સ્વામી વિવેકાનંદ એ રેને’સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ સુધીના પટ્ટામાં વિશ્વે એક સાથે ૬-૭ યુગપુરુષોને આ ધરતી પર વિહરતા જોયેલા. ઈ.સ.ની ૧૯મી-૨૦મી સદીમાં ભારતવર્ષ એવું જ બડભાગી હતું. તે ગાળામાં રામ, કૃષ્ણ અને બુદ્ધની પાવનભૂમિ પર એક સાથે સાતેક યુગપુરુષોનાં પદચિહ્ન પડ્યાં છે, તેઓ છે -રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રમણ મહર્ષિ, ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિન્દ અને વિનોબાજી. આ સર્વ વચ્ચે વિવેકાનંદ એ રીતે અલગ તરી આવે છે કે ટૂંકા જીવનમાં તેમણે આ કાલજયી પુરુષો સાથે પોતાના સ્કંધ તથા કદમ મિલાવ્યા.

કોઈપણ વ્યક્તિ યુગપુરુષ યા મહાપુરુષ ત્યારે ગણાય છે, જ્યારે તેનાં જીવનદર્શન, જીવનકર્મ તથા જીવનસાધના અધ્યાત્મના પાયા પર ઊભાં થયાં હોય. ઉપરાંત આવા પુરુષનું ધર્મચિંતન અને ધર્મદર્શન પરંપરાગત ધર્મને વધુ પરિશુદ્ધ અને જીવંત બનાવે. તેઓ બહુ કર્મઠ-કર્મવીર હોય પરંતુ તેમનાં સર્વ કર્મો આ સચરાચરના કલ્યાણ માટે જ હોય.

વિવેકાનંદ આવા એક યુગપુરુષ હતા. વિશ્વ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા ભૌતિક વિકાસનાં શિખરો સર કરવા પાછળ ઘેલું હતું અને ભારત તેમાં પગ નીચે કચડાતું હતું ત્યારે વિવેકાનંદે ભારતની ધર્મસમૃદ્ધિને તથા તેના અધ્યાત્મસત્ત્વને જગાડ્યાં. માનવજીવનમાં ભૌતિકતાની સરખામણીએ અધ્યાત્મનું જે વિશેષ મૂલ્ય હતું તેને તેઓએ પોતાના વિચારો, કર્તવ્યો તથા વ્યક્તિત્વ દ્વારા પ્રસ્થાપિત કર્યું, પુન :સ્થાપિત કર્યું.

વિવેકાનંદ જેનો પર્યાય બની ગયા હતા તે હતું ભારતના વૈદિક ધર્મ અંગેનું તેમનું ચિંતન તથા દર્શન. તેમણે ભારતના પ્રાચીન વૈદિક ધર્મ (જેને સ્વામી દયાનંદ “સનાતન ધર્મ’ કહેતા હતા, અને આજે જે “હિન્દુ ધર્મ’ને નામે ઓળખાય છે તે) તથા તત્ત્વજ્ઞાનને એવી ઓજસ્વી શૈલીમાં રજૂ કર્યાં કે દુનિયાનું ધર્મજગત અવાક તથા અભિભૂત થઈ ગયું.

શિકાગો ખાતેની “વિશ્વધર્મ પરિષદ’માં માત્ર ૩૦-૩૨ની વયના વિવેકાનંદે “મારાં અમેરિકન બહેનો અને ભાઈઓ’ એવું હૃદયસ્પર્શી સંબોધન કરી સૌનાં દિલ જીતી લીધેલાં. ત્યારે તેમણે બતાવી આપેલું કે ભારતનો વૈદિકધર્મ તથા તજ્જનિત જીવન-તત્ત્વજ્ઞાનનો પાયો વિશ્વમાનવ વચ્ચેના કોઈ પણ પ્રકારના વાડા-સરહદોથી પર છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. વિધિવત્ શિક્ષણ ઓછું લેનારા તેઓ વાસ્તવમાં મહાજ્ઞાની હતા. તેમનું પરમજ્ઞાન એવું હતું કે ઈશ્વર જ સર્વસ્વ છે-આપણે તેના ભક્ત સિવાય કશું નથી! ધર્મ તેઓ માટે અનુભૂતિ હતો તથા કાલીમાતા પ્રત્યેની તેમની આસ્થા-ભક્તિ નરસિંહ કે મીરાની પ્રભુભક્તિની કક્ષાની હતી. માનવ-માનવ વચ્ચેની, ધર્મ-સંપ્રદાયો વચ્ચેની સરહદો ત્યાં નામશેષ બનતી.

પરમહંસની સર્વસમર્પિત ભક્તિમાં જે દર્શન તથા જીવનનું ચેતનતત્ત્વ હતું તેને વિવેકાનંદે વાચા આપી. પરમહંસ જે અલૌકિક, શાશ્વત, દિવ્યતત્ત્વમય, અક્ષર અનુભૂતિએ પહોંચ્યા હતા તેને વિવેકાનંદે જગસમસ્ત સમક્ષ પેશ કરી.

શ્રીરામકૃષ્ણની વિરલ-નિર્મળ અનુભૂતિની તેઓ અભિવ્યક્તિ બન્યા. વિશ્વ ઈતિહાસમાં કદાચ બેજોડ એવી ગુરુદક્ષિણા વિવેકાનંદે ગુરુચરણે અર્પણ કરી. એ પણ કેવો સુયોગ કે વિતૃષ્ણ ભક્તિરસ-રમમાણ પરમહંસ નરેન્દ્રનાથ (વિવેકાનંદ) અંગે કેટલા બધા અનુરાગી? તેમને પરખાઈ ગયેલું કે જગતકલ્યાણનો આ જ સર્વોત્તમ વાહક બનશે.

વિવેકાનંદનાં ધર્મચિંતન, ધર્મદર્શન તથા ધર્મસંદેશમાં ધર્મ પ્રત્યેની ભક્તિનાં બીજ પડેલાં લાગે. ઉપરાંત તેમની ભક્તિમાં હૃદયની સાથોસાથ પ્રજ્ઞાનો પણ સાથ હતો. ધર્મતત્ત્વોનું તથા ધર્મગ્રંથોનું તેમનું સેવન, તેમની બહુશ્રુતતા તથા સારદોહન એવાં સર્વગ્રાહી અને સચોટ હતાં કે એ સરિતાના નિર્મળ, અસ્ખલિત પ્રવાહની માફક વહ્યાં, જેણે જગતને સદ્યસ્નાત તથા પરિશુદ્ધ કરી દીધું.

વિવેકાનંદની ધાર્મિક તથા આધ્યાત્મિક ભૂમિકાની વિશેષતા એ હતી કે તેમાં કર્મઠતાનો કેવળ સ્વીકાર જ નહીં, મહિમા હતો. તેમણે યુવાનો માટે જ્ઞાન(અધ્યાત્મજ્ઞાન) કરતાં કર્મને, મહેનતને, પ્રવૃત્તિશીલતાને અગ્રતા આપેલી. આથી જ તેઓ યુવાનોને કહેતા કે તમારાં ધર્મ, તત્ત્વજ્ઞાન, યોગ અને ધ્યાન ફૂટબોલના મેદાનમાં છે. માણસમાત્ર માટે કર્મઠતા અનિવાર્ય છે અને તેમાંથી પછી નિષ્કામકર્મ તરફ આગળ વધવાનું છે-આવું તેમનું કર્મતત્ત્વજ્ઞાન હતું.

નિર્મળ સાધુતા, ભક્તિ, પ્રભુપરાયણતા અને ચરમ જ્ઞાન-પ્રાજ્ઞતા સાથે કર્મઠતાના આવા યોગે ભારતની પ્રજાના મધ્યયુગીન અંધકારમય તથા તામસી જીવનમાં અતિ આવશ્યક ક્રાંતિ આણી. નિર્મળ તેમજ નિષ્કામભાવે તેમણે જગતભરના મહિલાવર્ગ તથા પુરુષવર્ગને જગાડવા માટે, તેઓને ધર્મતત્ત્વ સમજાવવા માટે, સર્વકલ્યાણ અર્થે જે પુરુષાર્થ કર્યો છે તે આટલી નાની વયે, આટલા ટૂંકા આયુષ્યમાં, આવા પ્રખર મિશન સંદર્ભે એક રહસ્ય જ લાગે. તેેને સમજવા-સ્વીકારવામાં વિચક્ષણ માણસની પણ બુદ્ધિ બધીર થઈ જાય. ગાંધીજીની માફક વિવેકાનંદ વિશે એમ કહેવાનું મન થાય કે શું આવી વ્યક્તિ આ ભારતભૂમિ પર વિહરી હતી?

વિવેકાનંદ પ્રાચીન-અર્વાચીન બંને ભારતને; અખંડ તથા સનાતન ભારતવર્ષને નિ :શેષ ચાહતા હતા. તેમની આ ચાહનાનો આવિષ્કાર એવા રાષ્ટ્રપ્રેમરૂપે થયો, જેમાંથી ગાંધીજીને પણ પ્રેરણા મળી. પ્રાચીન ભારતની સાંસ્કૃતિક, ધર્મદર્શનસભર, અધ્યાત્મયુક્ત જીવનદૃષ્ટિને તેઓએ આધુનિક ભારતની રાષ્ટ્રીયતા તથા અસ્મિતા સાથે જોડીને એક અમર્ત્ય ભારતની મૂર્તિ સાકાર કરી. તેમના દર્શનમાં ભારતીય આમમાનવ માટે, વિશ્વમાનવ માટે એવી એકરૂપતાની, એવા કલ્યાણની ઝંખના હતી કે એ બાબતે તેઓ ગાંધી-સરદારના પુરોગામી લાગે.

ભારતીય ધર્મ, રાષ્ટ્ર, પ્રજા પ્રત્યે તેમને અખૂટ લગાવ -સ્નેહ હતો. આમ છતાં તેમાં કેવળ લાગણી નહોતી, તેમાં એક પ્રકારની સ્વયંભૂ તર્કસંગતતા, બુદ્ધિગમ્યતા પણ હતી. આ સર્વ માટેની તેમની ચાહના-વિભાવનામાં સંવેદના, બૌદ્ધિકતા અને વ્યવહારુ દૃષ્ટિનો ત્રિવેણીસંગમ હતો. તેમાં સપ્રમાણતાનો, વિવેકનો એક સહજ સ્પર્શ હતો. તેમનામાં પ્રગટેલું આ સપ્રમાણ સંયોજન જ્ઞાન, ભક્તિ તથા કર્મભાવની ચરમસીમાએ પહોંચી ગયું હતું. સાથે જ તેમનામાંનો વિવેકાનંદ બ્રહ્માનંદ સુધી પહોંચી ગયો હતોે.

વિવેકાનંદનાં ચક્ષુમાં, તેમના ચહેરા પર તથા વ્યક્તિત્વમાં એક અલૌકિક ક્રાંતિ હતી. તેમાં જેટલી તેજસ્વિતા હતી, એટલી જ તેમાં નિર્મળતા-નિર્વિકારિતા હતી. આ યુવાનથી આકર્ષાઈને એક સુંદર અમેરિકન યુવતીએ વિવેકાનંદ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે દ્વારા વિવેકાનંદ જેવો પુત્ર મેળવવાની પોતાની એષણા પણ તેણે પ્રગટ કરી. નારી માત્રમાં જેમણે જગદમ્બાને જ જોયાં છે તેવા વિવેકાનંદે તે યુવતીને પ્રણામ કરતાં કહ્યું, “માતા, તારે એ માટે રાહ પણ શા માટે જોવી? આજથી હું જ તારો પુત્ર!’

વિવેકાનંદ યુવાન વયે અવસાન પામ્યા કારણ કે ભગવાન ઇચ્છતા હતા કે ભારત તથા વિશ્વ તેઓને કાયમ ચીરયુવાનરૂપે જ યાદ કરે. ભારતના શાશ્વત યુવાધનનું તેઓ પ્રતીક હતા. તેમની કર્મઠતા, ઉન્નતિની ધગશ, દેશ-પ્રજાના કલ્યાણની ખેવના, તેમનો થનગનાટ, પડકારોને ઝીલવાની તેમની આતુરતા વગેરે સનાતનકાળ સુધી ભારતીય યુવાનોને પ્રેરણા આપશે. વહેલી વિદાય દ્વારા તેઓ શારીરિક-માનસિક વૃદ્ધત્વ તથા ક્ષીણતાથી પર રહી યુવાનો માટે ધ્રુવતારક બની ગયા.

તે મહામાનવની દોઢસોમી જન્મજયંતી હમણાં (૨૦૧૩માં) ગઈ તે પ્રસંગે મારા મન-મસ્તકને તેમનો ચરણસ્પર્શ.

Total Views: 540

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.