(શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.)
(૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહે છે. તા. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના મહાનિર્વાણ સાથે પૂરા થયેલા આ દશકા દરમિયાન -નવા જીવનમાં અનેક મહત્ત્વની ઘટનાઓ બની ગઈ હતી.
વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરની શતાબ્દીની ઉજવણીની મંગળ શરૂઆત રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુર ગાચ્છી, કલકત્તા દ્વારા ગઈ તારીખ ૩૧મી મેથી ૨ જૂન ૧૯૯૩ દરમિયાન કરવામાં આવી હતી. વિશ્વધર્મપરિષદ સમક્ષ સપ્ટેમ્બર, ૧૮૯૩માં સ્વામીજીનું ઉપસ્થિત થવું, એ જ એક અતિ મહત્ત્વની ઘટના હતી. ત્યાર બાદ પણ તેમના જીવનના ઘણા મહત્ત્વના પ્રસંગો એક દશકા સુધી બનતા રહ્યા. સ્વામીજી ઇચ્છતા હતા કે બધાજ ધર્મો સાચા છે તેમ સ્વીકારીને માનવજાતમાં એકતા આણવી. આથી ઈ.સ. ૧૯૯૩થી ૨૦૦૨ સુધીના દશકાની આપણે “માનવજાતિ એકતા દશક: ૧૯૯૩-૨૦૦૨ ” તરીકે ઉજવણી કરીએ. એની સાથોસાથ ગયા શતકમાં, ૧૮૯૩થી ૧૯૦૨ના દશકા દરમિયાન સ્વામી વિવેકાનંદના જીવનના અગત્યના બનાવો, જેવા કે વિશ્વધર્મપરિષદમાં તેમની હાજરી, ભારતમાં પુનરાગમન અને રામકૃષ્ણ મિશનની સ્થાપના વગેરેની શતાબ્દીની પણ ઉજવણી થઈ શકે.
વિશ્વધર્મપરિષદની તા. ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ની આખરી બેઠકમાં સ્વામીજીએ જે ત્રણ હાકલ કરી (Call) સૂત્રો આપ્યા હતા, તે સૂત્રોને પણ ૧૯૯૩-૨૦૦૨ના દશકનાં સૂત્રો તરીકે અપનાવવાં જોઈએ:
૧/ સહાય કરો – લડાઈ નહીં. ૨/ એકીકરણ કરો – નાશ નહીં. ૩/ શાંતિ અને સંવાદિતા – સંહાર નહીં.
નીચેનો લેખ આકાશવાણી, નવી દિલ્હી દ્વારા તા. ૩૧મી મે ૧૯૯૩ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.)
૧૮૯૩ના સપ્ટેમ્બરમાં વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ ઉપસ્થિત રહ્યા તે કેવળ ભારત માટે જ નહિ પણ સમસ્ત વિશ્વને માટે પણ એક અતિ મહત્ત્વનો પ્રસંગ હતો, કારણ કે ત્યારે સ્વામીજીએ વિશ્વધર્મપરિષદ સમક્ષ “બધા જ ધર્મો સાચા છે” એવો સંદેશ રજૂ કર્યો હતો જે દુનિયા માટે તદૃન નવો જ હતો. તદુપરાંત, સ્વામીજીએ જગતના ધર્મસંમેલનમાં હાજરી આપી અને પશ્ચિમના દેશોમાં પારિવ્રાજક ધર્મગુરુ તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. તેમના આ કાર્ય અને ધર્મપ્રચાર દ્વારા ભારતને કીર્તિ પ્રાપ્ત થઈ, કારણ કે આ રીતે જ દુનિયાને ખબર પડી કે ભારતની આધ્યાત્મિક સંપત્તિ કેટલી વિપુલ છે! વિશ્વધર્મપરિષદ સમક્ષ સ્વામી વિવેકાનંદની હાજરીની શતાબ્દીની ઉજવણી ભારતમાં જ નહીં પરંતુ જગતના અન્ય ભાગોમાં પણ થઈ રહી છે.
ભારતની પરિક્રમા પૂરી કર્યા પછી સ્વામીજીએ ૩૧મી મે, ૧૮૯૩ના રોજ જહાજ મારફત વિશ્વપરિષદમાં હાજરી આપવા માટે પ્રયાણ કર્યું હતું. આથી એ દિવસ કેવળ ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ધન્ય દિવસ હતો. શ્રીરામકૃષ્ણનો આદેશ દિવ્ય દર્શન દ્વારા પ્રાપ્ત કર્યા પછી જ સ્વામીજીએ વિશ્વધર્મપરિષદની યાત્રા આરંભી હતી. આવો વિદેશપ્રવાસ કરવા માટે શ્રી માતાજીનો આદેશ તેમને મળ્યો હતો. કારણ કે માતાજીને પણ શ્રીરામકૃષ્ણે દિવ્ય દર્શન દ્વારા વિવેકાનંદને આવો પ્રવાસ કરવા દેવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે હાજરી આપી તે દિવસના શતાબ્દી ઉત્સવના પ્રારંભ (prelude) રૂપે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાકુર ગાછી, કલકત્તા દ્વારા તા. ૩૧મી મે, ૧૯૯૩ના રોજ વિશેષ કાર્યક્રમ યોજયો હતા અને ત્યાર બાદ ૧ તથા ૨ જૂન, ૧૯૯૩ના રોજ અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ ઉજવણી એક મહત્ત્વના સ્થાનમાં થઈ રહી છે. કલકત્તામાં રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાછીની સ્થાપના શ્રીરામકૃષ્ણના વિશિષ્ટ (Distinguished) શિષ્ય શ્રી રામચંદ્ર દત્તે ૧૮૮૩માં કરી હતી. શ્રીરામકૃષ્ણે આ સ્થળની મુલાકાત લઈને તેને પાવન પદ આપ્યું હતું. ત્યાં તેમનાં પવિત્ર સ્મૃતિચિહ્નોને રાખવામાં આવ્યાં છે. આ દૃષ્ટિએ વિશ્વધર્મપરિષદની સ્વામી વિવેકાનંદની યાત્રાના પ્રયાણની શતાબ્દીની ઉજવણી જે સ્થળે થઈ રહી છે તેનું પણ વિશેષ મહત્ત્વ છે.
ભારતની પરિક્રમા દરમિયાન સ્વામી વિવેકાનંદને હિન્દની આધ્યાત્મિક સંપત્તિનું દર્શન થયું હતું. એટલું જ નહીં પણ તેમને દેશબાંધવોનાં કંગાલિયત અને કષ્ટો પણ જોવા મળ્યાં હતાં. તેથી જ એમણે ક્યું, “ગરીબ, અભણ, અજ્ઞાની અને રોગી આ બધાંને જ તમારા દેવ ગણો; અને એટલું શીખો કે આ લોકોની સેવા એ જ કેવળ તમારો ધર્મ છે,” તેઓએ આગળ ચાલતા કહ્યું, “હું દરિદ્ર, દલિત અને અજ્ઞાનીને ચાહું છું. મને તેના ઉપર કેટલો ભાવ છે, તે કેવળ ઈશ્વર જાણે છે!”
તેઓ પોતાના દેશબાંધવોને ચાહતા હતા એટલું જ નહિ, પણ તેમને વતન ઉપર પણ અમાપ પ્રેમ હતો. સ્વામી. વિવેકાનંદના દેશપ્રેમને સિસ્ટર નિવેદિતાએ નીચેના શબ્દોમાં વર્ણવ્યો છે:
“તેઓ પશ્ચિમના પ્રવાસે હતા. ત્યારે ભારતના કોઈ દૂરના ગામડાં પાસે ઊભા રહીને ત્યાંના અવાજને સાંભળવા માટે ત્યાં રમત રમી રહેલાં બાળકો ઝોલે ચડયાં હોય ત્યારનો તેમનો ઘોંઘાટ, ઘંટડીઓનો રણકાર, ગોવાળોના ડચકારા અને તેવા વિવિધ અવાજો તેમજ ઢળતી સંધ્યા સમયે ગામડામાંથી સંભળાતા અનેક પ્રકારના અવાજોને સાંભળવા માટે તેઓ કેટલું બધું ઝંખતા હતા ! તેની તેમણે અમને વાત કરી હતી. તેમને દેશનો કેટલો અસંગરો (Home sickness) લાગ્યો હતો!.”
પોતાનાં વતન અને હમવતનોની તેમની અપાર લાગણીએ જ તેમને મહાન દેશભક્ત બનાવ્યા હતા. દેશની આઝાદી માટે લડતા સૌ કોઈ અને રાજનીતિજ્ઞો તેમનાં લખાણો અને ભાષણોમાંથી પ્રેરણા મેળવતા હતા.
આ દેશપ્રેમને લીધે જ તેમણે અમેરિકાથી સ્વામી રામકૃષ્ણાનંદને લખ્યું હતું, “આપણો દેશ સામાજિક ગુણોમાં કંગાલ છે એવી જ રીતે આ દેશમાં (અમેરિકામાં) આધ્યાત્મિકતાનો અભાવ છે. હું તેમને આધ્યાત્મિકતા આપું છું અને તેઓ મને પૈસા આપે છે.” સ્વામી વિવેકાનંદને પોતાના માટે પૈસાની જરૂર ન હતી. પરંતુ તેમના દેશના દલિત અને કંગાળ લોકો માટે તેમને ધન ખપતું હતું.
માતૃભૂમિ અને દેશવાસીઓ પ્રત્યેના ઉત્કટ પ્રેમે જ તેમને તા. ૨૦ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ સમક્ષ નીચેના શબ્દો બોલવા પ્રેર્યા હતાં: “પૂર્વના દેશોનું મુખ્ય દૂષણ – ખામી ધર્મ નથી. ધર્મ તો તેમની પાસે પૂરતા પ્રમાણમાં છે જ. પરંતુ ભડકે બળી રહેલા ભારતના કરોડો ગરીબો પોતાનાં સૂકાં ગળાંમાંથી તરડાયેલા અવાજે રોટીની માગણી કરી રહ્યાં છે, એ મહાન સમસ્યા છે. વિશ્વધર્મપરિષદ સમક્ષ હાજર થવા માટે સ્વામી વિવેકાનંદની અમેરિકા યાત્રાનો ૩૧મી મે ૧૮૯૩ના રોજ થયેલો પ્રારંભ અને પરિવ્રાજક ધર્મગુરુની તેમણે આરંભેલી ભૂમિકા એ કોઈ આકસ્મિક કે અસંબદ્ધ પ્રસંગ ન હતો. આ મહાન ઘટના માટેની તૈયારીઓ નો ઘણ લાંબા વખતથી ચાલી રહી હતી.
જો સ્વામી વિવેકાનંદને આ બાબતમાં પોતાને ગમે તેમ કરવાનું કહેવાયું હોત તો તેમણે તો એકાંતવાસમાં ધ્યાનમગ્ન રહેવાનું જ પસંદ કર્યું હોત. પરંતુ આ જગતમાં તેમણે જે ભૂમિકા અદા કરવાની હતી તે અંગે શ્રીરામકૃષ્ણે જ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું. જયારે સ્વામી વિવેકાનંદે પોતાની સર્વોચ્ચ મહેચ્છા ધ્યાન ધરવાની છે એમ જણાવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું: “હે વત્સ, એથી પણ કંઈક વિશેષ મહાન કાર્ય માટે તારો જન્મ થયો છે.”
કાશીપુર ઉદ્યાનવટીમાં પોતે અત્યંત ગંભીર બીમારીમાં પટકાયેલા હતા ત્યારે જ શ્રીરામકૃષ્ણદેવ પોતાના શિષ્યોને જે ભૂમિકાઓ ભજવવાની હતી એ માટે તૈયાર કરી રહ્યા હતા. આ દિવસો દરમિયાન તેમણે કાગળની એક ચબરખી મંગાવી અને તેના ઉપર લખ્યું, “નરેન (જેઓ પછીથી સ્વામી વિવેકાનંદ બન્યા) બીજાઓનો ગુરુ બનશે.” એટલું જ નહીં પરંતુ પોતે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો એ પહેલાંના ત્રણ-ચાર દિવસે સ્વામી વિવેકાનંદ (ત્યારના નરેન)ને બોલાવ્યા અને એકલા પોતાની સાથે રહેવાની આજ્ઞા આપી. આ પછી શું બન્યું, તેનું વર્ણન શ્રી રોમાં રોલાંએ તેમના પુસ્તક “શ્રીરામકૃષ્ણનું જીવન”માં કર્યું છે. આ વર્ણન અનુસાર શ્રીરામકૃષ્ણે નરેન તરફ પ્રેમથી જોયું અને તે સમાધિમાં ઊતરી ગયા. આ સમાધિએ નરેનને પણ વશીભૂત કરી દીધા જયારે નરેન એની પ્રભાવછાયામાંથી બહાર આવ્યા ત્યારે જોયું તો શ્રીરામકૃષ્ણની આંખમાં અશ્રુઓ હતાં. રોમાં રોલાંએ ઉમેર્યું છે કે ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું કે, “આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે અને હવે હું તદૃન ગરીબ ફકીર થઈ ગયો છું, કે જેની પાસે કશું બચ્યું નથી. આ શક્તિ દ્વારા તું જગતમાં ખૂબ જ કલ્યાણ કાર્યો કરશે અને તે કાર્યો પૂરાં નહીં થાય ત્યાં સુધી તું પાછો નહીં ફરે.”
આ એ શક્તિ છે કે જેના દ્વારા સ્વામી વિવેકાનંદે “ભારત પરિક્રમા” પૂરી કરી તથા અમેરિકામાં વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા માટે પ્રયાણ કર્યું અને પશ્ચિમના દેશો સમક્ષ પરિવ્રાજક ધર્મગુરુની ભૂમિકા તેમણે ભજવી.
શ્રીરામકૃષ્ણે તેમને એવી શક્તિ પ્રદાન કરી હતી કે પોતાની અમેરિકા યાત્રાના પ્રારંભ પહેલાં તેમણે એક ગુરુભાઈને કહ્યું હતું કે “મારામાં જબરદસ્ત શક્તિ છે તેવું મને લાગે છે. જાણે કે મારામાંથી શક્તિની જવાળાઓ ફૂટી નીકળશે તેવું મને જણાય છે. મારામાં અનેક પ્રચંડ શક્તિઓ પડી છે. મને એમ લાગે છે કે હું જાણે કે આખા જગતમાં ક્રંતિ સર્જી શકીશ.”
આથી તેઓ વિશ્વધર્મપરિષદ સમક્ષ જ નહીં પણ સમસ્ત આધ્યાત્મિક જગત સમક્ષ પણ એક જલતી મશાલ રૂપે રજૂ થયા અને જાણે તે ક્ષણ માત્રમાં જ સફળ બન્યા, તેમાં શી તે નવાઈ જેવું નથી. અમેરિકાથી પોતાના ગુરુભાઈને તેમણે લખ્યું હતું. “…જે શબ્દો મારા હોઠે આવે છે તેને જાણે કે ગુરુદેવની સહાય મળે છે” આ પહેલાના એક પત્રમાં તેમણે સ્વામી રામકૃષ્ણાનંદને લખ્યું હતું કે, “હું તો કેવળ સાધન છું – યંત્ર છું- પણ તેઓ (રામકૃષ્ણદેવ) જ સંચાલક છે. આ સાધન દ્વારા જ તેઓ દૂર-સુદૂરના દેશોમાં હજારો માનવીઓનાં હૃદયમાં ધાર્મિક પ્રેરણા પહોંચાડી રહ્યા છે.”
૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના દિવસે વિશ્વધર્મપરિષદમાં પોતાને આવકારવામાં આવ્યા તેનો પ્રત્યુત્તર આપતાં સ્વામી વિવેકાનંદે ત્યાંની જનતાને “અમેરિકામાંના ભાઈઓ અને બહેનો” એ શબ્દોમાં સંબોધન કર્યું હતું, જેની વિદ્યુત જેવી અસર અમેરિકાની પ્રજા ઉપર થઈ હતી. એટલું જ નહીં, પરંતુ તેમણે ઘોષણા કરી કે “અમે વિશ્વવ્યાપી સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ બધા જ ધર્મો સાચા છે એમ પણ સ્વીકારીએ છીએ.” પાશ્ચાત્ય જગત માટે સાચે જ આ નવો સંદેશ હતો કે “બધા જ ધર્મો સાચા છે તે વાત સ્વીકારવી.”
વિશ્વધર્મપરિષદ સમક્ષ હિન્દુધર્મ (Hinduisum) વિષે પોતે જે સંભાષણ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ કર્યું, તેમાં તેમણે દર્શાવ્યું કે, “વિવિધતામાં એકતા એવું પ્રકૃતિનું આયોજન છે અને હિંદુઓ આ સત્યનો સ્વીકાર કરે છે.” વિશ્વધર્મપરિષદની આખરી બેઠકમાં સ્વામીજીએ કહ્યું કે, “કોઈ એક ધર્મનો અન્ય ધર્મ ઉપર વિજય થાય અને બીજા ધર્મોનો વિનાશ થાય તે પછી આવી એકતા આવશે, તેમ અહીં કોઈ માનતું હોય તો તે વ્યક્તિને હું કહું, ભાઈ તમારી આવી આશા અશક્ય જ છે.”
તેમણે સ્પષ્ટ કહ્યું, “કોઈ ખ્રિસ્તીએ હિંદુ કે બૌદ્ધ બનવાનું નથી, યા તો કોઈ હિંદુએ અથવા બૌદ્ધે ખ્રિસ્તી થવાનું નથી. પરંતુ, તે દરેકે અન્યના ધર્મની ભાવના અપનાવવાની છે અને છતાં પણ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખવાનું છે, અને વિકાસના નિયમ અનુસાર પોતાની પ્રગતિ સાધવાની છે.” આ પછી તેમણે જાહેર કર્યું, “…શુદ્ધતા, પવિત્રતા, ઉદારતા એ કંઈ જગતના કોઈ એક ધર્મની જ મૂડી નથી. અને દરેક ધાર્મિક પદ્ધતિએ ઉચ્ચ ચારિત્ર્યશીલ મહાન પુરુષો અને મહિલાઓને પેદા કર્યા જ છે, આટલાં બધા પ્રમાણો, પુરાવાઓ હોવા છતાંય કોઈ કેવળ પોતાનો એકનો જ ધર્મ અન્યને બાજુએ રાખીને ટકી જશે તેવાં સ્વપ્નોમાં રાચતા હોય તો તેવા લોકોની મને સાચા દિલથી દયા આવે છે. અને હું તેમને જણાવવા માગું છું કે તેમના આટલા વિરોધ કે પડકાર હોવા છતાં હવેથી દરેક ધર્મની ધ્વજાઓ ઉપર આ શબ્દો અવશ્ય અંકિત થયેલા જોવા મળશે:
“સહાય, સંહાર નહીં” “અપનાવો, નાશ ન કરો,” અને “સંવાદિતા તથા શાંતિ, અસ્વીકાર નહીં.”
વિશ્વધર્મપરિષદ સમક્ષ સ્વામી વિવેકાનંદે વૈશ્વિક ધર્મની વિભાવના અને આદર્શ પેશ કર્યા” …એ ધર્મ, કે જે સ્થળ અને કાળથી પર હશે, કે જે ઈશ્વર જેવો જ સનાતન શાશ્વત હશે અને ધર્મોપદેશ કરતો રહેશે તેમ જ જે કૃષ્ણ અને ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓ ઉપર, સંતો, પયગંબરો અને પાર્ટીઓ ઉપર એક સરખો જ પ્રકાશતો રહેશે: કે જે બ્રાહ્મણધર્મી, બૌદ્ધ ધર્મી, ખ્રિસ્તી કે ઈસ્લામી પણ નહીં હોય; પરંતુ આ બધા જ ધર્મોના સરવાળા સમાન હશે, તેમ જ જેમાં વિપુલ વિકાસ માટે અમાપ મોકળાશ હશે અને તે એટલો તો ઉદાર વિશાળહૃદયી હશે કે જેમાં દરેક માનવીને માટે પૂરતું સ્થાન મળી રહેશે. ઉપરાંત તેમણે ઉમેર્યું, “હું જેનો પ્રચાર કરવા માગું છું એ ધર્મ તો એવો હશે કે જે બધાં મગજ (વિચાર કરી શકતા લોકો)ને સ્વીકાર્ય હશે, તે સમાન રીતે ફિલસુફી ભરેલ, સમાન રીતે ઊર્મિશીલ, સમાન રીતે રહસ્યમય અને સમાન રીતે સેવા કાર્યને માટે અનુકૂળ હશે.”
સ્વામી વિવેકાનંદના મતે, “ધર્મ એટલે ધ્યેયસિદ્ધિ (Realisation) નહીં કે માત્ર વાતો, પ્રવચનો, ધાર્મિક ઉપદેશ (Doctrine) યા સિદ્ધાંતો! પછી ભલેને તે બધાં ગમે તેટલાં રૂપાળાં હોય! ધર્મ એ તો પોતે થવું અને અન્યને પણ તેવાં બનાવવાં, માત્ર સાંભળવું એટલું જ નહીં પરંતુ સ્વીકારવું. પોતે જે આદર્શો કે સિદ્ધાંતોમાં માનતા હોઈએ તેમાં આત્માનું પરિવર્તન એ જ સાચો ધર્મ” અને “બધા ધર્મોનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિનું છે અને એ આદર્શ છે વૈશ્વિક ધર્મ. બધા જ ધર્મોમાં જે એક વિશ્વવ્યાપી સત્ય સમાયેલું છે તે એ છે કે ઈશ્વરપ્રાપ્તિ જેને હું અહીં તમારી આગળ ધરું છું. આદર્શો અને ક્રિયાની પદ્ધતિઓ બદલાતી રહે પણ મૂળ મુદ્દો તો એક જ છે – ઈશ્વરપ્રાપ્તિ.”
વિજ્ઞાનમાં જેમ બધા જ સિદ્ધાંતોને કસોટીમાંથી પસાર થવું પડે છે તે જ રીતે ધર્મને પણ કસોટીની શરાણે ચડાવવો જોઈએ તેવું સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા. તેઓ કહેતા,
“બુદ્ધિની કસોટીઓ અન્ય વિજ્ઞાનશાળાઓ પાર કરે અને પોતાને વાજબી ઠરાવે એ જ રીતે ધર્મે પણ કરવું જોઈએ! અન્ય વિદ્યાઓ કે વિજ્ઞાનને સાચું જાણવા માટે તેની સંશોધનપદ્ધતિ અપનાવીએ છીએ એવી જ પદ્ધતિ ધર્મ વિજ્ઞાનને પણ લાગુ પાડવી જોઈએ ખરી કે? મારા અભિપ્રાય મુજબ તે કરવું જરૂરી છે.
અને હું તો એમ પણ કહ્યું કે આવી કસોટી ધર્મને પણ જેટલી વધુ વહેલી લાગુ પાડીએ તેટલું વધુ સારું! ધર્મને વધુ વૈજ્ઞાનિક બનાવાશે એટલું જ નહીં પરંતુ કમ સે કમ ભૌતિક અને રસાયણ વિજ્ઞાને કસોટીઓ દ્વારા જે તારણો પ્રાપ્ત કર્યા છે એટલી ભૂમિકા ઉપર તો ધર્મને મૂકી જ શકીશું. આ ઉપરાંત આ ધર્મની પાસે આંતરિક તાકાત પણ હશે જ કારણ કે ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન પાસે પોતાનામાં રહેલા સત્યને સમર્થન આપવાની એવી શક્તિ તો નથી કે જે શક્તિ ધર્મમાં પહેલેથી જ હોય છે.
આવી ચકાસણીની કસોટીએ ધર્મને ચડાવવાનું તેઓ શા માટે ઇચ્છતા હતા? તેઓ આમ ઇચ્છતા હતા કારણ કે ધર્મનો હેતુ છે ઈશ્વર-પ્રાપ્તિ. આ એક સંપૂર્ણ ધ્યેય આદર્શ આહવાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ઈશ્વર એ જ સત્ય અને સંપૂર્ણ સત્ય તો કેવળ એક જ છે. આમ, આધુનિક વિચારવાળી વ્યક્તિઓને સંતોષવા માટે જે ધર્મ આવાં સંપૂર્ણ સત્ય તરફ આપણને દોરી જતો હોય તે વૈજ્ઞાનિક કસોટીઓને તો અવશ્ય પાર કરી જ શકે.
વિશ્વધર્મપરિષદમાં હાજરી આપવી અને પાશ્ચાત્ય દેશોમાં પરિવ્રાજક સંન્યાસી તરીકેની ભૂમિકા નિભાવવા પાછળ એક મહાન ધ્યેય મિશન હતું. સમગ્ર માનવજાતમાં આધ્યાત્મિકતાને જાગ્રત કરવી તથા બધા ધર્મો સાચા છે એ હકીકતનો સ્વીકાર થાય તેનો સંદેશ ફેલાવવાનું તેમનું મિશન હતું.
ધાર્મિક સહકાર, ધાર્મિક એકતા અને ધાર્મિક સહિષ્ણુતાની જરૂરિયાત વિષે તો જગતે સાંભળ્યું હતું. આ બધા પ્રશંસનીય આદર્શો છે. પણ તે સર્વની એક મર્યાદા છે, તે અમુક સમયે પડી ભાંગે છે, અને તે સદા કાળ ટકી શકતા નથી.
શ્રીરામકૃષ્ણે આપણને “જેટલા મત, તેટલા પથ”નો સંદેશ આપ્યો છે. એકવાર આ સંદેશ સિદ્ધ થઈ જાય પછી બધા જ ધર્મો સાચા છે એ હકીકતનો આપમેળે સ્વીકાર થઈ જશે. આ સ્વીકારની કોઈ મર્યાદા નથી. આથી બધા જ ધર્મો સાચા છે એ આદર્શનો સ્વીકાર થાય કે સંઘર્ષ – ઝઘડાનું કારણ નાબૂદ થઈ જશે. આજે જગત જ્યારે ઝઘડા અને હિંસાથી પીડાઈ રહ્યું છે ત્યારે આ આદર્શનો સ્વીકાર આજની ઘડીએ અત્યંત આવશ્યક છે.
આપણામાં આધ્યાત્મિક ચેતના જાગ્રત થઈ છે ત્યારે આપણે બધા ધર્મો સાચા છે તે વાત સ્વીકારીને ચાલો, પેલાં સત્ય તરફ આગળ ધપીએ કે જે સત્ય આપણને કહે છે, “જો કોઈ ચીજ અપરિવર્તનીય હોય તો તે માત્ર ઈશ્વર જ છે. માનવજાતિને એક કરવાનો અને એ રીતે આ દુનિયાને રહેવા લાયક બનાવવાનો તથા સ્વામી વિવેકાનંદના મિશનને સફળ કરવાનો આ એક માત્ર માર્ગ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, જાત મહેનત કરે છે તેને જ ઈશ્વર સહાય કરે છે.” ચાલો, આપણે પણ સ્વામીજીનું મિશન પાર પાડીને આપણી જાતને પણ સહાય કરીએ.
અનુવાદ: શ્રી ઈન્દુભાઈ જે. જોષી
Your Content Goes Here




