ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી ક્રોધથી પ્રજ્વલિત થઈ ઊઠયો. મંદિરના ખંડેરોએ સ્વામીજીની ઊંઘ હરામ કરી દીધી. હિંદુ મંદિરો ઉપર આક્રમણ કરી તેને ભાંગનાર આતતાયીઓ જીવતા જ કેમ રહી શકે? મંદિરોનો પુનરુદ્ધાર કેમ શક્ય ન બને? અને એમના મુખમાંથી આગ ઝરતા શબ્દો સરી પડ્યા, “આક્રમણ વખતે હું જો હાજર હોત તો, મંદિરના રક્ષણ માટે લોહીના છેલ્લા બુંદ સુધી લડી મૃત્યુને વધાવી લેત.”
આ શબ્દો, એ યુવાન સંન્યાસીના છે જેમના ગુરુએ સર્વધર્મોની સાધના કરી ‘ઈશ્વર એક છે’ એવું પ્રતિપાદિત કર્યું હતું; આ એ જ સંન્યાસી છે, જેમણે દેશ-વિદેશમાં સર્વ ધર્મોની એકતાની વાત કરેલી, આ એ જ સંન્યાસી છે જેમણે ક્યારેય સાંકડી રાષ્ટ્રીયતાની કે સાંકડા રાષ્ટ્રવાદની પણ વાત નથી કરી. આ તો એ સંન્યાસી છે જેમણે મુસ્લિમ નાવિકની દીકરીમાં ભવાનીનાં દર્શન કરેલાં અને એની પૂજા કરી હતી. આ એ સંન્યાસી છે કે, જેમણે મુસ્લિમ રસોયાનો પણ આગ્રહ રાખેલો અને છતાં ‘ક્ષીરભવાની’ માતાના નષ્ટ મંદિરને જોઈ એ જ સંન્યાસી અગ્નિદેવતા બની ગયો.
કાળજાં કંપાવતી ઠંડીના ચાર માસ પૂરા થાય અને યાત્રાળુઓનો ધસારો ‘ક્ષીરભવાની’ માતાના દર્શનાર્થે રવાના થાય. પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે અને વાતાવરણમાં નવજીવનનો સંચાર શરૂ થાય. ભવાની માતા ફરી જાગૃત થાય અને પોતાનાં સંતાનોને કૃપા વરસાવી નવરાવી દે. પક્ષીઓના કલરવ, ઝરણાના નાદ અને વૃક્ષોનાં ગાનથી લોકો પણ ઉત્સાહિત બની આનંદવિભોર બને. ચૈતન્યનો લીલા વિલાસ ચારે બાજુ જોવા મળે.
ક્ષીરભવાની માતાના મંદિર સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. પણ એમાં મુખ્ય કથા રાવણની છે. કહેવાય છે કે, રાવણ ‘ક્ષીરભવાની’નો ભક્ત હતો. તે જ્યારે હિમાલયમાં તપશ્ચર્યા કરવા આવ્યો ત્યારે ‘ક્ષીરભવાની’ની પણ આરાધના કરેલી. પછી વરસો બાદ તેણે સીતામૈયાનું અપહરણ કર્યું, ત્યાર બાદ ‘ક્ષીરભવાની’ માતા રાવણથી વિમુખ થઈ ગયાં. ભવાની માતાની મૂર્તિને ક્ષીર-ખીર જ ધરવામાં આવતી હોવાથી ‘ક્ષીરભવાની’ માતા કહેવાય છે. મંદિરની પાસે વહેતી નદીનાં નીર અનેક રંગો ધારણ કરે છે એની પણ લોકવાયકા પ્રચલિત ખરી. પણ કાકાસાહેબ કાલેલકર પોતાની સંશોધક દૃષ્ટિએ શું નિહાળે છે તે પણ જોઈએ: “કુદરતી શોભા નિહાળતો સાંજ પડ્યે અમે ક્ષીરભવાની પહોંચી ગયા. ‘ક્ષીરભવાની’ એ એક નાનકડો કુંડ છે, અથવા એને તીર્થ કહો. એ કુંડ એ જ દેવી ક્ષીરભવાની. ત્યાં જુદી મૂર્તિ નથી. કાશ્મીરી બ્રાહ્મણો શિવમહિમ્ન સ્તોત્રના અને દુર્ગાસપ્તશતીના રાગડા તાણીને પાઠ કરતા હતા. ‘ક્ષીરભવાની’ના પાણીના રંગો વખતોવખત બદલાય છે એમ અમે સાંભળ્યું હતું. એ ચમત્કાર વિષે બધા જ ખાતરી આપતા હતા. પણ અમે ગયા એ જ અરસામાં કલિયુગ બેઠો હોવાથી તીર્થસ્થાનનું એ સત અમે જોવા પામ્યા નહિ.”
બસ આ જ જગ્યાએ ઈ. સ. ૧૮૯૮ માં સ્વામીજી દાલ સરોવર માર્ગે યાત્રાએ આવ્યા. મંદિરની બિસ્માર હાલત જોઈ એમનો ગુસ્સો હાથ ન રહ્યો. મંદિરના અવશેષોની આવી ખરાબ સ્થિતિ! “હું પ્રાણ પાથરીને પણ ‘ક્ષીરભવાની’ માતાનો જીર્ણોદ્ધાર કર્યે જ રહીશ.” એવી પ્રતિજ્ઞા લઈ સ્વામીજી જળ મૂકવા જાય છે ત્યાં તો દિશાઓને ભરી દેતો ખૂબ જ સ્પષ્ટ છતાં વિશિષ્ટ દિવ્ય ધ્વનિ સ્વામીજીને કાને પડ્યો, “અશ્રદ્ધાળુ આતતાયીઓ હુમલા કરી મારી મૂર્તિને ખંડિત કરે તો પણ શું થયું? તું મારું રક્ષણ કરે છે કે, હું તારું રક્ષણ કરું છું?” આ દિવ્ય નાદ સાક્ષાત્ ભવાની માતાનો જ હતો એની સ્વામીજીને ખાતરી થઈ ગઈ. આ દેશ પ્રેમી સાધુનો દેશ-જાતિ માટેની માયાનો સૂક્ષ્મ પડદો પણ ચીરાઈ ગયો. જગદંબાએ જ્ઞાનાંજન શલાકાથી માયાનો પડદો દૂર કર્યો. અને હવે રહ્યા માત્ર વિશુદ્ધ, વિબુદ્ધ સ્વામી નાના બાળક જેવા નિર્દોષ, નિખાલસ. ભવાની માતાના આ અનુભવ પછી સ્વામીજી બોલી ઊઠયા, “મારામાંથી દેશપ્રેમની રહીસહી ભાવના પણ લુપ્ત થઈ છે. હું તો હવે માત્ર માનું નાનું બાળક જ છું. મા બેસાડશે ત્યાં બેસીશ. મા કરાવશે તે કરીશ. મા જ સર્વસ્વ, માનું શરણ જ સર્વસ્વ.”
સતત સાત દિવસ સ્વામીજીએ મામય વાતાવરણમાં પૂજા, પાઠ, જપ અને ધ્યાનમાં ગાળ્યા. મંદિરના પૂજારીની કુંવારી દીકરીમાં સાક્ષાત્ ઉમાનાં દર્શન કર્યાં અને ઉમા સ્વરૂપે એની પણ પૂજા કરી. માનવજાતના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે, વિવેકાનંદ નામના નિત્ય મુક્ત દેહધારી સંન્યાસીએ ક્ષીરભવાની મંદિરમાં ખૂબ જ આકરી તપશ્ચર્યા કરી. માયાનો સૂક્ષ્મતમ અંશ પણ વિલીન થઈ જવો જોઈએ એવા દૃઢ નિર્ધાર સાથે સ્વામીજીએ પોતાની જાતને બાહ્ય જગતથી થોડા સમય માટે તદન અલગ કરી દીધી.
આમને આમ થોડો સમય પસાર થયો. ફરી આ વીર સંન્યાસીમાં બેઠેલો યોદ્ધો સળવળવા લાગ્યો. ફરી એ જ મંદિરના અવશેષો, ફરી એ જ ખંડેરો, ફરી એ જ ધરાશાયી દીવાલો, ફરી એ જ ખંડિત મૂર્તિ – બધું સ્વામીજીની નજર સમક્ષ દેખાવા લાગ્યું. ફરી નરશાર્દૂલ ગર્જના કરતો બેઠો થઈ ગયો. કોઈ પણ હિસાબે ને જોખમે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો જ જોઈએ. ‘મા’ના મંદિરની અવદશા જોઈ જેનું ખૂન ગરમ નથી થતું એને જીવવાનો અધિકાર નથી.” સ્વામીજીની આ ગર્જનાને ફરી શાંત કરતો માનો અવાજ કરી સ્વામીજીને કાને અથડાયો: “બેટા, જો હું ધારું તો કાચી સેકંડમાં અગણિત સંખ્યામાં મંદિરો ઊભાં કરી શકું, અદ્ભુત આશ્રમો શરૂ કરી શકું. એટલું જ નહિ આ જ જગ્યા ઉપર સાત માળનું સોનાનું મંદિર પણ બનાવી શકું. ઈશ્વરની ઇચ્છાની વિરુદ્ધ કોઈ કશું જ કરી શકતું નથી. સંચાલકબળ હું જ છું. જીવ-જગત માત્ર મારી ઇચ્છાને જ આધીન છે. જિંદગીનું ખરું રહસ્ય જ મારી ઇચ્છામાં સૌની ઇચ્છા મેળવી દેવી એ જ છે.”
દિશાઓને ગજાવી મૂકતો સ્વામીજીનો સિંહ-સમો નાદ ‘મા’ના વચનો સાંભળી ફરી શાંત થયો. જ્યારે સ્વામીજી શિષ્યો પાસે પાછા ફર્યા ત્યારે શિષ્યોએ એમનામાં સંપૂર્ણ પરિવર્તન જોયું. “He looked like transfigured, inspired and all radiant.” સ્વામીજી બોલી ઊઠ્યા, “હવે હરિ ઓમ સિવાય કશું જ નહિ. માના નામ સિવાય કશું જ નહિ. રાષ્ટ્રભક્તિની મારી ધૂન પણ પરમમાં વિલીન થઈ ગઈ છે.”
કાશ્મીરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના, સ્ત્રીઓનો ઉદ્ધાર, દરિદ્રનારાયણની સેવા, દેશને ગુલામીમાંથી મુક્તિ આ બધા વિચારોનાં મોજાં પરમશાંતિના શાંત સમુદ્રમાં વિલીન થઈ ગયાં. સમુદ્રના તોફાન કે વાવાઝોડા જેવો આ સંન્યાસી પરમશાંતિમાં ડૂબી ગયો. સિસ્ટર નિવેદિતા પાસે પોતાની ધીર, ગંભીર વાણીમાં સ્વામીજી બોલી ઊઠયા, “વિવેકાનંદ મરી પરવાર્યો છે.” દુ:ખના દાવાનળમાં જ પરમ શાંતિ અનુભવાય છે. આવી જ કોઈ માનસિક પરિસ્થિતિમાં ક્રાઈસ્ટ શૂળીએ ચઢેલા. ૧૮૯૪માં અમેરિકાએ આ વાવાઝોડાં જેવા સંન્યાસીના પુણ્ય પ્રકોપના ડગલે ને પગલે દર્શન કરેલાં. ૧૮૯૮માં એ ભડવીર પયગંબરે યોદ્ધાનો સ્વાંગ ત્યજી દીધો અને શાંત બાળક જેવા બની ‘મા’ની ગોદમાં આરામથી પોઢી ગયા. હવે માતાની ગોદની હૂંફ સિવાય તેઓ કશું જ ઇચ્છતા નહોતા. તબિયતને કારણે ફરી એકવાર પરદેશ જવાનું ગુરુભાઈઓનું સૂચન સ્વીકાર્યું. પણ કોઈ આયોજન વિના. ‘મા’ની ઇચ્છા મુજબ જ વર્તવાનું નક્કી કર્યું. મંદિરમાં જઈને ઠાકુરને પ્રાર્થના કરી અને ‘મૃત્યુ માટેનો પ્રેમ’ વિશે બોલતાં તેમણે કહ્યું, “સંન્યાસીએ મૃત્યુને પ્રેમ કરવો જોઈએ. તો શું સંન્યાસી આપઘાત કરશે? આવા વિચારથી તો સંન્યાસી દૂર જ રહેશે. મૃત્યુ માટેનો પ્રેમ એટલે ઉચ્ચ આદર્શ માટે સંન્યાસીએ જીવન ખરચી નાખવું જોઈએ. મરી ફીટવું જોઈએ.”
સ્વામીજીનો છેલ્લો પત્ર એમના બીજા બધા પત્રોથી કંઈક જુદો છે. માર્ગદર્શક અને ગુરુ તરીકેનો સૂક્ષ્મ પડદો હવે ચીરાઈ ગયો હતો. એમની નિખાલસ વાણી એમની આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થાની આપણને ઝાંખી કરાવે છે.
“મારાં કાર્ય પછવાડે એક મહાત્વાકાંક્ષા રહેલી, મારા પ્રેમ પાછળ પ્રતિભા કામ કરતી હતી, મારી પવિત્રતાની ઓથે છૂપો ભય રહેલો હતો, મારાં માર્ગદર્શન પાછળ સત્તાની ભૂખ સમાયેલી હતી. હવે બધું જ અદૃશ્ય થઈ રહ્યું છે. મા, તારી ગોદમાં તારી હૂંફ મેળવવા હું આવી રહ્યો છું. હવે હું માત્ર દૃષ્ટા (spectator) જ છું અભિનેતા (actor) નહિ. મા તારી જય હો!
‘ભવાન્યષ્ટકમ્’ નામના સ્તોત્રમાં, ‘ગતિસ્ત્વમ્ ગતિસ્ત્વમ્ ત્વમેકા ભવાનિ,’ દરેક શ્લોકને અંતે ગાવામાં આવે છે. હે ભવાની માતા, અમારી ગતિ તારા ચરણોમાં હજો. આ ‘અષ્ટકમ્’ના છેલ્લા શ્લોકમાં – ‘હું અનાથ છું, દરિદ્ર છું, જરા, રોગથી ઘેરાયેલો છું, ક્ષીણ બની ગયો છું, હું દીન છું, મારી વાણી ચાલી ગઈ છે અને મહાન આફતમાં ઘેરાયેલો છું. પરંતુ હે મા, મારી ગતિ તારા ચરણોમાં છે.” આ જાતની કોઈ આર્ત ભક્તની પ્રાર્થના જેવી પ્રાર્થના સ્વામીજીએ નથી કરી. એ તો સિંહ બાળ હતા અને સિંહણની ગોદમાં સમાવા તત્પર હતા. પૂર્ણત્વ, પૂર્ણત્વને મળવા ઝંખતું હતું. આંશિક અલગતા પણ નહિ પરમમાં પૂર્ણપણે વિલીન થઈ જવા તેઓ તત્પર હતા. મૃત્યુ સ્વામીને મારી શકે નહિ, મૃત્યુને માટે તે જ ખરો સ્વામી.
અને સ્વામીજીને દેખાય છે એમના ગુરુ. બે હાથ ફેલાવી ઊભેલા! મર્માળુ હસતા, આંખોમાંથી પ્રેમ વરસાવતા, મીઠા સાદે બોલતા, “નરેન! યાદ છે એ દિવસો? નિર્વિકલ્પ સમાધિ મેળવવા તું કેવા ધમપછાડા કરતો હતો! પણ ‘મા’એ તારા શીરે આ જગતની કેટલી મોટી જવાબદારી સોંપેલી! ધર્મના નામે ચાલતાં ધતિંગોને દૂર કરવા, ગુફાઓમાં ભરાઈને બેઠેલા સંન્યાસીઓને સમાજાભિમુખ કરવા, દરિદ્રનારાયણની સેવા કરવા અને જગતને આધ્યાત્મિક નેતાગીરી પૂરી પાડવા એ તારું અવતારકૃત્ય હતું. કર્મઠતા પછીનું દ્વાર જ નૈષ્કર્મ્યનું છે. બસ તારું અવતાર કૃત્ય હવે પૂરું થયું છે. તને સત્કારવા, પ્રેમથી ભેટવા હું ઉત્સુક છું. નરેન! આવ, જલદી આવ. નરેનના મુખમાંથી ‘મા કાલી’નું સ્તુતિગાન સરી પડ્યું…
“વીજળીના ઝબકાર બતાવે, મૃત્યુ
ભીષણ હજાર મોઢે ઓકતું
કાળાં દુ:ખ દાવાનલ; આનંદ
કેફે નાચે પાગલ!
આવ હે માતા આવ કરાળી! મૃત્યુ તારા શ્વાસે ફૂંકાય;
પદાઘાતે સૃષ્ટિ લોપાય. આવ
હે કાલી! પ્રલય કાલી!
દુ:ખને વરે, મોતને ભેટે.
નાચે સર્વનાશની સાથે
તેને મળતી માતા જાતે.”
સંદર્ભ માહિતી:
Editorials : Prabauddha Bharata
રખડવાનો આનંદ: કાકા સાહેબ કાલેલકર
Your Content Goes Here




