(“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં યુવા ભાઈ-બહેનોને મૂંઝવે છે. સ્વામી વિવેકાનંદજીએ આ વિશે જે મહત્ત્વપૂર્ણ મંતવ્યો આપ્યાં છે, તેની મીમાંસા ભગિની નિવેદિતા અહીં સંક્ષેપમાં રજૂ કરે છે. -સં.)
સ્વામી વિવેકાનંદે લગ્નની સંસ્થાને હંમેશાં તેની આધ્યાત્મિક સ્વતંત્રતાના સંદર્ભમાં જોઈ હતી. અને પૂર્વની દૃષ્ટિએ આ સ્વતંત્રતાનો અર્થ, માત્ર “લગ્ન કરવાનો હક્ક” એમ નથી થતો; પરંતુ ‘‘લગ્ન કરવાથી દૂર રહેવાની પણ સ્વતંત્રતા” એમ થાય છે. લગ્નજીવનનો ત્યાગ બધા ત્યાગથી ચડિયાતો છે. ‘‘લગ્ન દ્વારા લગ્નથી પર જઈ શકાય એવા લગ્નની વિરુદ્ધ મારે કશું કહેવાનું નથી,” એમ એક દિવસ દલીલો દરમ્યાન સ્વામીજીએ કબૂલ્યું હતું. સ્વામીજીના કહેવા પ્રમાણે શ્રીરામકૃષ્ણનું, તેમના ગુરુભાઈ યોગાનંદનુ અને તેમના શિષ્ય સ્વરૂપાનંદનું લગ્ન આદર્શ લગ્ન કહી શકાય. બીજા દેશોમાં આ લગ્નો માત્ર નામ પૂરતાં જ લગ્નો ગણવામાં આવ્યાં હોત. આ પ્રશ્નની ચર્ચા કરતાં એક વખત સ્વામીજીએ કહ્યું: ‘‘તમે જોઈ શકો છો કે આ મુદ્દા પર દૃષ્ટિબિંદુનો તફાવત છે. પશ્ચિમના દેશો એમ માને છે કે નીતિનિયમોના સંબંધને નેવે મૂકીને જે કંઈ છે તે લગ્નની વ્યાખ્યામાં આવી જાય છે, જ્યારે ભારતમાં લગ્નને બે વ્યક્તિઓ વચ્ચેના સામાજિક બંધન તરીકે વિચારવામાં આવ્યું છે, અને તે બંધન શાશ્વત કાળ સુધી બંનેને જોડે છે. તેઓ ઈચ્છે કે ના ઈચ્છે તેઓએ એક જીવન પછી બીજા જીવનમાં લગ્નથી જોડાવું જોઈએ. પતિ – પત્ની પરસ્પર એક બીજાના બધા પુણ્યમાંથી અર્ધોઅર્ધ પ્રાપ્ત કરે છે અને જો આ જીવનમાં પતિ અથવા પત્ની એક બીજાથી પાછળ રહી ગયેલ જણાય તો બેમાંથી એક વ્યક્તિએ રાહ જોવાની હોય છે, કે જ્યાં સુધી પતિ અથવા પત્ની સાથે ન થઈ જાય.”
શ્રીરામકૃષ્ણે લગ્નનો એક ‘વિશિષ્ટ સેવા’ તરીકે ઉલ્લેખ કર્યો છે અને સંન્યાસી જીવનનો ‘‘વૈશ્વિક સેવા’’ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ બાબતમાં શ્રીરામકૃષ્ણ ખૂબ જ ઉચ્ચતમ પ્રકારના લગ્નનો નિર્દેશ કરી રહ્યા હતા.
સ્વામીજી દૃઢપણે માનતા કે આ આદર્શ હતો – બ્રહ્મચર્ય. તેઓ લોકોને આ બ્રહ્મચર્યનું વ્રત લેવાનું એવી રીતે કહેતા જાણે આ સૌથી વધુ પવિત્ર યુદ્ધ ન હોય! તેઓ સંન્યાસીઓના સંઘને એક નેતાની પાછળના એક લશ્કર તરીકે ગણતા, અને જે ઉપદેશકના બધા જ અનુયાયીઓ ગૃહસ્થો અને નાગરિકો હતા, તેને લશ્કર વગરના નેતા ગણતા. તેમના મતે આ બન્ને ધ્યેય વચ્ચે, જેને બ્રહ્મચર્યની આ શક્તિનું સમર્થન છે અને બીજું જેને આ સમર્થન નથી, કોઈ તુલના ન થઈ શકે.
અને છતાં સ્વયં લગ્નમાં કોઈ મનુષ્ય માટે વિકાસની કોઈ તક જ નથી એમ તેઓ માનતા ન હતા. પચાસ વર્ષના લગ્નજીવન પછી કાર્યશાળાના દરવાજા ૫૨ સહચરમુક્ત થયેલા વૃદ્ધ દંપતિની વાર્તા તેઓ કહેતા અને તે હું ભૂલી શકતી નથી. પહેલા દિવસના અંતે તે વૃદ્ધ વ્યક્તિએ મોટેથી કહ્યું, “મેરી સૂવા જાય તે પહેલાં હું તેને જોઈ ન શકું? અને ચૂમી ન શકું? શા માટે આમ થયું હશે? પચાસ વર્ષ સુધી દરરોજ રાત્રે એમ કરવાનું હું ચૂક્યો નથી!” આવી ઉચ્ચત્તર વિચારની ઉષ્મા સાથે સ્વામીજીએ કહ્યું, ‘‘એનો વિચાર કરો! આવો આત્મસંયમ અને સ્થિરતા જ મુક્તિ છે! એ બંને આત્માઓ માટે લગ્ન પોતે જ એક માર્ગ હતો!”
સ્વામીજી દૃઢપણે માનતા હતા કે જો કોઈ સ્ત્રી લગ્ન કરવા ન ઈચ્છે તો તે બાબતને સ્ત્રીનો સ્વાભાવિક હક્ક ગણવો જોઈએ. જો કોઈ પણ કિશોરી બાર વર્ષની થાય તે પહેલાં તેના જીવનમાં ભક્તિમય જીવન ગાળવાનું પ્રબળ વલણ દેખાય અને કુટુંબ તે કિશોરીના સગપણની વાતો આગળ ચલાવતું હોય તો તે કિશોરીને તેની સામે રક્ષણ મળવું જોઈએ એમ સ્વામીજી માનતા હતા. અને આવી એક બાબતમાં કિશોરીના પિતા પાસે પોતાની વગનો ઉપયોગ કરીને અને નાની દીકરીઓ માટે માલમિલકતમાં વધુ હિસ્સાનું સૂચન કરીને, સ્વામીજી તે કિશોરીને સહાય કરવા માટે સફળ થયા હતા. વર્ષો પસાર થઈ ગયાં છતાં કલાકો સુધીનું મૌન અને એકાંતવાસનું જે જીવન તેણે પસંદ કર્યું હતું તે જીવનને તે પૂરેપૂરી વફાદાર હતી. જો કે તેની નાની બહેનો ૫૨ણી ગઈ હતી. લગ્ન કરવાના વિચારને ફરજીયાત લાદવો તે સ્વામીજીના મત પ્રમાણે ધર્મસ્થાનને અપવિત્ર કરવા બરાબર કહેવાય. સ્ત્રીઓના આવા વર્ગો ગણી બતાવતાં સ્વામીજી ગૌરવ અનુભવતા – બાળ વિધવાઓ, કુલીન બ્રાહ્મણોની પત્નીઓ, જેઓને માલમિલકતમાં હિસ્સો ન મળ્યો હોય તેવી સ્ત્રીઓ, વગેરે – હિંદુ સમાજમાં આ અપરિણીત સ્ત્રીઓનો વર્ગ કહેવાય.
સ્વામીજીના મત પ્રમાણે વિધવાઓની વફાદારીના સ્તંભ પર સામાજિક સંસ્થાઓ ઊભી છે. લગ્ન વખતે પ્રજ્વલિત કરેલો અગ્નિ આર્ય લોકોના લગ્ન વિશેના જૂના ખ્યાલનો પ્રતીક હતો. અને પતિ – પત્ની સાથે સવાર સાંજ તે અગ્નિની પૂજા કરતાં હતાં. આ ખ્યાલ પતિ – પત્ની વચ્ચે કોઈ અસમાન ધોરણો કે જવાબદારીઓનો નિર્દેશ કરતો નથી. વાલ્મીકિના મહાકાવ્યમાં રામ જેટલા સીતાને વફાદાર છે, સીતા તેટલાં જ રામને વફાદાર છે.
વિશ્વના બધા ભાગોમાં લગ્ન સાથે સંકળાયેલા સામાજિક પ્રશ્નોથી સ્વામીજી વાકેફ હતા. પશ્ચિમમાં પોતાના પ્રવચન દરમ્યાન સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ‘‘સ્વચ્છંદી માથાભારે સ્ત્રીઓના મનમાંથી ‘સહન કરવું’ અને ‘સંયમ રાખવો’ એ શબ્દો હંમેશને માટે જતા રહ્યા છે!’’ સ્વામીજીએ કબૂલ કર્યું હતું કે જો લગ્ન સંબંધ ચાલુ રહેવાથી ભવિષ્યની પેઢી માટે વિશ્વાસઘાત થતો હોય તો પતિ અથવા પત્ની માટે વિખૂટા પડી જવું તે સર્વોચ્ચ અને સાહસભર્યો માર્ગ કહેવાય. ભારતમાં સ્વામીજી વારંવાર કહેતા કે, પૂર્વ અને પશ્ચિમે તેઓના આદર્શો વિશે એકબીજા પાસેથી શીખવાનું રહે છે. સ્વામીજીએ સામાજિક સંસ્થાઓને કદી વખોડી નથી કારણ કે તેઓ કહેતા કે આ સંસ્થાઓ કોઈ અનિષ્ટને દૂર રાખવાની ઈચ્છાથી અસ્તિત્વમાં આવી છે. તેઓ કહેતા કે આ સંસ્થાઓની ટીકા કરનાર તેના જક્કી વલણને કારણે આ અનિષ્ટને જોઈ શકતા નથી. પરંતુ આ બાબતમાં એક યા બીજી દિશામાં અતિરેક થવાની શક્યતાથી તેઓ વાકેફ હતા.
પસંદગીના બદલે ગોઠવણથી (arranged)કરેલાં લગ્ન વિશે બોલતાં સ્વામીજીએ ભારતમાં કહેલું, ‘‘આ દેશમાં આટલું બધું દુ:ખ છે! થોડું, અલબત્ત, અગાઉ હંમેશાં હશે. પરંતુ યુરોપવાસીઓને તેઓના જુદા રિવાજો સાથે જોઈને આપણું દુ:ખ વધ્યું છે. સમાજ હવે જાણે છે કે બીજો માર્ગ છે!” સ્વામીજીએ એક યુરોપવાસીને વળી કહ્યું હતું: ‘‘અમે માતૃત્વને ગૌરવશીલ પદ આપ્યું છે, અને તમે પત્નીત્વને ગૌરવશીલ પદ આપ્યું છે. અને હું માનું છું કે બંને અરસપરસની આપ-લેથી લાભ મેળવી શકે.”
સ્વામીજીએ જહાજમાં જતી વખતે એક સ્વપ્નનું સવિસ્તર વર્ણન કર્યું હતું: “જેમાં મેં પૂર્વ અને પશ્ચિમના લગ્નના આદર્શોની ચર્ચા કરતા બે અવાજો (Voices) સાંભળ્યા હતા, અને એ ચર્ચાનો નિર્ણય એ હતો કે બંનેના આદર્શોમાં કંઈક એવું છે, જેની અવગણના વિશ્વ ન કરી શકે.” આ માન્યતાને કારણે પૂર્વ અને પશ્ચિમના સામાજિક આદર્શો વચ્ચે જે તફાવત હતો તેનો અભ્યાસ કરવા માટે સ્વામીજીએ ઘણો સમય ફાળવ્યો હતો.
સ્વામીજીએ કહ્યું, ‘‘ભારતમાં પત્ની પોતાના પતિને જે રીતે ચાહે છે તે રીતે પોતાના પુત્રને ચાહવાનું સ્વપ્ન પણ ન સેવવું જોઈએ. તે સતી (Sati) હોવી જોઈએ. પરંતુ પતિ જે રીતે પોતાની માતાને ચાહે છે, કંઈ તે રીતે તેણે પોતાની પત્નીને ન ચાહવી જોઈએ. બદલામાં મળેલા સ્નેહ કરતાં એકપક્ષી સ્નેહને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બદલાના ભાવવાળો સ્નેહ તો ‘દુકાનદારી’ છે. પતિ અને પત્નીના સંસર્ગના આનંદને ભારતમાં સ્વીકા૨માં નથી આવ્યો. આ અમારે પશ્ચિમ પાસેથી લેવાનું છે. અમારા આદર્શને તમારા આદર્શ વડે નવચેતન કરવાની જરૂર છે અને માતૃત્વ પ્રત્યેની અમારી નિષ્ઠાની તમારે જરૂર છે.” જેનો પ્રતિકાર ન થઈ શકે, એક એવો વિચાર તેમની હાજરી માત્રથી દરેકના મન સુધી પહોંચતો હતો. એ વિચાર એ હતો કે જે જીવન આત્માની મુક્તિ અને સર્વની સેવા માટે પ્રયાસ કરે છે તે જીવન ઘરગૃહસ્થીના જીવન કરતાં અનંતગણું ઉચ્ચતર છે. એ જીવન તો ઘરની જ મોજમજા અને મધુરતા શોધે છે. સ્વામીજી બરાબર જાણતા હતા કે મહાન કાર્યકર્તાઓ કુટુંબના સદસ્યોથી ઘેરાવાની ઈચ્છા અનુભવે છે. એક વખતે સ્વામીજીએ એક શિષ્યને મૃદુતા અને કરુણાથી સંબોધતાં કહ્યું, “જો ક્યારેક લગ્ન અને ઘરના પડછાયા તમારા મનમાંથી પસાર થાય તો તેની દરકાર ન કરવી. મારા મનમાં પણ તે પડછાયા ક્યારેક ઉદ્ભવે છે!” અને ફરી વખત એક મિત્રની તીવ્ર એકલતાની વાત સાંભળીને, સ્વામીજી મોટેથી બોલી ઊઠ્યા, “ક્યારેક દરેક સાધકને એવો અનુભવ થાય છે.”
અસાધારણ સામાજિક (Super Social) આદર્શની શાશ્વત સર્વોચ્ચતાના ભોગે, કોઈ એક સાધારણ સામાજિક આદર્શની ખોટી પ્રશંસા કરવામાં સ્વામીજીના મત પ્રમાણે અમર્યાદ ભય રહેલો છે. સ્વામીજીએ તેમના એક શિષ્યને ગંભીરતાથી કહ્યું, “જે લોકોને તમે ઉપદેશ આપો તેઓને એમ કહેવાનું ભૂલશો નહિ કે જેમ સૂર્યની તેજસ્વિતા પાસે નાના આગિયાનું સ્થાન છે; જેમ મેરુ પર્વતની વિશાળતા પાસે રેતીના કણનું સ્થાન છે, તેવી રીતે સંન્યાસીના જીવનની તુલનામાં એક ગૃહસ્થના જીવનનું સ્થાન છે!”
અહીં રહેલા ભયથી સ્વામીજી વાકેફ હતા, અને તે ભય હતો આધ્યાત્મિક અહંકારનો. તે અહંકારને જીતવા માટે સ્વામીજી પાસે તેમના પોતાના માર્ગો હતા. તેઓ કહેતા કે શ્રીરામકૃષ્ણના શિષ્ય કે ભક્ત – સંન્યાસી કે ગૃહસ્થ-ની સમક્ષ નમન કરવું જોઈએ. પરંતુ સ્વામીજીની દૃષ્ટિએ આ આદર્શનું મૂલ્યાંકન ઓછું કરવું એનો અર્થ એમ થશે કે આદર્શને અતિશય નિમ્નકક્ષાએ ઊતારવો; સ્વામીજી તે ક્યારેય કરી શક્યા નહીં. તેને બદલે સ્વામીજી તો એવું અનુભવતા હતા કે વર્તમાન યુગમાં ધર્મો ૫૨ એક અગત્યની જવાબદારી આવી પડી છે, અને તે છે લગ્ન જીવનમાં પણ સંન્યાસી જીવનના આદર્શોનો ઉપદેશ આપવો કે જેથી વધુ કઠણ માર્ગ વધુ સહેલા માર્ગ ૫૨ પોતાના સંયમના બળનો પ્રભાવ પાડી શકે. આત્માની ભવ્યતા, સ્વતંત્રતાને ઢાંકી દેતી પ્રણયની ખોટી મોહિનીને આપણે અંતિમ ધ્યેય તરીકે સ્વીકારી લઈએ છીએ. અને તે પણ રસપ્રદ અને મનને તલ્લીન કરી દે એવા સાહચર્યના નામમાં! આવી ખોટી મોહિનીનો નાશ થાય એમ સ્વામીજી ઈચ્છતા હતા.
શ્રીરામકૃષ્ણના બધા શિષ્યો એમ માને છે કે લગ્ન ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે માણસ પોતાની પત્નીને માતા તરીકે સ્વીકારે છે. તાત્પર્ય એ છે કે તેઓ બંને સમજણથી સંન્યાસી જીવન સ્વીકારે છે. દિવ્યતામાં મનુષ્યની વિલીન થવાની એ ક્ષણ છે. આના દ્વારા પછીનું જીવન બદલી જાય છે. આ આદર્શનું માનસિક વાજબીપણું એ હકીકતમાં છે કે એક અગત્યના તબક્કા સુધી લગ્નના સંબંધમાં સ્નેહની લાગણીવશ ચડતી પડતીનો ક્રમ સતત ચાલ્યા કરે છે. બાહ્યને (External) છોડી દેવાની સાથે આવેગથી પર જઈ શકાય છે, અને પછી ચડતી પડતી હોતી નથી. ત્યાર પછી ઈશ્વરને અડગપણે ભજી શકાય છે.
છતાં, આ પ્રશ્ન પર તેમનાં મંતવ્યો ધ્યાનમાં લેતી વખતે આપણે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મનો તફાવત બતાવતા સ્વામીજીના વિચારો યાદ રાખવા જોઈએ. એક રવિવારે કાશ્મીરમાં પોપલર વૃક્ષોથી ઢંકાયેલા રસ્તા પર ચાલતાં અમે સ્વામીજીને “સ્ત્રી અને જ્ઞાતિ’’ વિષય પર બોલતા સાંભળ્યા. તે દિવસે સ્વામીજીએ કહ્યું, ‘‘હિન્દુ ધર્મની ભવ્યતા એ હકીકતમાં રહેલી છે કે હિન્દુ ધર્મે આદર્શોની વ્યાખ્યા કરી છે, પરંતુ એ કહેવાનું સાહસ નથી કર્યું કે આમાંનો કોઈ એક જ આદર્શ સાચો માર્ગ છે. આ બાબતમાં હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મથી જુદો પડે છે. બૌદ્ધ ધર્મ સંન્યાસને સૌથી ઉપર માને છે; દરેક મનુષ્યે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ જ માર્ગ લેવો જોઈએ એમ માને છે. મહાભારતમાં એક યુવાન સંન્યાસીની વાર્તા આવે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે પહેલાં તેને એક પતિવ્રતા સ્ત્રી પાસે મોકલવામાં આવે છે અને પછી એક કસાઈ પાસે મોકલવામાં આવે છે. આ વાર્તા તે બાબત સ્પષ્ટ કરે છે. જ્યારે બોધકથામાં પૂછવામાં આવ્યું ત્યારે દરેકે જવાબ આપ્યો, “મારી ફરજ બજાવીને, મારા સ્થાને રહીને મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.” સ્વામીજીએ કહ્યું, “એવી કોઈ કારકિર્દી નથી કે જે ઈશ્વર પાસે જવાનો માર્ગ ન બની શકે. જ્ઞાન પ્રાપ્તિનો પ્રશ્ન માણસની જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર તાલાવેલી પર આધાર રાખે છે.’’
સ્વામીજી સિદ્ધાંતમાં એ વાતનો સ્વીકાર કરતા હતા કે સમગ્ર જીવન જેટલા પ્રમાણમાં પવિત્રતાના આદર્શને અભિવ્યક્ત કરે છે તેટલા પ્રમાણમાં તે મહાન છે. જો કે એક સંન્યાસી તરીકે તેઓ એવા અર્થઘટનથી દૂર રહેતા હતા કે જે એવા ભ્રામક દાવા તરફ લઈ જાય કે “આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાના સાધન તરીકે લગ્નની પસંદગી કરવામાં આવી છે.” આવો અહંભાવ સતતપણે આપણને આપણાં કાર્યો અને હેતુઓની સૂક્ષ્મ પ્રશંસા તરફ દોરી જાય છે તે બાબત સ્વામીજી બરાબર જાણતા હતા. સ્વામીજી કહેતા હતા કે પશ્ચિમના દેશોમાં તેઓ ઘણા લોકોને મળ્યા હતા કે જેમનુ જીવન પ્રમાદીપણે ભોગવિલાસમાં પસાર થતું હતું, છતાં તેઓ એમ માનતા કે તેઓ સ્વાર્થરહિત છે. અને ‘‘માત્ર ફ૨જ પરિપૂર્ણ ક૨વા માટે તેઓ સમાજમાં રહેતા હતા.” તેઓના મતે તેઓ પોતાના સ્નેહમાં સંઘર્ષ વિના ત્યાગ અનુભવી શકતા હતા. આવી બધી ભ્રમણાઓ ૫૨ સ્વામીજી ધિક્કાર વરસાવતા. સ્વામીજીએ કહ્યું, “મારો એક માત્ર જવાબ એ હતો કે આવા મહાન માણસોએ ભારતમાં જન્મ લીધો નથી! આવું તો એક માત્ર ઉદાહરણ મહાન રાજા જનકનું જ છે. અને સમગ્ર ઈતિહાસમાં તેઓ માત્ર એક જ થયા છે, આવા પ્રકારની ભૂલ વિશે સ્વામીજી કહેતા કે આદર્શવાદનાં બે સ્વરૂપો છે – એક ખુદ આદર્શની પૂજા અને પ્રશંસા છે. બીજું, જે આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ તેની મહત્તા માનવાની. બીજી બાબતમાં પોતાના અંહકારની સામે આદર્શ ખરેખર ગૌણ બની જાય છે.
તેમની આ સખતાઈમાં માનવ સ્વભાવ માટે કોઈ ઘૃણા ન હતી. જે લોકોએ સ્વામીજીનું પુસ્તક ‘‘ભક્તિ-યોગ” વાચ્યું છે તેઓ તેમાંનું સ્પષ્ટ વિધાન યાદ કરશે કે પ્રેમી હંમેશાં પ્રિયતમમાં આદર્શ જુએ છે. “આ દર્શનને વળગી રહો!” મેં તેમની એક વાત સાંભળી છે. એક છોકરીને કે જેણે બીજા માટેનો તાજેતરનો પ્રેમ તેમની પાસે કબૂલ કર્યો હતો, તેમણે આમ કહ્યું હતું, “જ્યાં સુધી તમે બંને એકબીજામાં આદર્શ જુઓ છો, ત્યાં સુધી તમારી પૂજા અને સુખ ઘટવાને બદલે વધશે.” સ્વામીજીના મિત્રોમાં એક આધેડ વયનાં સ્ત્રી હતાં. તે સ્ત્રી અસંતોષ વ્યક્ત કરતાં કહેતાં કે સ્વામીજી તેઓની સંન્યાસ ધર્મની તીવ્રતાને કારણે લગ્નની પવિત્રતા અને સહાયકતાને પૂરો ન્યાય આપી શકતા ન હતા. લગ્નજીવનના ખૂબ જ સુખી અનુભવ પછી, તેઓ લાંબો વખત વિધવા તરીકે જીવ્યાં હતાં. પોતાના દેહવિલયનાં થોડાં અઠવાડિયાં પહેલાં સ્વામીજી એ મિત્ર તરફ અતિસહજભાવે વળ્યા જ્યારે એ સમગ્ર વિષય પર તેઓ પોતાની શ્રેષ્ઠ માન્યતા પર પહોંચ્યા. તેના દૂરના ઘે૨ સ્વામીજીનો પત્ર લાવવામાં આવ્યો હતો. સ્વામીજીના મૃત્યુના સમાચાર આપતો ટેલીગ્રાફ અને તેઓનો પત્ર લાવનાર એક જ વ્યક્તિ હતી. તે પત્રમાં – સ્વામીજી કહે છે: ‘‘મારા અભિપ્રાય પ્રમાણે કોઈ પણ પ્રજા (Race) પૂર્ણ પવિત્રતાના આદર્શને પ્રાપ્ત કરે તે પહેલાં, લગ્નની અખંડિતતા અને પવિત્ર પ્રતિષ્ઠાપન દ્વારા, પહેલાં માતૃત્વને માનસન્માન આપતા શીખે. લગ્નને પવિત્ર અને અખંડિત માનતા રોમન કૅથોલિક્સ અને હિન્દુઓએ અમાપ શક્તિ ધરાવતા મહાન પવિત્ર સ્ત્રીઓ અને પુરુષોને જન્મ આપ્યો છે. આરબ માટે લગ્ન એ કરાર (Contract) છે અથવા બળવાન કબજો છે, જેનો ઈચ્છા પ્રમાણે અંત લાવી શકાય છે, અને ત્યાં આપણે અક્ષતા સ્ત્રી (Virgin) અથવા બ્રહ્મચારીના આદર્શનો વિકાસ જોતા નથી. લગ્નના આદર્શના ક્રમિક વિકાસ સુધી જે પ્રજાઓ પહોંચી નથી ત્યાં અર્વાચીન બૌદ્ધ ધર્મે પોતાનો ફેલાવો કરી સંન્યાસ ધર્મની ઠેકડી ઉડાડી. જ્યાં સુધી જાપાનમાં લગ્ન વિશે એક મહાન અને પવિત્ર આદર્શનો વિકાસ નહિ થાય. (જેમાં પરસ્પર આકર્ષણ અને પ્રેમ સર્વસ્વ નથી), ત્યાં સુધી મહાન સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ જન્મશે નહિ. જેમ તમે સમજ્યા છો કે જીવનની ભવ્યતા બ્રહ્મચર્યમાં છે, તેવી જ રીતે મોટી સંખ્યાના લોકો માટે આ મહાન પવિત્ર લગ્નસંસ્થાની જરૂરિયાત પ્રત્યે હું સભાન થયો છું, જેથી આજીવન બ્રહ્મચર્ય પાલન કરી શકે તેવી થોડી વ્યક્તિઓ પેદા થાય.”
ભાષાંતર: શ્રી સી.એમ.દવે
(શ્રીરામકૃષ્ણ મઠ, ઉદ્બોધન કાર્યાલય, કલકત્તા દ્વારા પ્રકાશિત “The Master as I Saw Him” પુસ્તકમાંથી સંકલિત)
Your Content Goes Here




