ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે; પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બન્ને ઉપર એકસરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહીં હોય, એ બૌદ્ધ ધર્મ નહીં હોય, એ ખ્રિસ્તી ધર્મ નહીં હોય, એ ઈસ્લામ પણ નહીં હોય; એ સર્વનો સરવાળો હશે અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહીં એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમજ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.
આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો અને જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે.
– સ્વામી વિવેકાનંદ
(‘શિકાગો વ્યાખ્યાનો’ (પાંચમું સંસ્કરણ) પૃ.૩૪, ૩૫, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)
Your Content Goes Here




