શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો છે.
વિશ્વશાંતિ ઘણો મોટો ખ્યાલ છે ને એ આપણે જાણીએ છીએ કે તે સમગ્ર જગત સાથે સંકળાયેલો છે. અને શાંતિની જેટલી આવશ્યકતા વ્યક્તિઓ માટે કે સમુદાયો માટે છે તેટલી જ એની આવશ્યકતા સમગ્ર જગત માટે પણ છે. ‘શાંતિ’ શબ્દને અનેક અર્થછાયાઓ છે. ‘શાંતિ’ શબ્દથી આપણે શું સમજીએ છીએ? આપણને કોઇક વાર લાગે છે કે, આપણે ઝંખીએ છીએ તે વસ્તુ આપણને મળે તો આપણને શાંતિ થશે. પણ એ પ્રકારની શાંતિ ઘણું ખરું તો આપણી પકડમાં આવતી નથી અને આપણે અસંતુષ્ટ જ રહીએ છીએ. ‘શાંતિ’ શબ્દનો વિચાર બે રીતે કરી શકાય એક, વૈયક્તિક રીતે અને બીજો, સામૂહિક રીતે. વ્યક્તિ તરીકે આપણી જાતને માટે આપણે શાંતિની જેટલી ખોજ કરીએ છીએ તેટલી જ સામૂહિક શાંતિની ખોજ પણ કરીએ છીએ. આ નેમ પાર પાડવા માટે જુદા જુદા માર્ગો અપનાવવામાં આવ્યા છે. શાંતિ ન ચાહતો હોય એવો કોઇ માણસ ક્યાંય હશે એવી કલ્પના હું કરી શકતો નથી. પરંતુ તે સાથે, આવી શાંતિ પ્રાપ્ત કરવા માટેની શરતોનું પાલન કરી શકે તેવા બહુ સંખ્યક માણસો પણ મને મળવા બાકી છે. શાંતિ અચાનક ટપકી પડતી નથી. વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, આપણો ભાગ આપણે જો બરાબર ભજવીએ નહીં તો એ કંઇ એમ જ આવી જતી નથી. ચોમેર અસંતોષ છે, અને આપણે કહેતાં ફરીએ છીએ કે, ખાસ કરીને આજના જમાનામાં, આવા અસંતોષની પીડા અમારા ભાગ્યમાં લખાઇ છે.
લોકો માને છે કે, ભૂતકાળના બધા દહાડા સુવર્ણના હતા. પરંતુ ઇતિહાસનાં પાનાં ઉથલાવીશું અથવા પુરાણકથાઓ વાંચીશું તો જોવા મળશે કે દુનિયામાં લોકો માટે સામૂહિક શાંતિ ભાગ્યે જ હતી, અને વ્યક્તિગત શાંતિ પણ ભાગ્યે જ હતી. આપણને જોવા મળશે કે, દુનિયામાં હંમેશાં વિખવાદ, મતભેદો, યુદ્ધો, અંદરઅંદરની લડવાડ અને એકને મારી નાખવા માટેની બીજાની તત્પરતા હતાં ને એ પણ એટલી હદ સુધી કે, માણસને પછી ન રહે અસંતોષ કે અશાંતિ. લોકો માને છે કે, પોતે હાલ છે તેથી જો વધારે તાકાતવાન થાય તો કદાચ એમને શાંતિ મળે. કારણ કે જેમને દુશ્મનાવટ છે તેઓ બદઈરાદાથી સામે આવવાની હિંમત ન કરે. એ પણ એક પ્રકારની શાંતિ છે એમ આપણે કહીએ. એક શક્તિશાળી રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર વર્ચસ ભોગવવા જેટલું સામર્થ્યવાન બને ત્યારે, પોતાના દેશ પૂરતી એ મહાસત્તા શાંત છે એમ આપણે માનીએ છીએ. પરંતુ એ રાષ્ટ્રના પડોશીઓમાં અને અન્ય પ્રજાઓમાં, એથી અસંતોષ અને ભયનું માનસ પેદા થાય છે. આજે આપણને આ સ્થિતિ જોવા મળે છે. આ કંઇ આજના યુગની પેદાશ નથી. આપણે વિચારી શકીએ તેવા બધા યુગોમાં તેવું જ વલણ હતું.
વૈદિકયુગમાં આપણને બે સમૂહો જોવા મળે છે અંદરોઅંદર નિત્ય લડતા દેવો અને અસુરો. પછી ક્રમશ: આપણે ઇતિહાસનાં પૃષ્ઠો પર આવીએ છીએ. બનાવો અને યુદ્ધોની નોંધો તે મુખ્યત્વે ઇતિહાસ મનાય છે. આપણા આજના યુગમાં આપણામાંથી ઘણાએ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ જોયેલ છે. ને આજે આપણને ત્રીજા વિશ્વયુદ્ધનો ભય સતાવે છે. તો, આ પરિસ્થિતિમાં આજે આપણે જીવી રહ્યા છીએ.
આપણે જોઈએ છીએ કે, સત્તા વધી તેથી તો શાંતિ સ્થપાતી નથી. કામચલાઉ સંધિ એ હોઈ શકે. પ્રથમ વિશ્વયુદ્ધનો જ દાખલો લો. ત્યાંની બધી પ્રજાઓ સંસ્કારી મનાતી હતી. પણ એ સૌ એકબીજી પર આધિપત્ય ભોગવવા કાર્યરત રહેતી અને તે માટે જ તેમણે યુદ્ધ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે, નાને પાયે થયેલું છમકલું લગભગ આખા જગત પર છવાઇ ગયું. એ કદાચ દૂરનો બનાવ લાગે. પરંતુ બીજું વિશ્વયુદ્ધ આપણી સાંભરણમાં તાજું જ છે. એ કાળે જે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું તે હજી તાદૃશ છે. કેટલા લોકોએ જાન ગુમાવ્યા હતા! બધા લોકો પર એ યુધ્ધે કેટલી યાતનાઓ લાદી હતી! આ બધું વિચારતાં કલ્પનાશક્તિ પણ કંપી ઉઠે છે. પછી વળી, દરેક વાર તહકૂબી થતી અથવા, કોઇક પ્રકારની સમજૂતી થતી. એક પક્ષ પરાજય પામે અને બીજો જીતે તો પણ, થોડા સમય માટે તો બંને શાંતિથી રહેવા માગતા હતા. તેથી એક પ્રકારનું શરતી સમાધાન થતું જે, અલબત્ત, તદ્દન તકલાદી અને ક્ષણજીવી નીવડતું. એટલે જ તો, પ્રથમ વિશ્વયુધ્ધ પૂરું થયા પછી હજુ તો થોડાક વર્ષો વીત્યા ન વીત્યા ત્યાં જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અને એનો પણ અંત આવ્યો. હારેલા લોકો પર વિજેતાઓએ કેર વર્તાવવામાં પાછું વાળીને જોયું નહીં. યુધ્ધ એમ પુરું થયું. પરંતુ તેથી શું સંઘર્ષ, શત્રુવટ કે એકમેકને માટે કુશંકા અટક્યાં છે? વિજેતાઓ ઉપર સમય જતાં પાછું પ્રભુત્વ સ્થાપી શકાય તે માટેની હારેલાઓની સત્તાદોટ શું અટકી છે? આ તો ઊચકનીચકની રમત ચાલ્યા કરે છે. ને ઇતિહાસ આ ઘટનાઓનું બયાન છે.
પ્રાગૈતિહાસિક કાળથી તે આજની ઘડી સુધી કોઇ કાળે લાંબો સમય શાંતિ રહી નથી. આપણને વાંચવા મળે છે કે, પ્રાગૈતિહાસિક કાળમાં, આજની સ્થિતિએ મનુષ્યો પહોંચ્યા તે પૂર્વે જે મોટાં પ્રાણીઓ હતાં, એ તમામ ક્રૂર હતાં. પરંતુ, અંતે જુદા જુદા કારણોસર એમનો પણ નાશ થયો. અને આજે આપણા અંત:કરણમાં એ જ પાશવીવૃત્તિ જોર કરી રહી છે. આપણે તેને મ્હોરાંથી ઢાંકવા કોશિશ કરીએ છીએ, પોતે જેને ઢાંકે છે તેનાથી તે મ્હોરું ઘણું ભિન્ન દેખાય છે. મનુષ્યોનાં મ્હોરામાં રાની પશુઓ છુપાયેલાં છે, એ પશુઓ એકમેક પ્રત્યે સમભાવવાળાં દેખાય છે. પરંતુ, વાસ્તવિક રીતે તેઓમાં પરસ્પર પ્રત્યે સમભાવ નથી કે સહનશીલતા પણ નથી.
આપણે શાંતિથી જીવી શકીએ એ ખાતર જુદી જુદી રીતે સમાધાન કરવા પ્રયાસ કરીએ છીએ તે આપણે જાણીએ છીએ. પરંતુ તે પ્રયાસ, લગભગ હંમેશાં નિષ્ફળ નીવડ્યો છે અને જે થોડું પરિણામ નીપજ્યું છે તે એટલું તો ક્ષણિક નીવડ્યું છે કે, સમાધાન આધારિત શાંતિ જે ઘડીથી અસ્તિત્વમાં આવી તે જ ઘડીથી એટલા જોરથી બીજા વિશ્વયુદ્ધની તૈયારી આરંભાઇ હતી. તો બુદ્ધિથી ચાલતા અને બૌદ્ધિક પ્રાણીઓ કહેવાતા આપણા સૌની આ સ્થિતિ છે. પણ એ બુદ્ધિ કઇ જાતની છે? આપણને અનુકૂળ આવતી, આપણને લાભસ્થાને બેસાડતી બુદ્ધિ એ છે. તો એ એવી બુદ્ધિ છે. બુદ્ધિનો ઉપયોગ ખરી રીતે તો સમતાપૂર્વક અને પરલક્ષી દૃષ્ટિએ થવો જોઇએ એમ ધારવામાં આવે છે, પરંતુ એવી રીતે એ કરી શકાતો નથી. પરિણામ એ આવે છે કે, સંઘર્ષનાં કારણો કદી દૂર થતાં નથી અને બીજી દુર્ઘટના માટે આપણે તૈયાર રહેવું પડે છે. સર્વત્ર આ સ્થિતિ પ્રવર્તે છે. કેટલાક લોકો ચોક્કસ માને છે કે, આપણે બુદ્ધિજીવી પ્રાણીઓ છીએ. આપણે માનીએ છીએ કે, બુદ્ધિની સહાયથી, વાટાઘાટો દ્વારા, સંવાદ-સમજૂતી દ્વારા અને પરસ્પરની સગવડ સાચવીને, આપણે આ પ્રશ્નને કદાચ હલ કરી શકીશું. એ માટે પ્રયત્નો થયા જ કર્યા છે. પણ, પરિણામ કંઇ ઉત્તેજન આપે તેવું આવ્યું નથી. એનો અર્થ એ નથી કે, પ્રયત્નો છોડી દેવા જોઇએ, પરંતુ અંતિમ પરિણામને લક્ષમાં લેતાં, પરિસ્થિતિ બહુ આશાજનક જણાતી નથી. આ પ્રકારની પશુતાને, આ પ્રકારની પાશવીવૃત્તિને અંકુશમાં રાખવી જોઇએ એમ કેટલાક લોકો માને છે. પણ તે કેવી રીતે? આપણે તે જાણતા નથી. શાંતિને ડહાળી નાખનારાઓને અંકુશમાં રાખવા આપણે પ્રયત્ન કર્યા છે. પણ, તે નિરર્થક પુરવાર થયા છે. આજના સમયમાં પણ આવો યત્ન સફળ નથી થયો.
આ સંબંધમાં કેટલાક લોકો માને છે કે, કદાચ શાંતિ હાંસલ કરવા માટે આપણે જે સાધનો વાપરીએ છીએ તે, મૂળે જ દુષ્ટ છે. આપણે પરસ્પરની સગવડ સાચવતા, એકમેકને સમજતા અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દાખવતા થવું હોય તો, આપણી જાતને આપણે બદલવી પડશે. દરેક વ્યક્તિ માને છે કે, બીજાએ તેમ કરવાનું છે. આપણે ભૂલી જઈએ છીએ કે એનો આરંભ આપણી જાતથી જ કરવો જોઇએ કે આપણા અંતરમાં તે ઊગવું જોઇએ જેથી, શાંતિ સ્થાપનામાં આપણે આપણો ફાળો પહેલાં આપી શકીએ. પરંતુ, સામાન્ય રીતે તેમ બનતું નથી. આપણે સામુદાયિક રીતે વિચારીએ છીએ. સામુદાયિક જીવનમાં, કેટલીક વાર, આપણે વધારે શાણપણપૂર્વક વર્તીએ છીએ. વ્યક્તિગત જીવનમાં આપણે એવા હોતા નથી. ઇતિહાસનાં પૃષ્ઠોમાં એ સ્પષ્ટ દેખાય છે.
તો હવે, એ વિશે આપણે શું કરવા ચાહીએ છીએ? આપણે બધી આશા છોડી દેશું શું? પણ મનુષ્ય આશાતંતુએ જ જીવે છે. એના વિના એક દિવસ પણ આપણે જીવી શકીએ નહીં. માની લઇએ કે, શાશ્વત શાંતિ માટે કોઇ સંભાવના નથી તો, તેથી શું આપણે સૌએ ટોળે મળી આપઘાત કરવો? નહીં, એ બુદ્ધિનો માર્ગ નથી. એટલે આપણે આપણા પ્રયત્નો ચાલુ જ રાખવા. પરંતુ, જે સાધનો વડે આપણે સુલેહ કરીએ તેની પસંદગી બાબત આપણે કાળજી રાખવી જોઇએ. આપણાં મન ડંસીલાં છે. કરુણતા એ છે કે, આપણી જાતને તો આપણે વિશુદ્ધ કરી નથી અને આખી દુનિયાને આપણે વિશુદ્ધ કરવી છે. જાતને સુધાર્યા પછી જ, સામુહિક કાર્યનો માર્ગ આપણે સમજી શકીશું. વ્યક્તિઓ તો દોષમય છે. સુધારાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતનો વિચાર જ કરતા નથી; આપણે માત્ર બીજાઓને સુધારવા માગીએ છીંએ. ને બાઇબલમાં કહ્યું છે કે, પોતાની આંખ ઉપર કાળો કામળો પડ્યો છે ત્યારે માણસ પડોશીની આંખમાંનું કશું કાઢવા કોશિશ કરે છે. પરિસ્થિતિ આવી છે. જાતને સુધાર્યા વિના આપણે બીજાને સુધારવા નીકળ્યાં છીએ!
એક નવા પરિબળનો વિચાર કરવાનું અહીં પ્રાપ્ત થાય છે. લોકો માને છે કે, વ્યક્તિ પરિવર્તનનું કાર્ય ધર્મે કરવાનું છે. જાહેર ન્યાયથી કે જાહેર વહીવટથી એ કરી શકાય નહીં. એથી પશુતા પર થોડો વખત અંકુશ રહેશે એટલું જ. પણ તક મળતાં જ એ ફરી પાછી જોર કરશે. એટલા માટે દરેક વ્યક્તિને સુધારવાની જરૂર છે અને ધર્મ એટલે એવા હેતુઓ કે જે વડે મનુષ્યને નિર્મળ કરી શકાય અને સુધારી શકાય. તો અહીં ધર્મની બાબત આવે છે. આપણે ધર્મની વાત એ માટે કરીએ છીએ કે, એથી આપણે આપણી જાતને નિર્મળ બનાવી શકીએ. અને, આપણી જાતને વિશુદ્ધ કરીને આખી દુનિયા બદલાવી શકીએ. પરંતુ આજના કાળમાં ધર્મ બહુ ગમતી વાત નથી. ઘણા લોકો એને કાલગ્રસ્ત માને છે. ચોકીદારી મારફત બીજાઓ ઉપર અંકુશ રાખવા લોકો સમર્થ ન હતા ત્યારે ધર્મને આણવામાં આવ્યો હતો. “તમને અહીં સજા ન થઇ તો એ પરભવમાં એ સજા થશે. સજામાંથી તમે બચી શકો નહીં”- તેના જેવું એ છે. એટલે કે ધમકી તો કાયમની છે. આપણે લોકોના મનમાં ઊંડે ઊંડે એ ખ્યાલ મૂકશું તો, જે કોઈ પણ માણસ માનવજાતની શાંતિને સહાયરૂપ ન થાય તેવી રીતે વર્તે, તો તેના પરિણામથી એ ભય પામશે.
ધર્મનો ખ્યાલ આ રીતે ઉદ્ભવ્યો. પરંતુ એ બાબતમાં જોતાં આવો ધર્મ કંઈ એક જ નથી. આવા તો ઘણા બધા ધર્મો છે. ધર્મો તો અનેક છે! ને લોકો માને છે કે, બીજી કોઈ બાબત કરતાં એવા ધર્મ ખાનાખરાબી માટે વધારે જવાબદાર છે. ધર્મ શબ્દ જ, જાણે કે ભયપ્રદ બની ગયો છે. આપણી જાતને ધાર્મિક કહેતાં આપણને ડર લાગે છે. આ એ કારણે કે, આપણા મગજમાં એવો ખ્યાલ ઊંડે ઘર કરી ગયો છે કે, ધર્મ એટલે કશુંક ઝનૂની, કશુંક અતાર્કિક ને કશુંક એવું કે જેથી માનવીઓનો એક સમૂહ બીજા કરતાં પોતાને ચડિયાતો માને. આવું થયું હોવાથી જ કદાચ ધર્મનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હશે. પણ આજેય તેમ જ બની રહ્યું છે. આ પ્રકારના ધર્મથી કંઈ આનંદ પામવા જેવું નથી. એ વડે શાશ્વત શાંતિ સ્થાપી શકાય નહીં. આવા કેવળ તથાકથિત ધર્મના પ્રચારકોએ કે કર્મકાંડીઓએ ઉચ્ચારેલાં વાક્યોને નહીં, પણ આધ્યાત્મિક અનૂભૂતિઓ જેમને થઇ હતી અને ધર્મની પ્રક્રિયાથી જેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, તેમણે ઉચ્ચારેલાં મહાવાક્યોને આપણે લક્ષમાં લેશું તો તેમાં રહેલો પડકાર ઝીલવા આપણે તત્પર રહેવું પડશે. ધર્મ એટલે અલગતા નહીં, વિસંવાદિતા નહીં. ‘ધર્મ’ શબ્દની એક વ્યુત્પત્તિ અનુસાર તેનો અર્થ ‘સાથે જોડનાર’ થાય છે. દુર્ભાગ્યે, કોઈ ઝનૂની ધર્મ પણ પોતાના અનુયાયીઓના સમુદાયને સાંકળી રાખે છે. પરંતુ તે બીજા સમુદાયો સાથે લડવા માટે. ધર્મનો હેતુ આ નથી. ધર્મના રહસ્યમાં જેઓ ઊંડા ઊતર્યા છે, ખાસ કરીને જેમણે પોતાના જીવનમાં ધર્મની ગહનતાનો અનુભવ કર્યો છે તેઓ એવી રીતે જીવ્યા છે કે, આપણે એમને અનુસરવા પ્રયત્ન કરીએ તો, આપણે આજે છીએ તેથી જુદા બની જશું. તો હવે શું સાચા ધર્મ પાસેથી આની અપેક્ષા ન રખાય? હું આ કે તે ધર્મની વાત નથી કરતો. દરેક ધર્મમાં એવાં કેટલાંક પાસાં છે જેણે માનવજાતને ઉદાત્ત બનાવી છે અને, જેની અસરથી માનવજાત વધારે ઉચ્ચ બની છે; અને એવાં બીજાં પાસાં પણ છે જે, સંકુચિત માનવજાતને નીચી કક્ષાએ લઇ જનારાં અને પશુ બનાવનારાં છે. દોષ ધર્મનો નથી. ધર્મની ગેરસમજણે એટલું નુકસાન કર્યું છે કે, આજની પ્રજાને ધર્મ શબ્દ જ ખૂંચે છે.
ધર્મનું સ્થાન વિજ્ઞાને લીધું છે એમ આજના લોકો માને છે. પ્રાચીન કાળમાં લોકો પ્રકૃત્તિના નિયમો સમજતા ન હતા અને એ માટે તેમણે ધર્મનું શરણું લીધું. આજીવન શાંતિથી જીવવા માટે, દેવો કે દાનવો જેવાં પ્રકૃતિનાં એ પરિબળને તૃપ્ત કરવાં રહ્યાં એમ તેઓ માનતા. પ્રાચીન કાળમાં લોકો એમ વિચારતા. પણ હવે એ દહાડા જતા રહ્યા છે. ધર્મના ચિંતનનું સ્તર પણ ઊચેરું થયું છે. ધર્મ પણ હવે વધારે નિર્મળ થયો છે. એ સાચું છે કે, સાચો ધર્મ જીવનારાઓ બહુ વિરલ હોય છે. પરંતુ, એ થોડા તો ધરતીનું લૂણ છે. દરેક ધર્મમાં એવા કેટલાક લોકો છે, જેમને પોતાના હકની કે અધિકારની નથી પડી કે નથી પડી કર્મકાંડોની. પણ જેઓ બીજાઓને માટે પોતાના સ્વાર્થને જતો કરે છે. સાચા ધર્મમય જીવનમાં સૌથી વિશેષ અગત્ય નિ:સ્વાર્થતાની છે. ધર્મ એટલે માત્ર અવતારોની પૂજા, ભૂતપલીત કાઢવાં કે એવા બીજા દુન્યવી ચમત્કારો કરવા તે નહીં. ધાર્મિક બનવાનો યત્ન કરનાર દરેકને નિર્મળ કરે તે ધર્મ. એ ધર્મ કોઈ એક સંપ્રદાયનો ઇજારો નથી. આ પ્રકારની નિ:સ્વાર્થ જિંદગીના ઉદાહરણરૂપ પરમાર્થમય જીવન જીવી જનારાં સંતો દરેક ધર્મમાં થયા છે. ધર્મ શબ્દનો અર્થ આ સમજવો જોઇએ. અને ભૌતિક દેહની મર્યાદાનાં, ભૌતિક સુખોની મર્યાદાનાં હીન બનાવતાં પરિબળોને તજ્યા બાદ જ ઉપર કહેલ સ્વાર્થત્યાગ કે નિ:સ્વાર્થપણું શક્ય બને છે. ધર્મ એ એક પાવક પરિબળ બને, પોતાના આદર્શ તરીકે જેને એ પરમેશ્વર માને છે, તેમાં વ્યક્તિને પરિવર્તિત કરે તે અર્થમાં ધર્મને સમજવો જોઇએ. પરમેશ્વર શબ્દનો અર્થ આજકાલ આપણે સમજતા નથી. પણ પરમેશ્વર એટલે કલ્પી શકીએ તેવો સર્વોચ્ચ આદર્શ. અને દરેક ધર્મ પાસે એવો આદર્શ છે જ જેને ભલે આમજનતા સમજી શકતી નથી. પણ ધર્મમય જીવન જીવનારા લોકો છે ખરા અને એમનું જીવન બતાવે છે કે એ લોકો પોતાને માટે નથી જીવતા પરંતુ, બીજાના સુખને માટે જીવે છે. એથી તો બધા ધર્મોએ નિ:સ્વાર્થતાના ગુણગાન ગાયાં છે. બીજાં પણ કેટલાય પરિબળો છે. દાખલા તરીકે આપણું જીવન ઇન્દ્રિયોથી મર્યાદિત છે. જ્યાં ઇન્દ્રિયો પહોંચી શકતી નથી તે પ્રદેશોમાં ઊંડે જવા ધર્મ આપણને નિમંત્રે છે. પણ એનો અર્થ અજ્ઞાતપણું નથી, એનો અર્થ લોકોની સમજ બહારની કોઇ વાત નથી, ઇન્દ્રિયોના પદાર્થોનો અનુભવ કરી શકાય છે. તે રીતે જેનો સાક્ષાત્કાર થઇ શકે તે ધર્મનો અર્થ છે. ઈશ્વરનો સાક્ષાત્કાર નિકટતાથી સમાધિમાં થઇ શકે. આપણે ઈશ્વરની સમીપ રહેશું અને આપણે પોતે ઈશ્વર બની જશું. તો ધર્મે આ કાર્ય કરવાનું છે. એણે મનુષ્યનું ઈશ્વરમાં પરિવર્તન કરવાનું છે. ધર્મ પાસેથી આની અપેક્ષા રાખવામાં આવે છે.
આપણી સમજણને માટે અને આપણા આચરણ માટે એવા સાચા પ્રકારના ધર્મની આવશ્યકતા છે. સત્યને શબ્દમાં મૂકી શકાય નહીં, સત્યનું પ્રદાન કોઇ અન્યને કરી શકાય નહીં. ઈશ્વર વિચાર અને શબ્દથી પર છે. એવા ગૂઢ ખ્યાલથી જરાય ગભરાવાની જરૂર નથી. આવાં કથનોથી મૂંઝાવાની જરૂર નથી. આપણી દરેક અંતરતમ લાગણી વ્યક્તતાથી અને સમસંવેદનથી પર છે તે આપણે સમજવું જોઇએ. શ્રેયસના આદર્શ સાથે વ્યક્તિની એકાત્મતાની સર્વોચ્ચ સંવેદના તે ધાર્મિક અનુભૂતિ છે. ધર્મે તે જ કરવાનું છે. આપણે છીએ તે ભૂમિકાથી સર્વોચ્ચ આદર્શ પ્રતિ ધર્મે આપણને લઇ જવાના છે. જેમ જેમ આપણે એ આદર્શની સમીપ જશું તેમ તેમ તે આદર્શ પણ બદલાતો જશે, તેમાં પરિવર્તન આવશે, આદર્શની ખોજ કરનારાઓ પણ ધીમે ધીમે પરિવર્તન પામવાનો અનુભવ કરશે અને પરિવર્તન પામશે. જ્યારે બધી ભલમનસાઈ મારો ભગવાન થશે અને હું અને મારો પ્રભુ એક ને અદ્વિતિય બનીશું ત્યારે ગૂઢવાદની એ સર્વોચ્ચ ભૂમિકા છે. એને આમ જ વ્યક્ત કરી શકાય. નહીં તો, સંકુચિત ધાર્મિક આદર્શોને પ્રબોધતા ધર્મગુરુઓની વાતને વિસ્તારી, તેઓ વધારે મતભેદો, વધારે ખૂનામરકી અને એકબીજી પ્રજાઓ અને એકબીજાં રાષ્ટ્રો વચ્ચે વધારે ઝઘડા લાવશે.
આપણી જાતને આપણે કેમ નિર્મળ કરી શકીએ, તે વિશે ઊંડાણથી વિચારવાની અને જોવાની હવે ઘડી આવી છે. લગભગ દરેક ધર્મમાં રહસ્યમય ભાષામાં એ વાત સ્પષ્ટપણે કહેવાઇ છે. પરંતુ આપણે એ ભાષાનો અર્થ ખોટો સમજ્યાં છીએ અને પરિણામ એ આવ્યું કે, આપણે સંકુચિતતા અને સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઈ ગયાં છીએ. આ દુનિયાનું એ દુર્ભાગ્ય છે. તો ‘હું સર્વવ્યાપી છું’ એ ઉપનિષદ વાક્યનો વિચાર કરીએ. હવે હું જો બધે જ હોઉં તો હું કોઈને પણ ઇજા પહોંચાડું છું ત્યારે મારી જાતને જ ઇજા પહોંચાડું છું. આ પ્રકારનું દર્શન સૌના મનમાં ઠસાવવું જોઇએ, આપણે અલગ રહી શકીએ નહીં. કોઇ જ્યારે કેવળ પોતાને માટે જ જીવે ત્યારે, એ અલગતાનો ભાવ અનુભવે. આપણે નાના કોચલામાં પુરાઇ રહ્યાં છીએ અને, વળી એકબીજા સાથે લડીએ છીએ. આપણે એ કોચલું તોડવું જોઇએ અને આપણામાંના દરેકમાં તે સનાતન સત્યનો ઉદય કરીએ. ધર્મનું એ કાર્યક્ષેત્ર છે. ધર્મ આપણને કહેશે કે, ઈશ્વર સર્વમાં છે તો, કોઇ શત્રુ હોઇ શકે નહીં, અને આપણામાં અંદરોઅંદર દુશ્મનાવટ પણ હોઇ શકે નહીં, એ સાચો ખ્યાલ છે. ધર્મ પ્રબોધાવો જોઇએ, યોગ્ય રીતે સમજવો જોઇએ. અને તેને આચરવો જોઇએ. કેવળ ક્રિયાકાંડ એ ધર્મ નથી એ બરાબર સમજવું જોઇએ. ક્રિયાકાંડને એકદમ તજવાં તો ન જોઇએ. આરંભમાં તે મદદરૂપ થાય, પણ આપણે આગળ ને આગળ પ્રગતિ કરીએ પછી બાળમંદિરમાં બેસી રહેવાની જરૂર નથી. ધર્મના ગૂઢ અર્થોને સમજવા માટે આપણે વધારે ને વધારે ઊંચે જવું પડશે. આખું વિશ્વ એનામાંથી ઉદ્ભવ્યું છે, એ ગૂઢ અર્થ છે. દરેક જગ્યાએ ધર્મગ્રંથો આ જ વાત કરે છે કે, ઈશ્વર સર્વવ્યાપી છે ને એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘડિયાળી ઘડિયાળ બનાવે પછી તેની સાથે તેને કશી નિસબત નથી રહેતી તે રીતે, તેણે સૃષ્ટિ નથી સર્જી. સૃષ્ટિનું સર્જન એ રીતે નથી થયું. એ તો આત્માનું વ્યક્તપણું છે. સર્વવ્યાપી ઈશ્વરનું એ પ્રાકટ્ય છે. બધે જ એ સિધ્ધાંત છે. અને એ સનાતન અસ્તિત્વ ધરાવતાં પરિબળમાં આપણી શ્રધ્ધા પ્રગટે તો કોઇ યુધ્ધ માટે કે વિસંવાદિતા માટે કશું કારણ રહે નહીં. વિશ્વશાંતિ સ્થાપવામાં ધર્મે આ કાર્ય કરવાનું છે. એ મૃગજળી આદર્શ -યુટોપિયા છે એમ તમને લાગશે. આપણા માનવબંધુઓ ઉપર તરાપ મારી એમનો નાશ કરવાની તક શોધતી વખતે આપણે સમાધાનની રાહે શાંતિ શોધવાના પ્રયત્નના મૃગજળી આદર્શ કરતાં એ કંઇક વિશેષ હોય એવું નથી લાગતું? વિશ્વ શાંતિ સ્થાપવામાં કે એ શાશ્વત શાંતિની દિશામાં લોકોને લઇ જવામાં, બરાબર અનુસરાયેલા ધાર્મિક વિચારો વધારે ઉપયોગી નીવડે તેવો સંભવ નથી શું? એ શાશ્વત શાંતિ કદાપિ સધાશે કે નહીં તે આપણે જાણતા નથી. પણ આપણે એટલું તો જાણી શકીએ છીએ કે, એ આદર્શને પામવાનો પ્રયત્ન કરવા જેવો તો છે. આપણે કલ્પી શકીએ તે સર્વોચ્ચ આદર્શ આપણી જાતનું પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. અને એમ કરશું તો, એ ખોજની મૃગયાના વ્યાપારથી જ આપણે આપણી જાતને ધીમે ધીમે સુધારી શકીશું. આમ આપણે સમગ્ર વાતાવરણને સુધારનારું એક પરિબળ બનીશું. એ પ્રકારના ધર્મની સાચા અંતરની ખોજથી ભર્યુંભાદર્યું જીવન જીવતી વ્યક્તિઓ વડે જ સમગ્ર વાતાવરણ ઊંચે લઇ જઇ શકાશે. મર્યાદિત કાર્યક્ષેત્રવાળા ધર્મની વાત હું નથી કરતો. એ વ્યાપક ધર્મ તો આપણા જીવનના દરેક ક્ષેત્રને આવરી લેશે. એની અસર બધે જ વરતાશે. આપણે ધાર્મિક જીવનનો એક વાર આરંભ કરશું તો પછી આપણે જુદાં જુદાં ખાનાંવાળું જીવન નહીં જીવીએ કે જ્યાં એક ખાનું ધર્મનું હોય ને બીજું ધર્મ નિરપેક્ષ હોય! એ ભેદ સદંતર દૂર થઇ જશે. ઈશ્વર બધાંમાં વ્યક્ત થશે ને આપણે જે કંઇ કર્મ કરીશું તે દરેક ઈશ્વરની પ્રાર્થના, ઈશ્વરની પૂજા થશે. ‘હે મા! હું જે કંઇ કરું છું તે બધું તારું પૂજન છે. આપણા જીવનના દરેક કાર્યમાં, દરેક હલનચલનમાં એ પૂજા પ્રતિબિંબિત થશે. આપણા અંત:કરણમાં ચિરશાંતિ લાવનાર એ મહાન શક્તિ ધીમે ધીમે થશે. એ સંભવની વાત હોય તો પણ એ માટે પ્રયત્ન કરવો યોગ્ય થશે. કારણ કે આપણે તેવો પ્રયત્ન કરીશું તો જ આપણે આપણા આદર્શથી દૂર નહીં પણ તેની નજીક જશું અને દુનિયા ભલે એના વિખવાદમાં, મતભેદમાં અને આત્મવિનાશમાં પડી રહે.
આપણને એવું દર્શન પ્રાપ્ત થાઓ, જેથી સમગ્ર અસ્તિત્વ સાથે આપણે અભિન્નતા અનુભવીએ. દરેક મનુષ્ય સુખી થશે ત્યારે જ હું સુખી થઇ શકીશ. કોઇ પણ દુ:ખી હશે તો મને પણ દુ:ખ જ થશે. બધાને મુક્તિ મળશે ત્યારે જ મને મુક્તિ મળશે. બધા બંધનમાં હશે ત્યાં સુધી હું પણ બંધનમાં રહીશ. સાચો ધાર્મિક મનુષ્ય આ ઉચ્ચ સત્યને પોતાના જીવનમાં પ્રગટ કરે છે. એનું હૃદય એટલું તો વિશાળ હશે કે, એની કક્ષામાંથી કોઇ દૂર નહીં હોય. આખા જીવનનું આ પ્રકારનું આધ્યાત્મિકરણ ધર્મનું ધ્યેય છે અને જગતમાં શાશ્વત શાંતિ માટે એ ધર્મને સૌથી મોટો ભાગ ભજવવાનો રહેશે.
ભાષાંતર : શ્રી દુષ્યત પંડ્યા
Your Content Goes Here





