વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ માટે અન્ય કોઈ વિકલ્પ નથી એમ તેઓ દૃઢપણે કહે છે. – સં.

શ્રીરામકૃષ્ણના સંદેશને કાર્યની ભૂમિકાએ ઊતરેલો જોઈએ છીએ, ત્યારે જણાય છે કે એ એક અનોખો સંદેશ હતો. એ સંદેશ પોતે જ હિંદુ ધર્મનો શાશ્વત સંદેશ હતો. ઐતિહાસિક મહાધર્મોમાં હિંદુ ધર્મ એક અનોખી ભાત પાડે છે, કારણ કે તે એવું પ્રતિપાદન કરે છે કે હિંદુ ધર્મ કે જગતનો અન્ય કોઈ પણ ધર્મ સત્યનો એક માત્ર પ્રતિનિધિ કે મોક્ષનો એક માત્ર માર્ગ હોવાનો દાવો કરી શકે નહિ. હિન્દુ મત પ્રમાણે પ્રત્યેક મહાધર્મમાં સત્ય દર્શન અને સમ્યક્ માર્ગ રહેલ છે. તમામ મહાધર્મો માનવજાત માટે એક સરખી રીતે અનિવાર્ય છે, કારણ કે, એ દરેક ધર્મ એક જ સત્યની જુદી જુદી રીતે ઝાંખી કરાવે છે તથા માનવ પુરુષાર્થના સમાન ધ્યેય પ્રતિ જુદા જુદા માર્ગે આપણને લઈ જાય છે. એટલે દરેક ધર્મને એનું આગવું મૂલ્ય હોય છે, જે અન્ય ધર્મમાં પ્રાપ્ત થતું નથી.

આ હકીકત જાણવી એ સારું છે, પરંતુ એટલું પર્યાપ્ત નથી. ધર્મ એ કેવળ અભ્યાસનો વિષય નથી; એ તો અનુભૂતિનો અને આચરણનો વિષય છે અને આ જ ક્ષેત્રમાં શ્રીરામકૃષ્ણના અનોખાપણાનું દર્શન થાય છે. એમણે ભારતીય ધર્મ અને ફિલસૂફીના લગભગ દરેક સ્વરૂપને સફળતાપૂર્વક આચારસિદ્ધ કરી બતાવ્યું; એવી જ રીતે એમણે ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મનો પણ સાક્ષાત્કાર કર્યો. એમની ધર્મ પ્રવૃત્તિ અને અનુભૂતિ વસ્તુતઃ એટલી વ્યાપક કક્ષાએ પહોંચી હતી કે ભારતમાં અન્યત્ર બીજી કોઈ પણ ધાર્મિક વિભૂતિ એ કક્ષાએ અગાઉ કદાપિ પહોંચી ન હતી. જગદંબાના સાકાર સ્વરૂપ પ્રત્યે એમની ભક્તિએ એમને ‘નિર્વિકલ્પ સમાધિ’ની અર્થાત્ પરમ સત્ય સાથેના પૂર્ણ અભેદની-ભૂમિકાએ પહોંચતાં અટકાવ્યા ન હતા.

શ્રીરામકૃષ્ણે જે સ્થળકાળમાં પ્રગટ થઈને પોતાનો જીવન સંદેશ આપ્યો તે સ્થળ કાળમાં એમનું આગમન અને એમનો સંદેશ જરૂરી હતાં. હિન્દુ ધર્મ પરંપરામાં ઊછરી ન હોય એવી કોઈ પણ વ્યક્તિ આવો જીવન સંદેશ આપી શકી ન હોત. ઈ. સ. ૧૮૩૬માં બંગાળમાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો. તેઓ જે જગતમાં જન્મ્યા હતા તે જગત તેઓના જીવનકાળ દરમિયાન પહેલી જ વાર, સાચા અર્થમાં જાગતિક ભૂમિકાએ એક થવાની દિશામાં પ્રયાસ કરી રહ્યું હતું. આજે હજી પણ આપણે જગતના ઇતિહાસના આ સંક્રાન્તિ કાલીન પ્રકરણમાં જીવી રહ્યા છીએ. પરંતુ એ તો હવે સ્પષ્ટ થતું જાય છે કે જો માનવ જાતનો આત્મવિનાશરૂપી ઉપસંહાર ન લાવવો હોય તો જે પ્રકરણનો પ્રારંભ પશ્ચિમી પરંપરાથી થયો છે તેનો અંત ભારતીય પરંપરામાં થવો જોઈએ. આધુનિક યુગમાં પશ્ચિમની ટૅકનૉલૉજીના પ્રતાપે ભૌતિક ભૂમિકા ઉપર જગત એક બન્યું છે. પરંતુ પશ્ચિમના આ કૌશલ્યે સ્થળ કાળનાં અંતરોને મિટાવી દીધાં છે એટલું જ નહિ, વિનાશકારી શસ્ત્રોનો ખડકલો કરી દીધો છે. અને એ પણ એવા સમયે કે જ્યારે તેઓ હજી એકમેકને ઓળખવાનું અને ચાહવાનું શીખે તે પહેલાં જ તેઓ સામસામે ખુલ્લં ખુલ્લા ખડા થઈ ગયા છે. માનવ ઇતિહાસની આવી અત્યંત જોખમી પળે, ભારતીય માર્ગને અપનાવવો એ જ માનવજાત માટે મુક્તિનો એકમાત્ર તરણોપાય છે. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને ધર્મોની સંવાદિતાની શ્રીરામકૃષ્ણે આપેલી સાક્ષી : એમાંથી આપણને એવી દૃષ્ટિ અને ભાવનાની પ્રાપ્તિ થાય છે કે માનવજાતને માટે એક જ કુટુંબની ભૂમિકાએ પહોંચવાનું શક્ય બને. અને આ અણુયુગમાં આત્મવિનાશનો એ જ એકમાત્ર વિકલ્પ છે.

અણુયુગમાં સમગ્ર માનવજાત પાસે આ ભારતીય માર્ગને અનુસરવાનું ઉપયોગિતાવાદી પ્રયોજન પડેલું છે. એ પ્રયોજન સ્વયં અન્ય કોઈ પણ પ્રયોજન કરતાં, વધુ સમર્થ અને માનપાત્ર છે. સમગ્ર માનવજાતનું ભાવિ આજે જોખમમાં મુકાયું છે, આમ છતાં પણ શ્રીરામકૃષ્ણ, ગાંધી અને અશોકના ઉપદેશ હૃદયમાં ઊતારીને તદનુસાર આચરણ કરવા માટે સૌથી વધુ સમર્થ અને માનપાત્ર ઉપયોગિતાવાદી પ્રયોજન પણ ગૌણ ગણાય. આ ઉપદેશના આચરણનું મુખ્ય કારણ તો એ જ હોઈ શકે કે એ ઉપદેશ સાચો છે – અને એ એટલા માટે સાચો છે કે આધ્યાત્મિક સત્યના દર્શનમાં એનું ઊગમસ્થાન છે.

(‘Sri Ramakrishna and His Unique Message’માંથી)

Total Views: 380

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.