શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને કલકત્તા ડાઉનટાઉનની રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. તેમાં ભાગ લેતાં શ્રી પેસનચોકે જે વકતવ્ય આપ્યું હતું તે વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો જેમણે અભ્યાસ કર્યો છે તેવા રશિયન સાક્ષર શ્રી ઈ. પી. ચેલીશેવ અને તેમના સાથીઓ આ પરિસંવાદમાં ભાગ લેવા આવ્યા છે. તેમને અભિનંદન આપવા યોજાયેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની મને જે તક મળી છે તેનો મને આનંદ છે.

એ રહસ્ય હવે છતું થઈ ગયું છે કે, આપણે આ સદીના સૌથી મહાન નાટકીય પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ. ઠંડુ યુદ્ધ આખરે ભૂતકાળની બાબત બનતું જાય છે. અને નવા યુગનો ઉદય થઈ રહ્યો છે. જે તકની આપણે રાહ જોઈ રહ્યા હતા અને લાંબા સમયથી જેની તૈયારી કરી રહ્યા હતા તે ખૂબ જ અગત્યની તક આપણી સમક્ષ આવી છે. આ તક આપણે ગુમાવવી ન જોઈએ.

મારા અભિપ્રાય પ્રમાણે, આજે જ્યારે સમગ્ર અગત્યના માનવજાત પરિવર્તનના ઊંબરે આવી ઊભી છે ત્યારે નાનાંમોટાં બધાં રાષ્ટ્રોએ જાતિઓ અને જ્ઞાતિઓના વાડાઓ ભૂલીને નજીક આવવું જોઈએ. આ રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય સંબંધો નવા પાયા પર મૂકવા જોઈએ. અને માનવજાત સમક્ષ ઊભા થયેલા પ્રશ્નોના ઉકેલમાં લાગી જવું જોઈએ.

આપણે જડતાપૂર્વક જૂના અભિગમોને વળગી રહેવું ન જોઈએ. તેમ જ જૂના ખ્યાલો પ્રમાણે નવા પ્રશ્નોને હલ કરવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. કોઈ પણ સત્તા-મહાસત્તા પણ એકલે હાથે વિશ્વના પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકે. વાસ્તવમાં, આજના પ્રવર્તમાન સંદર્ભમાં મહાસત્તાનો પાઠ ભજવવાની મહત્ત્વાકાંક્ષા સેવવી એ અવાસ્તવિક જ નહિ, સાથોસાથ એ ભયજનક પણ છે. લશ્કરી તાકાતનું મહત્ત્વ ઘણું ઘટી ગયું છે. આજની પળે વ્યવહાર, સમજની જીત જ કાયમી હોઈ શકે. આપણે એ વાત ફરી યાદ કરીએ કે ઘણાં વર્ષો પહેલાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે, માણસે એવી જીતની મહત્ત્વાકાંક્ષા સેવવી જોઈએ કે જેમાં કોઈનો પરાજય ન હોય. વિશ્વનાં રાષ્ટ્રોએ અને લોકોએ વિશ્વવ્યાપક મૂલ્યો અને હિતોની સમતુલાના પાયા ઉપર નજીક આવવું જોઈએ. આ વિશ્વને ભય, અવિશ્વાસ, બિનજરૂરી શસ્ત્રો, જૂના રાજકીય ખ્યાલો અને લશ્કરી સિદ્ધાંતોથી મુક્ત કરવા માટે આપણે બધાએ એકમેકની નજીક આવવું જોઈએ.

હમણાં યુરોપીય અને એશિયાઈ પ્રજાના મજિયારા ઘરના ખ્યાલની ઘણી વાતો થઈ છે. જો આપણે બાંધકામ વિજ્ઞાનની પરિભાષાનો ઉપયોગ કરીએ, અને તે આ બાબતમાં યોગ્ય હોય તો આપણે કહી શકીએ કે આપણે એક એવું બહુમાળી ભવન બાંધવાનું સૂચન કરીએ છીએ કે જેમાં આંતરિક ભાતોમાં તો વિવિધતા હોય અને સાથોસાથ તેની મજિયારી દીવાલો અને મજિયારી છત માનવીય મૂલ્યો અને વ્યવહારુ સમજની સધ્ધર સામગ્રીથી બનાવેલ હોય. પણ આ બહુમાળી ભવન સહિયારા પ્રયત્નોથી જ બાંધી શકાય. આ પ્રયત્નોમાં આપણે અરસપરસનાં વિશ્વાસ અને સમજણ પર આધાર રાખવાનો છે અને શંકાઓ અને પૂર્વગ્રહોથી છુટકારો મેળવવાનો છે.

આપણે એ પાયાના તર્કમાંથી આગળ વધીએ અને સરળ સૂત્ર અપનાવીએ. સ્થિરતાના માળખામાં ગતિશીલતા આંતરરાષ્ટ્રીય સમજણ અને વિશ્વશાંતિ ઊભી કરવા માટે આપણે માર્ગદર્શક બનવું જોઈએ. નજીકના ભૂતકાળમાં બર્લિનની દીવાલનું ટકાઉપણું સ્થિરતાનો માપદંડ હતું. પણ આજે તો આ દીવાલના ટુકડા જ લોકપ્રિય સ્મરણ ચિહ્નો બની ચૂક્યા છે. આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી ભાંગફોડિયાં કૃત્યો, દબાણો, દખલગીરી અને સશસ્ત્ર આક્રમણને તિલાંજલિ દેવી છે. પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા બધા માનવસમુદાયોને આજે વાજબી પરિવર્તનની જરૂરિયાત છે.

આપ સૌને જણાવું કે, અમારો દેશ ખૂબ જ કઠિન સંક્રાન્તિના સમયમાં જીવી રહ્યો છે. અમારા માટે આજે આદેશ અને દબાણની પદ્ધતિમાંથી લોકતાંત્રિક અને માનવતાવાદી સમાજવાદ તરફ, ખૂબ જ કેન્દ્રિત અર્થતંત્રમાંથી બજારલક્ષી અને ઉત્પાદન ખર્ચ ધ્યાનમાં લેતા અર્થતંત્ર તરફ અને લગભગ એકમુખી (Unitarian) ધરાવતી રાજ પધ્ધતિમાંથી સમવાયી (Federal) રાજ્ય પધ્ધતિ તરફ જવાનો સમય છે. આ ખરેખર એક અહિંસક ક્રાંતિ છે.

રશિયાના વિકાસ વિષેનાં મંતવ્યોમાં ધરમૂળથી ફરી વિચાર કરવાની જરૂર છે, એવું રશિયાને લાગે છે અને આને કારણે રશિયાએ પૂર્વ-પશ્ચિમ સંબંધો વિષે એક નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ છે Perestroika – એટલે કે પાયાના માળખામાં ફેરફાર. આને કારણે સર્વમાન્ય માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાયું છે અને તેથી ફેરફારની પ્રક્રિયાને બળ મળશે. નવી રાજકીય વિચારસરણીનું આ હાર્દ છે.

અમે સમજીએ છીએ એ રીતે, સમાજવાદનો વિચાર એ ખૂબ જ વિશાળ અર્થમાં સૌથી પહેલાં તો સ્વતંત્રતાનો વિચાર છે. વ્યક્તિગત અને સામાજિક હિતોના એકીકરણની ખાતરી આપી આર્થિક પદ્ધતિમાંથી મુક્તિ મળે અને વ્યક્તિના સાંસ્કૃતિક પાસાનો વિકાસ થાય, એ છે. માનવીય સંબંધોમાં ઉદારતા, સમાજમાં નીતિ-રીતિનું ધોરણ, સંનિષ્ઠા અને પ્રામાણિકતા જેવા ગુણો વિકસે એ છે.

સમાજવાદનો અર્થ એ છે કે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બળપ્રયોગ અથવા બળપ્રયોગની ધમકીને ત્યજવી. દરેક માનવ સમુદાયને પોતાની રીતે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો હક છે તે હકને સમાજવાદ માન આપે છે.

મને એ વાત ભારપૂર્વક કહેવા દો કે, Perestroika – (આમૂલ પરિવર્તન) તેની સફળતા દ્વારા રશિયાની સમૃદ્ધિનું કાર્ય સરળ બનાવે છે અને સમૃદ્ધ બનતું રશિયા કે જે યુરોપીય, એશિયાઈ અને વિશ્વની સ્થિરતાની ખાતરી આપતું હોય અને જે માનવહિતલક્ષી વિશ્વવ્યવસ્થાની પતિનું અંગ હોય તે રશિયા સમગ્ર વિશ્વના હિતમાં છે.

વ્યક્તિની આંતરિક શાંતિ અને તેની બાહ્ય શાંતિ પૃથ્વી પરની શાંતિ સાથેનો સંબંધ એ વિષે માનનીય સ્વામી શ્રી લોકેશ્વરાનંદ મહારાજે જે અભિપ્રાય હમણાં જ વ્યક્ત કર્યો છે તે સાથે હું પૂરેપૂરો સંમત થાઉં છું. વિશ્વના લોકો વચ્ચે શાંતિ અને સમજૂતી સુદૃઢ બને એ બારામાં શ્રીરામકૃષ્ણ મિશન અને અંગત રીતે સ્વામી લોકેશ્વરાનંદ જે અગત્યનો ભાગ ભજવી રહ્યા છે તેની નોંધ લેતાં હું આનંદ અનુભવું છું.

આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય સમજૂતી, શાંતિ અને પ્રગતિ વધારવા માટે રોટેરિયનો દ્વારા ખૂબ જ પ્રશંસનીય પ્રવૃત્તિઓ ચાલે છે તેનું હું ખૂબ ઊંચું મૂલ્ય આંકું છું. વિશ્વના અલગ અલગ ભાગોના લોકોને નજીક લાવવામાં આવી પ્રવૃત્તિઓ ખરેખર અમૂલ્ય સેવા આપી શકે. આને પરિણામે હિંસાથી મુક્ત અને શાંત વિશ્વનો જે આપણો પ્રેમપૂર્વક જતન કરાયેલો લક્ષ્યાંક છે તે સિદ્ધ કરી શકીશું.

ભાષાંતરકાર : શ્રી સી. એમ. દવે

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.