દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમજ અર્વાચીન કાળમાં રાષ્ટ્રીય જીવનની આગળ ધસમસતા જુવાળ દ્વારા મહાન સત્ય અને શક્તિનાં બીજ બહાર વવાઈ ચૂક્યાં છે. પરંતુ મારા મિત્રો! તમે યાદ રાખજો કે એ બધું હું હંમેશાં યુદ્ધના રણશીંગાના તુમુલ શબ્દે અને લશ્કરનાં ધાડાંઓની કૂચ વડે જ હાંસલ કરવામાં આવ્યું છે. દરેક વિચારને લોહીના ધોધ વડે નવડાવવો પડ્યો હતો. દરેક વિચારને આપણા લાખો માનવબંધુઓના લોહીની નદીઓ ખૂંદીને આગળ વધવું પડ્યું છે. સત્તાના એકેએક શબ્દની પાછળ લાખોના આર્તનાદ, અનાથોની હૈયાવરાળ અને વિધવાઓનાં આંસુઓ રહેલાં છે. બીજી પ્રજાઓએ જે શીખવ્યું છે તે મુખ્યત્વે આ છે. પરંતુ ભારત તો હજારો વર્ષ સુધી શાંતિથી જીવી રહ્યું છે. જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ નહોતું, જ્યારે રોમ વિશે કોઈને વિચાર સરખોય નહોતો આવતો, જ્યારે અત્યારના યુરોપિયનોના બાપદાદાઓ જંગલમાં રહેતા અને શરીર પર રંગના લપેડા કરતા, ત્યારે ભારત પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું. એથીયે પૂર્વે, જ્યારે ઇતિહાસનો કશો ઉલ્લેખ મળતો નથી; અતિ દૂરના ભૂતકાળના ગાઢ અંધકારમાં ડોકિયું કરવાની પુરાણોની પરંપરાની હિંમત ચાલતી નથી, એ કાળથી તે અત્યાર સુધીમાં, આ ભૂમિમાંથી વિચારો પાછળ વિચારો આવતા જ ગયા છે. પરંતુ એકેએક શબ્દના ઉચ્ચારની પાછળ આશીર્વાદ અને આગળ શાંતિ રહેલાં છે. દુનિયાની બધી પ્રજાઓમાં આપણે જ એવા છીએ કે જેઓ કદી પણ વિજેતા તરીકે આગળ આવ્યા નથી; એ આશીર્વાદો આપણા ૫૨ વરસ્યા છે એટલે જ આપણે હજુ જીવતા છીએ.
દરેક પ્રજાએ પોતાનું એક આગવું પરિણામ લાવવાનું જ હોય છે, પોતાનું એક આગવું જીવનકાર્ય સંપૂર્ણ ક૨વાનું છે. આપણી પ્રજાનું જીવનકાર્ય કદી રાજકીય મહત્તા કે લશ્કરી તાકાત નથી; એ કદી હતું પણ નહીં; મારા શબ્દો લક્ષમાં રાખજો કે એ કદી થવાનું પણ નથી. જીવનકાર્ય તરીકે આપણને સોંપાયેલું કામ બીજું જ છે. તે છે પ્રજાની સમગ્ર આધ્યાત્મિક શક્તિને સંભાળવાનું, જાળવવાનું, જાણે કે એક ડાઈનેમોમાં સંઘરી રાખવાનું, અને જ્યારે-જ્યારે સંજોગો સાનુકૂળ હોય ત્યારે-ત્યારે તે સંગૃહીત શક્તિને દુનિયા ઉપર પૂરની પેઠે વહાવી દેવાનું. સમગ્ર માનવસમાજના વિકાસમાં હિંદુના શાંત મગજે પોતાનો ફાળો આપવો જ જોઈએ. જગતને માટે ભારતનું દાન છે આધ્યાત્મિક પ્રકાશ.
– સ્વામી વિવેકાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “જાગો, હે ભારત!”માંથી, પૃ. ૧થી ૩)
Your Content Goes Here




