વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,
જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી.
સંગ્રામની સૌ જડને ઉખેડી,
બતાવજો શાંતિની સ્નેહકેડી!
તપ્યાં ઉરે ચંદનલેપ દેજો,
દાઝ્યા તણાં આશિષવેણ લેજો!
સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની,
પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી!
ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,
ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;
સંતો તણી ઊઘડતાં જ આંખડી
ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.
અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યેતેજથી!
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.
જુઓ છો ભાવને સામ્યે રાષ્ટ્રોનો માર્ગ ઐકયનો,
ગજાવો એ મહા મંત્ર ઊંડો માનવપ્રેમનો.
માનવી માનવી ઉરે એક માનવભાવ છે;
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.
એક મ્હેકે મઘમઘે બધાયે મનુમંડપો
સુવાસે સર્વ ડોલે છે, ભલે દુર્ગંધ ક્યાંક હો!
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે. પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
કલેવરો કાનનનાં ઘવાય છે!
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં;
અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં!
છે પત્ર ને પુષ્પની પાંખડીએ
પ્રભુ તણાં પ્રેમપરાગ પોઢણાં.
કલ્લોલતાં પંખીની આંખડીએ
ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાએ કદી માનવને મળે?
સૌ જીવ આજે ઉરથી વહાવીએ
કારુણ્યની મંગલ પ્રેમધારા.
વસુંધરાનાં સહુ બાળકો મળી
બજાવીએ અંતરએકતારા.
હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,
પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,
ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
ગજાવીએ સૌ જગઉંબરે ઊભી :
‘માનવી પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम्!
ને એ જશે શબ્દ અનંત વીંધી,
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
यत्र विश्वं भवत्येकनीडम् ।
Your Content Goes Here




