સુપ્રસિદ્ધ વિદુષી શ્રી ‘વિમલાતાઇ’ આ સંક્ષિપ્ત પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખમાં રામકૃષ્ણ મિશનના વિશ્વને પ્રદાન વિશે પોતાનાં બહુમૂલ્ય વિચારો રજૂ કરે છે. – સં.
શ્રીરામકૃષ્ણદેવ વૈજ્ઞાનિક આત્મસાધનાના પ્રથમ પ્રવકતા, સર્વધર્મ સમભાવના પ્રણેતા અને ભૂતમાત્રમાં ઈશતત્ત્વની પ્રતીતિ ધરાવતા બ્રહ્મવેત્તા હતા. ૧૮૭૫થી ૧૮૮૫ની વચ્ચેના ગાળામાં તે મહાપુરુષની પાસે એક પ્રતિભાશાળી બ્રહ્મજિજ્ઞાસુ, વૈરાગ્યશાળી યુવક સત્સંગ માટે આવ્યા કરતો હતો. જે રીતે જ્યોતથી જ્યોત લે છે, તેવી રીતે તે યુવકની ચેતના બ્રહ્મજ્ઞાનથી પ્રજ્વલિત થઈ ઊઠી. પોતાના ગુરુદેવની મહાસમાધિ પછી તે યુવક દસ-બાર ગુરભાઈઓ સાથે સંન્યસ્ત જીવન જીવવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ મઠની સ્થાપના કરવામાં આવી.
ભારતની પરિવ્રજ્યા અને વિશ્વના ભ્રમણ પછી તે યુવકે – સ્વામી વિવેકાનંદે – શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. મઠો દ્વારા વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું પ્રદાન કરીને સંન્યાસીઓને તાલીમ આપવાનું કાર્ય શરૂ થયું. આ સંન્યાસીઓ વૈરાગ્યને નામે જીવનવિમુખ થનારા પલાયનવાદીઓ ન હતા પરંતુ જીવનપરાયણ સંન્યાસીઓ હતા! શ્રમનિષ્ઠ સમાજસેવી સંન્યાસી! ભારતના અસંખ્ય દરિદ્રોની નારાયણ ભાવે સેવા કરનારા સંન્યાસી!
શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા પ્રત્યક્ષ સેવાકાર્યો અપનાવવાનું શરૂ થયું! વેદવિદ્યાવિભૂષિત, વૈરાગ્યસમ્પન્ન, સેવાપરાયણ સંન્યાસીઓને જોઈને ભારતના લોકો મોઢામાં આંગળી નાખી ગયા. એક નવા યુગનો પ્રારંભ થયો.
પ્રશિક્ષણ પામેલા, દીક્ષિત, મેઘાવી સંન્યાસીઓ દુનિયાના અનેક દેશોમાં પહોંચી ગયા. રામકૃષ્ણ આશ્રમોની સ્થાપના કરવામાં આવી. શ્રીરામકૃષ્ણ પરમહંસનું નામ, તસ્વીર, ઉપદેશ અને સ્વામી વિવેકાનંદની તેજસ્વી વાણી વિશ્વભરમાં પ્રચલિત બની ગયાં. આ ‘કૃણ્વન્તો વિશ્વમ્ આર્યમ્’ – ઉક્તિ સાર્થક થઈ.
મારા વિશ્વભ્રમણ દરમ્યાન, મને તે દિવ્ય કાર્યનાં પુનિત દર્શન કરવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું. લૉસ ઍન્જેલિસના રામકૃષ્ણ આશ્રમમાં શ્રદ્ધેય સ્વામી પ્રભવાનંદજીના સાન્નિધ્યનો લાભ મને મળ્યો. તેમના વ્યક્તિત્વની તથા કાર્યની સુવાસ સમગ્ર ઉત્તર અમેરિકામાં સુવિખ્યાત હતી. સ્વામી સ્વાહાનંદજીની સૌરભ સાન્ફ્રાન્સિસ્કોમાં જોવા મળી. મને લંડન તથા પૅરિસના આશ્રમોમાં જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. યુરોપમાં કોઈક વાર સ્વિટ્ઝરલૅન્ડમાં તો કોઈક વાર જર્મનીમાં શ્રદ્ધેય રંગનાથાનંદજીનાં પ્રેરણાદાયક પ્રવચનો સાંભળ્યાં. ક્યારેક ઑસ્ટ્રેલિયામાં તો ક્યારેક શ્રીલંકામાં શ્રીરામકૃષ્ણ મિશનનાં ગૌરવશાળી કાર્યો જોવાં મળ્યાં.
માઉન્ટ આબુમાં સ્વામી જપાનંદજી તથા સ્વામી ભક્તાનંદજીનું સાન્નિધ્ય મળતું રહ્યું. પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર ક્ષેત્રમાં સ્વામી સમ્બુદ્ધાનંદજીનું અદ્ભુત કાર્ય મેં જોયું છે. ભારત ભ્રમણમાં મેં જોયું છે કે પ્રત્યેક પ્રદેશમાં શ્રીરામકૃષ્ણ મિશનની જ્યોતિ જલતી રહે છે.
સાહિત્યના ક્ષેત્રમાં જે કાર્ય થયું છે તે પણ અનુપમ છે. ૧૯૮૩ની ઘટના છે. આર્જેન્ટિના દેશમાં સાનમાર્કો નામના એક નાનકડા પહાડી ગામમાં અમારી ધ્યાન શિબિર ચાલતી હતી. પ્રશાન્ત, સૌમ્ય મુખમુદ્રાવાળા એક સજ્જન સાંજની પ્રાર્થના સભામાં દરરોજ આવતા હતા. એક દિવસ આગ્રહ કરીને તેઓ મને તેમની કુટીર પર લઈ ગયા. સાનમાર્કો એક ખીણમાં વસેલું ગામ! તેના એક છેડે નાની એવી કુટીર! આંગણામાં ઊભેલી એક ગાય! અંદર પ્રવેશ કરતાં અગરબત્તીની ખુશબૂ આવી. તે સજ્જન મને પોતાના પૂજાખંડમાં લઈ ગયા. એક ટેબલ પર શ્રીરામકૃષ્ણદેવનું મોટું ચિત્ર! પડખે જ શ્રી શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના નાનાં ચિત્ર! કબાટમાં રામકૃષ્ણ વિવેકાનંદનું સંપૂર્ણ સાહિત્ય વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું હતું. મારું હૃદય ભરાઈ આવ્યું. તે સજ્જન સ્મિત કરતાં કરતાં કહેવા લાગ્યા :
‘This is my Dakshineshwar! This is my Belur.’ (આ મારું દક્ષિણેશ્વર છે. આ મારું બેલુર છે.)
આસપાસનાં ૮-૧૦ ગામના યુવકો અઠવાડિયામાં એક વાર તેમની પાસે આવે છે. સ્વાધ્યાય કરવામાં આવે છે. સામૂહિક ધ્યાન કરવામાં આવે છે. આર્જેન્ટિનાની કોર્દોબા યુનિવર્સિટીમાં મિશનનું સાહિત્ય પહોંચી ગયું છે. પૉલેન્ડની વૉર્સો યુનિવર્સિટીમાં પણ આ સાહિત્ય વિદ્યાર્થી જગતમાં અત્યંત પ્રિય છે.
શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા એક વૈશ્વિક ચેતના જગાડવામાં આવી છે. ‘આત્મનો મોક્ષાર્થમ્, જગદ્ધિતાય ચ’ માટે જીવવાની પ્રેરણા પૂરી પાડીને મિશને માનવીય જીવનના પરમ મંગલ ઉદ્દેશનો બોધ કરાવ્યો છે. વિમલાનાં વંદન.
અનુવાદ – શ્રી ચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here





