શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક ઘડો ડુબાડવામાં આવે છે. ઘડાની અંદર અને બહાર બંને તરફ પાણી છે. પણ જ્યાં સુધી ઘડો ફૂટી ન જાય ત્યાં સુધી બંને તરફનાં પાણી એક બની શકતાં નથી. આ ઘડો તે ‘અહં’- ‘હુંપણા’ની ભાવના છે. જ્યારે ‘હુંપણું’ અદૃશ્ય થાય છે ત્યારે જે છે તેરહે છે. આ ઉપમામાં ‘જે છે તે’ એટલે સમુદ્રનું પાણી જે એક જ છે જ્યારે ઉપમાનો નિર્દેશ સર્વશક્તિમાન, સત્, ચિત્, આનંદસ્વરૂપ, સર્વજ્ઞ, અસીમ, અનંત એવા બહ્મ તરફ છે. હુંપણાની ભાવના હોવાને લીધે જીવ કે આત્મા પોતાની જાતને બ્રહ્મ કે પરમાત્માથી જુદી ગણે છે. પણ એ ભાવના ચાલી જાય પછી પરમાત્મા અને આત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. બન્ને અવિભાજ્ય, ‘સમગ્રપણે એક’ જ છે. આ એકત્વ, ‘અસ્તિત્વના સમગ્રપણે હોવા’નો સ્પષ્ટ અર્થ આત્મસાત કરવો એ અદ્વૈત વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત છે.

શ્રીરામકૃષ્ણદેવે અદ્વૈતના આ સિદ્ધાંતને લોકોને સમજાવવાની જવાબદારી સ્વામી વિવેકાનંદને સોંપી હતી. સ્વામીજીએ પશ્ચિમની બુદ્ધિવાદી, વિજ્ઞાનમાં ઘણી આગળ અને તર્કબુદ્ધિથી જ બધું માનવા તૈયાર એવી પ્રજા પાસે તેઓ સ્વીકારી શકે તેવી ભાષામાં, વૈજ્ઞાનિક ઢબે આ તથ્યો રજૂ કર્યાં તેનો સારાંશ નીચે મુજબ છે:

(૧) સંપૂર્ણ સ્વાયત્ત અસ્તિત્વ ધરાવતો સિદ્ધાંત: બ્રહ્મ (absolute) સ્થળ, કાળ અને કારણ (space, time and causation) દ્વારા સાપેક્ષ બન્યો છે. ખરેખર તો આ દૃશ્ય જગતમાં જોવાતું એવું સ્થળ કાળથી બદ્ધ અસ્તિત્વ એ બીજું કંઈ નથી, સંપૂર્ણ સ્વાયત્ત અસ્તિત્વ બ્રહ્મ જ છે.

(૨) આ સંપૂર્ણ અસ્તિત્વ (absolute) બે ન હોઈ શકે. તે એક જ છે. આથી જ વિશ્વમાં જે કાંઈ વિદ્યમાન છે તે બધાની પાછળ એક જ મૂળભૂત તત્ત્વ reality છે. આ ‘એક’ અથવા ‘એકત્વ’ને જ વેદાંત દર્શનમાં અદ્વૈત (દ્વૈત = બે, અદ્વૈત = બે નહીં તેવું, એક) કહે છે.

(૩) પદાર્થ એ શક્તિનું જ સ્વરૂપ છે. મન એ પદાર્થ છે. ફક્ત સૂક્ષ્મ છે એટલું જ. સર્વ સર્જનની પાછળ એક ચેતના છે. જે રીતે દીવો પોતાનામાંથી પ્રકાશને પ્રક્ષેપિત (projection) કરે છે એ જ રીતે આ ચેતના મન અને પદાર્થને પ્રક્ષેપિત કરે છે. દીવો અને પ્રકાશ જેમ એક છે તેમ જ મન, પદાર્થ અને આ ચેતના એક જ છે.

(૪) નાનામાં નાનો કણ પોતાની અંદર સમગ્ર વિશ્વ ધરાવે છે. (microcosm = macrocosm). મનુષ્ય પોતે એક સૂક્ષ્મ વિશ્વ (microcosm) છે અને આથી જ ‘અનંત ઈશ્વર’-macrocosm બનવાની ગર્ભિત શક્તિ તે ધરાવે છે. આ વિચારને આત્મા = બ્રહ્મ, આ રીતે પણ દર્શાવવામાં આવે છે.

ભારતના આશરે ૩૦૦૦-૩૫૦૦ વર્ષો જૂના આ દર્શનનું અર્થઘટન કરી, તેને વૈજ્ઞાનિક અભિગમથી રજૂ કરીને જ સ્વામીજી અટકવા માગતા નહોતા. તેઓ પૂરેપૂરી શ્રદ્ધાથી માનતા હતા કે આ સત્ય, જેનો ઋષિઓએ પોતાના પવિત્ર મન, શુદ્ધ બુદ્ધિ અને અંત:કરણથી સાક્ષાત્કાર કર્યો છે તે સત્યને વિજ્ઞાને પ્રયોગોને અંતે સ્વીકારવું જ પડશે. ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મપરિષદને સંબોધતાં તેમણે કહ્યું: “વિજ્ઞાન એ બીજું કંઈ નથી પણ ‘એકત્વ’ની ખોજ છે. જે દિવસે વિજ્ઞાન એ શોધી લેશે ત્યારે તે પોતાના લક્ષ્યને પામશે. ધર્મનું પણ આ જ લક્ષ્ય છે. અને જ્યારે ધર્મ સતત બદલાતા રહેલા વિશ્વની પાછળ રહેલા અનંત, અફર એવા અસ્તિત્વ ‘પરમાત્મા’ની ખોજ કરશે, જેનું પ્રગટ સ્વરૂપ આ ચેતના અને અચેતન સૃષ્ટિ છે ત્યારે જ તે પણ પૂર્ણ બનશે.”૧૮૯૬માં સ્વામીજીને અમેરિકામાં ઈલેક્ટ્રીકલ વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા મળ્યા. સ્વામીજીનાં ભાષણોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને સ્વામીજીએ બળ (force) અને જડ પદાર્થ (matter) કઈ રીતે સુપ્ત શક્તિનું (potential energy)નું જ રૂપાંતરણ છે તે ગણિતીય રીતે સમજાવવા કહ્યું. પણ ટેસ્લા તે કરી શક્યા નહીં. કદાચ ૧૯મી સદીના અંતનું ભૌતિકવિજ્ઞાન આ માટે સજ્જ નહોતું. પરંતુ આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદની મહાસમાધિને ૧૦૦ વર્ષો પણ પૂરાં નથીથયાં ત્યાં તો તેમની ભવિષ્યવાણી સાચી પડી છે. અકલ્પનીય લાગે એ રીતે આધુનિક વિજ્ઞાન, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન અદ્વૈત વેદાંત તરફ ધસી રહ્યું છે. વિજ્ઞાનના પ્રયોગોનાં પરિણામો ‘અદ્વૈત’ તરફ, ‘એકત્વ’ તરફ વારંવાર આંગળી ચીંધી રહ્યાં છે અને આપણા પ્રાચીન દર્શનને વૈજ્ઞાનિક, આધારભૂત માન્યતા આપી રહ્યાં છે. ૨૦મી સદીના ભૌતિકવિજ્ઞાનનો આ ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. તો ચાલો, આપણે જોઈએ કે કઈ રીતે ભૌતિકવિજ્ઞાન શરૂઆતમાં દર્શાવેલાં, સ્વામીજીએ કહેલાં ચાર મૂળભૂત તથ્યોનો જ સાક્ષાત્કાર કરે છે.

૧૯મી સદીના અંતભાગમાં નિકોલા ટેસ્લા જે ન કરી શક્યા તે ૨૦મી સદીની શરૂઆતમાં આઈન્સ્ટાઈને કરી બતાવ્યું. ઈ.સ. ૧૯૦૫માં તેમણે પોતાનો સાપેક્ષતાનો સિદ્ધાંત’ (Relativity Theory) રજૂ કર્યો. ગઈ સદી સુધી આપણે એમ માનતા હતા કે વિશ્વ વાસ્તવિક કણો (real particles)નું બનેલું છે, જેઓ ખરા અર્થમાં ન બદલી શકે તેવું ધનત્વ (mass) અને શક્તિ (energy) ધરાવે છે અને આવા કણોથી બનેલા પદાર્થો ખરેખરા સ્વતંત્ર સ્થળ (real space) અને સ્વતંત્ર સમય (real time)ની અંદર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ ધનત્વ, શક્તિ, સ્થળ અને સમય આ ચારેયને પોતપોતાની સ્વતંત્ર હસ્તી છે. પરંતુ જેમ કૉપરનિકસે પૃથ્વી એ બ્રહ્માંડનું કેન્દ્ર નથી એમ સાબિત કરીને વિશ્વને આંચકો આપ્યો હતો, તેમ જ આઈન્સ્ટાઈને પોતાના સાપેક્ષવાદના સિદ્ધાંતથી આ ચારેય વસ્તુઓ (entities) સ્વતંત્ર નથી પણ એકબીજા સાથે સંકળાયેલી છે અને એકબીજાને સાપેક્ષ છે એમ સાબિત કરીને ભૌતિકશાસ્ત્રીઓની પાયાની માન્યતાઓને હચમચાવી નાખી.

ત્યાર પછી ઈ.સ. ૧૯૨૭માં હાઈઝનબર્ગે ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ (Uncertainty Principle) આપ્યો જેણે તો ભૌતિકશાસ્ત્રીઓના વિચારની દિશા જ બદલી નાખીઅને એક નવા ભૌતિકશાસ્ત્રનો જન્મ થયો જેને ક્વૉન્ટમ ફીઝીક્સ (Quantum Physics) કહે છે. આ સિદ્ધાંત મુજબ પરમાણુ ઘટકો (subatomic particle)ની ગતિ અને સ્થાન આ બંને વચ્ચે એટલી અનિશ્ચિતતા છે કે બંનેને ક્યારેય એક સાથે માપી શકાય નહીં. આ સિદ્ધાંતે ન્યુટનની શોધથી શરૂ થઈ આગળ વધેલા ફીઝીક્સના બે પુરાતન સ્તંભોને એકીસાથે જડમૂળથી ઊખેડી નાખ્યા. આ નવા સિદ્ધાંત અનુસાર (૧) પરમાણુ ઘટકોની દુનિયામાં ક્યારેય સુનિશ્ચિતતા નથી અને તેઓ કાર્ય કારણના સંબંધને અનુસરતા નથી અને (૨) આ અનિશ્ચિતતાને લીધે કોઈપણ પદાર્થનું સાચું વર્ણન કરવું સંભવી શકે નહીં. આ જ વાતવિજ્ઞાનીઓના પ્રયોગોનાં પરિણામોને પણ લાગુ પડે છે કે, વિજ્ઞાનીની ચેતના (consciousness) પરિણામને અસર કર્યા વગર રહી શકે નહીં. ભૌતિકવિજ્ઞાની જેમ્સ જીન્સ કહે છે તેમ તે અસ્તિત્વના મહાન નાટકનો દ્રષ્ટા પણ છે અને તેમાં ભાગ લેનાર અભિનેતા પણ છે. આમ કૉન્ટમ મિકેનિક્સ (Quantum Mechanics) બે અગત્યનાં તારણો આપે છે: (૧) ૧૯મી સદી સુધી વિજ્ઞાને પદાર્થ અને મન, પદાર્થ અને ચૈતન્ય વચ્ચે જે વિભાજન કર્યું તે અપર્યાપ્ત છે. આ બંને પરસ્પર સંબંધિત છે અને (૨) પદાર્થ (matter)ની વ્યુત્પત્તિ ચેતનામાંથી થાય છે.

પ્રખ્યાત વિજ્ઞાની મેન્ડસ પ્લેન્ક કહે છે, “ચેતના એ મૂળભૂત વસ્તુ છે. જડ કે ચેતન પદાર્થના અસ્તિત્વ પાછળ તે જ કારણભૂત છે.” ઈરવીન શ્રોડિંજર કહે છે, “ચેતના બહુવચનમાં સંભવી શકે નહીં. આથી સર્વ જગતમાં એક જ અંતર્ભૂત ચેતના વ્યાપ્ત છે.” આમ, બાહ્ય નામ-રૂપની પાછળ સમગ્રપણે એક્ત્વ રહેલું છે તે તો વિજ્ઞાને સિદ્ધ કર્યું. તો પછી અલગ-અલગ જગ્યાએ રહેલાં પરમાણું-ઘટકોના બે કણો (particles) વચ્ચે ખાસ પ્રકારનો સંપર્ક હોવો જોઈએ. આ જ હકીકત આઈન્સ્ટાઈને ક્વોન્ટમ ફીઝીક્સનો વિરોધ કરવા આગળ ધરી, પણ આમ કરીને અજાણતાં જ તેમણે ‘પેન્ડોરા બોક્સ’ખોલી નાખ્યો હતો અને એમાંથી જે બહાર નીકળ્યું તેણે તો ભૌતિકવિજ્ઞાનના પાયા હચમચાવી નાખ્યા. આઈન્સ્ટાઈન તો આવો સંબંધ નથી તેમ પ્રાયોગિક રીતે પુરવાર કરી શક્યા નહિ પણ તેમના આ વિરોધે બીજા વૈજ્ઞાનિકોને આ રસપ્રદ રહસ્યજાળને ભેદવા માટે આવો સંબંધ છે તેમ સિદ્ધ કરવા પ્રેર્યા. કઈ રીતે પ્રયોગો દ્વારા આ પુરવાર થયું તેનો ઇતિહાસ ખૂબ રોમાંચક છે અને તે આવતા અંકે જોઈશું.

(ક્રમશ:)

(પ્રસ્તુત લેખ સ્વામી જિતાત્માનંદજીના પુસ્તક ‘હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાંત’ (Holistic Science and Vedanta –Bharatiya Vidya Bhavan,1991)ને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.)

Total Views: 371

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.