવચન સાંભળી ખૂબ આનંદ માણ્યો!

તેઓ દેખાવે વૃદ્ધ ન હતા, ઉંમરમાં પણ નહીં, છતાં પણ પ્રૌઢોચિત પ્રચંડ વિચક્ષણતા અને અનુભૂતિસંપન્ન હતા.

આધુનિક જગત પર વેદાંતનું ઋણ

આ પ્રવચનના કેટલાક અંશો:

વેદો આદિ અને અંત વગરના છે. અહીંના શ્રોતાઓને એ હસવા જેવું લાગે કે કોઈ પણ પુસ્તક આદિ કે અંત વિનાનું કઈ રીતે હોઈ શકે? પરંતુ વેદો એટલે કોઈ પણ અમુક પુસ્તકો નથી; વેદો એટલે જુદે જુદે કાળે જુદી જુદી વ્યક્તિઓએ શોધી કાઢેલ આધ્યાત્મિક નિયમોનો સંગ્રહિત ભંડાર….

નીતિમાં માનનારો નિરીશ્વરવાદી માત્ર બાહ્ય જડ પ્રકૃતિને જ ઓળખે છે; વિશ્વનો કાયદો તે તેમાંથી ઘડશે. આવી દલીલ કરવી એ તો મારું નાક કાપી નાખીને તે પરથી મારા સમગ્ર દેહનો એ ખ્યાલ બાંધે, એના જેવું છે. તેણે અંદર પણ જોવું જોઈએ. આકાશમાં પ્રચંડ ગતિએ પસાર થતા તારાઓ, અરે! આખું વિશ્વ પણ બાલદીમાંના માત્ર પાણીના એક ટીપા જેવાં છે. તમારો નિરીશ્વરવાદી મહાનમાં મહાનને તો જોતો જ નથી અને વિશ્વને જોઈને જ તે ગભરાઈ જાય છે….

આત્માનું વિશ્વ સર્વ કરતાં વધુ મહાન છે. વિશ્વનો નિયંતા ઈશ્વર આપણો પિતા, આપણી માતા છે. જેને આપણે જગત કહીએ છીએ તે આ અધાર્મિકનું પાખંડ છે શું? તેમાં સર્વત્ર દુઃખ છે. બાળક જન્મે છે ત્યારે તેના મોંમાંથી રુદન નીકળે છે; રુદન તેનો પ્રથમ ઉચ્ચાર છે. આ બાળક માનવી બને છે અને દુઃખથી એવો સરસ રીતે ટેવાઈ જાય છે કે એની હૃદયની વેદના હોઠ પરના સ્મિતથી ઢંકાઈ જાય છે….

માનવપણાના વિશ્વવ્યાપી સાગરમાં હું માત્ર એક નાનકડો વમળ છું. વમળ છું તે સાચું છે, પણ તે મહાન સાગરનો એક અંશ છે….

ખળખળ વહેતા પાણીના ઝરણા પાસે તમે ઊભા રહો છો. ત્યાં પાણીનો પ્રત્યેક કણ પળે પળે બદલાતો જાય છે અને તે છતાં તમે તેને ઝરણું કહો છો. એ સાચું છે કે પાણી બદલાયા કરે છે, પરંતુ કિનારા એના એ જ રહે છે. મન પરિવર્તન પામતું નથી, ક્ષણે ક્ષણે બદલાયા કરે છે; તેની વૃદ્ધિ કેટલી ઝડપથી થાય છે!

હું બાળક હતો, કિશોર થયો, યુવાન પુરુષ બન્યો અને તરતમાં હું વાંકો વળી ગયેલો વયોવૃદ્ધ પણ બની જઈશ. દેહમાં પરિવર્તન થયા કરે છે છતાં તમે એમ કહેશો કે મનનું પણ પરિવર્તન નથી થતું? જ્યારે હું બાળક હતો ત્યારે હું વિચાર કરતો હતો; હવે હું વધુ મોટો થઈ શક્યો છું કારણ કે મારું મન સંસ્કારનો સાગર બન્યું છે….

તમારામાંથી અમરપણાની વાત કરનારાઓને હું પૂછું છું કે તમે જ્યારે ઘેર જાઓ ત્યારે તમે મરી ગયા છો એમ કલ્પના કરવાનો પ્રયાસ કરજો. અલગ રહીને તમારા મૃતદેહને અડકજો. તમે તેમ નહીં કરી શકો, કારણ કે તમે તમારી જાતની બહાર જઈ શકશો નહીં. ખરી રીતે પ્રશ્ન અમરતા વિષેનો નથી, પરંતુ મૃત્યુ પછી જીવાત્માને પરમાત્મા મળશે કે નહીં તે વિષેનો છે.

ધર્મનું એક માત્ર મહાન રહસ્ય એ છે કે તમે આત્મા છો તે તમે જાતે જાણો. એવી બૂમો ન પાડો કે ‘હું તો એક જંતુ છું, હું કંઈ જ નથી.’ કવિ કહે છે તેમ ‘હું સત્, ચિત્ અને સત્ય છું.’ ‘હું જગતનું એક પાપ છું.’ એમ બૂમ પાડવાથી કોઈ માણસ જગતમાં કંઈ સારું કરી શકતો નથી. જેમ જેમ વધુ પૂર્ણ બનો તેમ તેમ અપૂર્ણતાઓ ઓછી દેખાય. (ગ્રંથમાળા, 4.481)

એક રમૂજી પ્રશ્નોત્તરી

પ્રવચન પૂરું થયા પછી સ્વામીજીએ પ્રશ્નો આમંત્ર્યા. એક સ્ત્રીએ પૂછ્યું, “સ્વામીજી, મેં સાંભળ્યું છે કે તમે નવજાત શિશુઓને ગંગામાં પધરાવી દો છો. શું એ વાત સાચી છે?”

સ્વામીજીએ ઉત્તર આપ્યો, “મેડમ, અમે એમ સાંભળ્યું છે કે થેંક્સગિવીંગની મિજબાનીમાં તમે નવજાત શિશુઓને રાંધીને પીરસો છો!”

ખ્રિસ્તી મિશનરીઓ અમેરિકનો પાસેથી પૈસા પડાવવા માટે એવો પ્રચાર કરતા હતા કે ભારત ઘોર કુટેવો અને અંધશ્રદ્ધાઓનો દેશ છે અને જો બધા હિન્દુઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવી નહીં દેવામાં આવે તો તેઓ નરક-ભોગ કરશે. તેઓની વાત માનીને ઘણા ધર્મભીરુ ખ્રિસ્તીઓ ભારતમાં પ્રચાર માટે નિયમિત દાન કરતા હતા. જ્યારે સ્વામીજી અમેરિકા આવ્યા ત્યારે તેઓને આવા ઘણા ગાંડપણભર્યા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. નવજાત શિશુઓને ગંગામાં મગરમચ્છની સામે ફેંકી દેવાવાળા આ પ્રશ્નના સ્વામીજી વિભિન્ન રમૂજી ઉત્તરો આપતા.

લોસ એન્જલસમાં તેમણે જવાબ આપ્યો હતો, “હા, મેડમ, મને પણ ગંગામાં ફેંકી દીધો હતો પણ હું બચી ગયો.”

ક્યારેક કહેતા, “હું જાડિયો-પાડિયો શિશુ હતો માટે મગરમચ્છે મને ખાવાની ના પાડી દીધી. જ્યારે પણ મને સ્થૂળકાય સાધુ હોવા વિશે શરમ આવે છે ત્યારે હું એમ વિચારીને સાંત્વના મેળવું છું કે હું જાડિયો હતો માટે જ મગરમચ્છના મોંમાંથી બચી ગયો હતો.”

 તો ક્યારેક કહેતા, “હા, મેડમ, તેઓએ મને  પણ મગરમચ્છની સામે ફેંકી દીધો હતો પરંતુ તમારા કલ્પિત જોનાહની જેમ, હું ફરીથી બહાર નીકળી ગયો.”

બાઇબલમાં જોનાહ નામના એક ધર્મપ્રચારકની વાત આવે છે. તેઓને નૌકામાંથી સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એક વ્હેલ માછલી તેઓને ગળી ગઈ હતી અને ત્રણ દિવસ પછી કિનારે આવીને એને પેટમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

જ્યારે કોઈ પૂછતું કે શું બધી શિશુ છોકરીઓને ગંગામાં ફેંકી દેવામાં આવે છે, ત્યારે તેઓ કહેતા, “હા, મેડમ, ભારતમાં હવે એક પણ સ્ત્રી બચી નથી અને આજકાલ પુરુષો બાળકોને જન્મ આપે છે.”

 1894માં ડેટ્રોઇટમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મગરમચ્છની સામે ફક્ત શિશુ છોકરીઓને જ શા માટે ફેંકવામાં આવે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “કદાચ એટલા માટે કે છોકરીઓ નરમ અને કોમળ હોવાથી મગરમચ્છ એમને વધુ સરળતાથી ખાઈ અને પચાવી શકે છે.”

આ પ્રકારે તેઓ મૂર્ખ પ્રશ્નકર્તાઓની એવી મજાક ઉડાવતા કે તેઓ શરમના માર્યા મોં છૂપાવી દેતા.

એક દિવસે તેઓએ આવી જ એક પ્રશ્નકર્તા બહેનની એવી ખીલ્લી ઉડાવી કે તે ખુરશીની પાછળ સંતાઈ ગઈ. જ્યારે બધા હસવા લાગ્યા ત્યારે સ્વામીજીએ કહ્યું, “એનો દોષ નથી. જો હું આવા મૂર્ખામીભર્યા પ્રશ્નો કરત તો મારે પણ છૂપાઈ જવું પડત.”

(સંદર્ભગ્રંથ: ‘Swami Vivekananda in the West, New Discoveries,’ Vol. 5. પ્રકાશક: અદ્વૈત આશ્રમ, કોલકાતા)

Total Views: 955

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.