વિશ્વ આહાર : આહાર વિષયક માર્ગદર્શન આપતું ઉત્તમ પુસ્તક
વિશ્વ આહાર
લેખક : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય
પ્રકાશક : બાગ પ્રકાશન (બાપાલાલ ગ. વૈદ્ય પ્રકાશન) ૧, આદર્શ સોસાયટી, અઠવા લાઇન્સ, સુરત – ૩૯૫ ૦૦૧. મૂલ્ય : રૂ. ૬૦-૦૦ રજી. પોસ્ટેજ રૂ. ૧૦ વધારાના બીજી આવૃત્તિ, ફેબ્રુ.-’૯૩
આ પુસ્તકના લેખક ડૉ. પ્રફુલ્લ વૈદ્ય ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સારસ્વત, આયુર્વેદના સમર્થ વિદ્વાન અને વિખ્યાત ચિકિત્સક બાપાલાલ ગ. વૈદ્યના સુપુત્ર છે, એટલું જ નહીં, આયુર્વેદના સ્નાતક થયા પછી એમણે પિતાને ચરણે બેસીને આયુર્વેદિક ચિકિત્સાનો પ્રત્યક્ષ અનુભવ પણ વર્ષો સુધી લીધો છે. ઉપરાંત બહુશ્રુતતા અને સતત અભ્યાસ વારસો પણ જાળવ્યો છે. એટલે જ તેઓ આવું અભ્યાસપૂર્ણ મૌલિક પુસ્તક આપી શક્યા છે.
આધુનિક વિજ્ઞાને આહારમાં પ્રોટિન અને કૅલૅરીના વિચાર પર બહુ ભાર મૂક્યો છે એટલે પશ્ચિમમાં માંસાહાર – માંસ, મચ્છી, ઇંડાનો બહોળો પ્રચાર છે. વિજ્ઞાનના નામે આજે ભારતમાં પણ એનો પ્રચાર વધી રહ્યો છે. લેખકે વૈજ્ઞાનિકોના આધાર આપીને આ આહારના ગેરફાયદા બતાવ્યા છે. એ પચવામાં દુર્જર છે. ઉપરાંત એમાં તૈસુલ પદાર્થ રફેજ હોતો નથી. એથી મળ શરીરમાં સંઘરાય છે અને આંતરડાના રોગો થાય છે. પુષ્કળ શારીરિક શ્રમ ન હોય તો આ આહાર વજન વધારે છે. ડાયાબિટિસ અને હૃદયના રોગો કરે છે આર્થ્રાઇટિસ અને કિડનીના રોગો કરે છે અને લોહીનું દબાણ વધારે છે. મોટા પાયા પર ચાલતાં કતલખાનામાં ધકેલાતાં પશુઓમાં રોગી પશુઓ પણ હોય છે અને ભય અને ત્રાસથી એમના શરીરમાં ઉત્પન્ન થયેલાં હૉર્મોન્સ કૅન્સર અને બીજા રોગો કરે છે. પશુઓના માંસમાં વધારો કરે એવાં દ્રવ્યો પણ એના ખાણમાં અપાતાં હોવાથી એની વિકૃતિઓ ઊભી થાય છે, કૅન્સર અને બીજા અસાધ્ય રોગો ઉત્પન્ન કરે છે. પશુઓ રોગી ન હોય અથવા ખાણથી વિકૃતિ થતી ન હોય એ જોવા ડૉકટરોનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. પરંતુ આ ભ્રષ્ટાચારના યુગમાં અને સ્થાપિત હિતોના દબાણ નીચે કેવું ધ્યાન રખાય એનો દાખલો હમણાં ઇંગ્લેન્ડમાં જ જોવા મળ્યો. જે ગાયોનું માંસ વધારવા દવા ખાણ સાથે અપાતી હતી એને પરિણામે ગાયો રોગી બની અને અનું માંસ ખાવાથી કેટલાંક માણસો મરી ગયાં પરિણામે એક કરોડ જેટલી ગાયોનો નાશ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઇ છે.
પરંતુ વિજ્ઞાનના નામે હવે પ્રોટિન પૂરું પાડવા માટે માંસ, ઇંડા, મચ્છીનો વપરાશ વધારવાં ભારતમાં પણ, પ્રચાર થઇ રહ્યો છે. એની સામે લેખકે જોરદાર અવાજ ઊઠાવ્યો છે. એટલું જ નહિ એનો વધારે સારો વિકલ્પ બતાવ્યો છે. એમણે લખ્યું છે કે આપણે ત્યાં મગ, અડદ, ચણા વગેરે કઠોળનો ઉપયોગ થતો હતો. પણ હમણાં હમણાં એ ઉપયોગ ઘટ્યો છે એટલું જ નહીં, દેશમાં એનું ઉત્પાદન પણ ઘટ્યું છે. કઠોળમાં પ્રોટિન પૂરતા પ્રમાણમાં છે, એ પ્રોટિન સસ્તું છે અને સુપાચ્ય પણ છે અને પશુઓના માંસથી થતી કોઈ પણ વિકૃતિ કઠોળથી થતી નથી, એ એમણે અનેક આધારો આપીને સમજાવ્યું છે.
આહાર વિષયક બીજો મુદ્દો શાકભાજીના ઉપયોગનો છે પશ્ચિમમાં માંસાહારના અનિષ્ટો સામે નિસર્ગોપચારકોએ ઊહાપોહ જગાડ્યો અને શાકભાજીના ઉપયોગનો બહોળો પ્રચાર કર્યો. શાકભાજીમાં પ્રોટિન અને કૅલૅરી બન્નેનો અભાવ છે. પણ તૈસુલ પદાર્થો – રફેજ પુષ્કળ પ્રમાણમાં છે. એથી માંસાહારનાં અનિષ્ટો દૂર કરવામાં એ ઉપયોગી જણાય છે. એટલે પશ્ચિમના ડૉકટરોએ પણ એના પ્રચારમાં ટેકો આપ્યો. શાકભાજીમાં રહેલાં ખનીજ ક્ષારો અને વિટામિનો હોવાથી શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં અને વજન ઘટાડવામાં બહુ ઉપયોગી હતા. પશ્ચિમમાંથી શાકભાજીનો ઝંઝાવાતી પ્રચાર ભારતમાં પણ આવ્યો. ભારતમાં તો ઘણા લોકો ઘઉં, ચોખા, બાજરો વગેરે અનાજોનો ઉપયોગ કરે છે એનો રફેજ પણ હોય છે. વળી અહીં શાકભાજી મુખ્યત્વે ચોમાસામાં જ થતાં હોવાથી વરસાદનાં પાણી ચડેલાં શાકભાજી રોગ કરે છે અને ચોમાસાના છેલ્લા મહિનામાં જે તીક્ષ્ણ તડકો પડે છે એથી વનસ્પતિઓમાં પિત્ત વધે છે અને ખાનારને પિત્ત કરે છે એટલે આયુર્વેદે ‘નિરોગી કોણ?’ એ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે જેઓ હિતકારી પદાર્થો ખાય છે, પોતાના શક્તિના માપમાં ખાય છે અને જેઓ શાકભાજી ખાતાં નથી અથવા અલ્પ પ્રમાણમાં ખાય છે તે નિરોગી રહે છે. વળી શાકભાજીને મળવર્ધક કહ્યાં છે એથી અહીંના લોકોને શાકભાજીની પશ્ચિમ જેટલી જરૂર નથી છતાં એનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો તે લેખકે બતાવ્યું છે. પણ વિવેક વગર શાકભાજીના ઉપયોગનો એમણે સખત વિરોધ કર્યો છે.
કઠોળનો ઉપયોગ વધારવો અને શાકભાજીનો ઉપયોગ ઘટાડવો આ બન્ને મુદ્દા પર આધારિત આહારને એમણે યુક્તાહાર કહ્યો છે. લેખક પોતે ચિકિત્સક છે એટલે એમણે કેટલાય અસાધ્ય રોગોને પણ આ પ્રકારના યુક્તાહારની મદદથી રોગમુક્ત કર્યા છે અને એ રીતે એમણે આ યુક્તાહાર સિદ્ધ કર્યો છે અને સમસ્ત વિશ્વ માટે પણ આ આહારને વિશ્વ આહાર કરી શક્યા છે.
પરંતુ આજે વિશ્વના મુક્તબજારમાં નિકાસની જે પ્રચંડ હરિફાઈ ચાલી છે એને લીધે દેશની બજારોમાં ક્યાંય ક્યાંયથી અનેકવિધ ખાદ્ય પદાર્થો આકર્ષક રૂપ રંગ અને લોભામણા પ્રચાર સાથે ઠલવાઇ રહ્યા છે. અને આચારનિષ્ઠ બ્રાહ્મણો અને જૈનોથી માંડીને પોતાનું અન્ન પોતાને ત્યાં જ પકાવીને ખાનાર ગામડાના ખેડૂતોના ઘરમાં પણ પ્રવેશ કરી ચૂક્યાં છે. આજે સ્ત્રીઓ પણ નોકરીઓમાં જોડાયેલી હોવાથી જે ખાદ્ય પદાર્થો પહેલાં ઘરમાં જ બનતા હતા એ પણ બજારમાંથી આવવા લાગ્યા છે. જેમકે ઑસ્ટ્રેલિઆના ઘઉંના લોટના પાંઉ અને જુદા જુદા પ્રકારનાં બિસ્કિટો, ચૉકલેટો, ફળોના જામ વગેરે ક્યારે બન્યાં હશે એને સાચવવા માટે એના પર શું શું સંસ્કારો થયા હશે એનો કોઈ વિચાર થતો નથી. રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેના ઉપયોગથી ધરતી, જળ, વાયુ તો દૂષિત થઇ જ રહ્યાં છે. એના આધારે નીપજેલાં અનાજ અને ફળો તથા શાકભાજીથી થનારા રોગો તો છે જ. આવા સમયે આહારની પસંદગીનો સવાલ આજે મુશ્કેલ બન્યો છે ત્યારે યથાર્થ માર્ગદર્શન આપતું પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે એમાં શંકા નથી.
સમીક્ષક : વૈદ્ય બાલકૃષ્ણભાઇ દવે, જામનગર.
Your Content Goes Here





