સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

જૂન ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદ પશ્ચિમ તરફ બીજીવાર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ગોલકોન્ડા સ્ટીમરના તૂતક પર તેમણે જે નિરીક્ષણ કર્યું હતું, તેની ભગિની નિવેદિતાએ કરેલી નોંધ પ્રમાણે ‘હા! જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને લાગે છે કે દરેક વસ્તુ મર્દાનગીમાં રહેલી લાગે છે. આ મારું નૂતન કથામૃત છે. કોઈપણ ખરાબ વસ્તુ કરો તો તે પણ મર્દની જેમ કરો! જો જરૂર ઊભી થાય તો દુષ્ટ બનો, એ પણ મોટા પાયા પર!’1ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૪૫ તેમની વિદાય પૂર્વેનાં આ મહાન મસીહાનાં ઉચ્ચારણોનો આપણે અભ્યાસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તેમના મનમાં આ ખાસ વિચાર ઘૂમી રહ્યો હતો. મઠ ડાયરીમાં નોંધાયેલું છે, તે પ્રમાણે અને તે પછીથી, તેમના કંપ્લીટ વર્ક્સ (પૃ. ૪૪૬-૪૮)ના ત્રીજા ગ્રંથ પ્રમાણે એક લેખનું શીર્ષક છે : ‘સંન્યાસ : આદર્શ અને આચરણ’ તદ્‌નુસાર બેલુર મઠના અંતેવાસીઓ સમક્ષ સ્વામીજીએ એક આશ્ચર્યકારક વાર્તાલાપ આપ્યો હતો. આ ગાળો હતો તેમની વિદાય પહેલાંના થોડા દિવસોનો તે લેખમાં આપણે જોઈએ છીએ કે એ જ વિષય આગળ ને આગળ આવતો જાય છે : ‘બીજી વસ્તુએ યાદ રાખવાની છે કે આ સંસ્થાનું ધ્યેય છે મર્દ બનાવવાનું. તમારે માત્ર ઋષિઓના ઉપદેશોનું અધ્યયન કરવાનું નથી. તે ઋષિઓ ચાલ્યા ગયા છે, અને તેમના મતો પણ તેમની સાથે જ ચાલ્યા ગયા છે. તમારે પોતે જ ઋષિઓ બનવાનું છે. આ જગતમાં જન્મેલા હોય તેવા મહાનમાં મહાન માણસ જેવા જ માણસો તમે છો; હું એમાં આપણા અવતારોનો પણ સમાવેશ કરી લઉં છું.

માત્ર પુસ્તકિયું જ્ઞાન શું કરી શકે? ધ્યાન પણ શું કરી શકે? મંત્રો અને તંત્રો પણ શું કરી શકે? તમારે તમારા પોતાના પગ પર ઊભા રહેવાનું છે તમારી પાસે આ નવી પદ્ધતિ – માણસ બનાવવાની પદ્ધતિ હોવી જોઈએ. બળ જેટલો જ જે બળવાન હોય તે જ સાચો માણસ છે અને તે છતાં તેની પાસે સ્ત્રીનું હૃદય હોવું જોઈએ.’ આ ઉદ્‌ગારો સૂચવે છે કે સ્વામીજી મઠના સંન્યાસી સભ્યોમાં ‘મર્દાનગી’ના વિચારો પ્રેરવા માગતા હતા- આ વિચાર પ્રાચીન ઋષિઓની સમકક્ષાના છે. આનો અર્થ હરગીજ એવો નથી કે તેઓ એમ ઇચ્છતા હતા કે સાધુઓએ ધ્યાન તરફ બેદરકાર રહેવું જોઈએ કે પવિત્ર મંત્રોના અર્થ તરફ ધ્યાન ન દેવું જોઈએ વગેરે, પરંતુ તેઓ સૌથી વધુ ભાર એ વસ્તુ પર મૂકવા ઇચ્છતા હતા કે તે બધું એકમાત્ર મર્દાનગીના વિચારમાં એકરૂપ બને અને તેની પદ્ધતિ તેમના મત પ્રમાણે ‘નૂતન’ હોય આનું કારણ એ છે કે આપણા કોઈ ભૂતકાળના મસીહાએ કદાપિ એને આપણા જીવનમાં અમલમાં મૂકવાની કોશિશ કે પ્રયાસ કર્યો ન હતો. અહીં તેમણે સાચા મર્દની વ્યાખ્યા આપી છે. તેના માટે તેમનું પોતાનું વ્યક્તિત્વ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું. આ સાચા મર્દનાં સગી આંખે જોનારા કેટલાક સાક્ષીઓએ આપેલાં વર્ણનો આ લેખના અંતમાં આપણે જોઈશું.

ઉપર્યુક્ત વાર્તાલાપ જ્યારે આપવામાં આવ્યો હતો, ત્યારે શ્રી સચીન્દ્રનાથ બસુ નામના એક સજ્જન ત્યાં ઉપસ્થિત હતા. તેમણે ‘ઉદ્‌બોધન’માં કેટલાંક મહત્ત્વપૂર્ણ અવલોકનો રજૂ કર્યાં. મેરી લૂઈ બર્ક નામનાં સન્નારીએ પોતાની યાદગાર કૃતિ ‘નવાં સંશોધનો’ (New Discoveries)માં તેને ઉદ્ધત કરેલાં છે. જ્યારે લોકોએ તેમના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમની નસોમાં લાલ લોહી વહેવા માંડ્યું. શ્રી સચીન્દ્રનાથ બસુ નામના એક સજ્જન ત્યાં હાજર હતા તેમણે પછીથી સ્વામીજીના એક કાશીવાસી શિષ્યને લખ્યું હતું. તેમને સાંભળતાં દરેક માણસને એવી લાગણી થવા માંડી કે ‘હું મર્દ છું.’ સ્વામીજીએ ખૂબ કહ્યું : ‘મારા પુત્રો, તમે બધા મર્દ થાઓ. હું આ જ માનું છું! આ બારામાં તમે જરાક પણ સફળ થશો; તો મને એવી લાગણી થશે કે મારું જીવન સાર્થક થયું છે.2સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ : ન્યુ ડિસ્કવરીઝ : પ.૧૭ સ્વામીજી કઈ વસ્તુ પર ભાર મૂકવા માગતા હતા, તે નિર્દેશ અહીં મળી રહે છે સ્વામી સારદાનંદ સાથે સ્વામીજીને જે વાતચીત થયેલી તેની નોંધ પણ લેખકે એ જ પૃષ્ઠ પર કરી છે. ‘માણસને વ્યવહારકુશળ અને શારીરિક રીતે મજબૂત થવાનું શિક્ષણ આપવું જોઈએ.’ ભારતમાં કામ કરવા માટે કઈ રણનીતિ અપનાવવી જોઈએ તેના વિષે છએક સપ્તાહ પૂર્વે એક સાંધ્ય વાર્તાલાપ દરમ્યાન સ્વામીજીએ સ્વામી સારદાનંદને કહ્યું હતું : ‘દુનિયાને આવા એક ડઝન સિંહો જીતી લેશે, લાખો ઘેટાં નહીં. વૈયક્તિક આદર્શ ગમે તેટલો મહાન હોય તો પણ તેનું અનુકરણ કરવાનું શિક્ષણ માણસને ન આપવું જોઈએ.3એજન પશ્ચિમની બીજી મુલાકાત દરમ્યાન સ્વામીજીએ વેસ્ટ કોસ્ટ પર એક પ્રવચનમાળા આપેલી. સ્વામી અશોકાનંદે તે પ્રવચનોનું વર્ગીકરણ, ત્રણ શીર્ષકો નીચે કરેલું : (૧) પ્રથમ વર્ગમાં ઈસુ, બુદ્ધ, કૃષ્ણ, મહમ્મદ… એ ચાર મહાન ધર્મોપદેશકો વિષેનાં ચાર વ્યાખ્યાનો આવતાં હતાં; (૨) બીજા વર્ગમાં આધ્યાત્મિક આચરણ સાથે સંબંધ ધરાવતાં પ્રવચનો આવતાં હતાં. આમાં આવાં શીર્ષકોનો સમાવેશ થતો હતો : ‘ઔપચારિક ભક્તિ’, ‘પ્રાણાયામ’, ‘ધ્યાન’, ‘એકાગ્રતા’ વગેરે. વ્યવહારગત આધ્યાત્મિકતા વિષે તેઓ ખૂબ બોલેલા. અને પોતાના વ્યવહારગત ઉપદેશોના એક ભાગ તરીકે તેમણે મર્દાનગીબળ- ની જરૂરિયાત ઉપર ખૂબ ભાર મૂકેલો… તેમના ‘રાજયોગ’ પરનાં પ્રચવનોમાં પણ એક વિશેષ તત્ત્વ ઊપસી આવતું હતું, એ હતું માણસની સાચી જાતનું યશોગાન.

(૩) ત્રીજા પ્રકારનાં પ્રવચનો સીધી રીતે આ જ ઉપદેશ સાથે સંકળાયેલાં હતાં.4સ્વામી વિવેકાનંદ ઈન સાન્ફ્રાન્સિસ્કો : સ્વામી અશોકાનંદ, પૃ. ૩૩-૩૪ આ રીતે સ્વામીજીના મુખમાંથી દરિયાઈ સફરની શરૂઆતમાં જે કોઈ ઉદ્‌ગારો નીકળ્યા હતા એ જ સાંપ્રત કાળમાંના તેમના બધા વિચારોની ગુરુચાવીરૂપ હતા.

મર્દાનગી – તેનો સાચો ભાવાર્થ

હવે ચાલો આપણે ‘મર્દાનગી’ શબ્દનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ‘ક્લૈબ્ય’ શબ્દ આવે છે. એ શબ્દ ‘નામર્દાઈ’ (Unmanliness) નો બરાબર પર્યાય છે. અને ક્લૈબ્ય શબ્દનો બરાબર વિરોધી શબ્દ છે મર્દાનગી (manliness). જે રીતે શ્રીકૃષ્ણે અર્જુનના રોગનું નિદાન કર્યું હતું અને તેને ક્લૈબ્ય એવું નામ આપ્યું હતું અને અર્જુનને તેનો ત્યાગ કરવા કહ્યું હતું, તે જ રીતે આધુનિક યુગના પાર્થસારથિ અર્થાત્‌ સ્વામીજીએ સમગ્ર માનવજાતિને ગ્રસી ગયેલા રોગનું નિદાન કર્યું અને તેના ઉપચાર તરીકે સૂત્રાત્મક શબ્દ ‘મર્દાનગી’ આપ્યો હતો. સ્વામીજીએ પોતે લખેલા બંગાળી ગ્રંથ વર્તમાન ભારતમાં છેલ્લા પરિચ્છેદમાં તેમણે ઉપર્યુક્ત નુસખો (Prescription) ખૂબ ભારપૂર્વક, ખાસ કરીને ભારતીયો માટે, બતાવ્યો છે. એમણે પોતે એને ‘સ્વદેશમંત્ર’ એવું નામ આપ્યું છે. (આપણી માતૃભૂમિ માટેનો મંત્ર) અને પ્રત્યેક ભારતીયને શીખ આપી છે કે ‘વીરતાની માતાને તમે દિવસ અને રાત આ રીતે પ્રાર્થના કરો : મા તમે મારી નિર્બળતાને લઈ લો, મારી કાયરતા (-ક્લૈબ્ય)ને લઈ લો અને મને વીરપુરુષ (-મર્દ) બનાવો.’5મોડર્ન ઈન્ડિયા, ધ કંપ્લીટ વર્ક્સ, વો.૪, પૃ.૪૮૦

તેની આધારશિલા

મર્દાનગી (-વીરત્વ) નામક વિચારનો આધાર સ્વામીજીની ફિલસૂફી પર છે, તે ફિલસૂફી છે આપણા સાચા સ્વરૂપ-આત્મા- પર શાશ્વત શ્રદ્ધા. ૨૫મી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ સ્વામીએ મઠના ગુરુભાઈઓને લખેલા એક પત્રનાં એક ભાગ તરીકે રચેલા એક સ્તોત્ર દ્વારા આ વાત સિદ્ધ થાય છે.6ધ કંપ્લીટ વર્ક્સ, વો.૬, પૃ.૨૭૪-૭૫ અહીં તેમણે શ્રીરામકૃષ્ણ સેવકો કેવા છે તેની પરિભાષા આપી છે. અહીંયા આપણને જોવા મળે છે કે શ્રીરામકૃષ્ણના સાચા સેવકો તારાઓના રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખવાની અને સમગ્ર વિશ્વને હચમચાવી મૂકવાની શક્તિથી સજ્જ છે – તેઓ આવું બળ અને વીરતા આત્મસાત્‌ કરે છે. પરંતુ આનું રહસ્ય શું છે?

શરૂઆતમાં તેમણે પોતાના સર્વશક્તિમાન સ્વરૂપને જાગ્રત કરવાનું છે; આંતરિક શક્તિની યાદ (ત્વયિ સર્વશક્તિ:) આ બાબતમાં ખૂબ મહત્ત્વની છે. ગીતાના ૨.૩માં આવતા શબ્દસમૂહ ન એતત્‌ ત્વયિ ઉપપદ્યનું આ સમાનાર્થી છે; શબ્દશ: તેનો અર્થ છે આ (વર્તન) તારે લાયક નથી. આમ સ્વામીજી મર્દાનગીના સ્રોત તરીકે પૈસા, વિદ્વતા વગેરે ભૌતિક સંપ્રાપ્તિઓમાં માનતા ન હતા. કેમકે તેમના મતે આત્માની શક્તિ કરતાં આ બધી વસ્તુઓ ગૌણ હતી; આત્મૈવ હિ પ્રમવતૈ ન જડ: કદાચિત્‌ (એજન). આત્મા જ શક્તિમાન્‌ બની રહે છે, જડ ચીજવસ્તુ નહીં. સાથે સાથે આપણે એમ પણ માની લેવાની ભૂલ કરવા જેવી નથી કે સ્વામીજી એમ માનતા હતા કે અત્યંત દૂરના ભૂતકાળથી આત્માની પરિકલ્પના કેળવી રહેલા હિન્દુઓમાં જ ‘મર્દાનગી’ હોય છે. ઊલટાનું જગતના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કર્યા પછી તેમણે કહ્યું હતું : ‘અને વીરતા માટેનો તો યુરોપનો માણસ! દુનિયામાં બીજો કોઈ નહીં,’ અને પછી તેમણે ભારપૂર્વક ઉમેરેલું ‘માણસનું ગૌરવ શું છે તે વાત અંગ્રેજ જેટલી બીજું કોણ સમજી શકે છે?’7ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૯૬ શ્રીરામકૃષ્ણના અનુયાયીઓમાં પણ તેમણે એવું નિરીક્ષણ કર્યું હતું કે મર્દાનગીની ભાવના વિના શ્રદ્ધા કે ત્યાગ અશક્ય છે, અને તેમણે ગિરીશચંદ્ર ઘોષના ચરિત્રમાં જ આનું સુભગ સમન્વયનું દર્શન કર્યું હતું: ‘મારા વહાલા મિત્ર! જે પોતે જ વીર ન હોય તેનામાં ઈશ્વરમાં શ્રદ્ધા કે તેના પ્રત્યે સમર્પણની ભાવના જાગી શકે ખરી? જ્યાં સુધી માણસ વીર ન બને ત્યાં સુધી ધિક્કાર અને દ્વેષની ભાવના તેના હૃદયમાંથી અદૃશ્ય થઈ નહિ શકે. અને જ્યાં સુધી માનવી આમાંથી છૂટ્યો નથી ત્યાં સુધી તે ખરો સંસ્કારી કેમ બને? આ દેશમાં આવી નક્કર મર્દાનગી, આવો વીરતાનો ભાવ છે જ ક્યાં? અફસોસ! એવો ભાવ ક્યાંય દેખાતો નથી. ઘણીવાર મેં એવા દાખલા ખોળ્યા છે, પણ મને ફક્ત એક જ દાખલો – માત્ર એક જ દાખલો મળ્યો છે.. જી.સી. (બાબુ ગિરીશચંદ્ર ઘોષમાં). માત્ર જી.સી.માં મેં તે સાચું સમર્પણ જોયું છે; ઈશ્વરના દાસની સાચી ભાવના મેં તેમનામાં જ દીઠી છે. તેઓ સદાય આત્મબલિદાન માટે તૈયાર હતા. તેથી જ શું શ્રીરામકૃષ્ણે તેમની સઘળી જવાબદારી પોતા ઉપર નહોતી લીધી? ઈશ્વર તરફ સમર્પણનો કેવો અદ્‌ભુત ભાવ! મેં હજુ તેનો જોયો જોયો નથી. આત્મસમર્પણનો ભાવ હું તેમની પાસેથી શીખ્યું છું.’ 8સ્વા.વિ.ગ્રં.મા., ભા.૧૧, પૃ.૧૨૭-૨૮

‘સર્વસ્વ’ શબ્દનું મહત્ત્વ

અત્યારે આપણે જે વાક્યની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આવતા ‘સર્વસ્વ’ શબ્દનો મર્મ મહત્ત્વપૂર્ણ છે. એનો અર્થ એ થાય છે કે જ્યાં જ્યાં વીરતા હોય છે, ત્યાં ત્યાં જે કંઈ સારું અને ફાયદાકારક હોય તે ચોક્કસ મળી રહેવાનું છે. અને એના અભાવમાં કશું જ સારું અને ઉમદા કહી શકાય તેવું શકય નથી. માણસના ચારિત્ર્યમાં આ મર્દાનગીની ખામીને લીધે જે ભીષણ પરિણામો આવે છે તેની પાછળનો તર્ક સ્વામીજીનાં અન્ય લખાણો પરથી આપણને મળી રહે છે. તેમણે બતાવ્યું છે : ‘આ દુનિયામાં સર્વ દુ:ખોનું કારણ નબળાઈ છે; દુ:ખનું એક માત્ર કારણ નબળાઈ છે. આપણે દુ:ખી થઈએ છીએ તેનું કારણ એ છે કે, આપણે નબળા છીએ. આપણે ખોટું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ જ, અને બીજા પણ ગુના કરીએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે મૃત્યુને અધીન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. જ્યાં સુધી આપણને દુર્બળ બનાવે એવુ કંઈ જ ન હોય ત્યાં મૃત્યુ કે શોક હોય જ નહિ. આપણે ભ્રમને લીધી દુ:ખી છીએ. ભ્રમને છોડી દો એટલે આખી વસ્તુ અદૃશ્ય થઈ જશે.’9સ્વા.વિ.ગ્રં.મા., ભા.૭, પૃ.૨૦૨ આમ આપણે જોઈએ છીએકે અર્જુન જેવો મહાન લડવૈયો અને એકાગ્રતા તથા સમતુલા જેવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતો માણસ હૃદયની દુર્બળતા (હૃદયદૌર્બલ્ય)નો શિકાર બની ગયો હતો. અને અગડંબગડં બોલવા લાગ્યો હતો. આથી ભગવાન કૃષ્ણે તેને કાયર અને દંભી કહ્યો હતો. આનાથી જુદા પ્રકારનું ઉદાહરણ પણ મોજૂદછે. અર્થાત્‌ સાચા અર્થમાં વીરતા પ્રકટ થાય છે તેનું પરિણામ શું આવે છે, તેનો દાખલો આપણે કનૈયાલાલ દત્તનો આપી શકીએ. તેઓ સ્વાતંત્ર્ય પૂર્વેના બંગાળના અગ્રણી સ્વાતંત્ર્ય સૈનિક હતા. નરેન ગોસાંઈ નામના દેશદ્રોહીનું ખૂન કરવા માટે તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. જેલમાં તેમનું વજન ૧૬ પાઉન્ડ વધી ગયું હતું. આ જુવાનિયાના રૂંવે રૂંવે વીરતાનો અને ચિરાગ જલી રહ્યો હતો. કદાચ તત્કાલીન ભારતમાં આ અભયનો ઘટના અપૂર્વ હતી. તેઓ હંમેશાં પોતાની સાથે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને સ્વામીજીનો ગ્રંથ કર્મયોગ રાખતા હતા.10ઉદ્‌બોધન , ભાદ્ર, ૧૩૯૩ (બંગાબ્દ) શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ઓ બિપ્લવી કનઈલાલ દત્ત

મર્દાનગીના સર્વશ્રેષ્ઠ ઉદાહરણરૂપ સ્વામીજી – પોતે – તેમના ઘણા બધા સાક્ષીઓ સમકાલીનોમાંથી બેએક આને માટે સાબિતી પૂરી પાડી છે. જોસેફાઈન મેકલીયાડનાં સંસ્મરણોમાંથી પ્રથમ ઉપલબ્ધ થાય છે : ‘એ વખતે શ્રી લેગેટના એક કર્મચારી હતા. તેઓ સ્વામીજીને હંમેશાં ‘મોન પ્રિન્સ! (સંન્યાસી રાજકુમાર) કહેતા’ અને સ્વામીજી તેને કહેતા : ‘પરંતુ હું રાજકુમાર નથી, હું તો હિંદુ સંન્યાસી છું.’ પેલા કર્મચારી જવાબ દેતા : ‘તમે તમારી જાતને ભલે સંન્યાસી કહેતા હો, પરંતુ હું રાજકુમારો સાથે વ્યવહાર કરવા ટેવાયેલો છું. હું એને જોતાંવેંત જ પારખી જઉં છું.’

એમનું ભવ્ય વ્યક્તિત્વ સૌ કોઈ પર પ્રભાવ પાડતું. એક વખત જ્યારે કોઈકે સ્વામીજીને કહ્યું : ‘તમે ગૌરવવાન પ્રભાવી સંન્યાસી છો.’ સ્વામીજીએ તેના જવાબમાં કહ્યું : ‘એ હું નથી. એ તો છે મારી પ્રભાવક ચાલ.’11ધ લાઈફ ઓફ જોસેફાઈન મેકલાઉડ, લે. પ્ર. પ્રબુદ્ધપ્રાણા, પૃ. ૧૮ બીજા પ્રત્યક્ષ સાક્ષી છે સ્વામી અતુલાનંદ. તેઓ ગુરુદાસ મહારાજના નામે જાણીતા છે. એમણે સ્વામીજીની પ્રથમ છાપને ઘણા સ્મરણીય શબ્દોમાં વર્ણવી છે : ‘મેં એમની ભવ્ય અને તેજસ્વી આંખો, એમની સુંદર દેહયષ્ટિ અને પ્રભાવક દેખાવ નિહાળ્યાં. એમનાં આ પ્રભાવક લક્ષણો કોઈપણ સંજોગોમાં એમને ગુપ્ત ન રાખી શકે.’ પરંતુ જ્યારે મેં થોડી મિનિટ સુધી એમને કેટલાક લોકોથી વીંટળાયેલા અને વ્યાસપીઠ પર ઊભેલા નિહાળ્યા ત્યારે મારા મનમાં આ શબ્દો ઝબકી ઊઠ્યા : ‘કેવા ભવ્ય પુરુષ, કેવું સામર્થ્ય, કેટલી વીરતા અને કેવું અદ્‌ભુત વ્યક્તિત્વ! એમની સરખામણીએ એમની આસપાસ ઊભેલા સૌ કોઈ અતિ સામાન્ય માનવ લાગતા હતા.’ મારા માટે આ બધું ભયચકિત બનાવી દેનારું હતું. એવું તો શું હતું કે જેથી સ્વામીજીને આ વિલક્ષણતા મળી હતી? શું તે એની ઊંચાઈ હતી? ના, એ નહીં. ત્યાં એમનાથી વધુ ઊંચાઈવાળા સદ્‌ગૃહસ્થો હતા. તો શું એમની એ દેહયષ્ટિ હતી? ના, એ પણ નહીં. ત્યાં અમેરિકન પુરુષ માનવની સુંદર પ્રતિકૃતિ સમા કેટલાય અમેરિકનો હતા. શું એ એમની પવિત્રતા હતી? તે શું હતું? હું તેનું વિશ્લેષણ ન કરી શકયો. ‘પુરુષોમાં સિંહ’ એવી ભગવાન બુદ્ધ વિશેની ઉક્તિ મને યાદ આવી ગઈ. મને લાગ્યું કે સ્વામીજીમાં એવી અસિમ શક્તિ હતી કે જેથી તેઓ ઇચ્છા કરે તો સ્વર્ગ અને ધરતીને પણ હલાવી શકે. આવી હતી મારી એમના માટેની અત્યંત પ્રબળ અને અમીટ છાપ.’12વીથ સ્વામીઝ ઈન અમેરિકા એન્ડ ઈન્ડિયા : સ્વામી અતુલાનંદ, પૃ. ૫૯-૬૦.

  • 1
    ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૪૫
  • 2
    સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ : ન્યુ ડિસ્કવરીઝ : પ.૧૭
  • 3
    એજન
  • 4
    સ્વામી વિવેકાનંદ ઈન સાન્ફ્રાન્સિસ્કો : સ્વામી અશોકાનંદ, પૃ. ૩૩-૩૪
  • 5
    મોડર્ન ઈન્ડિયા, ધ કંપ્લીટ વર્ક્સ, વો.૪, પૃ.૪૮૦
  • 6
    ધ કંપ્લીટ વર્ક્સ, વો.૬, પૃ.૨૭૪-૭૫
  • 7
    ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૯૬
  • 8
    સ્વા.વિ.ગ્રં.મા., ભા.૧૧, પૃ.૧૨૭-૨૮
  • 9
    સ્વા.વિ.ગ્રં.મા., ભા.૭, પૃ.૨૦૨
  • 10
    ઉદ્‌બોધન , ભાદ્ર, ૧૩૯૩ (બંગાબ્દ) શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ઓ બિપ્લવી કનઈલાલ દત્ત
  • 11
    ધ લાઈફ ઓફ જોસેફાઈન મેકલાઉડ, લે. પ્ર. પ્રબુદ્ધપ્રાણા, પૃ. ૧૮
  • 12
    વીથ સ્વામીઝ ઈન અમેરિકા એન્ડ ઈન્ડિયા : સ્વામી અતુલાનંદ, પૃ. ૫૯-૬૦.
Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૪૫
  • 2
    સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ : ન્યુ ડિસ્કવરીઝ : પ.૧૭
  • 3
    એજન
  • 4
    સ્વામી વિવેકાનંદ ઈન સાન્ફ્રાન્સિસ્કો : સ્વામી અશોકાનંદ, પૃ. ૩૩-૩૪
  • 5
    મોડર્ન ઈન્ડિયા, ધ કંપ્લીટ વર્ક્સ, વો.૪, પૃ.૪૮૦
  • 6
    ધ કંપ્લીટ વર્ક્સ, વો.૬, પૃ.૨૭૪-૭૫
  • 7
    ધ માસ્ટર એઝ આઈ સો હીમ : ભગિની નિવેદિતા, પૃ. ૧૯૬
  • 8
    સ્વા.વિ.ગ્રં.મા., ભા.૧૧, પૃ.૧૨૭-૨૮
  • 9
    સ્વા.વિ.ગ્રં.મા., ભા.૭, પૃ.૨૦૨
  • 10
    ઉદ્‌બોધન , ભાદ્ર, ૧૩૯૩ (બંગાબ્દ) શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ઓ બિપ્લવી કનઈલાલ દત્ત
  • 11
    ધ લાઈફ ઓફ જોસેફાઈન મેકલાઉડ, લે. પ્ર. પ્રબુદ્ધપ્રાણા, પૃ. ૧૮
  • 12
    વીથ સ્વામીઝ ઈન અમેરિકા એન્ડ ઈન્ડિયા : સ્વામી અતુલાનંદ, પૃ. ૫૯-૬૦.