વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
કલેવરો કાનનનાં ઘવાય છે!
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુઃખડાં;
અમી પી ન ધરાતાં ને કપૂતો રક્ત રેલતાં!
છે ૫ત્ર ને પુષ્પની પાંખડીએ
પ્રભુ તણાં પ્રેમપરાગ-પોઢણાં;
કલ્લોલતાં પંખીની આંખડીએ
ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!
પ્રકૃતિમાં રમતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?
સૌ જીવ આજે ઉરથી વહાવીએ
કારુણ્યની મંગલ પ્રેમધારા;
વસુંધરાનાં સહુ બાળકો મળી
જો બજાવીએ અંતર એકતારા.
હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,
પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,
ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
ગજાવીએ સે। જગઉંબરે ઊભી:
‘માનવી, પ્રકૃતિ, સૌને વસુધૈવ કુટુમ્બકમ્!’
ને એ જશે શબ્દ અનંત વીંધી,
જ્યાં ધૂમતી કોટિક સૂર્યમાલા,
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્
Your Content Goes Here




